બ્રાન્ડ મેન્યુઅલના સહારે જાળવી શકાય બ્રાન્ડની સાતત્યતા
Brand continuity can be maintained with the help of brand manual
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી
આજે DIY (Do It Your Self) અર્થાત્ તમારી જાતે તમારું કામ કરો’નો જમાનો છે. આપણે ઉપકરણો પણ ઓનલાઇન આજે મંગાવીએ છીએ અને તેને ઇન્સ્ટોલ કરવા સાથે મેન્યુઅલ મોકલવામાં આવે છે. જેમ ઉપકરણોના મેન્યુઅલ હોય તેમ બ્રાન્ડનું પણ મેન્યુઅલ હોય છે , જે બ્રાન્ડ માટે ગાઇડ્લાઇન્સ પુરી પાડે છે. આપણને લાગશે કે બ્રાન્ડનો લોગો કે આઈડેન્ટિટી છે જે જરૂરી છે તે બનાવ્યા પછી આની શું જરૂર ?!
દુનિયાની કોઈપણ મોટી બ્રાન્ડ જોઈ લો, તે બધાની પોતાની બ્રાન્ડ માટેની એક ગાઇડ્લાઇન્સ હશે. તમે તમારી બ્રાન્ડનો લોગો બનાવવા માટે, માર્કેટિંગ મટિરિયલ, ટેગલાઇન બનાવવા માટે ઘણો સમય ફાળવ્યો હશે, જે તમારા મતે તમારી બ્રાન્ડ માટે ઉત્કૃષ્ટ ક્રિયેશન હશે. પણ આ બધી વાતો નકામી હશે અને લાંબા ગાળે બ્રાન્ડને કોઈ દિશા બતાવી નહીં શકે જો તમારી બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ તમે નક્કી કરી નહી હોય તો.
બ્રાન્ડ ગાઇડ્લાઇન્સમાં બ્રાન્ડને કેવી રીતે લોકો સમક્ષ મૂકવી અને તેના માટે શું કરવુ, શું ના કરવુ આ બધી વિગતે જાણકારી આપવામાં આવી હોય છે. જેવી રીતે કોઈ પણ બે બ્રાન્ડ સરખી નથી હોતી તે જ રીતે ગાઇડ્લાઇન્સ બધીજ બ્રાન્ડ માટે સમાન ના હોઈ શકે તેથી હરેક વ્યક્તિગત બ્રાન્ડ પોતાની અલગ ગાઇડ્લાઇન્સ બનાવે છે , જેના થકી બ્રાન્ડની પોતાની એક આગવી ઓળખ ઊભી થાય.
અહીં સૌથી મહત્ત્વનું તે કે બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ કંપનીના વિઝનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે.
બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ મોટાભાગે આ મુદ્દાઓને આવરી લે છે, જેમકે બ્રાન્ડ લોગો કે આઈડેન્ટિટી. તમારો લોગો તમે બનાવ્યો હશે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે મહત્ત્વનું છે. તમારા લોગોને વિવિધ માધ્યમોમાં અને ફોર્મેટમાં કેવી રીતે ડિસપ્લે કરશો; ઉદાહરણ તરીકે. તમારા બ્રાન્ડ લોગોનું પ્લેસમેંટ પ્રિન્ટ મીડિયા, ટીવી, પોસ્ટર, વેબસાઇટ વગેરે કોઈ પણ માધ્યમ હશે, હંમેશા ટોપ રાઇટ કોર્નર પર પ્લેસ કરશો.
લોગો પ્લેસમેંટ કાયમ માટે નક્કી કરી રાખશો. આ ઉપરાંત ક્યારે કલરમાં અને ક્યારે બ્લેક એન્ડ વાઇટમાં કે પછી રિવર્સમાં ડિસપ્લે કરશો. લોગોની સાઈઝ શું રાખશો? ઉદાહરણ તરીકે; કોઈ પણ માધ્યમમાં લોગો યુનિટ માટે ૨૦% જેટલી જગ્યા ફાળવવી જ પડશે. આવી રીતે લોગોને કેવી રીતે ઉપયોગમાં લેવો અને ન લેવોની માહિતી આ ગાઇડ્લાઇન્સમાં હશે. ફક્ત પ્રિન્ટ નહીં , પણ ટીવી એડમાં પણ લોગો કેટલી સેકેંડ સુધી રાખવો તેની માહિતી ગાઇડ્લાઇન્સમાં આપવામાં આવી હોય છે.
બીજું, ટાઇપોગ્રાફી : કયા પ્રકારના ફોન્ટ / ટાઇપ ફેસનો ઉપયોગ કરવો બ્રાન્ડના માર્કેટિંગ કોલેટ્રલસમાં. એક પ્રકાર નક્કી કરવામાં આવે પછી તે ફોન્ટ કે ટાઇપ ફેસનોજ ઉપયોગ કરવો બીજો કોઈ નહી. ફક્ત ફોન્ટ નહી ફોન્ટની સાઈઝ, ફોન્ટ ફેમિલી પણ નક્કી કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, બ્રાન્ડ માર્કેટિંગ માટે હેલવેટિકા ફોન્ટ જ વાપરવામાં આવશે.
ત્રીજું, કલરપેલેટ : તમારી બ્રાન્ડ માટે તમે કયો કલર પેલેટ કે કયુ કલર ફેમિલી પસંદ કરો છો. ઘણા બધા કલર નક્કી કરશો તો નહી ચાલે. બ્રાન્ડ માટે એક કે બે કલર નક્કી કરી તે કલરના CMYK અને RGB કોડ્સ આ ગાઇડ્લાઇન્સમાં મૂકવામાં આવે છે, જેથી કોઈ પણ માધ્યમ હોય તેની સાતત્યતા જળવાઈ રહે.
