નકલી બ્રાન્ડથી સાવધાન કે પછી તેનું સ્વાગત…?!
વેપારીઓનો એક મોટો એવો વર્ગ બ્રાન્ડની નકલ કરી વેપાર શા માટે કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ…
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
એ મોટાભાગે નાનાં શહેરોમાં વધુ જોવામાં આવે છે. જો તમે નાનાં શહેરોમાં ફર્યા હશો અને ખાસ કરીને ત્યાંની માર્કેટમાં તો જણાશે કે નામી બ્રાન્ડની નકલવાળી બીજી ઘણી બ્રાન્ડ મળશે. સૌથી વધુ આ વાત પીવાના પાણી અને બિસ્કિટની બ્રાન્ડમાં જોવામાં આવશે. અહીં આપણા દેશમાં જ આવું છે તેવું નથી. વિદેશોમાં પણ તમને નામી બ્રાન્ડની નકલદેખાશે.ત્યાં તો પ્રખ્યાત સ્ટોરોની પણ નકલ દેખાશે. ફેશન બ્રાન્ડ માટે આ બહુ સામાન્ય છે, કોઈ એક નામી બ્રાન્ડ કોઈ ડિઝાઇન સાથે આવે કે તરતજ તે ડિઝાઇન બીજા લોકો માર્કેટમાં લઈને પહોંચી જાય. સામાન્ય રીતે ક્ધઝ્યુમર લક્ષી ઉત્પાદનોમાં આ જોવામાં આવે છે કે જ્યાં ગ્રાહકો નકલી બ્રાન્ડને અસલ સમજી ખરીદી લે છે. આ લોકપ્રિય બ્રાન્ડના વપરાશકર્તાને પોતાનો માલ વેચવાની જે વ્યૂહરચના છે એ કામ પણ કરે છે, કારણકે નવી બ્રાન્ડ બનાવવી એ એક ખર્ચાળ બાબત છે જેમાં વર્ષોની બ્રાન્ડ-બિલ્ડિંગ પ્રવૃત્તિઓની જરૂર પડે છે. આ કોપીકેટ બ્રાન્ડના નિર્માતાઓ નાના સ્થાનિક ઉદ્યોગસાહસિકો હોય છે, જે નામી બ્રાન્ડોની લોકપ્રિયતા પર સવાર થઇ ઝડપથી કમાણી કરે છે. આવા લોકો મોટેભાગે પ્રખ્યાત બ્રાન્ડના નામ અને પેકેજિંગ સાથે રમત રમે છે. નામમાં અને પેકેજિંગમાં મામૂલી બદલ કરે જેથી કોપી રાઈટની મગજમારી ન આવે અને જો કોઈ આવી કાયદાકીય નોટિસ આવે તો ધંધો બંધ અને બીજા નામે શરુ. એક અભ્યાસ મુજબ આના કારણે ભારતમાં પ્રખ્યાત બ્રાન્ડ નકલી કે ડુપ્લિકેટ ઉત્પાદનોના કારણે તેમની આવકના લગભગ ૩૦% ગુમાવે છે.
આને વધુ સારી રીતે સમજવું હોય તો આજે સુપર માર્કેટસ પોતે પોતાની બ્રાન્ડ (પ્રાઇવેટ લેબલ) બનાવે છે, જે ફક્ત પ્રખ્યાત બ્રાન્ડની નકલ કરે છે પણ વધુ વેચાતી કેટેગરીના ઉત્પાદનોનો પણ સમાવેશ કરે છે.એમની પાસે ડેટા હોવાથી આ વાત આસાન થઇ જાય છે. કદાચ શહેરોમાં આ સ્ટોરો નામ અને પેકેજિંગ સાથે છેડછાડ નહિ કરે, પણ તેવા જ ઉત્પાદનો ઓછા ભાવે તે ઉત્પાદનોની આજુબાજુ ગોઠવી દેશે. આનાથી ગ્રાહક કિંમત જોઈ માલ ખરીદી લેશે. ફક્ત મોટા સ્ટોરો નહિ, આમાં લોકલ રિટેલ સ્ટોર્સ પણ સાથ આપે છે .
કારણ પણ તે જ છે કે પૈસા મળે છે તો શા માટે આવા ઉત્પાદનો ન રાખવા. નકલ કરતી બ્રાન્ડો સામાન્ય એફએમસીજી બ્રાન્ડના માર્જિન સરખામણીમાં એ વધુ માર્જિન આપે છે. બીજુ કારણ આ બ્રાન્ડસ સ્થાનિક હોવાથી એનું વિતરણ સરળ અને જોઈએ ત્યારે ઉપલબ્ધ કરી આપે છે. મૂળ બ્રાન્ડની વિશેષતાઓ અને એના લાભ વિશે જ્ઞાનનો અભાવ પણ એક મોટું કારણ છે અને આથી ઉપભોક્તા વેચાણના સ્થળે ઉપલબ્ધ કોઈપણ બ્રાન્ડને ખરીદી લે છે.
