ઉત્સવ

બર્થ-ડે ગર્લ આશાનું અવનવું

શુક્રવાર તા. ૮ સપ્ટેમ્બરે પ્રસિદ્ધ પાર્શ્ર્વ ગાયિકા આશા ભોસલેનો જન્મદિવસ ઉજવાયો. ૯૦ વર્ષના આશાજીનો જન્મદિવસ ‘મુંબઈ સમાચારે’ પણ વિશેષ મેટિની પૂર્તિ કાઢીને ઉજવ્યો. જોકે આશાજીની લાંબી કારર્કીદી વિષે જેટલું લખાય એટલું ઓછું છે. આજે રવિવારની સવારે મમળાવો તેમના જીવનની અનેક ઓછી જાણીતી વાતો

પ્રાસંગિક -હેમા શાસ્ત્રી

ઘરમાં ફોન જ નહીં
આશાજીના પહેલા લગ્ન લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે થયા હતા. એમના સ્વભાવનો પરિચય આપતો ઉલ્લેખ સંગીતકાર નૌશાદે રાજુ ભારતને લખેલી આશા ભોસલેની મ્યુઝિકલ બાયોગ્રાફીમાં કર્યો છે. ૧૯૫૦ના દાયકામાં આપણા દેશમાં મોટાભાગના પતિ તેમની પત્ની સાથે જેવો વ્યવહાર કરતા એવું જ વર્તન ગણપતરાવ ભોસલેનું હતું. નૌશાદજીના શબ્દો છે, ‘ભોસલેએ ઘરમાં ફોન જ રાખ્યો નહીં. પોતે સ્ટુડિયોથી સ્ટુડિયો ફરી આશાના રેકોર્ડિંગ અને એનું માનધન નક્કી કરતા. એ સમયે ગણપતરાવ રેશન ઈન્સ્પેક્ટર હતા. એ અનાજની અછતનો સમય હતો અને એટલે એમની સત્તાના ભયથી કોઈ પણ વ્યક્તિ બે ચાર ફોન કરતા તેમને રોકતી નહીં. આશાજીને સતત ગીત મળતાં રહ્યાં એમાં ગણપતરાવની આ ભાગદોડ જવાબદાર છે.’
હુગલીને કાંઠે ટ્યુનનો જન્મ
શક્તિ સામંત આર ડી બર્મનને મળવા મુંબઈ આવ્યા ત્યારે તેમણે પંચમને કહ્યું કે હું અમિતાભ-ઝીનતને લઈ ફિલ્મ બનાવી રહ્યો છું અને તારે એમાં મ્યુઝિક આપવાનું છે. આ ફિલ્મ અમિતાભ, ઝીનત તેમ જ તારી અને મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. બધું હિટ જવું જોઈએ. આ વાતચીત સાંભળી આશાજી તરત બોલ્યા કે ‘શક્તિ દા, હું પણ આ ફિલ્મનો હિસ્સો છું. તમે મારું નામ કેમ ન લીધું?’ એ દિવસથી પંચમ અને આશા ફિલ્મનાં ગીતો વિશે વિચારવા લાગ્યા હતા. એક સાંજે કલકત્તાની હુગલી નદીના કિનારે બંને બેઠાં હતાં ત્યારે અચાનક આર ડી બોલ્યા કે આશા ધૂન મિલ ગઈ. અને આશાજીનું યાદગાર ગીત ‘દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની, યા હૈ મોહબ્બત, યા હૈ જવાની’ તૈયાર થયું. આ ગીત ધ્યાનથી સાંભળશો તો હોડીના હલેસા રિધમ આપતા હોય અને નદી જાણે ગીતમાં સૂર પુરાવતી હોય એવું લાગે છે.
‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’
‘ઈજાઝત’નું રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’ ગીતના શબ્દોમાં રિધમ નથી. છંદમેળ, મીટર વગેરે કશું જ નથી. અછાંદસ પ્રકારની રચના છે. ગુલઝારે આ ગીત જ્યારે પહેલીવાર પંચમને બતાવ્યું ત્યારે પંચમે એ આખી વાત હસી કાઢી કહ્યું હતું કે આવતીકાલે તો ગુલઝાર અખબારની હેડલાઈન પરથી ગીત તૈયાર કરવા કહેશે, તો શું મારે એ પણ કરવાનું? એક ઈન્ટરવ્યૂમાં આશાજીએ જણાવ્યું હતું કે ગુલઝારે ગીત લખેલો કાગળ પંચમને હાથમાં આપ્યો અને એના પર નજર ફેરવી પંચમે એને કચરા ટોપલીમાં પધરાવી દીધો. પછી હું એ ગીત ગણગણવા લાગી અને પંચમના મગજમાં બત્તી થઈ અને ૧૫ મિનિટમાં જ તેણે ગીત તૈયાર કરી નાખ્યું.
અવિનાશ વ્યાસ-શંકરરાવ વ્યાસ
ગુજરાતી સુગમ સંગીત અને ફીલ્મ સંગીતમાં વિશિષ્ટ પ્રદાન કરનારા ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસે હિન્દી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. આશાજી સાથે સૌપ્રથમ ‘ભીમસેન’ (૧૯૫૦) ફિલ્મમાં કામ કર્યું હતું.
કહેવા માટે તો અવિનાશ વ્યાસ સંગીતકાર હોય એવી બે ડઝન ફિલ્મોમાં આશાજીએ ગીત ગાયા છે, પણ મોટાભાગની પૌરાણિક ફિલ્મો હતી. આ પ્રકારની ફિલ્મોના ગીત ભાગ્યે જ ચીર સ્મરણીય રહે છે. એ ઉપરાંત વિજય ભટ્ટ સાથે ‘રામ રાજ્ય’, ‘ભરત મિલાપ’ જેવી ફિલ્મો કરનારા કોલ્હાપુરમાં જન્મેલા શંકરરાવ વ્યાસે પણ આશાજી સાથે ચાર પૌરાણિક ફિલ્મ કરી હતી.
૧૯૫૧-૬૦: દીદી કરતાં તાઈ આગળ
૧૯૫૦ના દાયકામાં લતા દીદી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગજબના છવાઈ ગયાં હતાં. ટોચના બધા સંગીતકારો ‘દીદી દીદી’ કરતા હતા પણ એવા સંગીતકાર સુધ્ધાં હતા અથવા એવા બજેટવાળી ફિલ્મો પણ હતી જે આશા તાઈને પ્રાધાન્ય આપતા હતા. આ દાયકામાં આશાજી અઠવાડિયાના છ દિવસ રેકોર્ડિંગ કરતાં હતાં. ખાતરીલાયક માહિતી અનુસાર આ દાયકામાં હિન્દી ફિલ્મોમાં આશાજીના ૨૧૩૯ ગીત રેકોર્ડ થયા હતા જ્યારે એ જ અરસામાં લતાજીના ૧૮૭૭ ગીત રેકોર્ડ થયા હોવાની નોંધ છે. આમ તાઈ દીદી કરતાં આગળ હતા.
‘બેવકૂફ’ આર.ડી.
આ કિસ્સો ખુદ આશા ભોસલેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘હું કોઈ ગીતનું રિહર્સલ કરી રહી હતી ત્યારે ફૂલવાળો ફૂલ લઈ મારી પાસે આવ્યો. મને આવ્યો ગુસ્સો અને હું તાડુકી, ‘ફેંકી દે બધા ફૂલ. ખબર નહીં, કોઈ બેવકૂફ રોજ રોજ મને ફૂલ મોકલી ફૂલ બગાડી રહ્યો છે. એ સમયે મજરુહ સાબ અને આર. ડી. ત્યાં જ બેઠા હતા. મજરુહ સાહેબ મારો ઉકળાટ જોઈ હસી પડ્યા અને બોલ્યા કે ‘એ બેવકૂફ આર.ડી. જ છે જે તમને ફૂલ મોકલે છે.’
‘તું પહેલા મંગેશકર છે, પછી ભોસલે’

