કેન્વાસ: દેશના મુખ્ય સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવાહથી અલિપ્ત રહી જવા છતાં…

-અભિમન્યુ મોદી
બહુચર્ચિત પુસ્તક ચન્દ્રભાગા' અને
બિબાસિની’
આપણે ત્યાં એવું થાય છે કે ભારતના અમુક ભાગ કે અમુક રાજ્યોને સાંસ્કૃતિક રીતે કે મેન સ્ટ્રીમ-મુખ્ય પ્રવાહમાં પણ અવગણવામાં આવે છે. ભારત એટલે ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, સાઉથ ઇન્ડિયા કે પંજાબ જ નહિ. એ સિવાય પણ વિશાળ પ્રદેશ ભારતનો એક ભાગ છે, જેમ કે ઓરિસ્સા.
આ ઓરિસ્સા વિશે આપણે કેટલું જાણીએ છીએ? બંગાળ અને આંધ્રની કળા -સંસ્કૃતિ વિશે જેટલું જાણીએ છીએ એટલું ઓરિસ્સા વિશે જાણીએ છીએ ખરા? કેમ ઓરિયા ભાષા કે ત્યાંની સંસ્કૃતિ સાથે આપણે ખાસ કઈ લેવાદેવા નથી? ઓરિસ્સા ફરવા પણ કેટલા ગુજરાતીઓ જાય છે? ઓરિસ્સા યાત્રા કરવા જઈએ તે અલગ વાત છે. ઉડિયા ભાષા પણ આપણા કાને પણ બહુ ઓછી પડે છે.
બીજી બાજુ જુવો તો ઉડિયા સાહિત્યનું પણ ભારતીય સાહિત્ય અને વર્તમાન સાહિત્યમાં ખાસ્સું યોગદાન છે. સુમન્યુ સતપથી નામના એક લેખક કમ સંશોધક છે. એમનું તાજું પુસ્તક આધુનિક ઓડિયા સાહિત્યની શરૂઆતની વાત કરે છે. તેમના પુસ્તકના પ્રકરણોમાં ઓરિસ્સા માટે એક અનોખી સાહિત્યિક ઓળખ ઊભી કરવા માટે જૂની પરંપરાઓને નવા વિચારો સાથે મિશ્રિત કરવામાં આવી છે અને ઉડિયા સંસ્કૃતિને સરસ રીતે રજૂ કરવામાં આવી છે.
19મી સદીમાં ઓરિસ્સામાં સાહિત્યિક જાગૃતિ જોવા મળી. આ સમયગાળા દરમિયાન ઉડિયા ભાષામાં લખાતા સાહિત્યમાં થોડાક રચનાત્મક કામો થયાં, જેમ કે, ચંદ્રભાગા', રાધાનાથ રે દ્વારા રચિત એક ધર્મનિરપેક્ષ કવિતા લોકજીભે ચડી. તેના પછી આવી
બિબાસિની’, જે રામાશંકર રે દ્વારા આલેખાયેલી એક ઐતિહાસિક નવલકથા છે. `છા મન આઠ ગુંઠા’, ફકીર મોહન સેનાપતિ દ્વારા લખાયેલ એક સામાજિક વાસ્તવિક નવલકથા બધા વર્ગોએ વાંચી. આ સાહિત્યએ સમકાલીન મુદ્દાઓને સંબોધીને અને નવા વિષયોમાં ખેડાણ કરીને ઉડિયા સાહિત્યને નવી દિશા -આકાર આપ્યો.
પ્રખ્યાત બ્રિટિશ વિવેચક રેમન્ડ વિલિયમ્સે એક વાર કહ્યું હતું કે, અંગ્રેજી સાહિત્ય 600 વર્ષ જૂનું છે, પણ અંગ્રેજી સાક્ષરતા ફક્ત 200 વર્ષ જૂની છે...આ વાતને બીજા શબ્દોમાં કહીએ તો એનો અર્થ એ થયો કે શિષ્ટ સાહિત્ય સામાન્ય લોકો દ્વારા વાંચવામાં અને પ્રશંસા કરવામાં આવે તે પહેલાં ઘણા સમય પહેલા અસ્તિત્વમાં હતું. ઇંગ્લેન્ડમાં 19મી સદી પછી જ સામાન્ય લોકો સુધી શિક્ષણ અને સાહિત્યિક કૃતિઓ પહોંચી શક્યા. આવું જ ઓરિસ્સાનું છે. ઓરિસ્સાના આધુનિક સાહિત્યનો વિકાસ સાક્ષરતા, અખબારો અને જાહેર ચર્ચાના ઉદય સાથે થયો. 1866માં મુખ્ય સીમાચિહ્નરૂપ ગણાય એવા પ્રથમ ઉડિયા સાપ્તાહિક અખબાર
ઉત્કલ દીપિકા’ નો પ્રારંભ થયો.
