તુ સી બ્રેવો, મોમ
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
મુંબઈના વિલેપાર્લા-જુહુના વૈભવશાળી વિસ્તારમાં મનોજ ભારદ્વાજ તેમની પત્ની સુધા અને દીકરી શ્રેયા સાથે રહે છે. મલ્ટિનેશનલ કંપનીના સી.ઈ.ઓ. મનોજ ભારદ્વાજ એક બાહોશ બિઝનેસમેન છે. સિંગાપુર, ઓસ્ટ્રેલિયા,જાપાન, યુ.કે, કે યુ.એસ.માં એની કંપનીનો કોઈ કોન્ટ્રાકટ થાય તો એનો શ્રેય મનોજને આપવો પડે.
મનોજની પત્ની સુધા સંગીતજ્ઞ અને નૃત્યમાં નિષ્ણાત છે અને સપ્તસુરસંસ્થામાં ટ્રેઇનિંગ આપે છે. કોઈ મેરેજપાર્ટી કે ઈવેન્ટમાં કાર્યક્રમ હોય ત્યારે મોડી રાત્રે પોતાની ગાડી ડ્રાઈવ કરીને ઘરે આવે છે. તેમની ૨૮વર્ષની દીકરી શ્રેયા હમણાં જ ડોકટર થઈ છે અને નાગપુરની એક સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરે છે.
બાહોશ પિતા, કલાકાર માતા, દીકરી શ્રેયાના આ સુખી કુટુંબમાં પારસ્પરિક પ્રેમ અને સમજણ અદ્ભુત છે. પોતાની લાડકી દીકરી ડૉકટર થઈ અને એમ.ડીનો પણ અભ્યાસ કરવાની હોવાથી માતા-પિતા ગર્વ અનુભવતાં હતાં.
૫૮વર્ષીય સુધાને પતિના લાંબા વિદેશરોકાણને કારણે અને દીકરી શ્રેયાના દૂર હોવાના લીધે ઘણીવાર ઘરમાં ખાલીપો અને એકલતા અનુભવ થતો ત્યારે એ સંગીતના રિયાઝમાં ખોવાઈ જતી તો કોઈ વાર મિત્રોને ઘરમાં કે હોટલમાં પાર્ટી આપીને આનંદ માણતી.
એ દિવસે મનોજ કંપનીના કામે સિંગાપુર ગયા હતા, ત્યારે સુધાએ પોતાના ઘરમાં જ પોતાના સંગીત ગ્રુપની પાર્ટી યોજી હતી.
એક જણે કજરારે-કજરારે ગીત પર ડાંસ કર્યો. મોનીકાએ સંગીત સાથે શાસ્ત્રીય નૃત્ય કર્યું. આછા ભૂરા રંગના સલવાર ડ્રેસમાં કમનીય લાગતી સુધાએ પણ કીબોર્ડના તાને નૃત્ય કર્યું, ત્યારે કીબોર્ડ પ્લેયર યુવાન યુસુફ પણ સુધા સાથે ડાન્સ કરવા લાગ્યો. કદાચ એને વ્હીસ્કીની ભારે અસર છે, એમ માની બધાએ તેને સોફા પર બેસાડી દીધો.
ડાન્સ-ખાણી-પીણીની જયાફતમાં બધા ખુશ હતા ત્યારે કામવાળી શોભાએ સુધાને કહ્યું- મેડમ, અભી ફોન આયા, મેરે બેટે કો બહોત બુખાર હૈ મુઝે ઘર જાના પડેગા. ઓકે. કલ સુબહ જલદી આના.
અગિયારેક વાગતાં બધા નીકળવા લાગ્યા, પણ યુસુફને ઘેન ચઢ્યું હોવાથી એ સોફા પર જ સૂઈ ગયો હતો. મનજીતે તેને ઢંઢોળ્યો, પણ એણે આંખ ન ખોલી. ખૂબ ઢંઢોળ્યો તો માંડમાંડ અડધી આંખ ખોલતાં બોલ્યો- બસ, દસ મિનિટ.
મનજીતે કહ્યું,મેં ક્યા કરું ? મુઝે ભી દેર હો રહી હૈ. મુઝે અભી જાને દો. થોડી દેર મેં ઇસે હોશ આ જાયેગા, ઔર ફીર ચલા જાયેગા.
આપ કહો તો ઇસે મેરે સાથ લે જાઉં ? હાલાં કી ઇસકો લે જાને મેં તકલીફ તો હોગી. આપ કહે ઐસા કરું.
સુધાએ વિચાર્યું મનજિતને નાહકની તકલીફ શા માટે આપવી. એ ભલે જતો. થોડી વારે યુસુફ જતો રહેશે. એટલે મનજીતને જવા દીધો.
રાત્રિનો દોઢ વાગી ગયો. સુધાએ વિચાર્યું- હમણાં હું બેડરુમમાં રેસ્ટ કરું, એ ઉઠે-ત્યારે વાત. સુધા બેડરુમમાં ગઇ.
કોણ જાણે કેમ સુધાને કોઈ અકળ મૂંઝવણ થવા લાગી.
મોડી રાતે પારકો પુરુષ ઘરમાં હોય, કંઇ થઇ જાય તો ? મનોજને ફોન કરું— ના,ના નાહકની ચિંતા કરશે.
