ઉત્સવ

કેસૂડું સમજી જાતો ભમરો શુક – ચાંચમાં, ને જાંબુડું સમજી એને શુક પકડે ચાંચમાં

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

આજે એકવીસમી સદીમાં વિજ્ઞાન – ટેકનોલોજીએ ગજબનાક હરણફાળ ભરી છે. પૃથ્વી પર વિચરતા માનવી માટે ખૂબ ઊંચે ગગનમાં ઊડવું કે પાણીમાં ખૂબ ઊંડે પાતાળ સુધી ડૂબકી લગાવવી હવે સહજ થઈ ગયું છે. અસાધ્ય રોગની સારવાર હવે શક્ય બની છે અને એવા બીજા અનેક પંથ પર માનવ ઉત્કર્ષ જોવા મળી રહ્યો છે. જોકે, ભાષાના અને ખાસ કરી માતૃભાષાની ગઈકાલમાં ખાંખાંખોળાં કરતી વખતે આજ ઓછી રળિયામણી લાગે છે. અગાઉનો વૈભવ કુબેરના ખજાના જેવો હતો જેની સરખામણીએ આજની ભાષા મૂડી ઓછી લાગે છે. એમાંય સુભાષિતની દુનિયાની જાહોજલાલી અનન્ય છે. એકંદરે કાવ્ય વિશ્ર્વની વિશાળતા અને એની સમૃદ્ધિ ભાવ વિશ્ર્વને તરબતર કરી દે છે. આજે એક સરસ મજાના સુભાષિતને જાણી એના અર્થવિસ્તારની સમૃદ્ધિથી વાકેફ થઈએ. કેસૂડું સમજી જાતો ભમરો શુક – ચાંચમાં, ને જાંબુડું સમજી એને શુક પકડે ચાંચમાં. ફૂલ, ભમરો અને પોપટના ઉદાહરણથી બહુ સૂક્ષ્મ વાત કહેવામાં આવી છે જે જીવનમાં વણી લેવા જેવી છે. ખાખરો અથવા કેસૂડાંના ઝાડમાં ત્રણ ત્રણ પાનનાં મોટાં ત્રેખડાં આવે છે. ફૂલની કળી સૂડાની ચાંચ જેવી વાંકી હોય છે, અને ઊઘડે ત્યારે સુંદર કેસરી રંગનું ફૂલ થાય છે. તેમાં ભૂરા રંગની ફાફડા જેવી લાંબી શીંગો થાય છે. આ પ્રાથમિક માહિતી પછી સુભાષિત સમજવામાં સરળતા પડશે. કેસૂડાંના ફૂલની કળી શુક એટલે કે પોપટની ચાંચ જેવી વાંકી હોય છે. પરાગનયન માટે ચકરાવો લેતા ભમરાની ઉપયોગિતાની જાણ કેસૂડાંના ફૂલને હોય છે અને એટલે એને બેસવા દે છે. આ ક્રિયા કળીમાંથી ફૂલના પરિવર્તનમાં મદદરૂપ થાય છે. હવે બીજી પંક્તિ જુઓ. આ જ ભમરો જ્યારે પોપટ (શુક)ની આસપાસ ચકરાવો લેતો હોય ત્યારે પોપટ ભમરાના રંગને કારણે થાપ ખાઈ એને જાંબુ સમજી ચાંચમાં પકડી ખાવાની કોશિશ કરે છે. પરિણામ શું આવે? કાં તો ભમરો મૃત્યુ પામે અથવા પોપટને તકલીફ થાય. કેસૂડાંનું ફૂલ ભમરાને કઈ
રીતે સમજે છે અને એ જ ભમરાને શુક એટલે કે પોપટ કઈ રીતે નિહાળે છે એ જાણવાની, સમજવાની અને જીવનમાં ઉતારવાની વાત છે. ભેદ છે કેસૂડાંના જ્ઞાન અને પોપટના અજ્ઞાનનો. જીવનમાં આવતી પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે કેસૂડાં જેવો વિવેક જાળવવાની શીખ આમાંથી
મળે છે.