બ્રિટિશ શાસન દરમિયાન, ઓરિસ્સાના વહીવટને વસાહતી શાસકોની સુવિધા માટે વિભાજિત કરવામાં આવ્યો હતો. ઓડિયા ભદ્ર વર્ગને બંગાળી, તેલુગુ અને હિન્દી પ્રભાવ સામે પોતાની ભાષાના અસ્તિત્વ માટે લડવું પડ્યું. આ સંઘર્ષમાં સાહિત્ય એક મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું. એ વખતના સ્થાનિક લેખકોએ ભાર મૂક્યો કે આધુનિકતા અને ઉડિયાની ઓળખ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ.
આ ચળવળના અગ્રણી વ્યક્તિઓમાંના એક ફકીર મોહન સેનાપતિ હતા. એમણે શિક્ષણના માધ્યમ તરીકે ઓડિયા ભાષાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમના પ્રયાસોને કારણે, બંગાળી પાઠ્યપુસ્તકોની જગ્યાએ ઉડિયા પાઠ્યપુસ્તકો પ્રકાશિત થવા લાગ્યાં. એમની છેલ્લી નવલકથા `પ્રયાસચિત્ત’ અન્ય ભાષાઓ કરતાં ઉડિયામાં બૌદ્ધિક ચર્ચાની ભારપૂર્વક હિમાયત કરતી હતી.
બંગાળથી વિપરીત, ઓરિસ્સાના સાહિત્યે ઘણીવાર તેની ભાષા અને સંસ્કૃતિના પતન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ કંદના' (વિલાપ) લેખન શૈલીમાં પ્રતિબિંબિત થયું. દરમિયાન, હિન્દી સાહિત્યમાં આધુનિકતાવાદે
પ્રગતિવાદ’ અને `પ્રયોગવાદ’ જેવી અનેક સાહિત્યિક ચળવળોને જન્મ આપ્યો.
આધુનિક' શબ્દ 1845 ની આસપાસ ઉડિયા ભાષામાં આવ્યો, જેણે
નૂતન’ (નવું) અને `સંપ્રતિક’ (સમકાલીન) જેવા જૂના શબ્દોને બદલે તેનો ઉપયોગ કર્યો. ઉડિયા સાહિત્યમાં આધુનિકતાની શરૂઆત હતી, જેમાં પરંપરાગત વાર્તા કહેવાને વૈજ્ઞાનિક વિચારસરણી અને વાસ્તવિકતા જેવા યુરોપીય પ્રભાવો સાથે જોડવામાં આવ્યું હતું. આ સમયગાળામાં નવા સાહિત્યિક સ્વરૂપોનો ઉદભવ થયો, જેમાં ઐતિહાસિક નવલકથા, સામાજિક વાર્તાઓ, બાબાજી જેવા સુધારાવાદી નાટકો, કાંચી કાવેરી જેવા પિરિયોડિક ડ્રામા, રાધાનાથ રે અને ગંગાધર મેહરના પ્રવાસ વર્ણનો અને ધર્મનિરપેક્ષ કવિતાઓ ઇત્યાદિ ઉડિયા સાહિત્યને સમૃદ્ધ બનાવતા ગયા.
આધુનિકતાનો પ્રભાવ ફક્ત સાહિત્ય પૂરતો મર્યાદિત નહોતો. આનાથી રોજિંદા જીવન, જેમાં વેપાર-વાણિજ્યનો પણ સમાવેશ થાય છે. ઉત્કલ દીપિકા' જેવાં અખબારોમાં સ્વદેશી અને વિદેશી ઉત્પાદનો વચ્ચે વધતી જતી ચર્ચાને પ્રતિબિંબિત કરતી જાહેરાતો પ્રકાશિત થતી હતી. ઉદાહરણ તરીકે,
દેશી સાલસા’ અને હુકુમી ઓઇલ' ની જાહેરાતોએ
ઇલેક્ટ્રો સાલસા’ જેવી વિદેશી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી.
આપણ વાંચો: વલો કચ્છ : લોકગીતોમાં હાસ્ય રસ
આધુનિક સાહિત્યમાં ઓરિસ્સાની સફર અનોખી હતી. ફકીર મોહન સેનાપતિ જેવા લેખકોએ એક સાહિત્યિક ચળવળને આકાર આપવામાં મદદ કરી જેણે ઉડિયાની સ્વતંત્ર ઓળખને વ્યાખ્યાયિત કરી અને ભારતના સાંસ્કૃતિક પરિદૃશ્યમાં તેના યોગ્ય સ્થાન માટે લડત આપી. ભારતની તમામ ભાષા અને સાહિત્યના અલગ અલગ સ્વરૂપો જુદા જુદા સમયગાળા ઉપર એક સૂક્ષ્મ પણ આગવો દ્રષ્ટિકોણ આપે છે. ઉડિયા ભાષા સાંભળતી વખતે થોડી ક્ષ લાગી, પણ એની બોલી-ભાષા મીઠી છે. ઉડિયા સાહિત્યમાં ભારતીયતા છલકે છે. ઓરિસ્સાની સંસ્કૃતિ ખાસ્સી સમૃદ્ધ છે. ઉડિયા સાહિત્ય ઓરિસ્સાના ભૂતકાળ અને તેની આધુનિક આકાંક્ષાઓ વચ્ચે જે રીતે સેતુરૂપ બન્યું તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.