ઉત્સવ

ઝટપટ લોન કે ફટાફટ ફાઈનાન્સિયલ સર્વિસથી સાવચેત રહો ફિનટેક કંપનીઓ નિયમન વિના વિશ્ર્વસનીયતા અને સફળતા પામી શકશે નહીં

આ કંપનીઓની બોલબાલા અને બિઝનેસ વધશે, કિંતુ ગ્રાહકોએ સાવચેત રહેવું જોઈશે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

શું તમને ઝટપટ લોન મેળવવાની ઓફરો મળે છે? ફોન, મેસેજ યા મેઈલ મળે છે? મિનિમમ વિધિ કે પેપર્સ સાથે લોન યા પ્રોડકટસ ઓફર થાય છે?. કંઈપણ ગીરવી મુકયા વિના લોન ઓફર થાય છે?, માત્ર લોન જ નહીં, વિવિધ ફાઈનાન્સિયલ સર્વિસીસ પણ ઓફર થાય છે? આવી ઓફર કરનારી કંપનીઓ મોટેભાગે ફિનટેક કંપનીઓ હોય છે, જેની સંખ્યા હાલ સતત વધી રહી છે, જે મોટેભાગે ઓનલાઈન યા એપ્સ આધારિત કામ કરે છે. આ એક દ્રષ્ટિએ સારી બાબત છે અને બીજી દ્રષ્ટિએ સાવચેતી માગતી બાબત પણ છે. આના કારણ અને પરિણામ સમજવા જોઈએ.

ફાઈનાન્સ અને ટેકનોલોજીનો સંગમ કરી બનતી ફિનટેક કંપનીઓની પ્રવૃત્તિ સતત વધતી રહી હોવાથી રિઝર્વ બૅંકને તેની ચિંતા થવી સહજ છે, કારણ કે આવી કંપનીઓ તરફથી ગેરરીતિઓની ફરિયાદો પણ વધવા લાગી છે, લોન યા અન્ય નાણાકીય સર્વિસ આપવાના નામે આવી અમુક કંપનીઓ છેતરપિંડી પણ ચલાવી રહી છે, આ કંપનીઓ મહદઅંશે એપ આધારિત હોવાથી તેના પર ધ્યાન જવાનું મુશ્કેલ બને છે, વધુમાં આમાંની ઘણી કંપનીઓ રિઝર્વ બૅંક સાથે રજિસ્ટ્રેશન પણ કરાવતી નહીં હોવાથી તેનું નિયમન, તેના પર દેખરેખ મુશ્કેલ બને છે, પરંતુ આ ઉદ્યોગનું મહત્ત્વ ખરું, જેને પરિણામે રિઝર્વ બૅંકે તાજેતરમાં આવી કંપનીઓને સેલ્ફ રેગ્યુલેશનની સલાહ આપી છે. આ કંપનીઓ પર કડક નિયમન નહીં હોવાથી શું થાય છે અને નિયમન હશે તો શું ફરક પડશે એ સમજીએ.

રિઝર્વ બૅંકનું ચેતવણીસભર નિવેદન
થોડો વખત પહેલાં રિઝર્વ બૅંકે એવું નિવેદન કર્યું હતું કે ફિનટેક કંપનીઓ માત્ર એ જ પ્રવૃત્તિઓ કરે, જેની તેમને મંજૂરી આપવામાં આવી છે, એની મર્યાદા આ કંપનીઓએ ઓળંગવી જોઈએ નહીં, અમે ઈનોવેશનને આવકારીએ છીએ, પરંતુ આ સાથે સમગ્ર ઈકોસિસ્ટમ નિયમન હેઠળ શિસ્તબદ્ધ વિકાસ પામે એવું પણ અમે ઈચ્છીએ છીએ, આર્થિક અસ્થિરતા ઊભી કરનારી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં, ફિનટેક કંપનીઓને આ ચેતવણી આપવાનું કારણ એ હતું કે છેલ્લા કેટલાક સમયથી આવી કેટલીક કંપનીઓની ગેરરીતિઓ રિઝર્વ બૅંકની આંખે ચઢી હતી. આના ઘણાં સમય બાદ તાજેતરમાં જ રિઝર્વ બૅંકે ફરી નિવેદન કરીને કહ્યું છે કે ફિનટેક કંપનીઓ સ્વ નિયમન માટે એક સંસ્થા ઊભી કરે, અર્થાત સેલ્ફ રેગ્યુલેટરી ઓથોરિટીઝ(એસઆરઓ). સ્વનિયમન જ તેમની માટે વિશ્ર્વસનીયતા અને સફળતા લાવવામાં નિમિત્ત બનશે.

