બિકાઉ ભીડ કે ટિકાઉ લોકો? પ્યારી પ્રજાની પ્રાણ-પરીક્ષા
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: આ દુનિયામાં ફ્રીમાં, શ્ર્વાસ સિવાય કશું મળતું નથી. (છેલવાણી)
એક કોન્ફરન્સ માટે ૨ સિનિયર વકીલો અને સાથે ૨ જુનિયર વકીલો ટ્રેનમાં જવા નીકળ્યા. સ્ટેશન પર ૨માંથી ૧ જુનિયર વકીલે જોયું કે સિનિયર વકીલે, બે જણાંની વચ્ચે એક જ ટિકિટ ખરીદી.
તમે બંને એક જ ટિકિટ પર મુસાફરી કરશો? એક જુનિયર વકીલે પૂછ્યું.
તું બસ જો તો જા અમારો ખેલ. ૧ સિનિયર વકીલે કહ્યું.
ટ્રેનમાં બેઉ જુનિયર વકીલો પોતાની સીટ પર બેઠા પણ બેઉ સિનિયર વકીલો ટોઇલેટમાં છુપાઇ ગયા. થોડીવારે ટિકિટ ચેકરે ટોઇલેટનો દરવાજો ખખડાવીને કહ્યું, ટિકિટ બતાડો. તો ટોઇલેટમાં છુપાયેલા બેમાંથી એક સીનિયર વકીલે થોડો દરવાજો ખોલીને એક ટિકિટ બતાવી. ટી.સી.એ ચેક કરીને ચાલતી પકડી. બેઉ જુનિયર વકીલો તો સિનિયર્સની ચાલાકીથી પ્રભાવિત થઈ ગયા.
કોન્ફરન્સમાંથી પાછા ફરતી વખતે સિનિયર વકીલોએ, જુનિયર વકીલોને સલાહ આપી, ‘તમે પણ અમારી જેમ એક જ ટિકિટવાળી યુક્તિ અજમાવો’ જુનિયર વકીલો લલચાયા ને એમણે ૨ વચ્ચે એક જ ટિકિટ ખરીદી. પણ એટલામાં એક જુનિયર વકીલે જોયું કે આ વખતે સિનિયરોએ તો ૧ ટિકીટ પણ ખરીદી નહીં! તમે બેઉ આ વખતે સાવ ટિકિટ વિના મુસાફરી કરશો? જુનિયર વકીલે પૂછ્યું.
બસ જોતાં જાવ ને શીખો.સિનિયર વકીલે કહ્યું.
પછી ચારેય વકીલો ટ્રેનમાં ચઢી ગયા. બેઉ જુનિયર વકીલો સિનિયર વકીલોની જેમ એક ટોઇલેટમાં છૂપાઇ ગયા. જેવી ટ્રેન ચાલુ થઇ કે એક સિનિયર વકીલે, જુનિયર વકીલોના ટોઇલેટનો દરવાજો ખખડાવીને કહ્યું,હું ટી.સી છું, તમારી ટિકિટ બતાવો.
જુનિયર વકીલે, દરવાજામાંથી એક હાથ બહાર કાઢીને ટિકિટ બતાવી. સિનિયર વકીલ, એ ટિકિટ લઈને જતો રહ્યો! હવે જ્યારે ખરેખર ટિકિટ-ચેકર આવ્યો અને ટોયલેટનો દરવાજો ખખડાવ્યો ત્યારે જુનિયર વકીલોને ભાન થયું કે સિનિયર વકીલોએ મફતમાં સફર કરવાની લાલચમાં કેવા છેતર્યા છે!
આ વાર્તામાંનાં જુનિયર વકીલોની જેમ આપણે પણ કંઈક મફતમાં મેળવી લેવાની લાલચમાં કૈં કેટલા ખોટા નિર્ણયો લઈએ છીએને? હમણાં હવે ૪-૫ રાજ્યોમાં ને આવતા વરસે સમગ્ર દેશમાં ઇલેક્શનની મોસમ આવી રહી થઇ છે. ચૂંટણીનાં સમયે દરેક પક્ષ વોટ માટે મફતની રેવડીઓ વહેંચે રાખે છે. ક્યાંક મફત ભોજન આપીને તો ક્યાંક ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરીને તો ક્યાંક સ્ત્રીઓને મોબાઈલ માટે ૯-૯ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરીને તો ક્યાંક દર મહિને ખાતામાં ૧૨૦૦ રૂપિયા આપવાનનો વાયદો કરીને દરેક પક્ષ, ભોળી પ્રજાને મફતની લાલચ આપે છે. તો આ મફત ’રેવડી’ઓનું નામ કોઇક ‘લાભાર્થી રાહત યોજના’ તરીકે ખપાવે છે. આમાં ફક્ત શબ્દો જ બદલાય છે, રાજનીતિની નહીં. સરકાર આવે ને જાય પણ લાચાર પ્રજાની ગરીબાઇ, વોટનાં તરાજુ પર સતત તોળાયાં કરે છે.
