ઉત્સવ

બ્રેક અપ

આકાશ મારી પાંખમાં -કલ્પના દવે

જિંદગી એક ઝાંઝવું, જળ વિના તરસવું,
એ છોડી ગયા મઝધારે, એમાં શું છે નવું ?

મુંબઈના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ.પીયૂષ શાહ નરીમાન પોઈંટની પાળ પર બેઠો બેઠો અમીષાની સ્મૃતિવનમાં ભટકી રહ્યો હતો.

ડૉ.પીયૂષ શાહ મુંબઈની ચાર પાંચ મોટી હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. ઉપરાત મેડિકલ રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ પેપર રજૂ કરે, મેડિકલ સેમિનારમાં લેક્ચર્સ આપે છે.
તેના પિતા જયસુખભાઈ શાહ બેંકમાંથી હવે નિવૃત્ત થયા છે.

બોરીવલીમાં રહેતા જયસુખભાઈ અને તેમની પત્ની રૂપાબેન પોતાના એકના એક દીકરા પીયૂષની સફળતાથી ગર્વ અનુભવતા.

મમ્મી, મારી પ્રેક્ટિસ સારી ચાલે છે. હવે આપણે પાર્લા કે અંધેરીમાં મોટો ફલેટ લઈશું. હવે તારે આટલું બધું કામ નહીં કરવાનું. પીયૂષે કહ્યું.

બેટા, મને રૂપકડી તારા જેવી ભણેલી વહુરાણી લાવી આપ. મારે બીજું કશું જોઈતું નથી. મમ્મીએ મીઠું સ્મિત આપતાં કહ્યું
પીયૂષના હૈયે અડ્ડો જમાવી બેઠેલી અમિષા બોલી- મૈં આઉ?

યસ, મમ્મી તને કંપની આપે, આપણને બધાને પ્રેમ કરે એવી કોઈ જોજે.

તેં, તારી કોલેજમાં કે હૉસ્પિટલમાં કોઈ ગર્લફ્રેન્ડ શોધી નથી ?

પોતાની ચોરી પકડાઈ ગઈ હોય તેમ પીયૂષ મીઠું હસ્યો.

આજે લંચ બ્રેકમાં ડો. અમિષા ગાંધીની આંખમાં આંખ પરોવતાં પીયૂષે કહ્યું- મેડમ, આ ઘાયલને બચાવો, મમ્મીનું ફરમાન છે- વહુરાણીને લઈ આવ. વોટ અબાઉટ યોર મોમ-ડેડ?
પીયૂષ મોમને ખબર છે, પણ ડેડીને કોણ કહે? હી ઈઝ વેરી પઝેસીવ.

પણ, હવે તો કહેવું જ જોઈએ. હમણાં એંગેજ સેરેમની અને છ મહિના કે બાદ હમ દુલ્હનિયા લે જાયેંગે.

ત્રણ અઠવાડિયામાં જ બોરીવલીના શ્રીજી એપાર્ટમેન્ટમાં પીયૂષ અને અમિષાની હાફમેરેજ પાર્ટી યોજાઈ ગઈ. મહાલક્ષ્મીમાં રહેતા નટુભાઈ અને રેખાબેને દીકરીની ખુશી માટે અને પીયૂષની પ્રતિભા જોઈને લગ્નની મંજૂરી આપી હોય એવું જણાતું હતું.

ત્રણ મહિના બાદ દીકરાના લગ્ન છે, એટલે રેખાબેન અને જયસુખભાઈ તો શુભપ્રસંગની તૈયારી કરી રહ્યા હતા. જયસુખભાઈએ તો એમની ત્રણ લાખની ફિક્સ તોડીને કરંટ અકાઉન્ટમાં મૂકી દીધા જેથી લગ્નની ખરીદી આરામથી થઈ શકે.

મારે તો જે ગણો તે મારો પીયૂષ અને અમિષા જ છે ને, કોઈ વાતે સમાધાન નહીં કરું. મારી વહુને હું બેસ્ટ રીતે સજાવીશ. રૂપાબેન હરખાઈને બોલતાં ત્યારે મોઢું ખીલી ઊઠતું.
હૉસ્પિટલમાં લંચ અવર્સમાં અને સાંજે ૬વાગ્યા થી ૮.૩૦ સુધી લવબર્ડસ સાથે જ મોજ કરતા. હવે લગ્નની શુભ ઘડીનો એક જ મહિનો બાકી હતો.

