ઉત્સવ

ભારતની જ વિરુદ્ધમાં કેનેડાની સરકારની કાનભંભેરણી કરનારા મૂળ ભારતીય જગમીત સિંઘનો બાયોડેટા

કેનવાસ – અભિમન્યુ મોદી

ભારત અને કેનેડા વચ્ચેના જે સંબંધ વણસી રહ્યા છે તે ભલે પહેલી વખતનું ન હોય પણ આટલો ગંભીર મામલો આજ સુધી બન્યો ન હતો. ભારત અને કેનેડા વચ્ચે એક જ અઠવાડિયામાં ઘણું અંતર આવી ગયું છે. કેનેડાની કંપનીઓ સસ્તે બિઝનેસ કરતી ભારતીય કંપનીઓને લોન આપવાની પણ મનાઈ આવી ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ જે કેનેડા જવાનું સપનું જોઈ રહેલા તેના સપનાને અત્યારે બ્રેક લાગી ગઈ છે. આ બધું થઇ રહ્યું છે તે આપણે જાણીએ છીએ. પણ આ આખા નાટકમાં જે મુખ્ય પાત્ર છે તે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નહિ પણ કેનેડાની સંસદના સભ્ય જગમીત સિંઘ છે. કોણ છે આ ખાલિસ્તાની સપોર્ટર? જે ભારત દેશના હજુ ભાગલા પાડવા માંગે છે?

જગમીત સિંઘ કેનેડાની ડાબેરી ઝુકાવ ધરાવતી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના મુખ્ય સાથી છે. ૨૦૧૫માં સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનતરફી રેલીમાં નારો લગાવનાર સિંઘે માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજજરને ‘ન્યાય’ અપાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેના માટે તેઓ ભારતની વિરુદ્ધમાં પણ સ્ટેન્ડ લઇ રહ્યા છે. ભારતની વિરુદ્ધ એટલે શીખો સિવાયના દરેક ભારતીય વિરુદ્ધ. આ ભારત માટે અને કેનેડા વસતા ભારતીયો માટે ચિંતાની ઘંટડી સમાન સમય કહેવાય.

હરદીપ સિંહ નિજજરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે, ત્યારે અડધી દુનિયાની નજર એક વ્યક્તિ પર છે – કેનેડિયન સાંસદ જગમીત સિંઘ. ભારતીય મૂળના શીખ એવા જગમીત સિંઘ આતંકવાદી નિજજરનો ફોટો પકડીને બેઠા છે. તેમણે જ હેન્ડસ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ખાલિસ્તાન તરફી રાજનીતિ કરવા માટે પ્રેરિત કર્યા હોય એવું હવે બધા માને છે. કોણ છે આ પંજાબી સિંઘ? તે ટ્રુડોને કેવી રીતે અસર કરે છે?
કેનેડાના અને ભારતના મીડિયામાં છૂટક છૂટક રહેલી માહિતી ઉપરથી થોડું ચિત્ર સ્પષ્ટ થયું છે. જગમીત સિંઘના માતા-પિતા ‘સારા જીવન માટે’ ભારતના પંજાબથી કેનેડા ગયા હતા. સારું જીવન એટલે બેટર લાઈફ સ્ટાઈલ. જગમીત સિંઘનો જન્મ ૨ જાન્યુઆરી, ૧૯૭૯ના રોજ સ્કારબોરો, ઓન્ટારિયોમાં થયો હતો. પણ તેઓ સ્કારબોરો ઉપરાંત સેન્ટ જોન્સ અને વિન્ડસરમાં મોટા થયા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયો (૨૦૦૧)માંથી બાયોલોજિમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી તેમજ યોર્ક યુનિવર્સિટીની ઓસગુડ હોલ લો સ્કૂલ (૨૦૦૫)માંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી છે. (આ અમુક ક્રાંતિકારી નેતાઓ વકીલ તો હોય જ છે, હે ને?) રાજકારણ પહેલાં આ પાપાજીએ ગ્રેટર ટોરોન્ટો એરિયામાં ફોજદારી બચાવ વકીલ તરીકે કામ કર્યું હતું. તેઓ ૨૦૧૧ માં ઓન્ટારિયો વિસ્તારના સંસદ બન્યા અને ૨૦૧૭ સુધી તે પદ પર સેવા આપી. ઓન્ટારિયો વિધાનસભામાં બેસનાર તેઓ પ્રથમ પાઘડીધારી હતા.