શ્રેયા શું કરતી હશે, દીકરી સૂતી હશે.
સુધાએ સૂવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ સૂઈ શકી નહીં, તેને કોઈ અકળ ભય લાગતો હતો, એ મનોમન પ્રભુ સ્મરણ કરવા લાગી.
સુધાને એક ઝોકું આવી ગયું, પણ ફરીથી એ ઝબકીને જાગી ગઈ. એણે ચારે બાજુ નજર ફેરવી, પછી અચાનક યાદ આવ્યું કે યુસુફ દીવાનખંડમાં સૂતો છે.
યુસુફ હમણાં છ મહિના પહેલાં જ ગ્રુપમાં જોડાયો હતો. હું એને બરાબર જાણતી નથી, તો મેં મનજીત સાથે એને મોકલી કેમ ન દીધો? ફરી પાછું એનું હૈયું ફફડવા લાગ્યું. લાવ, જોઉં યુસુફ સૂતો છે ને.
સુધા હળવેથી બેડરુમની બહાર આવી અને દબાતે પગલે દીવાનખાનામાં ગઈ, અને જોયું તો યુસુફ શોકેશના ખાના ફંફોસી રહ્યો હતો,
સુધાએ તેને ધમકાવતા પૂછ્યું- ક્યા કરતે હો ?
યુસુફ ત્વરાથી સુધા નજીક ઘસ્યો, પછી આંખો પહોળી કરતાં બોલ્યો- મેડમ, કુછ નહીં, .. બસ, નીંદ ઊડ ગઈ
થી .. અને સુધાની પાસે આવવા લાગ્યો.
સુધા એના બદ ઈરાદા સમજી ગઇ. સુધાએ તેને ધક્કો માર્યો. યુસુફ ગિન્નાયો,એણે ખિસ્સામાંથી મોટું ચક્કુ કાઢ્તા બોલ્યો જાન પ્યારી હૈ તો જલદી કબાટ ખોલ.
યુસુફનો ભયાવહ ચહેરો જોઈને સુધા ખૂબ ડરી ગઈ હતી. પણ હિંમત કરીને બેડરુમ તરફ દોડી. યુસુફ એની પાછળ દોડ્યો, સુધા બેડરુમમાં જતી રહી અને અંદરથી દરવાજો લોક કરી દીધો.
સુધાનું હૈયું તો ફફડી રહયું હતું, એને ચક્કર આવતા હતા, પણ ગમે તે થાય હમણાં તો હિંમત રાખી પરિસ્થિતિનો સામનો કરવાનો છે.
યુસુફ બેડરુમનો દરવાજો ઠોકતા ધમકી આપતો હતો. સુધાએ ધડકતે હૈયે પોલીસ હેલ્પલાઈનમાં નંબર જોડ્યો. પરિસ્થિતિ ટૂંકમાં જણાવી ઘરનું સરનામું જણાવ્યું.
બહારથી યુસુફની ધમકી ચાલુ જ હતી.
પંદર મિનિટમાં જ સોસાયટીમાં પોલીસ વાન આવી ગઈ.
પોલીસને જોઇ યુસુફ ઢીલો પડી ગયો. એણ જ દરવાજો ખોલ્યો.
સોસાયટીના વોચમેન સાથે એક મહિલા પોલીસ, બીજા બે ઇન્સપેક્ટર અને ત્રણ કોન્સટેબલ આવ્યા હતા. યુસુફે ભાગી જવાની કોશિશ કરી પોલીસે તેને ઝડપી લીધો, અને હાથકડી પહેરાવી નીચે ખેંચી ગયા.
ઇન્સપેક્ટરે કહ્યું મેડમ આપને બડી હિંમત દીખાઈ હૈ.
પોલીસ ગઈ ત્યારે રાતના સાડા ત્રણ વાગ્યા હતા.
સુધાએ કપરી પરિસ્થિતિનો સામનો હિંમતથી કર્યો. પણ આ ઘટના યાદ આવતાં ગભરાઈ જતી.
બીજે દિવસે સુધાએ મનોજ અને શ્રેયાને ફોન કરીને રાતે બનેલી ઘટના જણાવી. નિશાએ કહ્યું- મમ્મા હું હમણાં જ આવું છું. યુ આર માય બ્રેવો મોમ.
મનોજે કહ્યું- સુધા, હું કામ પડતું મૂકી નેક્સટ ફલાઈટમાં આવું છું. માય સ્વીટહાર્ટ તેં ખૂબ હિંમત રાખી.
મનોજે વિચાર્યું કે આ ઘટનાથી ડરી ગયેલી સુધાને મારે જ સાચવવી પડશે. નાવ નો ફોરેન વિઝિટ, માય ફેમિલી ફર્સ્ટ. હમણાં સુધાને મારી જરૂર છે.
સુધાને ટ્રોમામાંથી બહાર લાવતા ત્રણ મહિના થયા. એને એક જ વાતનો અફસોસ હતો કે એ રાત્રે એણે શા માટે યુસુફને પોતાના ઘરમાં રાખ્યો, આવી પાર્ટી કેમ કરી? સુધાને માનસિક રીતે સ્વસ્થ કરવા કાઉન્સિલર સાથે ૫-૬ મિટિંગ કરવામાં આવી.
સપ્તસૂરની સાધનાના સૂર હવે પાછા ગૂંજે છે.