બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: સિનેમા- કલ્ચર ને કન્ઝ્યુમર

-સમીર જોશી
બોલિવૂડ અને ક્રિકેટને આપણા દેશમાં ધર્મ માનવામાં આવે છે અને સ્ટાર્સને ઘણીવાર લોકો ભગવાનની જેમ પૂજે છે. બોલિવૂડ અને આજે જે રીતે સાઉથ કે બીજા પ્રાંતોની ફિલ્મો નેશનલ લેવલ પર જે રીતે રિલીઝ થાય છે તેથી કહી શકાય કે ફિલ્મો સમાજ પર અસર કરે છે.
આજે આના પર વાત કરવાના બે કારણ:
એક: સૌરાષ્ટ્રના નાના શહેરમાં લગ્ન હતા. આપણામાં પીઠી ચોળવાનો રિવાજ છે જે બધા મનાવે છે. આ રિવાજ આપણે નાના પાયે કરતા હતા, પણ આ શહેરમાં એ રિવાજ પણ મોટા પાયે મનાવવામાં આવ્યો. લોકો પીળા કલરના કપડામાં સજજ હતા. કમળના આકારના મોટા બકેટમાં વધૂને બેસાડી એના પર ફૂલોનો વરસાવ થયો, વગેરે અને મહત્ત્વનું:
બેકડ્રોપમાં લખ્યું હતું હલ્દી. હવે વિચારો જ્યાં ૧૦૦ ટકા ગુજરાતી પ્રજા છે ત્યાં આ હલ્દી શબ્દ ક્યાંથી આવ્યો? આ છે બોલિવૂડ ફિલ્મોની અસર, જેને ફિલ્મોમાં જોઈ આ અવસરની ઉજવણી મોટા પાયે કરી પીઠીને ‘હલ્દી’ નામ આપ્યું.
બીજું કારણ, આ અઠવાડિયે સાઉથની ફિલ્મ નેશનલ લેવલ પર રિલીઝ થઇ ‘પુષ્પા-૨’. સાઉથમાં આપણે સાંભળ્યું છે કે લોકો સવારના ૬ વાગ્યાના શોમાં અમુક કલાકારોની ફિલ્મો જોવા જાય છે.
આ વાત આપણા ગુજરાતમાં પણ થઇ. સવારે ૬ વાગ્યાનો શો જોવા લોકોએ ટિકિટ ખરીદી તે પણ સાઉથની ફિલ્મ જોવા! આ પણ દર્શાવે છે કે ફિલ્મો કઈ રીતે સમાજમાં બદલાવ લાવે છે. માર્કેટિંગના અમુક પાસામાં બે પાસા એટલે કન્ઝ્યુમર અને કલ્ચર. આ બંનેનો અભ્યાસ બ્રાન્ડ બિલ્ડિંગ અને માર્કેટિંગની વ્યૂહરચના માટે જરૂરી છે. ક્ધઝ્યુમરના અભ્યાસ માટે બ્રાન્ડ રિસર્ચ પર આધાર રાખે છે. આપણા દેશમાં જ્યાં વિવિધ પ્રાંત, જાતિ અને ભાષાના લોકો છે ત્યારે કોઈ પણ બ્રાન્ડ માટે કન્ઝ્યુમરનો અભ્યાસ જરૂરી છે. કન્ઝ્યુમરની વર્તણૂકના અભ્યાસ માટે જેમ રિસર્ચ એક રસ્તો છે તેમ સિનેમા પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકો કહે છે કે સિનેમા તે સમાજનો પડઘો છે. સમાજમાં જે ચાલી રહ્યું છે તે દર્શાવે છે. વિવિધ વાર્તા વિવિધ પ્રાંતના આધારે બતાવવામાં આવે ત્યારે બ્રાન્ડ માટે તે પ્રાંતની, ત્યાંની રહેણીકરણી, રીતભાત, ભાષા જાણવા મળી શકે. સિનેમા દ્વારા સમાજમાં વર્તણૂક બદલાય પણ છે.
