ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

હેં… ખરેખર?!: આસામનું માયોંગ ગામ છે ભારતની કાળા જાદુની રાજધાની

-પ્રફુલ શાહ

ઘણાં દેશ, શહેર અને ગામનો એક હટકે ઈતિહાસ હોય છે, અનન્ય વિશેષતા હોય છે. એની પાછળનાં રહસ્યો વર્ષો નહીં, સદીઓથી વણખૂલ્યાં હોય છે. આ વિશેષતામાં આસામના માયોંગ ગામનું નામ અવશ્ય આવે.

આસામના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીને કિનારે આ નાનકડું ગામ આવેલું છે. આ ગામની અડધોઅડધ વસતિ આજેય જાદુ, ભૂત-પ્રેત અને ડાકણમાં શ્રદ્ધાપૂર્વક માને છે. માત્ર માનતા જ નથી એને લગતી વિધિ-ક્રિયા કરે-કરાવે છે ને એમાં પારંગત ગણાય છે. એટલે ‘સ્ત્રી’, ‘મુંજયા’ અને ‘ભૂલભૂલૈયા’ની બોલબાલાના જમાનામાં રૂંવાટા ઊભા કરી દે એવા રોમાંચનો જાત અનુભવ કરવો હોય તો મોયાંગ ભારતનું શ્રેષ્ઠ સ્થળ અવશ્ય છે. ભૂત-પિશાચમાં માનવાવાળા લોકોને આ ગામ ખૂબ ગમે ય છે. કોઈને ડર, ફફડાટ, અવિશ્ર્વસનીય બાબતોમાં રસ હોય તો માયોંગ પહોંચી જવું જોઈએ.

પરંતુ કોઈ ગામની આવી વિશિષ્ટતા શા માટે? એનો એવો તે કેવો ઈતિહાસ છે. માયોંગ પૌરાણિક ગ્રંથ મહાભારતમાં સુધ્ધાં એનો ઉલ્લેખ છે. કહેવાય છે કે મહાબલી ભીમનો માયાવી પુત્ર ઘટોત્કચ્છ આ ગામનો રાજા હતો. માયોંગમાં જ અનેક જાદુઈ શક્તિ મેળવ્યા બાદ તેમણે મહાભારત માટે યુદ્ધ માટે કૂચ કરી હતી.

પૌરાણિક માન્યતાઓ મુજબ માયોંગમાં એક સ્થળ-કુંડ છે ‘બુઢા માયોંગ’ તરીકે ઓળખાય છે. અહીં તાંત્રિક સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરાય છે. આ કુંડ તંત્ર-મંત્રની શક્તિને લીધે કાયમ પાણીથી ભરાયેલો રહે છે અને ક્યારેય ખાલી થતો નથી.

આસામના ગુવાહાટીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે આવેલા માયોંગ વિશે કહેવાય છે કે અહીં આફ્રિકા, તિબેટ અને ચીનથી તથા ભારતનાં અન્ય સ્થળોએથી લોકો તંત્ર વિદ્યા શીખવા આવે છે. લોકવાયકા મુજબ માયોંગવાસીઓને પૂર્વજો પાસેથી તંત્ર-મંત્રની શક્તિઓ મળી છે. આનો ઉપયોગ બીમારીનો ઇલાજ કરવા થાય છે. દૂર-દૂરથી લોકો અહીં સાજા થવા આવે છે.

શરીરના જે ભાગમાં માંદગી કે તકલીફ હોય ત્યાં થાળી મૂકીને ઇલાજ કરાય છે. માન્યતા આવી છે કે આ સારવારમાં ભૂતપ્રેત મદદ કરે છે.

આ સિવાય પહેલી નજરે માની ન શકાય એવી ઘણી ઘટના-સિદ્ધિની માયોંગ ગામમાં ચર્ચા થાય છે. એક સમયે અહીં કાળી શક્તિની પૂજા થતી હતી, ને માનવ-બલિ અપાતાં હતાં. અહીં ખોવાઈ ગયેલી વસ્તુ શોધી આપવાથી લઈને માનવીને જાનવર બનાવી દેવાના ચમત્કાર અમુક ગ્રામવાસીઓ કરતા હોવાનો દાવો થાય છે.

