ઉત્સવ

કોહલીની કારકિર્દીમાંથી શીખવા જેવા વિરાટ બોધપાઠ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

‘દ્રાક્ષનું ઝાડ ઊંચું હોય અને કૂદકા મારવા છતાં દ્રાક્ષ હાથમાં આવતી ન હોય ત્યારે એ તો ખાટી હોય’ એવું કહીને નિષ્ફળતામાં મન મનાવી લેવાનું આસાન છે. ખરી સિદ્ધિ દ્રાક્ષ ચાખ્યા પછી તેને ત્યજી દેવાની છે. જીવનમાં પણ એવું હોય છે. કોઈક નિષ્ફળતા પછી તે કામ છોડી દેવું સરળ છે અને બધા કરતા હોય છે, પરંતુ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ત્રણ સફળ ક્રિકેટરોએ વિજયના બ્યુગલ સાથે ટી-૨૦ ઇન્ટરનેશનલ રમતમાંથી એક સાથે નિવૃત્તિ જાહેર કરી છે. તાજેતરમાં બ્રિજટાઉનમાં ભારત માટે ટી-૨૦ વિશ્ર્વ કપની ટ્રોફીને ઊંચક્યા પછી જમણેરી બેટ્સમેન વિરાટ કોહલી, કપ્તાન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી-૨૦ ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ત્રણેએ ટી- ૨૦ માં એક દાયકા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે અને હવે નવી પેઢીના ખેલાડીઓએ એમનું સ્થાન લેવાનો વખત છે.

‘આ મારો છેલ્લો ટી-૨૦ વિશ્ર્વ કપ હતો’, ત્રણેમાંથી સિનિયર કોહલીએ કહ્યું હતું : હું શાનથી રમવા માગતો હતો. અમે કપ જીતવા માગતાં હતા. મને ટીમ માટે મારી ફરજ પૂરી કરવાનો સંતોષ છે. હવે નવી પેઢીનો વારો છે.’ પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર જાવેદ મિયાંદાદે કોહલીની પ્રશંસા કરતાં કહ્યું : શાનથી નિવૃત થવાનું આને કહેવાય. ભારતીય ક્રિકેટમાં અનેક ઉત્કૃષ્ઠ ખેલાડીઓ આવ્યા છે, જેમનાં નામ ઈતિહાસમાં દર્જ થઇ જવાનાં છે. વિરાટ કોહલી, જેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે, તે આવી એક લાંબી યાદીમાં લેટેસ્ટ નામ છે. ૩૭ વર્ષની વયે એની પાસે સારા- ખોટા અનુભવોનું એક તગડું ભાથું છે અને તેનો ઉપયોગ એન પોતાની રમતને સુધારવામાં કરીને તે પોતાનું નામ તો રોશન કરશે જ, સાથે સુનીલ ગાવસ્કર, સચિન તેન્ડુલકર અને કપિલ દેવની જેમ ભારતના યુવાનો માટે પથદર્શક બનશે.

ચાહે રાજનીતિના હોય, ક્રિકેટના હોય, સિનેમાના હોય, બિઝનેસના હોય કે સૈન્યના હોય, આપણે આપણા હીરોમાંથી કોઈ પ્રેરણા લઈએ તો આપણું ચાહક થવું લેખે લાગે. એમનામાંથી શું શીખવા જેવું
હોય છે? માત્ર આ ચાર જ વાત: બલિદાન-સંઘર્ષ- પ્રતિરોધ અને અડચણો પાર કરવાની ક્ષમતા. કોઇ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિઓનું જીવન તપાસશો, તો આ ચાર વાતનું સામ્ય જરૂર જોવા મળશે. વિરાટ કોહલી ક્રિકેટમાં આવ્યો ત્યારે તે એટલો હોનહાર નહોતો. બલ્કે એ એની અંગત આક્રમકતા માટે બદનામ હતો અને અનેક વિવાદોનો ભોગ બન્યો હતો, પરંતુ એ યાત્રામાં કંઇક એવું થયું કે એણે પોતાની એ આક્રમકતાને વ્યવસાયિક તાકાત બનાવી દીધી અને એની ક્રિકેટિંગ ટેલેન્ટમાં જબરદસ્ત સુધાર આવ્યો. કોહલીની સફળતાનું રહસ્ય તેનું આ પરિવર્તન છે.

