ઉત્સવ

પાટિયું હાઉસફુલનું, પણ થિયેટરમાં એક જ પ્રેક્ષક!

મહેશ્ર્વરી

હાઉસફુલ શો અધવચ્ચેથી છોડી કોઈ ભાગે? પણ અમારે ભાગવું પડ્યું હતું. કેમ? વિગતે વાત કરીએ. માલગાંવમાં બે – અઢી મહિનામાં ૨૫ – ૩૦ નાટક કરી રાજી રાજી થઈ ગયેલો અમારો રસાલો પહોંચ્યો મોડાસા. અહીં પહેલી વાર પાકું થિયેટર જોવા મળ્યું અને અમે બધા રાજી રાજી થઈ ગયા. નવું ગામ, નવા પ્રેક્ષકો, નવો અનુભવ.. હવે આ બધાની આદત પડી ગઈ હતી. જોકે, પહેલા જ દિવસે એવી વાત સાંભળી કે મગજ વિચારે ચડી ગયું. નવા ગામમાં નાટક શરૂ થવાને થોડી વાર હતી ત્યારે કંપનીના માલિક આવીને કહી ગયા કે ‘પબ્લિકમાં બહુ નજર નાખવી નહીં. સાવધ રહેવું.’ હજી ત્રણ – ચાર દિવસ પહેલા ‘કોઈથી ડરવાનું નહીં’ એવી હિંમત આપનારા એ જ માલિકની આંખોમાં ડર ડોકિયું કરી રહ્યો હતો. અમે કલાકારો થોડા ભય અને થોડા વિસ્મય સાથે એકબીજા સામે જોવા લાગ્યા. જોકે, એમની સૂચના સર આંખો પર ચડાવી દીધી. મોડાસામાં બે – ચાર શો થયા, પણ રિસ્પોન્સ સારો નહોતો મળી રહ્યો. ગણ્યાગાંઠ્યા પ્રેક્ષકો જ નાટક જોવા આવી રહ્યા હતા. જો પબ્લિક મોટી સંખ્યામાં શો જોવા ન આવે તો નાટક કરતા રહેવું માલિકને પોસાય નહીં. ગામને ટાટા બાય બાય કરી દેવું પડે. ચારેક દિવસ પ્રેક્ષકોની પાંખી હાજરી જ રહી. હજી એકાદ બે દિવસ આ જ રીતે પ્રેક્ષકો પીઠ ફેરવીને બેસશે તો મોડાસા છોડી બીજા ગામ જતા રહીશું એવી ગણતરી માલિકે કરી લીધી. કલાકારોમાં પણ ચણભણ ચાલી રહી હતી. એવામાં કોઈએ આવીને કહ્યું કે ‘વધાઈ, બહાર હાઉસફુલનું બોર્ડ લાગી ગયું છે.’ આ હાઉસફુલનું બોર્ડ કોઈ પણ આર્ટિસ્ટ માટે વિટામિન જેવું હોય છે. કલાકારોના ઊતરી ગયેલા ચહેરા પર રોનક આવી ગઈ. પણ..

