ઉત્સવ

કોઈ અજાણ્યો તમારી વ્યથા ઉકેલી શકે ખરો?

એક હૃદયસ્પર્શી શોર્ટ ફિલ્મ (ભાગ: ૨ )

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

ગયા રવિવારે એક શોર્ટ ફિલ્મ વિશે વાત કરી હતી, જેમાં એક શહેરમાં એકલી રહેતી એક યુવતી લોનના બોજ હેઠળ દબાઈ જાય છે. એ લોનના હપ્તાઓ ભરી શકતી નથી. તેણીની નોકરી પણ છૂટી ગઈ છે અને બીજી નવી નોકરી પણ મળી રહી નથી, એટલે તે નિરાશ થઈને જીવન ટૂંકાવવાની તૈયારી કરી રહી હોય છે એ જ વખતે એક યુવાન કશાક પાર્સલની ડિલિવરી કરવા એના ફલેટના દરવાજે આવે છે. પેલો ડિલિવરીવાળો યુવાન એને અસ્વસ્થ જોઈને એની સાથે વાત કરે છે અને એને આત્મહત્યા કરતાં અટકાવવાની કોશિશ કરે છે
એ કહે છે: ‘તારે તારા પિતા પાસે મદદ માગવી જોઈએ.’ યુવતી કહે છે: ‘હું એમની પાસે મદદ નહીં માગી શકું.’ હવે આગળની વાત જાણીએ..
યુવાન પૂછે છે: ‘મેમ, એક વાત કહેશો, બાળપણમાં તમારી સૌથી મનપસંદ વસ્તુ કઈ હતી?’

યુવતી કહે છે: ‘બાળપણમાં મને સાઈકલનો ખૂબ શોખ હતો.’
યુવાન પૂછે છે: ‘તો તમને સાઇકલ કઈ ઉંમરમાં મળી હતી?’
‘હું લગભગ આઠ વર્ષની હતી ત્યારે.’
‘તો સાઈકલ તરત મળી ગઈ હતી તમને?’
યુવતી જવાબ આપે છે: ‘ના. મારા પિતા તો મારી વાત માનતા જ નહોતા. કહેતા હતા કે તું પડી જઈશ, તને વાગી જશે…’
‘તો પછી તમને કેવી રીતે સાઈકલ મળી?’

યુવતી જવાબ આપે છે: ‘મેં બહુ જ જિદ કરી હતી. ખાવાનું-પીવાનું છોડી દીધું હતું.’
‘તો મેમ, તમે સાઈકલ માટે જિદ કરી ત્યારે શરમ તો આવી હશે ને?’
યુવતી આશ્ર્ચર્ય સાથે પૂછે છે: ‘મને કેમ શરમ આવે? પિતા છે એ મારા! એમની પાસે જિદ નહીં કરું તો કોની પાસે જિદ કરીશ?’

યુવાન કહે છે: ‘તો મેમ, બાળપણમાં સાઈકલ માટે જિદ કરવામાં શરમ ન આવી તો હવે કેમ આવે છે? મેમ, અત્યારે તમે કહ્યું કે તમારા પિતા તમારા લગ્ન માટે પૈસા ભેગા કરી રહ્યા છે, પણ તમે તો અહીં આત્મહત્યા કરી રહ્યા છો! તમે જીવન ટૂંકાવી લેશો તો એ પછી પૈસાનું શું કરશે? એમને એ જાણીને બહુ ખુશી થશે કે એમની દીકરીએ લગ્નનો બોજ હળવો કરી દીધો એમના પરથી! તમને ખબર છે, આપણી જનરેશનની તકલીફ એ છે કે આપણે આપણી જાતને એટલી મોટી સમજી લઈએ છીએ કે આપણા માતા-પિતાથી જ આપણે વાતો છુપાવવા લાગીએ છીએ. ક્યારેક એમ કહીને કે ‘માતા-પિતા નહીં સમજે’ અથવા એમ કહીને કે ‘હું એમને પરેશાન કરવા નથી માગતી’ તો કયારેક એમ કહીને કે ‘અમારા વિચારો નથી મળતા!’

એક વાર તમારી તકલીફ તમારા માતા-પિતાને કહી દો તો તમને ક્યારેય જીવન ટૂંકાવવાનો વિચાર કરવાની જરૂર નહીં પડે. મારા જેવા અજાણ્યા માણસ સાથે વાત શેર કરવાની જરૂર નહીં પડે. પ્લીઝ, એકવાર શેર કરી જુઓ. એમનાથી સારા દોસ્ત આ દુનિયામાં કોઈ ન હોઈ શકે. પ્લીઝ, મેમ. એકવાર તમારા પિતા સાથે વાત કરી જુઓ.’
છેવટે યુવતી પિતાને કોલ લગાવે છે. યુવતીના પિતા કોલ રિસિવ કરતા કહે છે; ‘હલ્લો…’
યુવતી કહે છે: ‘હલ્લો, પાપા…’
પિતા વાત્સલ્યસભર અવાજે કહે છે: ‘હા, બોલ બેટા. કેમ છે તું?’

‘પાપા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.’
‘હા, બોલ ને, બેટા.’
‘પાપા, હું બહુ પરેશાન છું.’
‘બોલ બેટા, શું તકલીફ છે?’

યુવતી રડી પડે છે. પિતા ચિંતાતુર અવાજે પૂછે છે:
‘બેટા રડે છે કેમ? મને કહે ને કે શું તકલીફ છે?

‘પાપા, મેં બેન્કમાંથી લોન લીધી હતી…’
દીકરી માંડીને બધી વાત કરે છે.

