ઉત્સવ

મમતા બેનરજીને ભાજપ પછાડી શકે ખરો?

આ બંગાળી મેયે-દીકરીના લડાયક મિજાજ પર અહીંની બંગ-પ્રજા ફિદા છે. આ અગાઉ પણ મમતાદીદી ચૂંટણી વ્યૂહરચનામાં ભાજપ કરતાં બે વેંત ઊંચા સાબિત થયાં છે.

કવર સ્ટોરી -વિજય વ્યાસ

લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે ગણીને એક અઠવાડિયું પણ બચ્યું નથી. ૧૯ એપ્રિલે પહેલા તબક્કામાં ૧૦૨ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીનો હજુ માહોલ જોઈએ એવો જામ્યો નથી. કૉંગ્રેસ આ વખતે ભાજપને ટક્કર આપી શકે એવી સ્થિતિમાં નથી એવી છાપના કારણે લોકો એવું જ માની બેઠા છે કે, લોકસભાની આ ચૂંટણી એકતરફી રહેવાની છે અને ભાજપ સરળતાથી જીતી જશે.

આ કારણે મોટા ભાગનાં રાજ્યોની ચૂંટણી વિશે લોકોમાં બહુ ઉત્સુકતા નથી, પણ કેટલાંક રાજ્યોમાં શું થશે તેના પર સૌની નજર છે. આ રાજ્યોમાં પશ્ર્ચિમ બંગાળ સૌથી પહેલું આવે કેમ કે ભાજપ અત્યાર સુધી વિપક્ષના જે નેતાઓ સામે વામણો સાબિત થયો છે તેમાં મમતા બેનરજી મુખ્ય છે. અત્યંત આક્રમક અને લડાયક મિજાજનાં નેતા મમતા અને ભાજપ વચ્ચે આ વખતે આર યા પારની લડાઈ છે.

ભાજપે સંદેશખલીની હિંસાના મુદ્દાને ચગાવીને પૂરી તાકાતથી હિંદુ વર્સીસ મુસલમાનનું કાર્ડ ખેલી નાંખ્યું છે. સંદેશખલીમાં તૃણમૂલ કૉંગ્રેસના મુસ્લિમ ગુંડા હિંદુ સ્ત્રીઓને હવસનો શિકાર બનાવતા હતા એવો પ્રચાર ભાજપ જોરશોરથી કરી રહ્યો છે. સામે મમતા પણ એમની અસલ લડાયકતા અને ઝનૂન સાથે ભાજપ સામે લડી રહ્યાં છે તેથી આ મુકાબલો રસપ્રદ બની ગયો છે.

ભાજપ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીતીને કેન્દ્રમાં સત્તા પર આવ્યો ત્યારથી શરૂ કરીને બંગાળમાં લોકસભાની બે અને વિધાનસભાની બે ચૂંટણીથઈ ગઈ. આ ચારેય ચૂંટણીમાં ભાજપે મમતા બેનરજીને પછાડવા પૂરી તાકાત લગાવી દીધી, પણ એકેય વાર સફળતા મળી નથી. એ ચારેય ચૂંટણીમાં ભાજપ પરાજિત થયો છે અને મમતા વ્યૂહરચના અને લડાયકતા બંનેમાં ભાજપ કરતાં બે વેંત ઊંચા ને ચઢિયાતાં સાબિત
થયાં છે.

આ ચૂંટણીમાં મમતાની ‘તૃણમૂલ કોંગ્રેસ’ કરતાં ભાજપ વધારે બેઠકો લઈ જશે એવી આગાહીઓ થઈ રહી છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર જેવા લોકો પણ આવી વાતો કરી રહ્યા છે ત્યારે શું થશે એ જોવાનું છે, પણ મમતાની બંગાળમાં મર્દાના અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નેતા તરીકેની છબીને જોતાં ભાજપ માટે એમને પછાડવાં અઘરાં તો છે જ.

બંગાળીઓ મૂળ આદર્શવાદી પ્રજા છે. અહીંની બંગ પ્રજા કોઈ પણ પ્રકારનો ‘અન્યાય’ જલદી સહન કરતી નથી. એને ક્રાન્તિની વાતો બહુ ગમે છે. બંગાળમાં ડાબેરીઓ એ જ વાતો કરીને જામી ગયેલા ને મમતા પણ એ જ વાતો કરીને રાજ કરે છે. બંગાળીઓને સાદગી અને પોતાની સંસ્કૃતિ માટે પણ ગૌરવ છે.મમતાલ એમની સાદગી માટે પણ જાણીતાં છે. મુખ્યમંત્રી બન્યા પછી પણ એ પોતાની વરસો જૂની મારૂતિ ઝેન કારમાં સફર કરે છે. વર્ષો જૂનાં બાપીકી બાડી-ઘરમાં રહે છે. વરસોથી એ કોટનની સાડી જ પહેરે છે ને પગમાં સાદાં ચપ્પલ (કેટલીક વાર તો રબ્બરના સ્લિપર!) બધે પહીરીને ફરે છે. કોઈ દાગીના કે જ્વેલરી એમણે કદી પહેરી નથી કે કદી મેકઅપ કર્યો નથી.