વિરાટની ક્રિકેટ કારકિર્દી પર જો નજર નાખવામાં આવે તો એના જીવનમાંથી ૧૦ વાત વિશેષ શીખવા જેવી છે. એ દસ વાતથી જ એને એક ઉત્તમ ખેલાડી (અને ઉત્તમ માણસ) બનાવ્યો છે:
૧.) દૃઢનિશ્ર્ચયી:

વિરાટમાં એક પ્રકારની જિદ્દ છે. તેના કારણે એનામાં હાર ન માનવાની વૃત્તિ વિકસી છે. તે કોઇપણ સ્થિતિમાં અડીખમ રહી શકે છે. નિરાશ થવાને બદલે છેેલ્લા બોલ સુધી રમવામાં માને છે. ફાઈટિંગ સ્પિરિટ હોવો સફળતા માટે બહુ જરૂરી છે.

૨.) રમત માટે પ્રેમ:
વિરાટ પ્રસિદ્ધિ માટે કે પૈસા માટે નથી રમતો. એ તો એની બાયપ્રોડક્ટ છે. મૂળે તો તે ક્રિકેટને પ્રેમ કરે છે. એને ફિલ્ડ પર ઊભા રહેવાની મજા આવે છે. એ રમતને સમર્પિત છે. તમે જયારે તમારા કામની પૂજા કરતાં હો, તેમાં સંપૂર્ણપણે ખૂંપેલા હો તો તેમાં તમાંરુ બહેતર બહાર ન આવે તે શક્ય નથી. એના રૂટિનમાં આરામનો દિવસ જેવું કશું હોતું નથી. તે રોજ રિહર્સલ કરતો રહે છે.

૩) જીવનશૈલી:
એની મેદાન પરની ફિટનેસ હોય કે વ્યક્તિગત જીવન, વિરાટે એક શિસ્ત જાળવી રાખી છે. જેમાં સ્પર્ધા ખૂબ હોય, જેમાં સ્ટ્રેસ બહુ હોય અને જેમાં ઘણા બધા લોકો સામેલ હોય તેવા કામમાં એક લીડરે સંયમિત અને અનુશાસિત જીવન જીવવું પડે છે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોવું એ સફળ થવા માટે જરૂરી શરત છે.

૪.) નમ્રતા:
એ સાચું કે વિરાટનો સ્વભાવ તડતડીઓ છે. લોકો સાથે ઝઘડી પડવું એ એની ભાવનાત્મક તંદુરસ્તીની કોઈક કમજોરી હોઈ શકે, પરંતુ એ વૃત્તિને એણે રમતમાં એટલી હાવી થવા દીધી નથી કે એને અહંકારી બનાવી દે. જ્યાં સુધી રમતને સંબંધ છે ત્યાં સુધી તે સફળતામાં પણ નમ્ર રહ્યો છે. સફળ લોકો એ ક્યારેય નથી ભૂલતા કે એક સમયે તે કશું જ નહોતા.

૫) શીખવાની વૃતિ:
વિરાટ પોતાની ભૂલોમાંથી, એના માટેની ટીકાઓમાંથી સતત શીખતો રહ્યો છે. જે કામમાં બહુ દબાવ હોય, તેમાં પડકારો પણ ખૂબ આવતા હોય છે. એમાં ટકી રહેવાની અને પાર ઊતરવાની દ્રઢતા ત્યારે જ આવે જયારે તમે કોઈ પણ સ્થિતિમાં અનુકૂલન સાધો અને રસ્તો શોધો. જે સામે છે તેમાંથી કશું શીખવાની ભાવના વગર આ શક્ય નથી.