‘જો બેટા, જે થઈ ગયું તે થઈ ગયું. તું ચિંતા ન કર. હું છું ને. હજી તારો બાપ જીવે છે. હું કાલે જ તારી પાસે આવું છું. તું બધી ચિંતા મારા પર છોડી દે.’
પિતા સાથે વાત કર્યા પછી આભારભરી નજરે યુવતી ડિલિવરી કરવા આવેલા યુવાન તરફ જુએ છે. યુવાન કહે છે: ‘જોયું, મેમ. તમારા પિતા તમારા એક કોલથી અહીં આવવા માટે તૈયાર થઈ ગયા. અને તમે આટલા દિવસોથી એકલાં એકલાં વિચારો કરીને પરેશાન થતાં હતાં! મેમ, માતા-પિતાથી સારો દોસ્ત કોઈ હોઈ જ ન શકે. તમે એકવાર એમને દોસ્ત બનાવી તો જુઓ.’
યુવતી કહે છે: ‘તમે સાચું કહો છો, ભાઈ. માતા-પિતાથી સારા દોસ્ત કોઈ ન હોઈ શકે. થેન્ક યુ.’
અજાણ્યો યુવાન કહે છે: ‘મેમ, મારી પાસે તમારા માટે કંઈક છે.’ અને તે ભગવદ્ ગીતા કાઢીને તે યુવતીને આપે છે.

યુવતી પૂછે છે: ભગવદ્ ગીતા?!’
‘મેમ, ૨૦૨૦ મારા માટે બહુ જ ખરાબ વર્ષ હતું. કોરોનામાં મારી નોકરી જતી રહી. થોડા મહિના તો બચતથી નીકળી ગયા, પણ પછીના મહિના બહુ જ મુશ્કેલીભર્યા હતા. હું પણ હપ્તાઓ ભરી નહોતો શકતો, જેને લીધે હું બહુ પરેશાન હતો, તેથી જિંદગી ટૂંકાવવાનો વિચાર કરતો હતો. અને એક દિવસ તો સુસાઈડ કરવા માટે ઘરેથી નીકળી પણ ગયો હતો, પણ પાપાએ મને પકડી લીધો. પહેલાં તો એ બહુ ખીજાયા. પછી મને ગળે લગાડીને કહ્યું કે ‘તું ચિંતા કેમ કરે છે. હું છું ને!’ પછી તેમણે જ મારા બધા બિલ ચૂકવ્યા. એ સમયમાં એમણે મને આ ભગવદ્ ગીતા આપીને કહ્યું કે જીવનમાં જયારે પણ કોઈ તકલીફ આવે, કોઈ રસ્તો ન મળે તો આ વાંચી લેજે. આમાં જીવનની બધી તકલીફોનો રસ્તો મળી જશે.’ અને બસ ત્યારથી મેં પાછું વળીને જોયું નથી. આજે હું જે કંપનીમાંથી ડિલિવરી કરવા આવ્યો છું એ મારી જ કંપની છે. કોરોના પછી મેં મારું સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું હતું, કેમ કે મારી નોકરી છૂટી ગઈ એ પછી નોકરી મળતી જ નહોતી.’
યુવતી આશ્ર્ચર્ય પામીને પૂછે છે; ‘તમારી કંપની છે તો તમે ડિલિવરી કેમ કરો છો?’

ડિલિવરી બોય કહે છે: ‘મને સારું લાગે છે આ કામ કરવાનું. અને આમ પણ શરૂઆત મેં એકલાએ જ કરી હતી ને. આજે પણ મન થાય ત્યારે નીકળી જઉં છું ડિલિવરી કરવા માટે. અને આજે તો હું ડિલિવરી માટે નીકળ્યો તો આ દિવસ સાર્થક સાબિત થયો! જે શીખ અમને ભગવદ્ ગીતામાંથી મળી એ તમને આપવાની તક મળી. આ ગ્રંથમાં ઘણી વાતો શીખવા જેવી છે, પણ સૌથી સારી વાત એ શીખવા જેવી છે કે સમય ક્યારેય એક સમાન નથી રહેતો. આજે ખરાબ સમય છે તો કાલે સારો સમય જરૂર આવશે. આજે અંધકાર છે તો કાલે સવાર જરૂર થશે એટલે ક્યારેય સારા સમયમાં છકી ન જવું જોઈએ અને ખરાબ સમયમાં વિચલિત ન થવું જોઈએ. સમય છે. જતો રહેશે. આ વિચારે મારી જિંદગી બદલી નાખી.’
૦૦૦
તેજસ સિંઘે આ શોર્ટ ફિલ્મ બનાવી છે એવું એ વિડિયોના અંતે ક્રેડિટ પરથી ખબર પડે છે. હું તેજસ સિંઘને જાણતો નથી, પરંતુ આવી શોર્ટ ફિલ્મ બનાવવા માટે એમને સલામ કરવી જોઈએ. અત્યારે હિંસા, સેક્સ અને સમાજવિરોધી, દેશવિરોધી એટલું ક્ધટેન્ટ ઓટીટી પર ઠલવાઈ રહ્યું છે ત્યારે આવી શોર્ટ ફિલ્મ ‘ખારા રણમાં મીઠી વીરડી સમાન લાગે છે.’

આપણે આપણી આજુબાજુની કોઈ વ્યક્તિને દુ:ખી જોઈએ, વ્યથિત જોઈએ ત્યારે તેના દુ:ખ પાછળનું કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ. શક્ય છે કે આપણે કોઈની જિંદગી બચાવી શકીએ.ઉ

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…