આ સાદગીના કારણે જ મમતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપોનો મારો થયો, છતાં બંગ પ્રજા એમને પસંદ કરે જ છે. શારદા કૌભાંડમાં સંડોવણીના આક્ષેપો છતાં એમની લોકપ્રિયતા અકબંધ છે. બંગાળીઓએ મમતાની મર્દાના લડાઈને પણ જોઈ છે. કૉંગ્રેસના જામી ગયેલા નેતાઓથી માંડીને જ્યોતિ બસુ જેવા જોરાવર ડાબેરી મુખ્ય મંત્રી અને એમના ગુંડાઓ સુધીનાને ઉખાડી ફેંકવા માટે મમતા જાનની બાજી લગાવીને લડ્યાં તેના કારણે પણ બંગાળીઓ એમના પર ફિદા છે.

આ કારણે જ મમતા સામે ભાજપ ગમે તેટલા આક્ષેપો કરે કે ગમે તે પેંતરા અપનાવે કે ધમપછાડા કરે તો પણ કોઈ અસર થતી નથી. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં પણ મમતાને હરાવવા ભાજપે સામ, દામ, દંડ, ભેદ એમ તમામ પેંતરા અજમાવ્યા હતા, પણ મમતા એકલા હાથે લડીને ભાજપને માત્ર પછાડ્યું જ નહોતું, પણ બે તૃતિયાંશ બહુમતી મેળવીને ભાજપનું નાક સુધાં વાઢી લીધેલું!

ભાજપમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા છે , પણ બંગાળમાં એ વખતે ભાજપની ચૂંટણી ઝુંબેશની જવાબદારી તેમજ ચૂંટણીવ્યૂહરચનાના ખાં ગણાતા અમિત શાહને સોંપાઈ હતી. ભાજપના ચૂંટણી પ્રચારનું સુકાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સંભાળેલું. મિથુન ચક્રવર્તીથી માંડીને બાબુલ સુપ્રિયો સુધીના સ્ટાર્સને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. દેશ આખો કોરોનાના કારણે તકલીફમાં હતો ત્યારે પોતાની ફરજ ભૂલીને મોદી સરકારના તમામ પ્રધાનો ભાજપને જીતાડવા બંગાળમાં ધામા નાખીને પડ્યા હતા.

કહે છે કે એ વખતે મમતાદીદીને હરાવવા પાણીની જેમ પૈસો વાપરવામાં આવ્યો હતો. મમતાની નજીક મનાતા હતા ને જીતી શકે એવા ‘તૃણમૂલ કૉંગ્રેસ’ના નેતાઓને ખરીદવા રીતસર બજાર શરૂ થઈ ગયું હતું. મુકુલ રોયથી માંડીને શુભેન્દુ અધિકારી સુધીના મમતાની નજીકના નેતાઓને મોં માગી કિંમત આપીને ખેંચી લાવવામાં આવેલા. જે સીધી રીતે ના આવે એમને કેન્દ્રીય એજન્સીઓની મદદથી દબાવવામાં આવેલા.. એ વખતે ‘તૃણમૂલ કૉંગ્રેસ’ ના દિગ્ગજો સાથ છોડી જતાં મમતા એકલાઁ પડી ગયાં છે એવું
લાગતું હતું, પણ મમતા વાઘણની જેમ લડ્યાં.

મમતાએ સૌથી મોટો દાવ માત્ર ને માત્ર નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાનું એલાન કરીને ખેલેલો. મમતાના ખાસમખાસ શુભેન્દુ અધિકારીને તોડીને અમિત શાહ ભાજપમાં લઈ ગયા ત્યારે જ મમતાએ એલાન કરી દીધેલું કે,પોતે વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. મમતાએ પહેલાંની ચૂંટણીમાં કોલકાત્તાની ભવાનીપુર બેઠક પરથી જીતેલાં તેથી સૌને એમ હતું કે,મમતા ભવાનીપુર બેઠક ઉપરાંત નંદીગ્રામ બેઠક પરથી પણ લડશે ….

આપણે ત્યાં મોટા ભાગના રાજકારણીઓ એક સલામત બેઠક રાખીને બીજી બેઠક પરથી લડે છે ત્યારે મમતાએ માત્ર ને માત્ર નંદીગ્રામ બેઠક પરથી લડવાનું નક્કી કરીને ભાજપની હવા કાઢી નાખેલી. તેના કારણે એવો મેસેજ ગયો કે, મમતા પોતાની જીત પર પૂરો વિશ્વાસ છે અને એ કોઈથી જરાય ડરતા નથી. મમતાના આ મિજાજે ‘તૃણમૂલ કોંગ્રેસ’ના કાર્યકરો પર ચમત્કારિક અસર કરી. મમતા નંદીગ્રામમાં હારી ગયેલાં, પણ આ દાવ કરીને બંગાળમાં જીતી ગયેલાં. મમતાએ એકલા હાથે ભાજપને ઘૂળ ચાટતો કરીને ઈતિહાસ રચી દીધો ને જીતની હેટ-ટ્રિક સરજી હતી.

મમતા અત્યારે એ જ સ્થિતિમાં છે ને વાઘણની જેમ એમણે આ વખતે પણ એકલા હાથે મોરચો સંભાળ્યો છે. કેન્દ્ર સરકાર મમતાના ખાસ માણસો અને મંત્રીઓને એક પછી એક જેલમાં ધકેલી રહી છે, પણ તેના કારણે મમતાના જુસ્સા પર અસર પડી નથી.

હવે મમતાનો આ જુસ્સો ‘તૃણમૂલ કૉંગ્રેસ’ને લોકસભાની બેઠકો પર ફરી જીતાડે છે કે નહીં એ હવે જોવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…