ઉત્સવ

હેં… ખરેખર?!: વારાણસીમાં ભારતમાતા મંદિરમાં મૂર્તિને બદલે અખંડ ભારતનો અનોખો નકશો

-પ્રફુલ શાહ

ઉત્તર પ્રદેશ અને એમાંય વારાણસી એટલે ધર્મ, આધ્યાત્મિકતા, શ્રદ્ધા અને ભક્તિની નગરી, પરંતુ અહીં એક એવું મંદિર છે કે જેમાં કોઈ ભગવાન, દેવી કે દેવતાની પ્રતિમા નથી. અને બધા ભારતીઓનું કે સર્વધર્મજનોનું મંદિર બેશક કહી શકાય.

આ છે ભારતમાતા મંદિર. હા, ભારતમાતાનું મંદિર જેનું મુખ્ય આકર્ષણ છે મકરાણાના આરસમાંથી બેનેલો અવિભાજન ભારતનો નકશો. આ દેશનું એક માત્ર મંદિર છે કે રાષ્ટ્ર-ભાવનાને સમર્પિત છે.

પહેલા જોઈએ આ મંદિરના નિર્માણ પાછળની કથા. સ્વાતંત્ર્ય સેનાની બાબુ શિવપ્રસાદ ગુપ્તને 1913માં કરાચીમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાંથી પાછા ફરતી વખતે મુંબઈ જવાનું થયું. મુંબઈથી તેઓ પુણે ગયા અને ધોંડો કેશવ કર્વેનાં વિધવા આશ્રમની મુલાકાતે જવાનું થયું. મહર્ષિ કર્વે તરીકે ઓળખાતા આ સમાજસેવક વિધવા પુન:વિવાહના પ્રખર આગ્રહી હતા.
અહીં જમીન પર ભારતમાતાનો નકશો બનાવેલો હતો. આમાં માટીથી નદીઓ અને પર્વતો બનાવાયા હતા. આનાથી ખૂબ પ્રભાવિત થયેલ, શિવપ્રસાદે કંઈક આવું જ પણ વધુ ભવ્ય મંદિર બનાવવાનું વિચાર્યું. એ ય પાછું આરસપહાણમાંનું આ કામ આસાન કે સસ્તું નહોતું. મિત્રો સાથે લાંબી ચર્ચા-વિચારણા બાદ તેમણે એ સમયના ખૂબ જાણીતા એન્જિનિયર દુર્ગા પ્રસાદનો સંપર્ક સાધ્યો. દુર્ગાપ્રસાદજીએ હરખભેર આ પડકાર ઝીલી લીધો.

લગભગ રૂપિયા દશ લાખના ખર્ચે બનેલા આ મંદિરમાં અખંડ ભારતનો નકશો છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના પરિસરમાં બનેલા આ મંદિરમાં આરસપહાણના નકશા બનાવવામાં 20 શિલ્પી જોતરાઈ ગયા હતા, તો મંદિરનો બહારનો ભાગ 25 શિલ્પીઓએ બનાવ્યો હતો. આ મંદિર લગભગ પાંચ વરસે તૈયાર થયું હતું. 1936ની શારદીય નવરાત્રિમાં મહાત્મા ગાંધી સૌ પ્રથમ મંદિરના દર્શને ગયા. એના પાંચ દિવસ બાદ એટલે કે વિજયાદશમીએ બાપુએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાતા મંદિરના ઉદ્ઘાટન વખતે ગાંધીજીએ સંબોધનમાં કહ્યું હતું. “આ મંદિરમાં કોઈ દેવ-દેવીની મૂર્તિ નથી. મને આશા છે કે આ મંદિર બધા ધર્મ, બધી જાતિઓના લોકો માટે એક સ્વદેશીય મંચનું રૂપ ગ્રહણ કરશે અને દેશમાં પરસ્પર ધાર્મિક એકતા, શાંતિ તથા પ્રેમની ભાવનાને વધારવામાં પ્રદાન આપશે.” આ મંદિરની સૌથી નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે એમાં ક્યાંય એના સ્થાપક શિવપ્રસાદ ગુપ્તનો ઉલ્લેખ જ નથી.