ઇંટરવલ:
તુમ મુઝે ક્યા ખરીદોગે?
મૈં તો મુફ્ત મેં બિકતા હૂં (વિ.પી. સિંઘ, ભૂતપૂર્વ પી.એમ.)
આફ્રિકામાં વાંદરાઓને પકડવા મદારીઓ સાંકડા મોઢાંવાળી બોટલમાં ચણાં મૂકી રાખે અને વાંદરાઓ એ ચણાં લેવા બોટલમાં હાથ નાખીને મુઠ્ઠીમાં ચણાં લે અને પછી એમનો પંજો બોટલમાંથી બહાર જ નીકળે નહીં! જો એ બંદર મુઠ્ઠીમાં લીધેલાં ચણાંની લાલચ છોડી દે તો જીવ બચી શકે પણ એ લાલચ , મોહ છૂટતો નથી! અને એટલામાં મદારી બંદરને પકડી લે..આ છે: ‘પો(પંજો) ઇન ધ બોટલ’- ટ્રિક!
ખરેખર તો મફતમાં મા-બાપનો પ્રેમ, દોસ્તોની દુઆ કે દિલરૂબાના દિલ સિવાય બીજું કંઇ જ મળતું નથી. મફતની ગિફ્ટ, કોઈ પ્રોગ્રામના મફતના પાસ કે મફતનું જમણ વગરે માટે આપણે બધાં બહુ થનગનતા હોઈએ છીએ. પછી ભલેને મફતની લાલચ આપીને ઠગીઓ આપણું બેંક બેલેન્સ ખાલી કેમ ના કરી જાય? કે પછી જાતજાતની સ્કીમ દેખાડીને આપણા સોનાનાં ઘરેણાં કેમ ના ચોરી જાય? લૂંટાઇ જનાર માણસની લાલચ’ એ જ આ ઠગીઓનું હથિયાર છે. ખરેખર તો એમનો પૈસો નહીં પણ આપણી ગરીબી એમનું હથિયાર હોય છે.
પણ પ્રજા તરીકે આપણને મફતનું બધું કોઠે પડી ગયું છે ને? ‘અર્ધસત્ય’ અને ‘આક્રોશ’ જેવી તેજાબી ફિલ્મોનાં લેખક અને નાટ્યકાર વિજય તેંદુલકરે સરસ વાત કહેલી કે નિર્માતાઓ
ફિલ્મ, નાટકો કે ટીવી માટે વાર્તા માંગવા આવી ચઢે ને ૨-૩
કલાક ચર્ચા કરે, ચા-પાણી પીવે અને સ્ક્રિપ્ટનો આઇડિયા લઇને જતા રહે.
એમાનાં ૯૦% કાંઇ પ્રોડયુસર કંઇ કરે નહિ, ૫% આઇડીયા ચોરી લે. માત્ર ૫% જ ઇમાનદાર નિર્માતા હોય. તો તેંદૂલકરે આઇડિયા વિચાર્યો કે એક મીટિંગનાં ૫૦૦૦ રૂ. માંગવાનાં. જો ફિલ્મ કે સિરિયલ બને તો એમની ફીમાંથી ૫૦૦૦ બાદ થઇ જાય પણ જો ના બને તો મીટિંગનાં ૫૦૦૦ ગયા! માટે ખરેખર જેને લેખક વિજય તેંદુલકરમાં કે સ્ક્રિપ્ટમાં રસ હતો એ જ લોકો આવવા લાગ્યા અને લેભાગુ-ટાઇમપાસ કરવાવાળાં કે ચોરટાંઓ ફરકવા બંધ થઇ ગયા!
એક લેખકનો વિચાર, સમય કે કલાકારની હાજરી ‘મફત’માં અવેલેબલ છે એવું લેબલ હટાડવાનો આ જ સચોટ ઉપાય છે. આપણે સુગમ સંગીતના કે મ્યુઝિકના કાર્યક્રમોમાં હજારોની સાઉન્ડ સિસ્ટમ, વાજિંત્રો વગાડનારાઓ, ગાયકો વગેરેને ખૂબ બધા રૂપિયા આપીને બોલાવીએ છીએ પણ જે કવિનું ગીત ગવાય છે એને એક રૂપિયો મોકલવાનું સૂઝતું નથી કારણ કે ધંધાડુ સમાજ માટે કવિનાં શબ્દો તો મફતના જ હોય છેને?
જ્યારે, જે ઘડીએ, મફતમાં મળતો પ્રેમ કે આદર, સ્નેહ કે પછી મફતમાં મળતાં હવા-ઉજાસ-તડકો-ખૂશ્બૂ એ બધાંનું મૂલ્ય આપણે સમજીશું ત્યારે જ સમાજ સાચા અર્થમાં ‘આઝાદ’ થશે.
એંડ-ટાઇટલ્સ:
આદમ: દરેક નેતા કરપ્ટ હોય શકે?
ઇવ: ના. અત્યારે કઇ પાર્ટીમાં છે?