PULL WORDS AND IDIOMS

દરેક ભાષામાં એવા શબ્દો હોય છે જેના અર્થ એના વપરાશ અનુસાર બદલાઈ જતા હોય છે. જેમ કે નાહી લેવું એટલે શરીર સ્વચ્છ કરવું, પણ નાહી નાખવું એટલે આશા છોડી દેવી. નાહી પરવારવું એટલે વેપાર – કામકાજમાં નિષ્ફળતા મળવી. In English, PULL has different meanings according to its uses. Also there are phrases and idioms associated with it. ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. Pull someone’s leg એટલે કોઈની મજાક મસ્તી કરવી, ટીખળ કરવી એવો અર્થ છે. એમાં ગંભીરતાનો અભાવ હોય છે. I panicked when he said the test was tomorrow, but then I realized he was just pulling my leg. પરીક્ષા આવતીકાલે છે એમ તેણે કહ્યું ત્યારે બે ઘડી માટે મને પરસેવો છૂટી ગયો, પણ પછી ખ્યાલ આવી ગયો કે એ ટીખળ કરી રહ્યો છે. Pull a fast one એટલે કોઈને છેતરવું, રમત રમી જવું. અહીં વાત ગંભીર હોય છે, પણ હોશિયાર દેખાડવાનો પ્રયાસ વધુ હોય છે.  Henceforth, I won’t trust your brother. He pulled a fast one on me. હવે પછી હું તારા ભાઈ પર ભરોસો નહીં રાખું કારણ કે એ મને છેતરી ગયો. Pull the wool over someone’s eyes એટલે ઇરાદાપૂર્વક અસત્યનું ઉચ્ચારણ કરવું જે હાનિકારક સાબિત થઈ શકે. He doesn’t have any special powers – he’s just trying to pull the wool over your eyes. એની પાસે કોઈ દૈવી શક્તિ નથી. એ તમને ફસાવવાની કોશિશ કરી રહ્યો છે. Pull a face એટલે અણગમો દર્શાવવો કે ચહેરા પર નકારાત્મકતા દર્શાવવી અથવા રમુજી હાવભાવ કરવા. The boy pulled a face to make the other students laugh. છોકરાએ વિચિત્ર હાવભાવથી હાજર રહેલા લોકોને હસાવવાની કોશિશ કરી. Pull one’s weight એટલે અન્ય લોકો સાથે કામ કે પ્રવૃત્તિ કરતી વખતે તેમના જેટલી જ મહેનત કરવી. If he doesn’t start pulling his weight, he’ll lose his job. જો એ સાથી કર્મચારીઓ જેટલી મહેનત નહીં કરે તો નોકરીથી હાથ ધોવાનો વારો આવશે.