અહીં બનાવાયેલા ભારતમાતાના મકરાણાના આરસપહાણના નકશાનું સર્જન આઝાદી અગાઉ થયું હતું. આ નકશામાં હાલના ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, શ્રીલંકા (ત્યારનું સિલોન) અને મ્યાંમાર (ત્યારના બર્મા)નો પણ સમાવેશ કરાયો છે.

અખંડ ભારતનો આરસપહાણનો નકશો ખૂબ અભ્યાસ, ચોકસાઈ, અને પરિશ્રમ અને ગણતરી સાથે તૈયાર કરાયો છે. કોઈ જગ્યા, નદી, પર્વત કે નદી આડેધડ જેમફાવે એમ બનાવાયા નથી. આમાં પર્વતીય શૃંખલાઓ અને એના શિખરના એટલા વ્યવસ્થિત લેઆઉટ બનાવાયા છે કે જાણે કોઈ આધુનિક ભવ્ય બિલ્ડિંગ ન બનાવ્યું હોય. એમાં એકદમ ચોકસાઈ અને ગણતરી સાથે 450 મેદાન, નદી, દરિયા અને ઉચ્ચ સપાટ પ્રદેશ સહિતની ભૌગોલિક રચના દર્શાવાઈ છે. આ બધાની ઊંચાઈ અને વિસ્તારનો વ્યવસ્થિત ઉલ્લેખ કરાયો છે. આમાં મંદિરોની વિશિષ્ટતામાં પાંચ સ્તંભ બનાવાયા છે. એ સ્તંભ સૃષ્ટિના મૂળ તત્ત્વ જમીન, વાયુ, જળ, અગ્નિ અને આકાશના પ્રતીક છે. આ પાંચેય સ્તંભ એક જગ્યાએ મળે છે. એટલે કે બધા તત્ત્વ અંતે એક સર્વોચ્ચ શક્તિમાં ભળી જાય છે.

આ નકશામાં ભારતની ભૂમિની સમુદ્રથી ઊંચાઈ અને ઊંડાણને પણ ધ્યાનમાં લેવાયા છે. આ નકશામાં જમીનના માપ માટે 6.4 માઈલ માટે એક ઈંચનો ઉપયોગ થયો છે, તો ઊંચાઈ માટે બે હજાર ફૂટ માટે એક ઈંચ છે. એક દાખલો જોઈએ. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર્શાવવા માટે 15 ફૂટ ઊંચો આરસપહાણનો પથ્થર મુકાયો છે. આ નકશામાં હિમાલય સહિત 450 શિખર, નાની-મોટી 800 નદીઓ પણ કોતરાયેલી છે. મોટા શહેર અને જાણીતા તીર્થધામ પણ એના સ્થળે દર્શાવાયા છે. ભારતમાતા મંદિરના સ્થાપક શિવપ્રસાદ ગુપ્તે નકશાને જનની જન્મભૂમિ રૂપે મૂકયો છે. મંદિરની ભીંત પર બંકિમચંદ્ર ચેટર્જીનું ‘વંદે માતરમ’ મુકાયું છે.

ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત દ્વારા લખાયેલી કવિતા પણ દેખાય છે જે કહે છે:

ભારતમાતા કા મંદિર યહ સમતા કા સંવાદ જહાં સબ કા શિવ કલ્યાણ યહાં હૈ પાવે સભી પ્રસાદ યહાં ભારતમાતાના મંદિરની મુલાકાતે આવનારા દરેક નાગરિક ભાવાવેશમાં આવીને ‘ભારતમાતા કી જય’ બોલવાનું ચૂકતા નથી. આ અનોખું આસ્થા સ્થાન રાષ્ટ્રીયતા અને દેશપ્રેમનું વિલક્ષણ પ્રેરણા સ્થાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button