પીયૂષ, કાલે સાંજે ૬-૦૦ વાગે મેં આપણા ઘરમાં મારા મહિલામંડળની પાર્ટી રાખી છે. અમિષાને કહેજે કે એણે આવવાનું જ છે. રૂપાબેનની ડોકટર વહુ અમિષાને બધા જુએ તો ખરા. રૂપાબેને ખુશ થતાં કહ્યું.

પીયૂષ ખુશ હતો કે અમિષા ઘરે આવશે, પછી હું એને મુંબઇ ડ્રોપ કરીશ. એણે કહ્યું. ઓ.કે મમ્મી.
બીજે જ દિવસે પીયૂષે કહ્યું- આજે મમ્મીનું સ્પેશિયલ ઈન્વિટેશન.

પીયૂષ, જો બોર્ડ પર મારી સ્પેશિયલ ડ્યૂટી મૂકી છે, હું કેવી રીતે આવી શકીશ ?
હું તારી ડ્યૂટી કરીશ,પણ તું જા. મમ્મીને ગમશે. પીયૂષે કહ્યું.

નવું નવું સાસરું અને સાસુજીને સાચવવા પડે એટલે ડો.અમિષાએ વાત સ્વીકારી.

પાર્ટીમાં હાઉસવાઈફની જેમ નાસ્તાની પ્લેટ આપવી, ચા-કોફી આપવા આ એક ન ગમતો અનુભવ ખરો, પણ બધી બહેનો પોતાને ટીકી-ટીકીને જોયા કરે, હસ્યા કરે. અને ખાસ તો વણમાગી સલાહ આપે. આ બધું અમિષા માટે અકળાવનારું થઈ ગયું. પીયૂષ હોત તો સારું થાત. આય કાન્ટ બેર ધીસ મિડલકલાસ મેન્ટાલીટી.

ત્યાં જ સાસુમાનું સંભાષણ શરૂ થયું. મહિલામંડળની આગામી પ્રવૃત્તિઓ અને યાત્રા અંગે રૂપાબેન બોલ્યાં. સાસુમાની ડાયનેમિક અને શિસ્તબદ્ધતા જોઈ અમિષાને આનંદ સાથે કોઈ અકળ મૂંઝવણ થવા લાગી. મારી મેડિકલ પ્રેક્ટિસ, મારો એમ.ડીનો અભ્યાસ અહીં રૂંધાઈ તો નહીં જાય ને ? હું અહીં કેવી રીતે એડજસ્ટ થઈ શકીશ ?

બીજે દિવસે સાંજે નરીમાન પોઈંટની પાળ પર બેસીને મનમાં ચાલતા તુમુલ યુદ્ધને શાંત કરવા અમિષા મથી રહી હતી.

પીયૂષનો હાથ પોતાના હાથમાં લેતાં. તેની સામું અનિમેષ નેત્રે જોતાં તે બોલી- હવે આપણા મેરેજને માત્ર એક જ મહિનો બાકી છે.

હા, ડીયર પછી મારી હૃદયસામ્રાજ્ઞી મારી સાથે જ. પીયૂષે સસ્મિત કહ્યું.

પીયૂષ, હું તને કંઈક ગંભીર વાત કહેવા માગું છું. લગ્ન પછી દરરોજ બોરીવલીથી ચર્ચગેટ હું અપડાઉન કેવી રીતે કરીશ, તારે પણ સાઉથમાં કામ હોય છે. મારે એમ.ડી પણ કરવું છે.
પીયૂષે કહ્યું- વેરી ગુડ. તું જરૂર એમ.ડી. કર. મમ્મી-પપ્પા બહુ જ અન્ડરસ્ટેન્ડીંગ નેચરના છે. તને કોઈ તકલીફ નહીં પડે.

પણ, પીયૂષ અહીં જ કોઈ ઘર મળી જાય તો, આપણે લીવ એન્ડ લાઈસંસ પર રહીશું.

ગંભીર થતાં પીયૂષે કહ્યું-અમિષા, આપણને મુંબઈમાં ઘર લેવું ન પરવડે, હજુ આપણા ક્લિનીક માટે જગ્યા જોવાની છે. આસિસ્ટંટ તરીકે કયાં સુધી રહીશું. કદાચ, પાંચેક વર્ષ પછી આપણે મોટો ફલેટ લઈ શકીએ.

પીયૂષ, પૈસા રોક્યા વગર તને અહીં નજીકમાં જ રહેવાનો ફલેટ મળે તો ?પ્રાર્થના સમાજમાં મારા અંકલનો ફલેટ છે. અંકલ નથી, તેમના બંને દીકરા યુ.એસ.માં સેટલ થયા છે. મારા પપ્પા બધું સેટલ કરશે. અમિષાએ કહ્યું.