ફિનટેક કંપની એટલે એવી કંપની જે ટેકનોલોજી આધારિત ફાઈનાન્સિયલ સર્વિસીસ ઓફર કરતી કંપનીઓ. આ કંપનીઓ ઈન્ટરનેટ, કલાઉડ સર્વિસીસ, મોબાઈલ ડિવાઈસિસ અથવા સોફટવેર ટેકનોલોજીને આધારે નાણાકીય સર્વિસીસ ઓફર કરે છે. ડિજિટલ, એપ્સ અને ઓનલાઈનનો જમાનો હોવાથી અનેકવિધ ફાઈનાન્સિયલ સર્વિસીસ ફિનટેક કંપનીઓ અન્યની તુલનાએ વધુ ઝડપથી અને ઓછાં ખર્ચે સર્વિસીસ ઓફર કરે છે. જેમ કે શેર-સિક્યોરિટીઝની લે-વેચ, મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓની લે-વેચ, પેમેન્ટ સર્વિસસ, એડવાઈઝરી સર્વિસ, પર્સનલ ફાઈનાન્સ -ધિરાણ સર્વિસ, ક્રિપ્ટોના સોદા, વગેરે.

ચિંતાનો વિષય બનવાથી ચેતવણી
વાસ્તવમાં આવી કંપનીઓ રિઝર્વ બૅંક માટે સતત ચિંતાનો વિષય બનતી ગઈ હતી, જેને પરિણામે રિઝર્વ બેંકે આવી કંપનીઓ પર નિરીક્ષણ તો વધાર્યું હતું, તેમ છતાં આ કંપનીઓની (ગેર)પ્રવૃત્તિઓને એક યા બીજા સ્વરૂપે ચાલતી રહી હતી, આવી કંપનીઓ સામે સતત વધતી ફરિયાદોને લીધે રિઝર્વ બૅંકને નવા રેગ્યુલેશન વિચારવાની ફરજ પડી, પરંતુ નવા રેગ્યુલેશન પોતે લાવવાને બદલે હાલ તો રિઝર્વ બૅંકે તેમને એસઆરઓની સ્થાપના કરવાની સલાહ-સૂચના આપી છે. આવી કંપનીઓ તેને અપાયેલા લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન કરશે તેની સામે રિઝર્વ બૅંકની એકશન આવશે. રિઝર્વ બૅંકે તાજેતરમાં એવું પણ કહ્યું છે કે કોઈ કંપની તેને મંજૂર કરાયેલા લાઈસન્સ ન ધરાવતી હોય અને તેણે એ સિવાયની પ્રવૃત્તિ કરવી હશે તો તેમણે રિઝર્વ બૅંકની પૂર્વમંજૂરી મેળવવી જોઈશે.

ગેરકાનૂની કંપનીઓથી સાવધ રહો
આ કંપનીઓની પ્રવૃત્તિઓની ચિંતા કરવાનું કારણ એ છે કે આવી કંપનીઓમાંથી ૫૦ ટકા ગેરકાનૂની કહેવાય છે. આવી કંપનીઓ મોટેભાગે નાના-મધ્યમ રોકાણકારો, નાના-મધ્યમ બિઝનેસમેનને સર્વિસીસ ઓફર કરતી હોય છે, જેમાં સસ્તી સેવાના નામે છેતરાવાની શકયતા ઊંચી રહે છે. પર્સનલ લોન ઝડપથી મેળવવા માટે ઘણાં જરૂરતમંદ લોકો આવી કંપનીઓનો શિકાર બને છે. રિઝર્વ બૅંક પાસે આવેલી ફરિયાદોના અભ્યાસ મુજબ આમાંની ઘણી કંપનીઓ કોની માલિકીની છે એ પણ જાહેર નથી. આમાંની કેટલીય કંપનીઓ કેવાયસી (નો યોર કસ્ટમર્સ)ના નિયમોનું યોગ્ય પાલન કરતી નથી તેમ જ ગ્રાહકોને આકર્ષીને તેમને ઊંચા વ્યાજે ધિરાણ પધરાવે છે. આવી કંપનીઓ મની લોન્ડરિંગનું કામ કરવામાં પણ ભાગ લેતી હોવાનો આક્ષેપ યા ફરિયાદ થતી રહે છે. પ્રાઈવસી, પારદર્શકતા, સાયબર સિકયોરિટી સહિતની બાબતોમાં પણ આ કંપનીઓ જોખમી ગણાય. બૅન્કિંગ સેકટર સામે પણ રિસ્કી ગણાય, સંખ્યાબંધ જાયન્ટ ફિનટેક કંપનીઓ સહિત આ ઉદ્યોગ દેશની ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી (આર્થિક-નાણાકીય સ્થિરતા) સામે સંભવિત જોખમ ગણવું પડે.

વિકાસનો ભરપૂર અવકાશ
રિઝર્વ બૅંકના ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ ગ્લોબલ ફિનટેક કંપનીઓની માર્કેટ ૨૦૨૦માં ૧૧૧ અબજ ડૉલરની હતી, જે ૨૦૩૦ સુધીમાં વધીને ૬૯૮ અબજ ડૉલર સુધી પહોંચી જવાની ધારણા છે. ભારતમાં ફિનટેક ઉદ્યોગ ૨૦૨૦માં ૫૦થી ૬૦ અબજ ડૉલરનો હતો, જે ૨૦૨૫ સુધીમાં ૧૫૦ અબજ ડૉલર થઈ જવાનો અંદાજ છે. ભારતીય ફિનટેક માર્કેટ વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલી માર્કેટ બની છે.

અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે બધી જ ફિનટેક કંપનીઓ બુરી કે ગેરરીતિ કરનારી નથી અથવા કૌભાંડ કે છેતરપિંડીના ઈરાદો ધરાવતી નથી, પરંતુ અમુક કંપનીઓ ગ્રાહકો સાથે ગેરરીતિ કરે છે, તેમને ફસાવે છે, જેથી તેમનાથી સાવચેત રહેવું જરૂરી છે. જોકે આ કંપનીઓનું નિયમન થાય એ મહત્ત્વનું છે, કેમ કે આ ક્ષેત્રે સારી કંપનીઓ પણ કાર્યરત છે.

ફિનટેકની બોલબાલા વધશે
નોંધપાત્ર વાત એ છે કે આપણા દેશમાં ફિનટેકની બોલબાલા વધવાની છે. ચોકકસ ફરિયાદો અને અભ્યાસ બાદ રિઝર્વ બૅંકે તાજેતરમાં ફિનટેક કંપનીઓને તેમની સેલ્ફ રેગ્યુલેટરી બોડી (એસઆરઓ) રચવા કહ્યું છે, આ એક મોટી જવાબદારી છે, આના પાલનમાં જ ફિનટેક કંપનીઓનું હિત અને ભવિષ્ય ઉજવળ બની શકશે.

ફિનટેક કંપનીઓએ ગ્રાહકોના લાંબા ગાળાના વિશ્ર્વાસને હાંસલ કરવા ગ્રાહકોની હેરાનગતિ-પરેશાની ન થાય તેની કાળજી લેવી જોઈશે, વિશ્ર્વસનીયતા અને પારદર્શકતા સાથે સલામતી એ ડિજિટલ સમયની પાયાની જરૂરિયાત છે, તેના વિના વિશ્ર્વાસ બેસવો અને બિઝનેસનો વિકાસ થવો કઠિન છે. આ ડિજિટલ વર્લ્ડમાં સાયબર રિસ્ક વધતા રહ્યા છે.

આ ફિનટેક કંપનીઓની કેટેગરીમાં ઈન્સ્યુરટેક, વેલ્થટેક, પેમેન્ટસ અને લેન્ડિંગ (ધિરાણ) સંબંધી એપ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ જેટલી ઊંચી વિશ્ર્વસનીયતા ઊભી કરશે તેટલો વધુ વિકાસ કરી શકશે. જોકે ગ્રાહકોએ લાલચથી દૂર રહી સતત સજાગ રહેવું જોઈશે.

વિશ્ર્વાસ અનિવાર્ય
છેલ્લા અમુક સમયમાં અનેક ફિનટેક કંપનીઓ આવતી ગઈ છે, જેમાંથી અમુક વિદેશ સ્થિત પણ છે. રજિસ્ટર્ડ ન હોય એવી કંપનીઓ તરફથી ડેટાની પ્રાઈવસીનું જોખમ પણ રહે છે. આજે પણ ઘણી ગેરકાનૂની એપ્સ કામકાજ કરી રહી છે, જેમાં નિર્દોષ ગ્રાહકો ફસાય છે. આવી લેભાગુ કંપનીઓ-એપ્સ અનૈતિક ધોરણે કામકાજ કરવા સાથે મનફાવે તેમ વ્યાજ ચાર્જ કરે છે અને લોનની વસૂલી માટે અનૈતિક માર્ગ પણ અપનાવે છે. એક અભ્યાસ મુજબ ભારતમાં ફિનટેક ઉદ્યોગ ૨૦૩૦ સુધીમાં ૧૯૦ અબજ ડૉલર જેટલી કમાણી કરતો થશે. ૨૦૨૨માં આ ઉદ્યોગની રેવન્યૂ ૧૭ અબજ ડૉલર નોંધાઈ હતી. નાણાકીય સર્વ સમાવેશને કારણે આ સેકટરમાં માગ વધતી રહેશે, સ્ટેટ ઓફ ધ ફિનટેક યુનિયન ૨૦૨૩ રિપોર્ટ અનુસાર આ ઉદ્યોગ પરિપકવ બની રહ્યો છે, હાલ ૪૦ ટકા ફિનટેક કંપનીઓ ગ્રાહકોને પ્રાપ્ત કરવાના અને માર્કેટિંગ ખર્ચમાં કાપ મૂકવા પર ભાર આપી રહી છે. આ કંપનીઓએ ખરેખર નક્કર વિકાસ હાંસલ કરવો હશે તો લોકોમાં પોતાની સર્વિસીસ માટે વિશ્ર્વાસ ઊભો કરવો અનિવાર્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button