બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ નવરાત્રિમાં નવલી નવ વાત…
-સમીર જોશી
નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. શક્તિ પૂજનના દિવસો છે. નવરાત્રિના આ પાવન દિવસોમાં નવલી નવ વાત કરીએ, જે આજની તારીખે વેપારમાં આવશ્યક છે, જેમકે…
૧) ગ્રાહકની ઈચ્છા પ્રમાણે, તમારી નહિ:
આજ સુધી હું જે બનાવતો હતો તે લોકોને આપતો હતો. જયારે આજે ક્ધઝ્યુમરને જે જોઈએ તે આપવું પડશે. આમાં ઉત્પાદનોમાં નવીનતા, ક્ધઝ્યુમરને જોઈતી પદ્ધતિઓ જેવી કે: ઓનલાઇન ખરીદી, ડિજિટલ પેમેન્ટ, હોમ ડિલિવરી બધું આવી ગયું. આમ થતા ક્ધઝ્યુમર તમને અલગ નજરથી જોશે અને વિચારશે કે આ વેપારીએ મને ખાસ ધ્યાનમાં રાખ્યો છે- નહીં કે દુનિયાભરના લોકોને…
૨) બ્રાન્ડ વેચાશે, પ્રોડક્ટ નહિ:
મોનોપોલી લુપ્ત થઈ રહી છે. ટેક્નોલોજી પણ કોપી થઈ જાય છે. માર્કેટમાં તમારા પ્રતિસ્પર્ધી પણ તે જ વસ્તુ કરે છે , જે
તમે કરો છો… તો પછી તમારે અલગ શું કરવુ? આવા સમયે બ્રાન્ડ પોતાનો ભાગ ભજવે છે.
આજની તારીખે લોકોને પ્રોડક્ટ નહીં- બ્રાન્ડ જોઈયે છે. તમારે પોતાની ઇમેજ અને તમારા પ્રોડક્ટની અલગતા, યૂનિક્નેસ કસ્ટમરને સમજાવવી પડશે. જ્યારે આ અલગતા બે પ્રોડક્ટ વચ્ચે ઊભી થાય છે ત્યારે તે બ્રાન્ડ તરીકે સ્થાપિત થવાની શરૂઆત કરે છે.
૩) માર્કેટિંગ ઈન્વેસ્ટમેન્ટ છે- ખર્ચ નહી:
માર્કેટિંગ, પ્રોડક્ટ અને સર્વિસ ખરીદવા માટેની સમજણ આપવાની કળા છે. જો કસ્ટમર જ નહીં આવે તો પ્રોડક્ટ કેવી રીતે વેચાશે અને પ્રોડક્ટ નહીં વેચાય તો પ્રોફિટ કેવી રીતે થશે. માર્કેટિંગ તમને તમારા પ્રતિસ્પર્ધી સામે તમારા પ્રોડક્ટ સર્વિસ ખરીદી કરવા માટે સમજાવશે. માર્કેટિંગ તમારી ક્રેડિબિલિટી વધારશે, કારણ કે ક્ધઝ્યુમર તમારી બ્રાન્ડથી વાકેફ થશે, તમારી બ્રાન્ડ માટેની અવેર્નેસ ક્રિયેટ કરશે, જે ખૂબ જ જરૂરી છે કોઈપણ વેપાર અને વેપારી માટે. જ્યારે તમે તમારા પ્રોડક્ટ અને સર્વિસનું પ્રાઇઝિંગ નક્કી કરો ત્યારે માર્કેટિંગની કોસ્ટ તેમાં ઉમેરો જેથી વધારાનો ખર્ચો કરવો પડે છે તેવો વિચાર ન આવે.
૪) પ્રાઈઝ નહિ- વેલ્યૂ:
વધુ કિંમત રાખશું તો વધુ નફો થશે આ માનસિકતા હોય છે. આના કરતાં તમે તમારા પ્રોડક્ટમાં કૈંક વધુ આપો (જેને અંગ્રેજીમાં ‘વેલ્યુ એડિશન’ કહે છે). ઉદાહરણ તરીકે, તમે કમ્પ્યુટર લેવા જાવ તો સ્ટોરવાળો એ તમને ડિસ્કાઉન્ટ નહિ આપે, પણ તેની સામે તમને એક્સેસરી અથવા અમુક સોફ્ટવેર સાથે આપશે. આમ તમારી કિંમત જળવાય છે, ઘરાકને વધુ મળ્યાનો આનંદ આવે છે અને એને નવી પ્રોડક્ટ મળી છે તેનાથી માહિતગાર કરો છો.
