ઉત્સવ

આજે સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિએે તેમના માતૃભાષાશિક્ષણ માટેના સંઘર્ષ-સમાજ સેવાને યાદ કરી લઈએ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

ક આધુનિક મહારાષ્ટ્ર જ નહિ, સમગ્ર ભારતના સામાજિક-સાંસ્કૃતિક ઈતિહાસમાં સાવિત્રીબાઈ ફુલેનું નામ કાયમ માટે અંકિત થયું છે.
ક તેમના જન્મદિવસને મહારાષ્ટ્રમાં દર વર્ષે “બાલિકા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

ક ફુલે દંપતીએ જીવનભર મહિલાઓ, શોષિત-પીડિત, દલિતો, વિધવાઓ અને બાળકોના ઉત્થાન માટે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કામ કર્યું. તેમણે પોતે વિધવા બ્રાહ્મણ મહિલા કાશીબાઈના બાળકને દત્તક લઈને તે દત્તક પુત્ર યશવંતરાવને ડૉક્ટર બનાવ્યા અને આંતરજ્ઞાતિય લગ્ન કરીને જ્ઞાતિ-વર્ગથી પર રહીને શિક્ષિત સમાજની સ્થાપના કરીને એક મહાન ઉદાહરણ પૂરું પાડ્યું.

ઓગણીસમી સદીમાં જ્યારે સંસ્થાનવાદે ભારતના સુધારા અને શાસનમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું ત્યારે પ્રાચ્યવાદી વિચારકોએ ભારતીય સ્ત્રીઓને નિષ્ક્રિય, ઘરની ચાર દીવાલો સુધી સુમિત, સતીપ્રથા જેવા અત્યાચારનો ભોગ બનેલી તરીકે દર્શાવી. યુરોપમાં ઓગણીસમી સદીના નવજાગરણની સીધી અસર ભારતના ધાર્મિક અને સામાજિક સુધારાવાદી ચળવળો પર પડી અને અત્યાચારનો ભોગ બનેલી ભારતીય મહિલાઓ માટે નાગરિક, રાજકીય અને ધાર્મિક અધિકારો માટે પુન: સંઘર્ષ શરૂ થયો. આ મહિલાઓએ સામાજિક, ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક અસમાનતાઓને સંબોધિત કરી અને તમામ પ્રતિબંધોને ફગાવી દીધા.
ભારતીય નારીવાદે તેમની આસપાસની દુનિયા સાથે ભારતીય મહિલાઓના જોડાણની પરંપરાને પ્રોત્સાહન આપ્યું. આ ક્રમમાં ભારતીય સમાજની ઘણી ક્રાંતિકારી સમાજ સુધારક મહિલાઓએ આગળ આવી સમાજની બંધિત બેડીઓ તોડી નાખી. આ મહિલાઓમાં પંડિતા રમાબાઈ, ફાતિમા શેખ, સાવિત્રીબાઈ
ફૂલે જેવી અન્ય સ્ત્રીઓના નામ ઉલ્લેખનીય છે.

સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખંડાલા તાલુકામાં નાયગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંડોજી નેવસે અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. સતારાના માળી સમુદાયમાં તેમનું કુળ શ્રેષ્ઠ માનવામાં આવતું હતું. તે સમયે દલિતો સાથે ભેદભાવ અને શિક્ષણનો અધિકાર ન હતો. સાવિત્રીબાઈ ફૂલેને બાળપણથી જ વાંચનમાં રસ હતો. તે સમયે સ્ત્રી શિક્ષણને ખરાબ માનવામાં આવતું હતું. 1840માં માત્ર નવ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાર વર્ષના જ્યોતિબા ફૂલે સાથે થયા. મહાત્મા જ્યોતિબા ફૂલે પોતે એક મહાન શિક્ષક, વિચારક, કાર્યકર્તા, સમાજ સુધારક, લેખક, તત્ત્વચિંતક, સંપાદક અને ક્રાંતિકારી હતા.
સાવિત્રીબાઈ ભણેલા ન હતા. જ્યોતિબા શિક્ષણના માધ્યમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવી અને સ્ત્રી શિક્ષણના પક્ષમાં હતા, પરંતુ સમાજના વિરોધને કારણે તે પ્રયાસો સફળ ન થયા. સફળ બનવા પ્રયત્નના ભાગરૂપે કહ્યું કે જો કોઈ સમાજને બદલવો હશે તો મહિલાઓને શિક્ષિત કરવી જરૂરી છે. શિક્ષિત માતાઓ જ સમાજને સંસ્કારી પુત્રો આપે છે. જ્યોતિબા ફૂલેના પ્રયત્ને બંને મહિલાઓ (કાકી સગુણાબાઈ અને પત્ની સાવિત્રીબાઈ) શિક્ષણ ધ્યેયની પ્રથમ વિદ્યાર્થી બની ગઈ. ગામની અમરાઈ હેઠળ અસ્પૃશ્ય સ્ત્રીઓના શિક્ષણ માટેની પ્રથમ શાળા શરૂ થઈ. મહારાષ્ટ્રમાં દલિત મહિલા શિક્ષણ માટે આ પહેલો અને ઐતિહાસિક પ્રયાસ હતો. ત્યાં મૂળાક્ષરોનું જ્ઞાન આપવાનું કામ થતું.
બંને વિદ્યાર્થીઓ (કાકી સગુણાબાઈ અને પત્ની સાવિત્રીબાઈ) ખૂબ જ જિજ્ઞાસુ અને જાણકાર હતા અને થોડા જ સમયમાં તેમણે મૂળાક્ષરો વગેરેનું જ્ઞાન મેળવી લીધું અને વાંચતા લખતા પણ શીખ્યા. સાવિત્રીબાઈએ જ્યોતિબા અને સગુણાબાઈ દ્વારા લાવેલા ભારતીય દર્શન, રાજકારણ, સમાજ અને ઈતિહાસ વગેરે પરના પુસ્તકો વાંચ્યા. તેમની પાસેથી મેળવેલા જ્ઞાન પરથી તેમને સમાજમાં પ્રચલિત રિવાજો અને કુપ્રથાઓ વિશે જાણ થઈ.

સ્ત્રી શિક્ષણ શરૂ કરવા માટે જ્યોતિબા દ્વારા તાત્યાસાહેબ ભીડેની મદદથી 1848માં વિવિધ જાતિની છ કે તેથી વધુ વિદ્યાર્થિનીઓ સાથે પુણેમાં મહિલાઓ માટે એક શાળાની સ્થાપના કરી. આ પ્રથમ શાળામાં સાવિત્રીબાઈ પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. સાવિત્રીબાઈએ વિદ્યાર્થિનીઓ સાથે માતૃભાષામાં શિક્ષણ આપી તેમને પ્રેમથી મૂળાક્ષરો શીખવ્યા. તેઓ વિદ્યાર્થીઓને પંચતંત્રની નાની વાર્તાઓ પસંદ કરીને સંભળાવીને વ્યવહા જ્ઞાન આપતા. ધીમે ધીમે શાળાની ચર્ચા થઇ અને વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ. તેઓ કહેતા કે, `હવે બિલકુલ ખાલી ના બેસો, જાઓ અને શિક્ષણ પ્રાપ્ત કરો.’