ચોથું, ઇમેજરી : કયા પ્રકારની ઈમેજિસ / પિક્ચર્સ બ્રાન્ડ ઉપયોગમાં લેશે. હ્યુમન ઈમેજીસ, ઇલસ્ટ્રેશન્સ, ગ્રાફિક્સ, કેવા પ્રકારની ફોટોગ્રાફી હશે, કયા પ્રકારનો મૂડ તે કેપ્ચર કરશે વગેરે. જો કોઈ બ્રાન્ડ નક્કી કરે કે આપણી બ્રાન્ડ માટે ગ્રાફિક્સજ ઉપયોગમાં લેવા તો તેના બધા જ કમ્યુનિકેશનમાં ગ્રાફિક્સ સિવાય બીજી એકે ઇમેજરીનો ઉપયોગ થવો ન જોઈયે.
પાંચમું, બ્રાન્ડ ટોન : આ ઘણુ મહત્ત્વનું છે કારણ આ બ્રાન્ડની પર્સનાલિટી ડિફાઇન કરે છે. કેવા શબ્દો વાપરવા જેથી બ્રાન્ડની વેલ્યૂ અને પર્સનાલિટી બિલ્ડ થાય.
ઉદાહરણ તરીકે, કોઈ બ્રાન્ડ હંમેશા ઉશ્કેરણીજનક ટોન વાપરશે કે પછી પ્રશ્ર્નો પૂછી તમને વિચારતા કરી મૂકશે, કોઈ બ્રાન્ડ હ્યુમર વાપરી તમને હળવા કરશે તો કોઈ સીધો મેસેજ આપી આડી અવળી વાતોને બાજુ પર રાખશે.
આ ઉપરાંત આવા બીજા અમુક મુદ્દાને ધ્યાનમાં રાખી બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ બનાવવામાં આવે છે, જેને કંપની બ્રાન્ડની બાઇબલ ગણે છે. આનો ઉપયોગ મોટે ભાગે બ્રાન્ડ અને માર્કેટિંગ ટીમ કે ડિપાર્ટમેંટ કરે છે.
જોકે, કંપનીઓ આગ્રહ રાખે છે કે હરેક એમ્પલોઈ – સ્ટાફ આ બ્રાન્ડ ગાઇડ્લાઇન્સથી વાકેફ હોય કારણ તે કોઈ ને કોઈ કારણસર ક્ધઝ્યુમરના સંપર્કમાં આવશે ત્યારે તેનો ટોન બ્રાન્ડને ડિફાઇન કરશે. બ્રાન્ડ ગાઇડ્લાઇન્સની આવશ્યકતા તેટલા માટે છે કે તે બ્રાન્ડને સાતત્યતા પૂરી પાડે છે. કોઈ પણ બ્રાન્ડને જો યથાયોગ્ય માર્કેટમાં સ્થાપિત થવું હશે તો સાતત્યતા જરૂરી છે. સાતત્યતા લોગો પ્લેસમેંટની, ફોન્ટની, કલર્સની, ટોનની વગેરે.
એક વાર નક્કી કર્યા મુજબની ડિઝાઇન બની જાય, સ્ટાન્ડર્ડ ટેંપલેટ રેડી થઈ જાય પછી તેને અનુસરતા રહેવું જોઈયે. આ વાત બ્રાન્ડને સાતત્યતા આપશે અને ક્ધઝ્યુમર ફક્ત ડિઝાઇન જોઈને જાણી જશે કે કઈ બ્રાન્ડ છે. એક્વાર નિશ્ર્ચિત થયા પછી કોઈ પણ વ્યક્તિ તે બ્રાન્ડનું માર્કેટિંગ કોલેટ્રલસ બનાવશે તે ગાઇડ્લાઇન્સને અનુસરીને બનાવશે. એનું કામ પણ આસાન થઈ જશે, કારણ કે લેઆઉટમાં લોગો ક્યાં રાખવાનો છે, કલર્સ કયા ઉપયોગમાં લેવાના છે, ઈમેજિસ કેવી વાપરવી બધુ નક્કી હોવાથી કામ આસાન થાય છે અને ઝડપ વધે છે.
ગાઇડ્લાઇન્સ ટીમમાં નવી આવનાર વ્યક્તિ માટે પણ કામ આસાન કરશે, ગાઇડ્લાઇન્સને સમજી તે પ્રકારે કમ્યુનિકેશન એ ડેવલપ કરશે. ગાઇડ્લાઇન્સને ઉદાહરણ તરીકે સમજવું હોય તો, શોપર્સ સ્ટોપની એડ હંમેશાં બ્લેક એન્ડ વાઈટમાં હશે. તમે આ બ્રાન્ડ ગાઇડ્લાઇન્સને રૂલ બુક કે બ્લૂ પ્રિન્ટ પણ કહી શકો, જે તમને શું કરવું અને શું ન કરવુંની માહિતી પૂરી પાડશે. બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ નક્કી કરી હોય અને તેની સાતત્યતા જો મેસેજમાં, ફોન્ટમાં, ટોનમાં, બ્રાંડિંગમાં ઈમેજિસમાં જાળવવામાં આવે તો ચોક્કસ પણે ક્ધઝ્યુમર માટે બ્રાન્ડને યાદ રાખવું આસાન થશે અને પોતાના મગજમાં બ્રાન્ડની એક ચોક્ક્સ ઇમેજ-છબી અને પર્સેપ્સન-દૃષ્ટિકોણ ઊભાં કરશે.