વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?
-ડૉ. પૂર્વી ગોસ્વામી
એક અસાધારણ વિદ્વાન, વિચારશીલ પત્રકાર, જ્વલંત ક્રાંતિકાર, ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ના જન્મદાતા, અનેક દેશોની ક્રાંતિ ચળવળોના સક્રિય, સમર્થક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં પત્ની ભાનુમતિનાં સ્વાધીન ભારતની રાહ જોતાં અસ્થિ માંડવી પહોંચે તે ઘટના પોતે જ કેવી રોમાંચક અને ઐતિહાસિક હતી.
મુંબઈમાં જ્યારે જીનિવાથી અસ્થિ લાવવામાં આવ્યા ત્યારે બોરીવલીની સભામાં સંવેદનાનો પ્રવાહ વહેતો હતો. મોદીએ ત્યાં કહ્યું કે, હું તો એક નિમિત્ત બન્યો છું, ત્રીસ વર્ષ પહેલાં મને માંડવીના હીરજી કારાણી શ્યામજીના જન્મસ્થાને લઈ ગયા હતા. એ સમયે તેમને ખબર નહીં કે સભામાં કોઈક છેડે હીરજીભાઈ પણ બેઠા છે. કોઈએ અવાજ કર્યો કે હીરજીભાઈ અહીં છે. નરેન્દ્રભાઈએ તેમને બોલાવ્યા, અને મંચ પર આવતાં બંને મળ્યા. નિસ્પૃહભાવે કામ કરનારી પેઢીના એક પ્રતિનિધિ એટલે હિરજીબાપા.
હીરજીબાપાનાં એ આંસુ, તેમનાં ૩૦-૩૫ વર્ષના અવિરત શ્યામજી કૃષ્ણવર્મા પ્રત્યેના ઉત્કટ આદરની લાંબી યાત્રાનો એક પડાવ હતો, જે અસ્થિ ૧૯૩૦થી જીનિવામાં જળવાયેલાં હતાં, તેની ચિંતા હીરજીબાપાએ હંમેશાં કરી. સરકારને પત્રો લખે, ઇતિહાસકારોને જણાવે, કચ્છમાં કોઈ નેતા આવે તો તેમને માંડવી સુધી લઈ જાય અને મકાન બતાવે.
એક તરફ મુંબઈમાં બેસીને મંગલ ભાનુશાળીએ સતત અસ્થિ-વાપસી માટે પત્રોચ્ચાર કર્યા કર્યો. તો અન્યત્ર ભાનુશાલી સમાજ, રાજકીય આગેવાનો તથા અન્ય કચ્છીઓની થોડીઘણી સક્રિયતાથી પરિણામમાં અસ્થિસ્થાપનરૂપે ‘ક્રાંતિતીર્થ’ સ્મારક કચ્છના માંડવીને મળ્યું. આજકાલ હીરજીબાપા પ્રેમજીભાઈ કારાણીનાં પત્ની મણીબહેનની સ્મૃતિમાં ચાલતું સરસ્વતી શિશુ મંદિર એક સુંદર-સુઘડ મકાન અને મેદાનમાં નવી પેઢીનો ઉછેર કરે છે ત્યાં પણ સંસ્થા સંચાલન માટેનાં પોતાનાં કાર્યાલયનું નામ ‘શ્યામજીકક્ષ’ અને અંદર, દીવાલ પર પંડિતજીની તસવીર.
ઈન્દુલાલ યાજ્ઞિકે ૧૯૩૪માં શ્યામજીચરિત લખ્યું પછી ઘણા વર્ષે તે છપાયું. પરંતુ ગુજરાતીમાં આ મૂલ્યવાન પુસ્તક ઉપલબ્ધ ન હોવાથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ અનુવાદ સાથેની સમીક્ષાનું આ પુસ્તક, ક્રાન્તિતીર્થના નવનિર્માણ નિમિત્તે લખીને શ્યામજીનું કાયમ સ્મરણ પ્રદેશને ભેટ ધર્યું;
અને તાજેતરમાં મહેનતથી એકઠા કરેલા ‘ઇંડિયન સોશિઓલોજિસ્ટ’ અંગ્રેજી અખબારના ૧૯૦૫થી ૧૯૨૨ સુધીના તમામ અંકોનું બે ગ્રંથમાં સંકલન કરીને આપ્યું જેનું વર્ત. સીએમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. વિષ્ણુભાઈએ છેક ૨૦ વર્ષ પહેલાં મોદીજી સાથે શ્યામજી કૃષ્ણવર્મા વિશે સંવાદ કરેલો જે નરેન્દ્રભાઈના આગ્રહથી અસ્થિ ભારત લાવવા પર ઉપયોગી સાબિત થયો.