પણ જેવો પડદો ઉઠ્યો કે અમે બધા હેબતાઈ ગયા. કોઈની આંખો વિસ્મયથી પહોળી થઈ તો કોઈની આંખો ભયભીત થઈ ગઈ. કોઈનું હૃદય ધબકારા ચુકી ગયું તો કોઈનું દિલ સ્પીડમાં ધક ધક કરવા લાગ્યું. એનું કારણ એવું હતું કે આખા થિયેટરમાં ગણીને એક જ પ્રેક્ષક હતો જે ખૂંખાર ચહેરા સાથે પગ પહોળા કરીને બેઠો હતો. એક જ માણસે બધી ટિકિટ ખરીદી શો હાઉસફુલ કરી દીધો હતો. અસ્સલ હિન્દી ફિલ્મના દ્રશ્ય જેવું. બિહામણા લાગતા એ પ્રેક્ષકને જોઈ અમે બધા ભયભીત થઈ ગયા, પણ ડરતા ડરતા અમે પરફોર્મન્સ ચાલુ રાખ્યું. અને અચાનક લાઈટ ગઈ. ચારેકોર ઘોર અંધારું થઈ ગયું. અમે બધા ગભરાઈ ગયા. ચીસાચીસ, નાસભાગ થઈ ગઈ. જોકે, બધો ખેલ સમજી ગયેલા માલિક દોડતા દોડતા અમારી પાસે આવ્યા અને તરત બધી છોકરીઓને બાથરૂમમાં પૂરી દીધી. એટલી વારમાં રાડ પાડતો વિકરાળ ચહેરાવાળો પેલો એકમાત્ર પ્રેક્ષક આવીને માલિકને છોકરીઓ વિશે સવાલ કરવા લાગ્યો. ગામેગામ ફરતા આ નાટક કંપનીના માલિક પાસે દુનિયાદારીનું ગજબનું ડહાપણ હોય છે. તેમણે સ્વસ્થતા ગુમાવ્યા વિના ચતુરાઈથી પેલા પ્રેક્ષકને અવળે રસ્તે મોકલી બધો સામાન ટ્રકમાં ભરી દીધો અને પળવારમાં ત્યાંથી અમે રીતસરના નાસી છૂટ્યા. રસ્તામાં માલિક પાસેથી ખબર પડી કે પેલો એકમાત્ર પ્રેક્ષક નાટક રસિયો નહોતો પણ નામચીન ગુંડો હતો અને છોકરીઓને ઉપાડી ભાગી જવા માટે તેણે જ વીજળી ગુલ કરાવી હતી. માલિકની હોશિયારીથી અમે બધા હેમખેમ નીકળી ગયા, પણ આખે રસ્તે અમે બધા થથરતા હતા. પ્રેક્ષકો સ્ટેજ પર અમને પરફોર્મ કરતા જોઈ તાળીઓ પાડતા હોય છે, પણ પડદા પાછળ કથા કેવો અણધાર્યો ને ક્યારેક ભયંકર વળાંક લેતી હોય છે એ તો કલાકાર જ જાણતો હોય છે. કાપો તો લોહી ન નીકળે એવી અમારી હાલત હતી. અલબત્ત કલાકારના જીવનનો એક મંત્ર હોય છે કે શો મસ્ટ ગો ઓન. મોડાસાથી નાસી નીકળેલા અમે પહોંચ્યા મેઘરજ. થથરાવી દેનારી ઘટના વિસરી મેઘરજમાં પણ બે અઢી મહિના એ જ જુસ્સા અને એ જ હોશ સાથે નાટકો કર્યા. મેઘરજ અમારો અંતિમ મુકામ હતો. એ સાથે નાટક કંપનીનો ગુજરાતનો અનોખો અનુભવ કરાવનાર પ્રવાસ પૂરો કરી અમે મુંબઈ આવ્યા. બે ચાર દિવસમાં ફ્રેશ થઈ ‘સાધુ તો ભજતા ભલા’ની જેમ ‘કલાકાર તો શો કરતા ભલા’ની ભાવનાનું સમર્થન કરી નાટક કરવા વિશે વિચારવા લાગ્યા. વિચાર મંથન ચાલી રહ્યું હતું ત્યારે ‘છોકરીઓ મને મળવા આવજો’ એવી ચંદ્રકાન્ત માસ્તરે કરેલી વાતનું સ્મરણ થયું. બીજે જ દિવસે ચંદ્રકાંત માસ્તરને મળ્યા. સ્ટેજ પર નાટ્યાત્મક ઘટના – પ્રસંગો ભજવતા કલાકારના અંગત જીવનમાં પણ નાટ્યાત્મક વળાંક આવતા હોય છે. મારી સાથે પણ એવું બન્યું. અલબત્ત એ જીવન બદલી નાખતા પ્રસંગ પહેલા મુંબઈમાં એક એવી ઘટના બની કે…

મિથ્યાભિમાન: પ્રથમ ફારસ
કવિ દલપતરામ તરીકે વધુ જાણીતા દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીએ નાટકો પણ લખ્યાં છે. તેમના બે નાટકમાંથી એક ‘લક્ષ્મી’ તો મૂળ ગ્રીક નાટક ‘પ્લુટસ’ની વાર્તા સાંભળીને લખાયું હતું. રૂપાંતર હોવા છતાં ‘લક્ષ્મી’ નાટકની નોંધ ગુજરાતી નાટક તરીકે છે. ‘લક્ષ્મી’ના વીસ વર્ષ પછી દલપતરામે ‘મિથ્યાભિમાન’ લખ્યું જે ગુજરાતી ભાષાનું પ્રથમ ફારસ માનવામાં આવે છે. ‘મિથ્યાભિમાન’નો દંભી નાયક જીવરામ ભટ્ટ ૪૮ વર્ષની ઉંમરે સોળેક વર્ષની ક્ધયા સાથે વિવાહ કરે છે. પત્નીને તેડવા સાસરે પહોંચેલા જીવરામ ભટ્ટ વિદ્યા, ધન, રૂપ, ગુણ વગેરેનું મિથ્યાભિમાન દાખવે છે. જોકે, સાસરિયે તેમની પોલ પકડાઈ જાય છે, તેમની ઠેકડી ઊડે છે અને અંતે અત્યંત કરુણ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. દલપતરામે દંભી અને મિથ્યાભિમાની પાત્રનું સર્જન કરી તત્કાલીન સમાજનાં જડતા, રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા વગેરે દૂષણો રમૂજી શૈલીનો આધાર લઈ ખુલ્લા પાડ્યા અને એ પાછળ લેખકનો આશય સુધારાનો હતો. લોકપ્રિય કલાકાર પ્રાણસુખ નાયકે જીવરામ ભટ્ટના પાત્રને અમર કર્યું. સિદ્ધહસ્ત કલાકાર જયશંકર ‘સુંદરી’ પાસે તાલીમ મેળવનારા પ્રાણસુખભાઈનું જીવરામ ભટ્ટનું પાત્ર નિરૂપણ ગુજરાતી રંગભૂમિનો સીમાસ્તંભ માનવામાં આવે છે. ૧૮૭૧માં લખાયેલું ‘મિથ્યાભિમાન’ છેક ૮૪ વર્ષ પછી ૧૯૫૫માં પ્રથમ વાર ભજવાયું હતું અને એનો જશ જાય છે જયશંકર ‘સુંદરી’ને. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…