गुजराती प्रयोग हिंदी में

ગુજરાતી ભાષાના હિન્દી સ્વરૂપની કથા આગળ ચલાવી ભાષા સમૃદ્ધિથી વાકેફ થઈએ અને જાણકારી વધારી સમજણમાં ઉમેરો કરીએ. ક્યારેક એવું બને કે કોઈની સાથે નાનો કે મોટો અકસ્માત થાય પણ શરીર પર સહેજે ઘસરકો પણ ન પડ્યો હોય. નજીવી ઈજા પણ ન થઈ હોય. આ વાત હિન્દીમાં बाल भी बांका न होना સ્વરૂપે જાણીતી છે. આટલું વાંચી તમને અસલ આવો જ ગુજરાતી પ્રયોગ વાળ પણ વાંકો ન થયો યાદ આવી ગયો હશે. ઈર્ષા, અદેખાઈ માનવ સ્વભાવ અને સમાજનું લક્ષણ છે. અન્યની સમૃદ્ધિ જોઈ અદેખાઈ કરવાવાળાનો તોટો નથી હોતો. હિન્દીમાં અને માટે छाती पर साँप लोटना या फिर कलेजे पर साँप लोटना मुहावरा प्रचलित है। કોઈ અણગમતી કે અસહ્ય વાત કે પરિસ્થિતિને કારણે અતિશય સંતાપ થવો એવો એનો ભાવાર્થ છે. કોઈની પણ પરવા કર્યા વિના કોઈ કામ કે પ્રવૃત્તિ ખુલ્લેઆમ કરે ત્યારે ઉઘાડે છોગ કર્યું એમ કહેવાતું હોય છે. હિન્દી આ પ્રયોગ डंके की चोट पर તરીકે પ્રસિદ્ધ છે. નગારું કે ઢોલ માટે હિન્દી શબ્દ છે ડંકા. ઢોલ દાંડી પીટીને વગાડવામાં આવે છે અને એ ખુલ્લેઆમ કરવામાં આવે છે. ગુજરાતીમાં પણ દાંડી પીટીને જણાવ્યું પ્રયોગ વપરાતો હોય છે. ઘરે મોડા પહોંચવા બદલ કે લગ્નતિથિનો દિવસ વીસરી જવા માટે પત્ની કે પછી કામ બરાબર ન થયું હોય ત્યારે ઓફિસમાં બોસ ઉધડો લેતા હોય છે. હિન્દીમાં આ પ્રયોગ आडे हाथों लेना તરીકે જાણીતો છે. હવે તમે જરૂર કહેવાના કે ગુજરાતીમાં પણ આડે હાથ લીધા પ્રયોગ જાણીતો છે જ ને. સાચી વાત. ભાષાની નિકટતા હેરત પમાડનારી હોય છે.

॥ नव्या म्हणी ॥

ભાષાની ભવ્યતા એવી છે કે જૂજ શબ્દોમાં એ જોજન લાંબી વાત કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. લાઘવ ભાષાને માધુર્ય અને પ્રભાવ બક્ષે છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં એ વિશિષ્ટ સ્વરૂપે પ્રગટ થાય છે. આધુનિક જીવનશૈલી અનુસાર કેટલીક નવી કહેવતો – નવા રૂઢિપ્રયોગોમાં આ વાત સુપેરે નજરે પડે છે. પહેલા જ ઉદાહરણ પરથી આ વાત સાફ સાફ સ્પષ્ટ થઈ જાય છે. दिवसभर चारचाक, पहाटे उठून मॅार्निंगवाक! આધુનિક અને ખાસ કરીને શ્રીમંત લોકોની શહેરી જીવનશૈલી પર આ કહેવત જબરદસ્ત કટાક્ષ કરે છે. દિવસભર ચારચાક પહેલા સમજીએ. ચારચાક એટલે ચાર પૈડાંવાળું વાહન, કાર અથવા ટેક્સી વગેરે. શહેરી જીવનમાં વ્યસ્ત ધનવાન લોકો દિવસ આખો વાહનમાં જ ફરફર કરતા હોય છે. ચાર ડગલાં ચાલવાની તસ્દી લેવામાં નથી માનતા. આવી જીવનશૈલીને કારણે શરીર પર ચરબીના થર જામી જાય એટલે સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરવા મોર્નિંગ વોક પર નીકળી પડે. એવા પણ ઉદાહરણ છે કે કાર ચલાવી ઉદ્યાનમાં આવે. થોડા ચક્કર લગાવે અને પછી બટેટાવડાં કે પાણીપુરીનો નાસ્તો કરી ઘરે પાછા ફરે. બીજું એક ઉદાહરણ જોઈએ: सत्संगात गेला, पोटभर जेवून आला ! ભજન કીર્તન કે પછી સત્સંગમાં જવાનો ઉદ્દેશ પ્રભુ ભક્તિનો હોય છે. જોકે, સંસારમાં એવા લોકો પણ હોય છે જેમને પ્રભુ પ્રીતિ કરતા પેટ પ્રીતિ વધારે હોય છે. એવા લોકો સત્સંગમાં એટલા માટે જતા હોય છે કે એ કાર્યક્રમ પત્યા પછી ભોજન આપવામાં આવતું હોય છે. પહેલા ભોજન, પછી ભજન કહેવત આના કરતા જુદી પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…