ઉત્સવ

આપણે જ્ઞાતિવાદને ભૂલી ના શકીએ?

રૂપાલા જેવા જ વિવાદ આપણે ત્યાં સમયાંતરે ઉઠ્યા જ કરે છે ને એ પણ ખાસ તો ચૂંટણી ટાણે જ આવા વિવાદો વધારે ઊભા થાય છે , કેમ કે….

કવર સ્ટોરી – વિજય વ્યાસ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના કહેવાતા ક્ષત્રિય વિરોધી નિવેદનેના કારણે સળગેલી હોળી ઠરવાનું નામ લેતી નથી. રૂપાલાએ કહેલું કે,બ્રિટિશ શાસન દરમિયાન રાજા-મહારાજાઓએ પણ માથું ઝુકાવીને તેમની સાથે રોટી-બેટીના સંબંધ બાંધ્યા હતા પણ રૂખી સમાજે માથું નમાવ્યું ન હતું. હું તેના માટે તેમને સલામ કરું છું અને તેમના કારણે જ સનાતન ધર્મ જીવંત રહ્યો હતો…..

રૂપાલાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં દાવાનળની જેમ વાઈરલ થયું તેમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં આવી ગયો. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એ નહીં ચલાવી લેવાય એવા હુંકાર સાથે રૂપાલાને બદલે રાજકોટ લોકસભા બેઠક પરથી બીજા ઉમેદવારને મૂકવાની માગ કરી છે.

આના પછી પુરુષોત્તમ રૂપાલાએ વીડિયો દ્વારા માફી માગી છે. ભાજપ પ્રદેશ સી.આર. પાટિલે પણ બે હાથ જોડીને માફી માગી છે, પણ બંનેની માફીના અસ્વીકાર સાથે હો-હા ચાલુ છે.

ભાજપે ક્ષત્રિયોને સમજાવવા લીમડીના ડોન જયરાજસિંહ જાડેજાથી માંડીને સાવ ગાય જેવા પ્રદીપસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય નેતાઓને મેદાનમાં ઉતારી દીધા પણ કશું વળ્યું નથી.

ભાજપ રૂપાલાને બદલવાનો નથી ને ક્ષત્રિય સમાજને ધોળે ધરમેય રાજકોટમાં રૂપાલા જોઈતા નથી તેથી વાત વટ પર આવી ગઈ છે. ક્ષત્રિય સમાજ વાર્યો વળતો નથી ને ભાજપ પણ વટના માર્યો પાછો વળવા તૈયાર નથી એ જોતાં હવે બંનેમાંથી કોણ હારીને પાછા વળે છે એ જોવાનું છે.

ગુજરાતમાં ને ખાસ તો સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે અંટશ છે એટલે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ મેદાનમાં આવી ગયો છે. તેના કારણે આ લડાઈ રસપ્રદ બની ગઈ છે.

પુરુષોત્તમ રૂપાલાએ કોઈ પણ સમાજની લાગણી દુભાય એવું ના બોલવું જોઈએ એ વાત સો ટકા સાચી, પણ એમણે ત્રણ વાર માફી માગી, સી.આર. પાટિલે પણ માફી માગી પછી ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને વિવાદ પર પડદો પાડી દેવો જોઈતો હતો એવું મોટા ભાગના લોકો માને છે. તેના બદલે રાજકીય કારણોસર વાતનું વતેસર કરાયું એવો મોટા ભાગનાં લોકોનો મત છે.

રૂપાલા વિવાદ જેવા જ વિવાદ આપણે ત્યાં સમયાંતરે ઉઠ્યા જ કરે છે ને એમાંય ખાસ તો ચૂંટણી ટાણે જ આવા વિવાદો વધારે ઊભા થાય છે કેમ કે જ્ઞાતિના ઠેકેદારોને ચૂંટણી વખતે જ રાજકારણીઓનાં નાક દબાવવાનો મોકો મળે છે. જો કે , રાજકારણીઓ પણ એટલી જાડી ચામડીના થઈ ગયા છે તે એ સિવાય કોઈને ગણકારતા નથી.

રાજકારણીઓએ દેશને મતબેંકના આધારે એ હદે વહેંચી દીધો છે કે, એમને ચોક્કસ જ્ઞાતિ કે ધર્મનાં લોકોની બહુ પરવા નથી રહી. તેના કારણે જે તે જ્ઞાતિ કે ધર્મનાં ઠેકેદારોનું મહત્ત્વ ઘટી ગયું છે. એમને પોતાનું મહત્વ બતાવવાની તક ચૂંટણી વખતે જ મળે છે તેથી ચોક્કસ જ્ઞાતિ માટે અનામત માગવાથી માંડીને લાગણી દુભાવા સુધીના વિવાદ આવા સમયે જ ગજાવવામાં આવે છે.