જોકે ગ્રામવાસીઓનો દાવો એવો છે કે અમે તો સમાજનું રક્ષણ કરવા માટે કાળા જાદુનો ઉપયોગ કરીએ છીએ. આ લોકો કોઈનો ઇલાજ કે ભલું કરવા માટે જે તંત્ર-મંત્ર વિદ્યા કરે છે એને સારો જાદુ કહે છે, ને કોઈનું ભુંડું-બરબાદ કરવા માટે વપરાતા જાદુને કાળો જાદુ કહે છે. પણ લોકોને હવામાં ગાયબ કરી દેવાનો જે દાવો થાય છે એ કયાં જાદુમાં આવતો હશે?
માયોંગના મૂળ અને નામ વિશે અન્ય લોકવાયકા ય ખાસ્સી પ્રચલિત છે. એ મુજબ મણિપુરની મોઇરંગ પ્રજા આ ગામની મૂળ નિવાસી હતી.

આ કારણસર ગામ માયોંગ તરીકે ઓળખાવા માંડ્યું. માયોંગ નામ સંસ્કૃત ભાષા સાથે પણ સંકળાયેલું છે. એ મુજબ એનો અર્થ ભ્રમ થાય છે.
આ ગામ વિશે જેટલું જાણીએ એટલું આશ્ચર્ય વધતું જાય. સ્થાનિકોના દાવા મુજબ ગામના લોકો હસ્ત રેખા વાચવાની કળા પણ જાણે છે. અમુક લોકો તો છિપલાં કે કાંચના તૂટેલા ટુકડાના ઉપયોગથી પણ માણસનું ભવિષ્ય ભાખે છે.

તંત્ર-મંત્ર, ભૂત-પિશાચ, જાદુ-કાળા જાદુ અને ભવિષ્યવાણી સિવાય પણ આ ગામમાં થોડુંઘણું અવશ્ય છે. અહીં એડવેન્ચર પ્રેમીઓને જલસો પડી શકે એમ છે. ગામમાં ટ્રેકિંગ અને વૉટર સ્પોર્ટસની સગવડ ઉપલબ્ધ છે.

માયોંગવાસીઓ પોતાની કળાને, આવડતને મોટી સિદ્ધિ માને છે. કદાચ એટલે જ ગુવાહાટીમાં માયોંગ બ્લેકમેજિક એન્ડ વિચક્રાફ્ટ નામક સંગ્રહાલય પણ બનાવાયું છે. આ નામ માત્રનું મ્યુઝિયમ નથી નેશનલ જ્યોગ્રોફિકે એનો સમાવેશ દુનિયાના દશ અનોખા સંગ્રહાલયમાં કર્યો છે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : મર્દને પણ દર્દ થાય છે… અતુલ સુભાષની જેમ અનેક પુરુષ ઘરેલુ હિંસાનો ભોગ બની રહ્યા છે.

આ ઉપરાંત માયોંગની પાસે જ પોબીતોરા વાઈલ્ડલાઈફ સેંક્ચ્યુરી છે. આ વન્યજીવન અભયારણ્ય એક શીંગડાંવાળા ગેંડા માટે જાણીતું છે. અહીં દર નવેમ્બર મહિનામાં પોબીતોરા ફેસ્ટિવલ પણ ઉજવાય છે. માયોંગ ગામમાં કાળા-જાદુ પરની કળાકૃતિઓ અને પુસ્તકોની પણ ભરમાર છે.

આવા માયોંગમાં જવાનું મન થાય છે ખરું? ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટથી બાય રોડ કે રેલવે માર્ગે માયોંગના નજીકના સ્ટેશન જગી રોડ થઈને અહીં જઈ શકાય. માયોંગમાં પગ મૂકતા જ એની વિશિષ્ટતા-વિચિત્રતાની ભેદભરમવાળી વાર્તા કાન સુધી આવવા માંડે.

કાળા જાદુ અને ભૂતપ્રેતને લીધે માયોંગ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પણ અમુક કાનાફુસી એવી ય થાય છે કે ગામની મુલાકાતે આવેલા ઘણાં પર્યટકો ઘરે પાછા ફર્યા જ નથી!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button