એક વર્ષમાં સાવિત્રીબાઈ અને મહાત્મા ફૂલે પાંચ નવી શાળાઓ ખોલવામાં સફળ થયા. તત્કાલીન સરકારે તેમનું સન્માન પણ કર્યું હતું. 1848માં એક મહિલા વિદ્યાલય ચલાવવાનું કેટલું મુશ્કેલ બન્યું હશે તેની કલ્પના આજે પણ કરી શકાતી નથી. તે સમયે ક્નયા કેળવણી પર સામાજિક નિયંત્રણો હતા. તે સમયે સાવિત્રીબાઈ ફૂલે સ્વયં જ નહીં અન્ય છોકરીઓના શિક્ષણની પણ વ્યવસ્થા કરી હતી. તેમણે દેશની પ્રથમ ખેડૂતોની શાળાની પણ સ્થાપના કરી હતી. 1852માં તેમણે દલિત છોકરીઓ માટે એક શાળાની સ્થાપના કરી.

સમાજનો વિરોધ : સાવિત્રીબાઈ ફૂલે દ્વારા અપાતું શિક્ષણ અને તેનો પ્રસાર સરળ ન હતો. તેમને લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શાળાએ જતી વખતે કહેવાતા ઢોંગીઓ અને સ્ત્રી શિક્ષણના વિરોધીઓ તેમના પર કચરો, માટી અને છાણ જ નહીં પરંતુ માનવ મળમૂત્ર પણ ફેંકતા હતા. આ કારણે તેમના કપડાં ગંદા થતા તેથી તે પોતાની સાથે બીજી સાડી રાખતા અને શાળાએ જઈ બદલી નાખતા હતા. આમ છતાં હાર ન માની અને સ્ત્રી શિક્ષણ, સમાજ સુધારણા અને સામાજિક ઉત્થાનનું કાર્ય ચાલુ રાખ્યું.

રાષ્ટ્ર ધર્મ એટલે શું? ફૂલે દંપતીએ ચાણક્ય મંત્ર અનુસાર, “રાષ્ટ્રહિત માટે રાજ્ય હિત, રાજ્યના હિત માટે ગ્રામ્ય હિત અને ગામડાના હિત માટે કુટુંબ હિતનો બલિદાન આપવો એ જ રાષ્ટ્ર ધર્મ છે. જો સામાજિક હિત માટે પ્રિયતમનું પણ બલિદાન આપવું પડે તે સાચા માનવીએ ત્યાગ કરી દેવું જોઈએ. “સમાજના વિરોધને કારણે ફૂલે દંપતીએ તેમનું ધનકવાડી ઘર છોડીને પુણે આવ્યા. અહીં તેમને સમાજનો પૂરો સહયોગ મળી રહ્યો હતો. ગામના લોકો આવતા અને તેમને તેમના ગામમાં શાળા ખોલવાની વિનંતી કરતા. ડિસેમ્બર 1849 સુધીમાં દસ શાળાઓની સ્થાપના કરી. ફૂલે દપંતીએ દેશમાં કૂલ 18 શાળા ખોલી. બ્રિટીશ સરકારે આ કાર્ય માટે તેમને સન્માનિત પણ કર્યાં હતા. આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી. ફૂલે દંપતી દ્વારા આપવામાં આવતા શિક્ષણ કાર્યક્રમોમાં બાળલગ્ન, અસ્પૃશ્યતા, ભ્રૂણહત્યા અને જનજાગૃતિને જાગૃત કરવા જેવા સામાજિક દૂષણોનો વિરોધ કરવાનો સમાવેશ હતો.

નારાયણ મહાદેવના આ શબ્દો સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ અને સમાજ માટે પ્રેરણારૂપ છે. સાવિત્રીબાઈ ફૂલેએ તેમના પતિ જ્યોતિબા ફૂલે સાથે મળીને સમાજના સૌથી નીચા સ્તરે પહોંચી ગયેલા લોકોના જીવનધોરણને સુધારવા માટે ઘણા નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા. (બ્રિજ રંજન મણિ, 2008)

ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્યાં એક તરફ મહિલાઓની પૂજા કરવામાં આવે તો બીજી તરફ સમાજમાં તેમના યોગદાનને નકારવામાં આવે છે. આ ક્રમમાં સાવિત્રીબાઈ ફૂલે જેવી મહિલાઓને તેમના મહાન કાર્યો માટે ભારતીય ઈતિહાસ અને સમાજમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. એમ.જી. માળી, જી.બી. સરદાર, હરિ નરકે અને ફુલવંતબાઈ જોડગે એ સાવિત્રીબાઈ ફૂલેના અનન્ય જાહેર જીવન કાર્યો અને સમાજમાં તેમના યોગદાનને તેમના પુસ્તકો દ્વારા પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કર્યો. ફુલવંતબાઈ જોડગેએ 1966માં મહત્ત્વપૂર્ણ પુસ્તક ક્રાંતિ દેવતા સાધ્વી સાવિત્રીબાઈ ફૂલે' લખ્યું હતું. તેમના પગલે પગલે ડૉ.એમ.જી. માળીએ 1980માં જીવનચરિત્ર વિશ્લેષણ પુસ્તકક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે’ તથા ડૉ. કે.પી. દેશપાંડેએ 1982માં સાવિત્રીબાઈ ફૂલેના જીવનચરિત્ર અને કાર્યને સમર્પિત `અગ્નિફૂલે’ નામનું પુસ્તક લખ્યું હતું, પરંતુ આ પ્રયાસને વધુ પડતો ન કહી શકાય.

ભારતીય મહિલા શિક્ષણના પ્રારંભિક બિંદુઓના સંદર્ભે ભારતમાં સામ્રાજ્યવાદી શાસન સામેની રાષ્ટ્રવાદી ચળવળ અને દેશની મહિલાઓ પર તેની અસરોની પૃષ્ઠભૂમિમાંથી લઈ શકાય છે. શિક્ષણના મહત્ત્વ અને આવશ્યકતાને ધ્યાનમાં રાખીને સાવિત્રીબાઈ ફૂલેએ તેને સ્વતંત્રતાની પ્રથમ શરત ગણાવી છે. (રેણુ પાંડે, 2015:1) સાવિત્રીબાઈ ફૂલેએ કહ્યું કે-
“જાગો, ઊઠો અને શિક્ષિત બનો, પરંપરાને તોડો અને મુક્ત બનો.”
સાવિત્રીબાઈ ફૂલેએ ખાસ કરીને મહિલાઓ અને પછાત જાતિના લોકોને અપીલ કરી કે તેમને સામાજિક રીતે નિર્મિત ભેદભાવપૂર્ણ પ્રથાઓના બંધનમાંથી મુક્ત થવા માટે શિક્ષણ મેળવવું જોઈએ. સાવિત્રીબાઈ ફૂલેએ શિક્ષણની જરૂરિયાત અને મહત્ત્વને ઓળખીને શોષિત સમાજની મહિલાઓના વિકાસ માટે શિક્ષણને સ્ત્રી મુક્તિનું સાધન માન્યું. ફૂલેએ એવા શિક્ષણ પર ભાર મૂક્યો કે જે જાતિ પ્રથા, લિંગ ભેદભાવ, વર્ણ પ્રણાલી અને ધાર્મિક ભેદભાવથી આગળ એક સમાનતાવાદી સમાજની સ્થાપના કરે. સાવિત્રીબાઈ ફૂલેને વિશ્વાસ હતો કે, વિદ્યા વગર મતિ ગઈ, મતિ વિના ગતિ ગઇ. અર્થાત શિક્ષણ વગર જ્ઞાન અને જ્ઞાન વગર મોક્ષ સંભવ નથી. અંત: જીવનની સમ્યક્‌‍ ગતિના નિર્ધારણ માટે શિક્ષણનું મહત્ત્વ પર વિશેષ મહત્ત્વ આપતા સાવિત્રીબાઈ ફૂલેને ભારતીય સમાજમાં સ્ત્રી શિક્ષણનો પ્રારંભ અને ભારતની પ્રથમ શિક્ષિકા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
ફૂલે દંપતીએ અભ્યાસક્રમ અને શિક્ષણપદ્ધતિઓ પર વિશેષ ધ્યાન આપીને શિક્ષણમાં ઘણા નવીન પગલાં રજૂ કર્યા. અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક અભ્યાસ જેવા વિષયો પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. પરિણામે તેમની શાળાઓમાં છોકરીઓની સંખ્યા પુણેની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા છોકરાઓ કરતાં વધી ગઈ. જો કે અસ્પૃશ્ય સમુદાયના વિદ્યાર્થીઓની નોંધણીથી રૂઢિચુસ્ત ઉચ્ચ જાતિના લોકો નારાજ થયા. તેથી તેઓએ આ શાળાઓ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ તેઓએ સાવિત્રીબાઈ વિશે અફવા ફેલાવી કે ખોરાકમાં જીવાતો નાખશે અને શિક્ષિત સ્ત્રીઓ અજાણ્યા પુષોને પત્ર લખવાનું શરૂ કરશે કે જેના કારણે તેમનું ચારિત્ર બગડશે. તેઓ જયારે શાળાએ જતા ત્યારે તેમના પર ગાયનું છાણ, ઈંડા, ટામેટાં અને પથ્થરો ફેંકતા જેથી તેઓ બેગમાં વધારાની સાડી રાખતા જેથી નવી સાડી પહેરી શકે. એ સમયે સાવિત્રીબાઈએ કહ્યું, “તમારા પ્રયત્નો મને માં કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરણા આપે છે. ભગવાન તમને આશીર્વાદ આપે.”

