ઉત્સવ

વરસોવાના દમણિયા શિપયાર્ડે ૧૨૫ ટનની ક્ષમતાનું કાર્ગો પેસેન્જર જહાજ એક વર્ષમાં બાંધી તરતું મૂકયું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

ગુજરાતીઓ સાહસમૂર્તિ છે અને આજના મહાનગર મુંબઇનું ઘડતર એ ગુજરાતી સાહસનું પ્રતિબિંબ છે. અઢારમી સદીમાં મુંબઇમાં પ્રથમ ડોકયાર્ડ બાંધનાર અને અંગ્રેજો માટે યુદ્ધ-જહાજ બાંધનાર ગુજરાતી સુરત નજીક આવેલા સિગનપોર ગામના લવજી નસરવાનજી વાડિયા હતા. સિંધિયા કંપની સ્થાપનાર શ્રી નરોત્તમ મોરારજી અને શ્રી વાલચંદ ગુજરાતી છે. આજે મુંબઇના મઝગાંવ ડોકમાં સબમરીન પણ બાંધી શકાય છે. મઝગાંવ ડોકની બરાબર સામે સિંધિયા શિપિંગ કંપની ડોકયાર્ડ ધરાવે છે. એક વખતે જહાજોના સમારકામથી ધમધમતો એ ડોકયાર્ડ સ્મશાન જેવી ખામોશી ધરાવે છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં બ્રિટનનાં ઘણાં જહાજો નાશ પામ્યાં અને બ્રિટનમાં જહાજો બાંધવાનું મોંઘું થઇ પડતાં બ્રિટને મુંબઇ ઉપર નજર ઠેરવી હતી. ત્યારે એક ગુજરાતી વહાણ બાંધનાર આગળ આવ્યો હતો. એનું નામ છે ગોવિંદ પી. દમણિયા. એની રગોમાં વહાણ બાંધનારનું લોહી દોડે. એણે પ્રથમ વિશ્ર્વયુદ્ધનાં વરસોમાં અંધેરી નજીક વરસાવો ખાતે પોતાનો શિપિંગ યાર્ડ જહાજવાડો ઊભો કર્યો. શ્રી ગોવિંદ દમણિયા વહાણો બાંધનાર દમણના “વાડિયા ખાનદાનમાંથી આવે છે. વાડિયા એટલે વહાણ બાંધનારા.

શ્રી ગોવિંદ દમણિયાને વહાણો બાંધવાનો પંદર વરસોનો અનુભવ ત્યારે હતો. એમના કાકાએ વહાણ બાંધવાનો કારોબાર ઇ. સ. ૧૮૬૮માં શરૂ કર્યો હતો. ગોવિંદે વરસોવા ખાતે દેશી વહાણો, હોડીઓ બાંધવા સાથે મોટર લોન્ચ, લાઇફબોટ અને માલવાહક તથા પ્રવાસી સ્ટીમરો બાંધવાનું પણ શરૂ કર્યું. એમનું વરસોવા ખાતે બંધાવેલું પહેલું જહાજ ૧૭૩ ડ્ઢ ૨૮ ડ્ઢ ૧૫ ફૂટનું હતું. બીજા ૬૦૦ ટનથી માંડી તે ૧૦૦૦ ટન સુધીનાં જહાજો વરસોવાના ડોકયાર્ડમાં બાંધવામાં આવ્યાં હતાં. સરકાર અને ખાનગી કંપનીઓ તરફથી ધડાધડ ઓર્ડરો મળવા લાગ્યા હતા. દમણિયા શિપયાર્ડનું નામ ઘણું જાણીતું થઇ ગયું છે. શ્રી ગોવિંદ દમણિયાએ ઉત્સાહમાં આવીને કાર્ગો-પેસેન્જર જહાજ ૧૯૧૭માં બાંધવાનું શરૂ કર્યું અને ૧૯૧૮ની સાલમાં તો તરતું મૂક્યું.

વરસોવામાં બંધાયેલા આ માલવાહક-પ્રવાસી જહાજ વિશે રાષ્ટ્રીય અંગ્રેજી વર્તમાનપત્ર ‘બોમ્બે ક્રોનિકલ’ના ૧૯૧૮ના ફેબ્રુઆરી મહિનાની ૧૭મી તારીખના અંકમાં સમાચાર પ્રગટ થયા છે. દમણિયા શિપયાર્ડમાં બંધાયેલું આ કાર્ગો-પેસેન્જર જહાજ ૧૧૫ ફૂટ લાંબું છે. આ જહાજનું નામ ‘સ્પીડ વે’રાખવામાં આવ્યું છે. એની ઝડપ કલાકે ૯થી ૧૦ દરિયાઇ માઇલ છે. એની બયહજ્ઞૂભયભસ ક્ષમતા ૧૨૫ ટનની હતી અને ૧૫૫ પ્રવાસીઓ લઇ જઇ શકાય છે. એનું એન્જિન ૧૬૦ હોર્સ-પાવરનું છે. આ એન્જિન કેરોસીન ઓઇલથી ચાલે છે. એની ગણના ભારતના સર્વપ્રથમ ‘મોટર વેસલ’ (એન્જિનથી ચાલતા જહાજ) તરીકે થાય છે.