૫) પોઝિશનિંગ:
તમારી પ્રોડક્ટ અને વેપારની દૃષ્ટિએ તમે તમારા સ્પર્ધકોના ઉત્પાદનોથી કેવી રીતે અલગ છો તેની વાત એટલે પોઝિશનિંગ. બીજા શબ્દોમાં, પોઝિશનિંગ એ બ્રાન્ડ અથવા ઉત્પાદનની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે, જેથી ગ્રાહકો તેને ચોક્કસ રીતે સમજી શકે. જો તમે ટોળામાં એક હશો તો તમારી કોઈ કિંમત નથી, પણ જો તમે ટોળાની બહાર ઊભા હશો તો લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચાશે અને આવા સમયે તમને ટોળાની બહાર ઊભા રાખવાનું કામ પોઝિશનિંગ કરશે.
૬) સમય સાથે બદલાવ:
આજનો સૌથી મોટો બદલાવ એટલે ડિજિટલ યુગ. આના કારણે ઓનલાઇન વેચાણ આજે મહત્ત્વનો ભાગ ભજવે છે. પૈસા ચુકાવવાથી લઈને ઘર સુધી માલ મોકલવા ડિજિટલની મદદ લેવાય છે. આને લીધે દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણી તમારા વેપારમાં તેનો અમલ કરી શકો. તમારા ગ્રાહકો વિશે સવિસ્તાર માહિતી મેળવી એને તમારો કાયમનો ગ્રાહક બનાવી શકો. સોશિયલ મીડિયાના સહારે બ્રાન્ડ પ્રમોટ કરી શકો. ઓનલાઇન અને ઓફલાઈનનો સમન્વય સાધવો જરૂરી છે.
૭) પ્રતિસ્પર્ધીને ઓળખો:
સ્પર્ધાને બે રીતે જોવી પડે. પ્રત્યક્ષ અને પરોક્ષ. જે તમારી કેટેગરીમાં છે તે તમારો પ્રત્યક્ષ પ્રતિસ્પર્ધી છે. તે શું કરે છે એના પર હંમેશાં નજર હોવી જોઈએ. બીજો જે તમારો પરોક્ષ પ્રતિસ્પર્ધી છે. કદાચ એ તમારી કેટેગરીમાં ના હોય, પણ આડકતરી રીતે તમને અસર કરી શકે.
૮) ઊંઈંજજ – કીપ ઈટ સિમ્પલ એન્ડ સ્ટ્રેઈટ:
આજે લોકો ઘણીબધી વાતોથી ઘેરાયેલા છે આવા સમયે એ તે વાતને સ્વીકારશે, જે એમને આસાનીથી સમાજમાં આવશે. આથી તમારી વાત સરળ રાખો, એમને વધુ મૂંઝવણમાં ના રાખો. તમારા પ્રોડક્ટ ડેવેલપમેન્ટમાં, માર્કેટિંગમાં પહેલેથી
સ્પષ્ટતા રાખો કે શું બનાવો છો, કઇ રીતે વેચશો, શું કહીને વેચશો અને કોને વેચશો. જો આમ થશે તો તમારી પ્રોસેસ સરળ થઇ જશે અને તમારું ઉત્પાદન અર્થપૂર્ણ આકાર લેશે.
૯) નાવીન્યતા:
માણસ સહજ સ્વભાવ છે કે એને હંમેશાં કશુંક નવું જોવું છે, જોઈએ છે, જાણવું છે. આપણે આપણો વોર્ડરોબ થોડા થોડા સમયે નવાં કપડાઓથી બદલતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટ થોડા થોડા સમયે એના મેનુમાં બદલાવ લાવે છે. આથી આપણા વેપારમાં પણ નાવીન્યતા આવશ્યક છે. નાવીન્યતા લાવવાનું મહત્ત્વનું કારણ તે કે, તમારી પાસે લોકોને નવું કહેવા માટે નવી વાત હશે. આજે માર્કેટમાં ઊભું રહેવું હશે તો ફ્રેશ અપ્રોચ દ્વારા ગ્રાહકને આકર્ષતા રહેવું પડશે.
નવરાત્રિના પાવન દિવસોમાં આ નવલી નવ વાતને અપનાવી આપણા વેપાર માટે હાર્ટ શેર અને માઇંડ શેરની સાથે સાથે માર્કેટ શેર અને વોલેટ શેર વધારવાની માતાજી પાસે શક્તિ માગીએ..