તેમનું જીવનચરિત્ર સામાજિક એકતા, શિક્ષણ અને મહિલા સશક્તીકરણને સમર્પિત પ્રેરણાનો સ્ત્રોત છે. સામાજિક ચેતના માટેનો સંઘર્ષ હંમેશાં ભારતીયોને પ્રેરણા આપતો રહેશે. આજે જ્યારે સરકારો સર્વ શિક્ષા અભિયાન, રાઈટ ટુ એજ્યુકેશન ઍક્ટ, મિડ ડે મીલ સ્કીમ અને `બેટી બચાવો-બેટી પઢાવો’ના નારા જેવા સરકારી કાર્યક્રમો દ્વારા શિક્ષણને પ્રોત્સાહિત કરે છે ત્યારે આ બધું આધુનિક ખ્યાલો જેવું લાગે છે. સાવિત્રીબાઈ ફૂલે જેવી શિક્ષિકા જેમણે યુવા વિદ્યાર્થીઓને ઍવોર્ડ સમારંભમાં પોતાના માટે ઇનામ માગવાને બદલે શાળા માટે પુસ્તકાલયની માગ કરવા પ્રેરણા આપતા હતા. (હરિ નરકે, 2009:16)
માત્ર સ્ત્રીકેળવણી-ઝુંબેશમાં જ નહિ, પરંતુ સમાજસુધારણાની જ્યોતિબાની અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ સાવિત્રીબાઈ સક્રિય રહ્યાં હતાં. વૈધવ્ય પ્રાપ્ત કર્યા પછી ફૂલે દંપતીએ પુણે ખાતે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામથી એક પ્રસૂતિગૃહની સ્થાપના કરી, જ્યાં સમાજ દ્વારા તરછોડાયેલી આવી પરાવલંબી સ્ત્રીઓ પોતાના ગર્ભને જન્મ આપી શકે. વળી પુણે નગરમાં વસતા અસ્પૃશ્યોને પીવાનું સ્વચ્છ પાણી મેળવી શકે તે માટે આ દંપતીએ પોતાના મકાનની પાણીની કૂંડી તેમના માટે ખુલ્લી મૂકી હતી. આ ઉપરાંત તેમણે પ્લેગ સમયે આરોગ્ય વિષયક સેવા આપી અને ચેપ લાગતા 10 માર્ચના રોજ તેમનું મૃત્યુ થયું. આજે તેમની પુણ્યતિથિએ વંદન અને નમન…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…