૬) સ્પષ્ટવક્તા:
વિરાટ બારમું ધોરણ પણ પૂરું કરી શક્યો નથી, પરંતુ તમે એને મેચ સેરેમનીમાં, ઇન્ટરવ્યૂમાં કે ટીવી પર બોલતાં સાંભળો તો ખ્યાલ આવે કે તે કેટલી સરસ રીતે પોતાના વિચાર અને માન્યતાને વ્યક્ત કરી શકે છે. એ સામેવાળી વ્યક્તિની ઉચિત રીતે સમજી શકે છે. એટલું જ નહીં, પોતાની વાતનો પ્રભાવશાળી રીતે બચાવ પણ કરી શકે છે. કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પોતાના વિચારોને છટાદાર રીતે વ્યક્ત કરવા જરૂરી છે.

૭) નિષ્ફળતામાંથી શીખવું :
વિરાટને નવી અડચણો ગમે છે. એમાંથી તે શીખે છે. એક સમય હતો જયારે એ શારીરિક રીતે ફિટ નહોતો, સરખું દોડી શકતો નહોતો અને સિક્સ મારી શકતો નહોતો. ટ્રેનિંગ મારફતે એ આ બધી અડચણમાંથી પાર ઉતર્યો હતો અને એક બહેતર સિક્સ-હિટર તેમ જ વિકેટ્સ વચ્ચે ઝડપથી દોડતો થયો હતો. આજે તે બબ્બે રન માટે દોડીને આખો દિવસ પૂરો કરી શકે છે.

૮) કામ પર ધ્યાન આપવું: શરૂઆતમાં વિરાટની (કુ)ખ્યાતી મેદાન બહારની બાબતો માટે હતી, પરંતુ અનુષ્કા એના જીવનમાં પ્રવેશી પછી એ રમત પર વધુ ફોકસ રાખતો થયો છે. એક ઇન્ટરવ્યૂમાં એ કહે છે, પહેલાં હું લોકો મારા માટે શું બોલે છે તેનાથી વિચલિત થઇ જતો હતો, ખાસ કરીને સોશિયલ મીડિયા પર. એટલે હું તેનાથી દૂર ગયો હતો પણ અનુષ્કાએ કહ્યું કે તું કશું પોસ્ટ કરીને એને ભૂલી કેમ નથી જતો, ભલેને લોકોને જે લખવું હોય તે લખે? હવે હું કોમેન્ટ્સમાં પડતો નથી.

૯.) સંતુલન:
ભારતમાં ક્રિકેટ ધર્મ કહેવાય છે. લોકો તેની પાછળ એટલાં ગાંડા છે કે ક્રિકેટરો ક્યારેક એમની લોકપ્રિયતામાં એવા લપસી જાય છે કે પાછા ઊભા થઇ શકતા નથી. વિરાટની એક સફળતા એ છે કે એણે એના વ્યવસાય અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. આ બહુ જરૂરી છે. પરિવારના ટેકા વગર કોઇ પણ ક્ષેત્રમાં લાંબો સમય સુધી ટોચ પર રહી શકાતું નથી.

૧૦) માનસિકતા:
આક્રમકતા હોવા છતાં વિરાટે એનામાં સકારાત્મક માનસિકતા વિકસાવી છે. ૨૦૧૩માં એ પૂરા વર્ષ માટે ભારતીય ટીમની બહાર ફેંકાયેલો રહ્યો હતો ત્યારે એણે પોતાની રમત સુધારવા પર ફોકસ કર્યું હતું. એ જાતને એવી તૈયાર કરવા ઈચ્છતો હતો કે એને ટીમમાં સામેલ કરવા સિવાય સિલેક્ટરો પાસે કોઈ વિકલ્પ ન બચે. પોતે જેવા છે. તેમાં સતત બહેતર થતા રહેવું એ કોઇપણ ક્ષેત્રમાં લાંબા સમય સુધી ટકી રહેવાની ચાવી છે. વિરાટ કોહલી આનું એક સચોટ દ્રષ્ટાંત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button