ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: હમ નયે જમાને કે બિઝનેસમેન હૈ…

-સમીર જોશી

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં વેપાર જગતમાં રોજ કંઈક નવું જાણવા મળે છે. જૂની રીતે થતા વેપારો નવી રીતે થઈ રહ્યા છે, તો નવા નવા વેપારો પણ આવી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ અને નવા યુગના વ્યવસાયો ઝડપથી ઊભરી રહ્યા છે. જ્યારે આપણે કંઈ પણ ખરીદીએ છીએ ત્યારે આપણી સમસ્યા વિશે પહેલાં વિચારીએ છીએ અને પછી એના ઉકેલ માટે પહોંચીએ છીએ.

‘હું કંટાળી ગયો છું, તેથી હું 0TT અથવા TV પર મનોરંજન શોધું છું. મને તરસ લાગી છે તેથી હું એક ગ્લાસ પાણી પીઉં છું… ’આમ, પ્રોડક્ટ કે સર્વિસ એ કોઈ વ્યક્તિ અનુભવી રહી હોય તેવી સમસ્યાનો ઉકેલ છે. ગ્રાહકો ક્યારેય ઉકેલો વિશે વિચારતા નથી. એ પોતાની સમસ્યાઓ વિશે વિચારે છે. જોકે, વ્યવસાયી સામાન્ય રીતે પોતાના ઉકેલ વિશે પહેલાં વિચારે છે ને પછી તેને ગ્રાહક માટે આકર્ષક બનાવવાનો પ્રયાસ કરે છે.

હાર્વર્ડના એક અભ્યાસ મુજબ, 95 ટકા ઉત્પાદનો નિષ્ફળ જાય છે તે એટલા માટે નહીં કે એ ખરાબ રીતે બનાવવામાં આવ્યાં છે, કારણ કે કોઈને એની જરૂર નથી. બસ, આ વિચારધારા સાથે આજે ઉદ્યોગોમાં બદલાવ જોવા મળે છે.

ન્યૂ એજ બિઝનેસ અર્થાત્ નવા જમાનાના વેપારો કૉન્સેપ્ટ આધારિત હોય છે. પહેલાં જરૂરિયાત પ્રમાણે પ્રોડક્ટ કે સર્વિસ નથી આવ્યાં તે વાત નથી, પણ આજે તેનો રેશિયો વધુ છે. તેમ કહી શકાય કે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ઉત્પાદનો બનાવવા તે આજનો મંત્ર છે. આવા અમુક કૉન્સેપ્ટની વાત કરીએ, જેણે થોડા સમયમાં મોટા થવાની સાથે નવી કેટેગરી ઊભી કરી છે.

આ પણ વાંચો : કેન્વાસ : શહીદ ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં!

તમારા સમયે, તમારી જગ્યાએ જોઈતું ટ્રાન્સપોર્ટ આપવા ‘ઓલા-ઉબર-રેપીડો’ જેવી કંપનીઓએ ટ્રાન્સપોર્ટની વ્યાખ્યા બદલી નાખી. ‘ઍર બીએનબી’ અને ‘ઓયો’એ તમારા બજેટમાં દુનિયામાં ક્યાંય પણ રહેવા માટે સગવડ કરી આપી.
‘સ્વિગી-ઝોમેટો’ રેસ્ટોરન્ટને તમારાં ઘરે લાવ્યાં. આ બધી વાતથી આપણે વાકેફ છીએ. આ બધા ક્રાંતિકારી કૉન્સેપ્ટ છે અને એ કરોડોનો ધંધો કરવાની સાથે લોકોની જીવનપદ્ધતિ સુદ્ધાં બદલાવીને લોકોની મુશ્કેલીઓને સમજી એમને ઉકેલ આપ્યા. આવી જ રીતે હયાત કેટેગરીમાં નવી વાત કરવાના કૉન્સેપ્ટ તરફ નજર દોડાવીએ, જ્યાં તે કેટેગરીની અંદર બીજી નવી કેટેગરી ઊભી થઈ ગઈ…. પેકેજ્ડ પ્રોડક્ટ, રેડી ટુ ઈટ આપણે આસાનીથી અપનાવ્યું. આવી જ રીતે નોન-વેજ ખાવાવાળા માટે જ્યાં અમુક ચીજો એવી સમજ સાથે એમની નજર સામે કપાતી કે એ ફ્રેશ છે.

