જૂના-નવા ‘દાદા’ઓની દાદાગીરી!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
આપણા દેશમાં કોણ, ક્યારે અને કેવા સંજોગોમાં ‘દાદા’ કે ‘ગુંડો’ બનીને ‘દાદાગીરી’ કરવા માંડે એનું કંઇ કહેવાય નહીં. એક ‘દાદા’ એનાં જીવનમાં પહેલી વખત ‘દાદા’ ત્યારે જ બને છે, જ્યારે કોઈ એને પહેલી વાર ડરીને ‘દાદા’ કહેવા માંડે છે. ત્યાર પછી બીજા લોકો પણ એને ‘દાદા’ કહેવા લાગે છે કે માનવા માંડે છે. ધીમે ધીમે આખો મહોલ્લો, પછી આખું શહેર અને પછી આખો સમાજ, એને ‘દાદા’ કહેવા માંડે છે. અને એ ખરેખર બધાંનો ‘દાદા’ બની જાય છે.
પછી બીજા બધાં લોકો એનાથી આતંકિત ને ભયભીત થઈ જાય, બધાં લોકો એને માન આપવાનું શરૂ કરે છે અને એના પ્રત્યે એક વિશેષ પ્રેમ દર્શાવે છે. જો કે આ બધું ફક્ત ડરના કારણે જ હોય છે. જો કોઈ માણસ એક વખત ‘દાદા’ બની જાય પછી કાયમ માટે એ ‘દાદા’ જ રહે છે. જ્યારે બુઢાપામાં કે હારીને દાદાગીરી કરવાની બધી પરિસ્થિતિઓ ખતમ થઈ જશે તો પણ એ તો કાયમ ‘દાદા’ જ રહેશે.
આપણી ભાષામાં બાપના બાપને ‘દાદા’ કહેવાય છે પણ મરાઠી, બંગાળી કે હિન્દી વગેરે ભાષામાં મોટા ભાઈને પણ ‘દાદા’ કહેવાય છે. તમે કોઇ ગુંડા કે ‘દાદા’ને તમારો ‘મોટો ભાઈ’ માની લો અથવા ના છૂટકે બાપનો બાપ સમજવા માંડો એ તમારી મરજી કે લાચારી, જો તમે એ ‘દાદા’ને આ બંનેમાંથી એક માનવા તૈયાર ન હોવ તો ય એ જબરદસ્તી તમારી પાસે મનાવીને ઝંપશે. આને કહેવાય ‘દાદાગીરી’!
બાય ધ વે, આ દાદાગીરી કરવી એ આલતૂ-ફાલતૂ માણસનું કામ નથી. એ વિશેષ ગુણ અમુક ખાસ માણસોમાં જ હોય છે. જે ‘દાદા’ હોય એ માણસના હાવભાવ કે વર્તન, હિલચાલ જોઈને જ તમે સમજી જશો કે આ માણસ છે ‘દાદો’ ને એ જે કરે છે એ ‘દાદાગીરી’ જ છે.
‘દાદાગીરી’નું માન એક જમાનામાં ‘નેતાગીરી’થી ઓછું નહોતું. લોકો નેતાઓની વાત ભલે સાંભળતા પણ આદેશ તો દાદાનો જ માનતા. જે દાદા ઇચ્છે એ જ પછી થતું. તે વખતે નેતાઓ મજબૂત હતા પછી ભલેને એ દાદા હોય કે ના હોય! પણ સમય જતાં નેતાઓ થોડા નબળા પડવા માંડ્યા અને સમાજ સુધી પહોંચવા ‘દાદા’ લોકોનું સમર્થન લેવા માંડ્યા. પછી એવું બન્યું કે કેટલાક દાદાઓ જ નેતા બની ગયા. અને કેટલાક પછી નેતાઓ જ ‘દાદા’ કહેવાવા માંડ્યા. સમય જતાં ‘નેતાગીરી’ કરવા માટે ‘દાદાગીરી’ કરવી જરૂરી થઈ પડી!
નવા નેતાઓથી, જૂના નેતાઓને એટલો ખતરો નહોતો જેટલો નવા દાદાથી. જૂના દાદાઓને હતો. ઉલ્ટાનું નવા દાદાઓ બને છે જ જૂના દાદાઓને મારીને. નવી દાદાગીરી, જૂની દાદાગીરીને ખતમ કરીને જ જન્મે છે. હવે તો નેતાગીરી ને ગુંડાગીરી કે દાદાગીરીમાં એટલી સામ્યતા આવી ગઈ છે કે કોઈ નેતા હારે કે ભાંગી પડે તો આપણે સમજવું કે- ‘હાય, સમાજમાં એક દાદાનું પતન થયું!’ અને નવો નેતા આવે તો સમજવું કે ‘અરે વાહ, આપણે ત્યાં એક નવો દાદા આવ્યો!’
પણ નવા દાદાએ એ ભૂલવું ન જોઈએ કે ‘ગોડફાધર’ કોઈ પણ વિસ્તારનો હોય, એ હારીને પણ સંપૂર્ણ રીતે હારતો નથી. એ તકની રાહ જુએ છે. હાર કે જીત ભલે ગમે તે હોય, નવા નેતા કે નવા દાદાએ- જૂના ‘દાદા લોકો’ પાસેથી હજી ઘણું શીખવાનું બાકી છે!
(અમસ્તાં જ કંઇ બીજી ભાષાઓમાં ‘દાદા’ને ‘મોટા ભાઇ’ કહેતા હશે?)