ટપાલ ટિકિટ બહાર પડી, તૈલચિત્ર મુકાયું. રાજકીય આગેવાનો તથા ભાનુશાલી સમાજ સહિત અન્ય કચ્છીઓ કોઈને કોઈ રીતે સક્રિય રહ્યા. આ સમૂહ જાણે કે રાષ્ટ્રના મૌલિક મૂલ્યો, સંસ્કૃતિ અને પરંપરાઓને રક્ષણ આપવા માટે કશુંક જોરદાર કરી રહ્યો.
પ્રખર રાષ્ટ્રવાદીની હેતુસભર દરકાર ન હતી; આખરે રાષ્ટ્રીય મહત્વ સાથે ઓળખાવા લાગ્યા જ્યારે તેમના અસ્થિ જીનિવાથી લઈ આવવામાં આવ્યા. એ પછી તો ક્રાંતિવીરના જીવનમાંથી આજની યુવા પેઢી પ્રેરણા મેળવે એ માટે ભુજમાં સ્થપાયેલી કચ્છ યુનિવર્સિટીને ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી નામ અપાયું.
ભુજમાં આવેલ એરપોર્ટનું પણ ‘શ્યામજી કૃષ્ણવર્મા’ નામકરણ કરવા છેલ્લા બે દાયકાથી માગ થતી હતી અને તાજેતરમાં એર ઇન્ડિયાએ આપેલી એક ટિકિટમાં ભુજ શ્યામજી કૃષ્ણવર્મા એરપોર્ટ નામ લખેલું જોવા મળ્યું હતું પરંતુ સત્તાવાર સફળતાને અવકાશ છે. સ્થાનિક સાંસદ વિનોદ ચાવડા જણાવે છે કે, સમયાંતરે આ માટે રજૂઆત સરકાર સુધી પહોંચાડી છે; કદાચ આપણે જલ્દીથી સપનું સાકાર થતાં જોઈ શકીશું.
માંડવીમાં આવેલા સ્મારક ક્રાંતિતીર્થનું તાજેતરમાં જે નવીનીકરણ કરાયું છે તેનાથી પ્રવાસીઓ વધુ આકર્ષિત થશે. અહીં આઝાદીની લડતના ૧૮પ૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારિખ અને વંદેમાતરમના મંત્ર સાથે જીવન ખપાવી દેનારા ક્રાંતિવીરોના સચિત્ર સમર્પણની ગાથા હવે આધુનિકીકરણ સાથે ‘વીરાંજલી ગેલેરી’માં પ્રસ્તુત કરવામાં આવી છે, લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉમેરણ જીએમડીસીના મેનેજર મહેશ ઠક્કર તથા સ્ટાફની નિષ્ઠાભર્યા રખરખાવ સાથે સહુ માટે આનંદદાયક છે.
આ પણ વાંચો…મિજાજ મસ્તી: કયા ખોયા ક્યા પાયા? જીવતરની ભુલભુલૈયામાં…
શ્યામજીની લંડન સ્થિત મકાનને ‘નમન તીર્થ’ બનાવવાની પહેલ પણ ધ્યાનાકર્ષક છે. તે મકાનના માલિક ડેન છેલ્લા ૧૪ વર્ષથી અહીં રહીને મકાનની સાર સંભાળ કરે છે. આ મકાન પરની રાઉન્ડ પ્લેટ તેના પર શ્યામજીનું નામ, ભારત માતા કી જય, વંદે માતરમ સહિતની ટૂંકી યાદી જોઈને અફસોસ થાય કે કાશ જો તે સમયે ભારત સરકારે પ્રયાસો કર્યા હોત તો આ સ્થળ ભારતીયો પાસે હોત. જોકે ખુશીની વાત તો એ છેકે હાલની કેન્દ્ર સરકાર અને લંડનમાં રહેતા મૂળ બળદિયા કચ્છના દાતા કે. કે. પટેલ (કાનજીભાઈ)એ આ કાર્ય માટે સહભાગી થવા તત્પરતા દર્શાવી છે.
શ્યામજીના સમગ્ર જીવનની ઘેરી અસર જાણીતા- અજાણીતા ઘણા બધા પર રહી હશે. એ વાત સાચી છે કે શ્યામજી વિશે આપણે ત્યાં કામ કરનારાંઓની સંખ્યા વધારે નથી છતાં તેમની સામે સ્મૃતિ સ્થાયી રાખવા પ્રયાસરત નાનો સરખો સમૂહ સજ્જ છે. શ્યામજીની વાત કેવળ એક ઇતિહાસ નથી, પરંતુ તે એક જીવન; એક મિસાલ છે, જે આજે પણ દરેક નેતાઓ અને યુવાનોને પ્રેરણા આપી શકે છે.