૧ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ જગમીત સિંઘ રાષ્ટ્રીય પાર્ટી-એનડીપીના નેતા બન્યા. મીડિયાના રીપોર્ટ અનુસાર, જગમીત સિંઘ કેનેડાના મોટા રાજકીય પક્ષના પ્રથમ બિન-શ્ર્વેત નેતા છે. સત્તામાં તેમના આરોહણ દરમિયાન, તેમણે GQ મેગેઝિનનું ધ્યાન આકર્ષિત કર્યું. મેગેઝીને તેમને “કેનેડિયન રાજકારણમાં ગજબનાક ઝડપે ઉભરતા સ્ટાર તરીકે વર્ણવ્યા હતા. તેમણે ૨૦૧૯ થી બર્નાબી સાઉથ માટે સંસદ સભ્ય તરીકે સેવા આપી છે. તે તેની પત્ની ગુરકિરણ અને પુત્રી અનહદ સાથે બર્નાબી સાઉથમાં રહે છે. તે અસ્ખલિત ફ્રેન્ચ અને પંજાબી બોલે છે.

ટ્રુડો પર પ્રભાવ, ખાલિસ્તાન અને નિજજરને સમર્થન

સપ્ટેમ્બર ૨૦૨૧ માં, ટ્રુડોની લિબરલ પાર્ટી ફરીથી ચૂંટણી જીતી હતી પરંતુ સંસદમાં બહુમતી બેઠકો જીતવામાં નિષ્ફળ રહી હતી. માર્ચ ૨૦૨૨ માં, ટ્રુડોએ ફાર્માસ્યુટિકલ અને ડેન્ટલ કેર યોજનાઓના સોદાના બદલામાં સમર્થન માટે સિંઘની NDP સાથે સોદો કર્યો. ટ્રુડોએ તે સમયે કહ્યું હતું કે, “અમે સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.” “આપણે જેની સાથે અસંમત છીએ તેના બદલે આપણે જેના પર સહમત છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે છે.

કેનેડામાં રૂઢિચુસ્તોએ ‘જસ્ટિન ટ્રુડો દ્વારા સત્તા હડપ’ તરીકે તેમના રાજકારણના જોડાણ અને સત્તારૂઢ થયાની ઘટનાની નિંદા કરી હતી. પણ જગમીત સિંઘ કોઈ રીતે તેમની નજીક પહોચી ગયા. એ તો એટલી હદ સુધી કે ટ્રુડો તેમના પ્રભાવમાં આવી ગયા. મીડિયાના અમુક વર્તુળો તો ચોક્કસપણે માને છે કે ટ્રુડોની સરકાર તેના રાજકીય અસ્તિત્વ માટે જગમીત સિંઘની એનડીપી પર સંપૂર્ણપણે નિર્ભર છે. આ વાત જગમીત સિંઘ ન જાણતા હોય એવું બને નહિ અને આ મજબૂરીનો લાભ લીધા વિના તેઓ રહ્યા નહિ. ટ્રુડોને તેમણે ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી કરી નાખ્યા. જગમીત સિંઘની આવી હરકતોને કારણે અને તેની કથિત ભારત વિરોધી પ્રવૃત્તિઓ તથા ઉગ્રવાદીઓ સાથેના સંબંધોને કારણે ૨૦૧૩માં ભારતે વિઝા આપવાની ના પાડી દીધી હતી.