ઉદાહરણ તરીકે; ‘કરણ જોહરની ફિલ્મોએ ગુજરાતીઓને પણ કરવાચોથ કરતા કર્યા અને લગ્નને જાજરમાન કઈ રીતે ઉજવવો એ પણ શીખવાડ્યું’! આજે હરેક લગ્નમાં સંગીત, બેચલર પાર્ટી, ડિઝાઈનર ડ્રેસ હોવાજ જોઈએ. ફિલ્મ ‘દિલ ચાહતા હે’ થી લોકો ગોવા જતા થયા અને બીજી વાત એ બદલાઈ કે મિત્રોએ ક્યારે પણ ફરવા જવાનો પ્લાન બનાવી લેવો. ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મ દ્વારા તમારે શું કરવું છેની વાત આવી તો તુમ્હારી સુલ્લુ- પિન્ક- થપ્પડ જેવી ફિલ્મોએ સ્ત્રીઓને કઈ રીતે એમને પુરુષ સમાન માન-સન્માન આપોની વાત કરી.
આજની યુવા પેઢી મુક્તપણે પોતાના વિચાર- મત લોકો સમક્ષ વ્યકત કરે છે તેનું એક મોટું કારણ સિનેમા છે. આના દ્વારા એ પોતાના જીવનમાં બદલાવ લાવે છે. આજે લોકો LGBTQ (સમલીંગી ઈત્યાદિ) ની વાત ખુલ્લામાં કરે છે તેનું શ્રેય પણ સિનેમાને જાય છે. ઘણી બ્રાન્ડની એડ પણ આને મધ્યમાં રાખી બનાવવામાં આવી છે.
આજે લોકોને વિવિધ દેશોની સંસ્કૃતિ વિશે જાણવા પણ વૈશ્ર્વિક સિનેમા દ્વારા મળે છે આ મોટો બદલાવ છે અને તે તમે એમના પહેરવેશમાં, બોલચાલમાં અને રહેણીકરણીમાં જોઈ શકો છો.
સિનેમામાંથી બ્રાન્ડ માટે સૌથી મોટી શીખ એટલે કન્ઝ્યુમરની વર્તણૂકનો અભ્યાસ. તમે આનાથી માહિતગાર થાવ છો ત્યારે તમે તે મુજબના પ્રોડક્ટ બનાવી શકો અથવા તે મુજબના પાત્ર, વાર્તા અને સેટઅપ તમારા કોમ્યુનિકેશનમાં દર્શાવો છો. ઉદાહરણ તરીકે, જે રીતે લગ્નોને સિનેમામાં બતાવવામાં આવ્યા પછી આપણે એથનિક વેર કેટેગરીને ધ્રૂસકે ને ભૂસકે વધતી જોઈ.
આવા સેટઅપ બ્રાન્ડ પોતાની એડમાં બતાવે છે પછી તે કોઈ પણ કેટેગરી હોય. લગ્નમાં વધુ ખાવાથી ગેસ થશે તો તેને મટાડવાની દવાની બ્રાન્ડ પણ જાજરમાન લગ્ન બતાવશે અને નહિ કે સાદા લગ્નોમાં, કારણ કે કન્ઝ્યુમર તેવા સેટઅપને રિલેટ નહિ કરી શકે. સ્ત્રી જે બની શકે છે કરી શકે છે તેવો આત્મવિશ્ર્વાસ કપડા ધોવાના ઉત્પાદન બતાવશે. જે કામ સ્ત્રીનું છે તેમ સમાજ માને છે તેને જવાબ છે કે આજની સ્ત્રી બંને કરી શકે છે. ચા બનાવતી બ્રાન્ડ સમાજમાં બદલાવની વાત કરશે, કારણ આજનો યુવા તેમ જોવા માગે છે જે ઘણી ફિલ્મોએ બતાવ્યું છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : આપણો ઈરાદો નેક હોય તો દુનિયાની પરવા ન કરવી…
નાનાં શહેરોની વાત અને તેમાં બતાવવામાં આવતી એમનાં સપના પૂરા કરવાની તમન્ના બ્રાન્ડને નાનાં શહેરોમાં સ્થાપિત કરવામાં મદદ કરે છે. ઘણી નામી બ્રાન્ડની એડમાં આપણે આવાં નાના શહેરોની વાત જોશું. અમુક સમય પહેલા એડ એટલે ગ્લેમરસ ચહેરાઓ બતાવો, શહેરી રહેણી કરણી બતાવો, વગેરે હતું,
પણ આજે સિનેમાની મદદથી લોકો સાથે કેવી રીતે જોડાઈ શકીશું તે સમજીને કંપની પોતાની એડ બનાવે છે. આમ બ્રાન્ડને પોતાની માર્કેટિંગ વ્યૂહરચના બનાવવામાં કન્ઝ્યુમર અને કલ્ચરનો અભ્યાસ પૂરો પાડવામાં સિનેમા અગત્યનો આધાર બને છે.