રૂપાલા વિવાદે આ દેશની બીજી એક મોટી સમસ્યા તરફ લોકોનું ધ્યાન દોર્યું છે ને એ વાસ્તવિકતાનો અહેસાસ કરાવ્યો છે કે, આ સમસ્યા કદી ઉકેલાવાની જ નથી. આ સમસ્યા જ્ઞાતિવાદની છે. જ્ઞાતિવાદભારતનું સદીઓ જૂનું દૂષણ છે ને આ દૂષણના કારણે થયેલા અત્યાચારો અને દમનની વાતો થથરાવી નાંખનારી છે. જ્ઞાતિવાદ આપણા બધા માટે કલંક છે ને આ કલંકથી મુક્ત થવું જરૂરી છે, પણ કમનસીબે એવું થતું નથી.
આમ તો જ્ઞાતિવાદનાબૂદીની વાતો વાર-તહેવારે બહુ થાય છે, પણ તેના બદલેભારતમાં ધીરે ધીરેજ્ઞાતિવાદઅત્યંત પ્રબળ બની રહ્યો છે. ચૂંટણી સમયે તો જ્ઞાતિવાદના ઝંડાધારીઓ ખાસ સક્રિય થાય છે.

જ્ઞાતિવાદના કારણે સમાજ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો છે.દેશમાંજ્ઞાતિવાદનાં સમીકરણો એ હદે હાવી છે કે આપણે કોઈ પણ વાતને જ્ઞાતિવાદના ચશ્માંથી જ જોવામાં આવે છે. નેતાઓ પણ જ્ઞાતિવાદના આધારે બોલે છે, લોકોને જ્ઞાતિના ધોરણે મૂલવે છે. રૂપાલાના કેસમાં પણ એ જ થયુંને?બાકી રૂખી સમાજ કે રાજપૂતોની સરખામણી કરવાની જરૂર જ ક્યાં હતી…?

એ વખતે જે થયું એ જોતાં વાત કરવી હોય તો આખા હિંદુ સમાજની કરવી જોઈએ. તેના બદલે એક સમાજ સારો ને બીજો સમાજ ખરાબ એવી વાતો કરીને સમગ્ર સમાજનેજ્ઞાતિવાદના આધારે વિભાજિત કરી દેવામાં આવે છે…

રૂપાલા વિવાદ આ દેશના બધા રાજકારણીઓ માટે પણ બોધપાઠ સમાન છે. કોઈને વખાણવા હોય તો તેના માટે બીજા કોઈની ટીકા કરવી જરૂરી નથી એ સૌથી મોટો બોધપાઠ છે. રૂખી સમાજને બિરદાવવા જતાં ક્ષત્રિય સમાજની ટીકા કરી બેઠા તેમાં રૂપાલા ભેરવાઈ ગયા. કોઈની લીટી મોટી બતાવવા બીજાની લીટી ભૂંસવી જરૂરી નથી.

બીજો મોટો બોધપાઠ એ છે કે, જૂની વાતોને બહુ ઉખેળવી નહીં. પહેલાં મુસ્લિમ આક્રમણખોરો અને પછી અંગ્રેજો આ દેશ પર ચડી બેઠા તેનું કારણ આપણો અંદરોઅંદરનો કુસંપ અને આપણી કાયરતા હતી. મુસ્લિમ આક્રમણખોરો કે મુઠ્ઠીભર અંગ્રેજોનાં આક્રમણોને આપણે ખાળી ના શક્યા કેમ કે આપણે એક નહોતા.

મુસ્લિમ આક્રમણખોરો આવ્યા ત્યારે તો આ દેશમાં હિંદુ, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ ધર્મ હતા. આ ત્રણેય ધર્મ ભારતની ભૂમિ પર જ પેદા થયેલા, પણ એક નહોતા. એ વખત જ્ઞાતિવાદના કારણે પણ ભારે કુસંપ હતો.

લોકોને સાચી વાત ગમતી નથી પણ આ વાસ્તવિકતા છે. ઈતિહાસની જૂની વાતોને ભૂલી જવી બહેતર છે કેમ કે એ વાતો કરવામાં કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું જ થશે. ને કાદવ કાઢીશું તો બદબૂ જ આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button