એ સમયે જગમીત સિંઘ મીડિયા સમક્ષ રડવા બેઠા કે તેઓ બે એનજીઓ દ્વારા ‘શીખ ઓફ ધ યર’ તરીકે સન્માનિત થવા માટે અમૃતસર જઈ રહ્યા હતા પણ ભારત સરકાર તેને ભારતમાં પગ મૂકવા નથી દેતી. તેમણે મીડિયાને જણાવ્યું કે નવેમ્બર ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે ન્યાય માટે અવાજ ઉઠાવવા બદલ ભારત સરકાર તેમનાથી નારાજ છે. પણ મનમોહનસિંહની સરકાર એમાં ખોટી ન હતી. જગમીત સિંઘ આ ઘટનાના સોશિયલ મીડિયા વીડિયોમાં સિંઘને જરનૈલ સિંહ ભિંદરાનવાલેના મોટા પોસ્ટર સાથે એક મંચ પર બોલતા દેખાતા હતા. ભિંદરાનવાલે એક શીખ આતંકવાદી નેતા હતા જેમણે સ્વતંત્ર શીખ માતૃભૂમિ માટે અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં શસ્ત્રો ભેગા કરીને લડ્યા હતા એ સૌ જાણે છે. ૧૯૮૪માં જ્યારે ભારતીય સેનાએ ઓપરેશન બ્લુ સ્ટારમાં શીખ ધર્મના સૌથી પવિત્ર મંદિર સુવર્ણ મંદિરમાં ટેન્ક ઘુસાડીને હુમલો કરેલો ત્યારે તે અને તેમના સમર્થકો માર્યા ગયા હતા. આ ઉગ્રવાદીઓ ભિંદરાનવાલેને શહીદ માને છે!
આ ઘટનાના જૂના વીડિયો જોઈએ તો જગમીત સિંઘ, જે તે સમયના ઑન્ટારિયો વિધાનસભાના સભ્ય હતા. એક વીડિયોમાં તેઓ “ભારત શીખ વતનમાંથી બહાર અને ૧૯૮૪ શીખ નરસંહારની સ્વતંત્રતા લખેલા ચિહ્નો સાથે ટ્રકની પાછળ સાર્વભૌમત્વ તરફી કૂચમાં ચાલતા દેખાય છે. તેમણે ભારત પર શીખો વિરુદ્ધ ‘નરસંહાર’ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

જગમીત સિંઘ મીડિયામાં સ્ટેટમેન્ટ આપતા ફરે છે – “આપણે નરસંહારની વાત કેમ કરીએ છીએ, અમને શું થયું- અમે તેના વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે, આપણા દેશમાં જ્યાં આપણે રહીએ છીએ, સુવર્ણ મંદિર પર હુમલો એ દેશમાં એક આયોજિત પ્રક્રિયા હતી જેણે જાણીજોઈને અમને મિટાવવાનો પ્રયાસ કર્યો હતો.

અપમાનજનક અને આઘાતજનક

જગમીત સિંઘે નિજજરની હત્યામાં ભારતની સંડોવણીને ‘અપમાનજનક અને આઘાતજનક’ ગણાવી હતો. ભારત ઉપર સીધું દોષારોપણ તેમણે કર્યું. હવે આ નિજજર કોણ છે? નિજજર પિસ્તાલીસ વર્ષનો હતો. તે પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ ((KTF) નો ચીફ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો, તેના માથા પર ૧૦ લાખ રૂપિયાનું રોકડ ઈનામ હતું.

જગમીત સિંઘે દાવો કર્યો હતો કે તે એવી વાર્તાઓ સાંભળીને મોટો થયો છે કે માનવ અધિકારોની વાત કરતા ભારતના દંભને પડકારવાથી તમને ત્યાં મુસાફરી કરવા માટે વિઝા મળવાથી રોકી શકાય છે. આગળ સિંઘે કહ્યું કે, “પરંતુ કેનેડાના વડા પ્રધાનને સાંભળીને કેનેડિયન નાગરિકની વિદેશી સરકાર દ્વારા કેનેડિયન ભૂમિ પર થયેલી હત્યા વચ્ચે સંભવિત જોડાણની પુષ્ટિ કરવી એ એવું દ્રશ્ય છે જેની મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી. તેણે અન્ય દેશો, ખાસ કરીને ચીન દ્વારા કેનેડાના મામલામાં કથિત હસ્તક્ષેપની સપ્ટેમ્બરમાં શરૂ કરાયેલી તપાસમાં ભારતને સામેલ કરવાની પણ હાકલ કરી હતી.

“મારા અનુભવમાં, એક શીખ-કેનેડિયન તરીકે, હંમેશા એવી શંકા રહી છે કે ભારત કેનેડિયનોના લોકશાહી અધિકારોમાં દખલ કરી રહ્યું છે. આ ઘોષણા પુષ્ટિ કરે છે કે મારી શંકાઓ સાચી છે. આવું બેફામ બોલનાર માણસને જો વડા પ્રધાનનો ટેકો ન હોય તો બોલી શકે ખરો? ‘વારિસ પંજાબ દે’ના ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબમાં કાર્યવાહી અંગે તંગદીલી વધારવા માટે માર્ચમાં ટ્વિટર પર જગમીત સિંઘની ટીકા કરવામાં આવી હતી. આગળ ટ્રુડો અને જગમીત સિંઘની જોડી કેનેડામાં શું ઉત્પાત મચાવે છે અને તેની અસર આપણા ભારતીયો ઉપર કેવી પડે છે તે જોવાનું રહ્યું. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button