અમી, મને વિચારવાનો સમય આપ. પીયૂષ માંડમાંડ બોલ્યો અને અસ્વસ્થ મને બંને છૂટાં પડ્યાં.

પીયૂષ ઘરે આવ્યો કે તરત રૂપાબેને અમિષા માટે કરાવેલાં દાગીના અને ઘરચોળું અને ભારે સાડી હરખભેર બતાવવા લાગ્યાં. પછી પીયૂષના બેડરૂમમાં મુકાવેલા નવા કબાટ અને ડ્રેસિંગ ટેબલ બતાવ્યા.

મમ્મી, આટલો બધો ખર્ચો શું કામ કરો છો, પીયૂષે ફીક્કું હાસ્ય કરતાં કહ્યું.

ના,બેટા અમિષા મોટા ઘરની દીકરી છે, આપણે ઘેર એને કંઈ ઓછું ન આવવું જોઈએ, પીયૂષ મનોમન મમ્મી અને અમિષાની સરખામણી કરવા લાગ્યો. એક તરફ દીકરાને પરણાવવાની માતા-પિતાની હોશ અને બીજી તરફ સ્વતંત્ર જીવનને ઝંખતી અમિષા.

રાત્રે સાડા અગિયારે પીયૂષે અમિષાને ફોન કરતાં કહ્યું- અમી, કાલ ડ્યૂટી જોઈન કરતાં પહેલાં મને હૉસ્પિટલના કેફેટેરિયામાં મળજે.
પીયૂષ, તેં શું વિચાર કર્યો?

કાલે વાત- ગુડનાઈટ, કહેતાં પીયૂષે ફોન મૂકી દીધો.

બીજે દિવસે સવારે ૯-૦૦ વાગે તોફાની વાયરાની જેમ કેફેટેરિયામાં આવી રહેલી અમિષાએ દૂરથી જ મનમોહક સ્મિત આપતાં પીયૂષને હાય કહેતા હાથ હલાવ્યો. આછા ક્રીમકલરમાં શોભતી અમિષાના પરફ્યુમની સુગંધ પીયૂષના હૈયે સ્પર્શી ગઈ.

ગંભીર ચહેરે પીયૂષે કહ્યું- જો અમિષા, મમ્મી-પપ્પાથી અલગ રહેવાનો વિચાર યોગ્ય નથી. હું મારા માતા-પિતાનો એકનો એક જ દીકરો. તારી ભાવના હું સમજી શકું છું. મને થોડો સમય આપ. ચાર પાંચ વર્ષમાં આપણા મોભાને અનુરૂપ ફલેટ લઈશું. આપણું પોતાનું ક્લિનીક હશે.

પીયૂષની વાતને અધવચ્ચે જ કાપતાં અમિષાએ કહ્યું- સોરી યુ આર ઓલવેઝ ઈમોશનલ, કેટલાક પ્રેક્ટિકલ ડિસિઝન લેવા જ પડે. તું બાહોશ ડોકટર છે, મિત્ર તરીકે તને પ્રથમ સ્થાન આપું,પણ જીવનસાથી તરીકે તારી સાથે રહી ન શકું. તારા ઓર્થોડોકસ પેરેન્ટસ સાથે મારાથી એડજેસ્ટ ન થવાય.
અમી, પ્લીઝ આય લવ યુ, ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ.
પીયૂષ, આય વોન્ટ ઈંડીપેડંટ લાઈફ,
અમી, ટેક યોર ઓન ટાઈમ. શાંતિથી વિચાર કર.
નો પીયૂષ- આય વોન્ટ ટુ બ્રેક અપ અવર રીલેશન.
***
આ વાતને બે વર્ષ થઈ ગયા. નો કોંન્ટેકટ.
આજે એ જ નરીમાન પોઈંટ પર પીયૂષના હૈયે શબ્દો અથડાયા. મારી પ્રિયા,મારી અમિ, પ્રેમાળ પત્ની કે જવાબદાર ગૃહિણી થાય તે પહેલાં જ, હજુ આ પ્રેમવૃક્ષ પલ્લવિત થાય તે પહેલાં જ તેં કહી દીધું- બ્રેક અપ !
શું અપણો પ્રેમ પાંગળો હતો ? મારા પેરેન્ટ્સને છોડું તો જ તું લગ્ન કરે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button