દમણિયા શિપયાર્ડ સરકારી કોન્ટ્રેક્ટ તો ધરાવે જ છે; પણ રેડક્રોસ અને રોયલ ઇન્ડિયન મરીન જેવી સંસ્થાઓ માટે પણ સ્ટીમ લોન્ચ બાંધે છે. દમણિયા શિપયાર્ડમાં લાકડાં અને લોખંડ બન્નેની સ્ટીમ લોન્ચ બાંધવામાં આવે છે.

દમણિયા શિપયાર્ડની વરસોવા ખાતે મિલકત હતી. સમયના પ્રવાહમાં દમણિયા જહાજવાડો લુપ્ત થઇ ગયો. દમણિયા શિપયાર્ડ વિશે વધુ વિગતો મોકલવામાં આવશે તો આભારી થઇશું.
હરણછાપ છત્રીનાં સ્વપ્નાં બજાર ગેટમાં આવ્યાં હતાં :
આજે આપણે આપણા દેશમાં સોયથી માંડી તે સબમરીન સુધીનું ઉત્પાદન કરી શકીએ છીએ; પરંતુ એવો પણ એક વખત હતો કે જયારે આપણા દેશને સામાન્ય છત્રી પણ વિદેશથી આયાત કરવી પડતી હતી. જયારે ગાંધીજીના સ્વદેશી આંદોલનનું સ્વપ્નું પણ અવતર્યું નહોતું. ત્યારે ઇબ્રાહિમ કરીમ નામના એક સાહસવીરે ઇ. સ. ૧૮૬૦માં બજાર ગેટ સ્ટ્રીટ ખાતે એક નાનકડી ઓરડીમાં છત્રીની દુકાન શરૂ કરી. અહીં આયાત કરાયેલી છત્રીઓ સાથે છત્રીનું સમારકામ પણ શરૂ કર્યું. સમારકામમાં ઇબ્રાહિમે દેશી સામગ્રીનો ઉપયોગ કરવા માંડ્યો. એમાં એમને સારી એવી સફળતા સાંપડતાં ઇબ્રાહિમે મુંબઇમાં જ છત્રી બનાવવાની યોજના ઘડી કાઢી. ઇબ્રાહિમે આઠ વરસ સુધી બજાર ગેટની આ દુકાનમાં સ્વપ્નાના કિલ્લા બાંધ્યા અને પછી વેપાર વધતાં જુમામસ્જિદ નજીક બે દુકાનો છત્રી માટે જ ઉઘાડી. અહીં એમનો છત્રીઓ બનાવવાનો અનુભવ અધિક પરિપકવ બનવા પામ્યા, જ્યારે વિશ્ર્વાસ બેઠો કે સ્વતંત્ર રીતે મુંબઇમાં જ છત્રીનું ઉત્પાદન કરી શકાય છે ત્યારે મઝગાંવ-જેલ રોડ પર ઇ.સ. ૧૯૦૨માં ફેક્ટરી શરૂ કરી. પોતાના ત્રણ પુત્રો રહિમભાઇ, રમઝાનઅલી અને ગુલામઅલીને ભાગીદાર બનાવી ‘ઇબ્રાહીમ કરીમ એન્ડ સન્સ’ નામની કંપની શરૂ કરી અને ફેક્ટરીનું નામ ‘નેશનલ અમ્બ્રેલા ફેક્ટરી’ રાખ્યું. ઇ. સ. ૧૯૦૩માં મોટા પુત્રને છત્રીના ઉત્પાદનનો અનુભવ મેળવવા યુરોપ મોકલ્યો અને એ તો છત્રીના ઉત્પાદન માટે મશીનરી-પ્લાન્ટની ખરીદી કરીને જ પાછો મુંબઇ ફર્યો. હવે ઇબ્રાહિમ કરીમ એન્ડ સન્સ કંપનીએ સ્ટેગ બ્રાન્ડ-હરણ છાપ છત્રી બનાવવાની શરૂઆત કરી અને આજે પણ હરણ છાપ છત્રી વિખ્યાત છે. હરણ છાપ છત્રી લોકપ્રિય થતાં આ કંપનીએ બીજી બ્રાન્ડો ‘ગ્લોબ-ડ્રગન-પી-કોક’ એવી છત્રીઓ બનાવવા માંડી.

આ દેશી છત્રીઓ માટે ત્યારે પણ ૧૫ ટકા માલ આયાત કરવો પડતો હતો. દાંડા અને હેન્ડલ માટે નેતર ચીનથી મગાવવામાં આવતું અને ફેક્ટરીમાં જ એની પૉલિશ કરવામાં આવતી હતી.
વેપાર એટલો વિકસવા પામ્યો કે મદ્રાસ અને કાલિકટ ખાતે શાખાઓ ઉઘાડી. મલબાર-કેરલમાં ત્યારે તાડનાં પાંદડાં કે વરસાદથી બચવા તાડનાં પાંદડાંમાંથી બનાવેલાં અન્ય સાધનોનો ઉપયોગ થતો હતો. પણ …. કાલિકટમાં શાખા ઊઘડતાં મલબારીઓ તાડના પાંદડાં છોડીને છત્રી વાપરતાં થઇ ગયા અને બુરખાધારી મહિલાઓએ પણ છત્રીનો ઉપયોગ છૂટથી કરવા માંડી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress