ઉત્સવ

બ્રાન્ડિંગ ને માર્કેટિંગ જોડિયા, પણ એમનાં છે અલગ વ્યક્તિમત્વ

માર્કેટિંગનો ઉપયોગ પ્રોડક્ટને પ્રમોટ કરવા અને બ્રાન્ડિંગનો ઉપયોગ બ્રાન્ડને આકાર આપવા માટે થાય છે.

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

જોડિયા બાળકો મોટાભાગે સમાન લાગતા હોય છે, પણ બંનેનું વ્યક્તિમત્વ અલગ હોય છે. સમાન લાગે પણ નામ અને કામ બંનેના અલગ હોય. બસ, આજ વાત બ્રાન્ડ અને માર્કેટિંગના કિસ્સામાં છે. લોકોને લાગે આ તો બંને એક જ વાત છે, પણ જોડિયા બાળકોની જેમ આને પણ પોતાની અલગ ઓળખ છે. આ વિષયમાં આમ થવાનું મૂળ કારણ એ કે એમાં ઘણી બધી વાતો આવે, જેમકે બ્રાન્ડ- માર્કેટિંગ- સેલ્સ-એડવર્ટાઇઝિંગ, વગેરે.

આ બધાના કારણે ગેરસમજ ઊભી થાય છે અને બધું સરખું છે- તેમાં કોઈ ફરક નથી તેમ માની લોકો પોતાની રીતે આને મૂલવે છે. સિમ્બોલ બનાવી લે અને કહે આપણે પણ આપણી બ્રાન્ડ બનાવી લીધી છે અને પછી એક પોસ્ટર લગાવી કહે : આપણે માર્કેટિંગ કરીયે છીએ અથવા સેલ્સ કે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરને માર્કેટિંગ સમજી કહે આપણે માર્કેટિંગ કરીયે છીએ. આ બધી વાત અલગ અલગ છે અને એ દરેકની પોતાની ભૂમિકા છે. આ બધા કોન્સેપ્ટને સમજી લઈએ તો આપણને બ્રાન્ડ બનાવવા માટે સ્પષ્ટ દિશા મળી શકે.

માર્કેટિંગ અને બ્રાન્ડિંગના તફાવતને તેની વ્યાખ્યાથી સમજવાની શરૂઆત કરીયે. બ્રાન્ડિંગ એ તમારી બ્રાન્ડને આકાર આપવાની માર્કેટિંગ પ્રથા છે. બ્રાન્ડિંગ તમે કોણ છો તે ડિફાઇન કરશે- વ્યાખ્યા આપશે. આની સાથે તે તમારું મિશન શું છે, તમારા અર્થાત્ તમારી કંપનીના મૂલ્યોને પણ ડિફાઈન કરશે, જે તમને એક વિશેષતા આપશે અને લોકોથી અલગ તારવશે. આ ઉપરાંત તમારા મુખ્ય બ્રાન્ડના ઘટક જેમકે તમારી બ્રાન્ડનું નામ- તેનો લોગો- તમારી વેબસાઇટ વગેરેના દ્વારા લોકોને તમારી સમક્ષ મૂકશે.

બીજી બાજુ, માર્કેટિંગ એ તમારા પ્રોડક્ટ, સર્વિસ અને કંપનીને સક્રિય રીતે પ્રમોટ કરવા માટે ઉપયોગમાં લેવાતાં માધ્યમો, પ્રક્રિયાઓ અને વ્યૂહરચનાઓના સમૂહ તરીકે ઓળખી શકાય. માર્કેટિંગને તમારા ગ્રાહકો સાથે જોડવા અને તેમને તમારા પ્રોડક્ટ અથવા સર્વિસ ખરીદવા માટે તમે જે ક્રિયાઓ કરો છો તેના તરીકે વિચારો.

બીજા શબ્દોમાં કહીએ તો માર્કેટિંગ એ છે જે લોકોને તમારી કંપની સાથે પ્રથમ વખત જોડાવા માટે પ્રેરે છે તો બ્રાન્ડિંગ એ છે જે તેમને આવનારા વર્ષો સુધી તમારી સાથે જકડી રાખે છે.
હવે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વચ્ચેના કેટલાક મુખ્ય તફાવત વિશે વાત કરીએ:
માર્કેટિંગનો ઉપયોગ તમારા પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરવા માટે થાય છે ત્યારે બ્રાન્ડિંગનો ઉપયોગ તમારી બ્રાન્ડને આકાર આપવા માટે થાય છે. યાદ રાખો કે બંને માટે વ્યૂહરચનાની જરૂર છે અને તેમનાં જુદા જુદા ધ્યેય અને જુદા જુદા પરિણામ હોય છે.

માર્કેટિંગ એ ગ્રાહકનું ધ્યાન આકર્ષિત કરે છે તો બ્રાન્ડિંગ એ તેમનું ધ્યાન બીજી કોઈ બ્રાન્ડ તરફ ના ભટકે તેની તકેદારી રાખવાની રીત છે. લોકો એવી બ્રાન્ડસ સાથે વેપાર કરવા માગે છે જે બ્રાન્ડમાં એ વિશ્ર્વાસ કરે છે.

બ્રાન્ડિંગનું અંતિમ પરિણામ ગ્રાહક અને વિક્રેતા વચ્ચેના સંબંધને નિર્માણ અને દૃઢ કરવાનું છે, જ્યારે માર્કેટિંગ ગ્રાહક માટે જરૂરિયાત ઊભી કરે છે. બ્રાન્ડિંગ ગ્રાહકના માનસપટ પર પોતાની છાપ છોડે છે જેથી ખરીદી વખતે તે બ્રાન્ડને કન્સિડરેશન સેટમાં રાખે. બીજી તરફ, ખરીદી કરવાના ગ્રાહકના તાત્કાલિક નિર્ણય પર માર્કેટિંગ પ્રભાવ પાડે છે. માર્કેટિંગ વેચાણને પ્રોત્સાહન આપે છે, બ્રાન્ડિંગ તેની ઓળખ અને લોયલટી કાયમ રાખે છે. બ્રાન્ડિંગ તે રાતોરાત ફેમસ બની જવાનો રસ્તો નથી. તે લાંબા ગાળાના અભિગમ સાથે આવે છે.

જો તમે રાતોરાત વેચાણ વધારવા માંગતા હોવ તો બ્રાન્ડિંગ એ શ્રેષ્ઠ ઉકેલ નથી. તેના માટે તમે માર્કેટિંગની કોઈ ટેકટિક્સ-યુક્તિનો ઉપયોગ કરો, પરંતુ જો તમે બ્રાન્ડની ઓળખ બનાવવા- હકારાત્મક બ્રાન્ડ સેન્ટિમેન્ટ ઊભું કરવા અને ગ્રાહકની વફાદારી વધારવાનું વિચારી રહ્યાં હોવ તો તે શ્રેષ્ઠ ઉકેલ છે. આનો અર્થ તે નથી કે બ્રાન્ડિંગ તમને બિઝનેસ વધારવામાં મદદ નહિ કરે, પણ તે તમારી ક્ષમતા વધારશે અને લાંબા ગાળે વેચાણ વધારવા માટે મદદ પણ કરશે. અહીં મહત્ત્વની વાત- ધ્યાનમાં રાખવાની વાત એ છે કે બ્રાન્ડિંગ હંમેશાં પ્રથમ આવે છે- માર્કેટિંગ બીજા સ્થાને છે અર્થાત્ બ્રાન્ડને પહેલા બનાવો અને સીધુ માર્કેટિંગ તરફ પ્રયાણ ના કરો. એકવાર બ્રાન્ડની કલેરિટી-સ્પષટતા મળે ત્યારબાદ માર્કેટિંગની વ્યૂહરચના વિષે વિચારો. માર્કેટિંગની વ્યૂહરચના સમયે સમયે બદલાવી પડે છે, પરંતુ બ્રાન્ડિંગની વ્યૂહરચના ઘણા સમય સુધી કાયમ રહે છે. આનું કારણ બ્રાન્ડ લાંબા સમય માટે છે. બ્રાન્ડિંગ ‘શા માટે’નો જવાબ આપે છે તો માર્કેટિંગ ‘કેવી રીતે’નો…. ટૂંકમાં બ્રાન્ડિંગ તે લાંબા ગાળા માટે છે જયારે માર્કેટિંગ તે ટૂંકા ગાળા માટે છે. બ્રાન્ડિંગ રસ્તો બતાવે છે તો માર્કેટિંગ તે રસ્તા પર ચાલવાના નુસ્ખાઓ. બ્રાન્ડિંગ લોયલટી વધારે છે, જયારે માર્કેટિંગ સેલ્સ, રિસ્પોન્સ-પ્રતિભાવ પેદા કરે છે. બ્રાન્ડિંગ વેલ્યુનું સર્જન કરે છે તો માર્કેટિંગ થકી રેવેન્યૂ લઈ આવે છે. બ્રાન્ડિંગ સ્થિરતા પ્રદાન કરે છે તો માર્કેટિંગ એને ગતિ આપે છે.

અંતે બંનેનો મુખ્ય ઉદ્દેશ્ય આવક વધારવા માટેનો છે. બ્રાન્ડિંગ અને માર્કેટિંગનો તફાવત સમજવો તેટલા માટે જરૂરી છે, કારણ કે બંનેની વ્યૂહરચના અને ભૂમિકા અલગ છે. તમારા વ્યવસાયની સફળતા માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ બંનેની એકસરખી આવશ્યકતા છે. બંને બાજુ મજબૂત બનવાથી તમારી કંપની સફળતાના માર્ગ પર રહેશે. માર્કેટિંગ અને બ્રાન્ડિંગ બંને કોઈપણ વ્યવસાયના વિવિધ તબક્કામાં ભૂમિકા ભજવશે. સતત સ્પષ્ટ બ્રાન્ડ વિકસાવવા માટે વ્યવસાયના જીવનની શરૂઆતમાં નક્કર બ્રાન્ડિંગનો પાયો નાખવો સૌથી વધુ ફાયદાકારક છે. નક્કર બ્રાન્ડિંગ અભિગમની ગતિ સાથે સુઆયોજિત માર્કેટિંગ ઝુંબેશનું સંયોજન કોઈપણ વ્યવસાયને સતત સફળતા માટે સાચા માર્ગ પર સેટ કરે છે અને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરે છે. આમ બ્રાન્ડિંગ અને માર્કેટિગ વચ્ચેનો તફાવત સમજી તેમને પોતપોતાનું મહત્ત્વ આપી માર્કેટિંગ થકી રેવેન્યૂ જનરેટ કરો અને બ્રાન્ડ બિલ્ડ કરી બ્રાન્ડ અને કંપનીનું વેલ્યુએશન વધારો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…