એ પછી ફ્રોઝન ચિકન આવ્યું. આને અપનાવતાં લોકોને વાર લાગી, પણ આને એક કૉન્સેપ્ટ તરીકે સ્થાપિત કર્યું. લોકોને સજાગ કર્યા કે, ફ્રોઝન વધુ ફ્રેશ અને હાઇજિનિક છે. આજે આજ વિચારધારાએ ફ્રોઝન વટાણા અને બીજા શાકભાજીઓ પણ આપણને જોવા મળે છે. આમાં તે જ વસ્તુ પીરસી પણ નવા સ્વરૂપે. લોકો પાસે આજે સમય નથી, લોકોને સાફ-સૂથરી ચીજો જોઈએ છે એટલે જ લોકોએ આવા નવા કૉન્સેપ્ટને અપનાવી લીધા છે.

જ્વેલરી કોઈ પણ ભાષા કે જાતિની સ્ત્રીઓ માટેનો મનગમતો વિષય. આમાં પણ ડાયમંડ જ્વેલરીનું સ્થાન અલગ છે. આજ ડાયમંડ જેને લોકો ‘નેચરલ ડાયમંડ સ્ટોન’ તરીકે ઓળખે છે એમના માટે નવો કૉન્સેપ્ટ આવીને ઊભો રહ્યો અને તે છે: ‘લેબ ગ્રોન ડાયમંડ.’ પાશ્ચાત્ય દેશોમાં આની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે.

આપણે અમેરિકન ડાયમંડ સાંભળ્યું છે, પણ તેને ક્યારેય ડાયમંડનો દરજ્જો નહોતો આપ્યો, પણ અહીં, આ પણ ઑરિજિનલ ડાયમંડ છે, ફર્ક ફક્ત તેટલો કે ખાણોની જગ્યાએ તે જ રીતે તેને લેબમાં બનાવવામાં આવ્યો છે. આ કૉન્સેપ્ટ આજે મોટા પાયે બધા અપનાવી રહ્યા છે. નવી પેઢીને પર્યાવરણના બચાવની વાતો કરવામાં રસ છે અને તેને નુકસાન ના થાય તેની કાળજી લેવી છે. આવા સમયે પર્યાવરણને હાનિ ના પહોંચે અને એમને તે જ ચીજ મળે તે પણ તેનાથી ઘણા સસ્તા દરે તો બીજું શું જોઈએ? આ પણ એક કૉન્સેપ્ટ તરીકે વેચાયું અને હવે પોતાનામાં એક કેટેગરી બની ગઈ છે.

‘સ્વિગી-ઝોમેટો’ની વાત આપણે કરી, તેમાં પણ હવે ‘ક્વિક કોમર્સ’ આવી ગયું. 10 મિનિટમાં જોઈએ તે વસ્તુ હાજર. એક સમયે છેલ્લી પળે જોઈતી વસ્તુઓ જે ભુલાઈ ગઈ હોય તેના માટે આની શરૂઆત થઈ છે. તે આજે કહે છે જ્યારે જોઈએ ત્યારે. આમ નવા નવા કૉન્સેપ્ટ આજે આવી રહ્યા છે, જેને લોકો અપનાવે પણ છે, કારણ એ લોકોની સમસ્યાઓનો ઉકેલ લઈને આવે છે. આવી બ્રાન્ડ્સનું વેલ્યુએશન પણ હજારો કરોડોમાં જાય છે. એક સમયે મોટા રોકાણકારો ગોલ્ડ, સ્ટોક અને ફિક્સ્ડ આવકમાં પૈસા રોકતા એ હવે આવી કંપનીઓમાં રોકાણ કરતા થઈ ગયા છે, કારણ કે એ જાણે છે અહીં રિટર્ન વધુ છે.
આમ નવા જમાનામાં વેપાર નવા નવા કૉન્સેપ્ટને આભારી છે અને કૉન્સેપ્ટ ફક્ત બનાવવા માટે ના બનાવતાં તે જો લોકોની સમસ્યા સમજી તેના ઉકેલ આપશે તો જરૂરથી એ સફળ થશે. એક સમયની નામી કંપનીઓ આજે નવા જમાનાની કંપનીઓ ખરીદે છે અથવા તે પ્રમાણેના વેપારો શરૂ કરે છે. આના થકી આવનારા સમય માટે પોતાને તૈયાર કરે છે અને પોતાના શેરહોલ્ડરને ગર્વથી કહેશે કે ‘હમ ભી નયે જમાને કે બિઝનેસમેન હૈ…!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button