આર. ડી. બર્મન ‘તીસરી મંઝીલ’ના ગીત તૈયાર કરી રહ્યા હતા ત્યારની આ વાત છે. ‘ઓ આજા આ આ આજા’ ટ્રેકનું ગીત ગાવા વિશે આશા તાઈ દ્વિધામાં હતા. આ ગીત પોતે ગાઈ શકશે કેમ એની શંકા છે એવું મોટી બહેન લતા મંગેશકરને કહ્યું ત્યારે દીદીએ આત્મવિશ્ર્વાસ વધારવા કહ્યું કે ‘તું ભૂલી જાય છે કે તું પહેલા મંગેશકર છે અને પછી ભોસલે. તારે આ ગીત ગાવું જ જોઈએ અને તું સારું જ ગાઈશ.’ દીદીનો વિશ્ર્વાસ સાચો પડ્યો એ આપણે સૌ જાણીએ છીએ.

લતા મંગેશકર-આશા ભોસલેના યુગલગીત
લતા મંગેશકર અને આશા ભોસલેએ વર્ષો સુધી ફિલ્મ સંગીતના શોખીનોને એક એકથી ચડિયાતા ગીતોની ભેટ આપી છે. બન્નેની ગાયનશૈલી અલગ હતી અને આશરે ૮૦ ગીત બન્નેએ સાથે ગાયા હોવાની નોંધ છે. સૌપ્રથમ ૧૯૫૧માં રિલીઝ થયેલી ‘દામન’ નામની ફિલ્મમાં તેમનું પ્રથમ યુગલગીત સાંભળવા મળ્યું હતું. ગીતકાર રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર કે. દત્તાના ગીતના શબ્દો છે ‘યે રુકી રુકી હવાએં’. બન્ને બહેનોએ યુગલગીતોની એક ઝલક પેશ છે.
૧) કર ગયા રે, કર ગયા મુજપે જાદુ સાંવરિયા – બસંત બહાર
૨) મન ભાવન કે ઘર જાયે ગોરી – ચોરી ચોરી
૩) મેરી વીણા તુમ બિન રોયે – દેખ કબીરા રોયા
૪) જા જા રે જા સાજના – અદાલત
૫) ક્યા હુઆ, યે મુજે ક્યા હુઆ-જિસ દેશ મેં ગંગા બહતી હૈ
૬) હો કોઈ આયેગા, આયેગા, આયેગા – પ્રોફેસર
૭) મેરે મેહબૂબ મેં ક્યા નહીં ક્યા નહીં – મેરે મેહબૂબ
૮) મૈં ચલી, મૈં ચલી, દેખો પ્યાર કી ગલી – પડોસન
૯) છાપ તિલક સબ છીની રે – મૈં તુલસી તેરે આંગન કી
૧૦) પા કે અકેલી મુજે છેડ રહા – જેલ યાત્રા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button