નકલ કરવા માટેનું કારણ શું હોઈ શકે તે પ્રશ્ર્ન થાય. આ સમજવું સરળ છે. જ્યારે માર્કેટર્સ કોઈ સ્પર્ધકને સારો દેખાવ કરતા જુએ છે ત્યારે સૌથી સહેલી યુક્તિ એ કહેવાની છે કે ચાલો, તે કરીએ જે એમને સફળ બનાવે છે! ત્યાં પહેલેથી જ એક બિઝનેસ મોડેલ તૈયાર છે તેને જો અપનાવીશું, તો અમે ઝડપથી પૈસા કમાઈ શકીશું. આ વ્યૂહરચના ચોક્કસપણે ટૂંકા ગાળા માટેની છે. સૌથી મહત્ત્વનું એ છે કે આ લોકોને બ્રાન્ડ બનાવવામાં કોઈ રસ નથી હોતો. આપણને લાગશે કે આમાં ખોટું શું છે? પૈસા કમાઓ અને છુટ્ટા થાઓ… આવા સમયે એમ વિચારો કે પ્રખ્યાત બ્રાન્ડ જો આ વિચારધારા સાથે વેપાર કરત તો આજે એ બધા જે નામ અને દામ કમાય છે તે કમાયા હોત ખરા? બીજુ : આવી યુક્તિઓ તમને હંમેશાં અમુક વિસ્તારમાં, નાના પાયે અને ટૂંકા ગાળા સુધી સીમિત રાખશે. હવે પ્રશ્ર્ન થાય કે એમાં શું પૈસા કમાઈએ છીએ ને બ્રાન્ડ બનાવશું તો બીજુ કોઈ આપણી નકલ કરી આપણને નુકસાન પહોંચાડશે.
આનો જવાબ પણ ઉપરોકત મુજબ છે કે બ્રાન્ડ લાંબા ગાળા માટે હશે, તેનું ફલક બહોળું હશે અને સૌથી મહત્ત્વનું એ કે એમને જોઈતી કિંમત મળશે, જે નકલ કરનાર બ્રાન્ડને નહિ મળે. બ્રાન્ડ સાથે વેપાર કરવો ફાયદાકારક છે કારણ કે બિઝનેસ મોડેલની નકલ થઇ શકે પણ બ્રાન્ડની નકલ કરવી મુશ્કેલ છે. નકલી બ્રાન્ડની આપણે જે વાતો કરીયે છીએ એ લોકો ભલે બ્રાન્ડના નામ અને પેકેજિંગની સાથે રમીને પોતાનો વેપાર કરે છે, પણ જો બારીકાઈથી જોશો તો સમજાશે કે એ લોકો વેપારની નકલ કરે છે, કારણ કે બ્રાન્ડ સતત મેસેજિંગ, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અથવા સેવાઓ અને ગ્રાહક્ની જરૂરિયાત અને પસંદગીની ઊંડી સમજથી બને છે જેની નકલ કરવી મુશ્કેલ છે. નકલી બ્રાન્ડો આવવાની જ છે , પણ આવા સમયે બ્રાન્ડે અમુક પગલાં આગોતરા લેવા જોઈએ જેનાથી નુકસાન ઓછું થાય. ઉપભોક્તાને અસલી અને નકલી વિશે શિક્ષિત કરો. એમને નીચલી-હલકી કક્ષાના ઉત્પાદનોની હાનિકારક અસર વિશે જણાવો. પ્રોડક્ટમાં નવી વાતો ઉમેરતા રહો જે નકલી બ્રાન્ડ નિર્માતા માટે મુશ્કેલ હશે, જેથી ઉત્પાદન સુવિધાઓમાં સુધારો કરીને એના પ્રવેશ માટે અવરોધ ઊભા કરો. બ્રાન્ડ વફાદારી બનાવવા માટે રિટેલર્સ- ગ્રાહકો સાથે જોડાઈ એમને ઈનામ આપો. નકલી બ્રાન્ડ બનાવનારા બ્રાન્ડ નહિ, પ્રોડક્ટ બનાવે છે અને પ્રોડક્ટ ટ્રાન્ઝેક્શનલ હોય છે, પરંતુ બ્રાન્ડ ઈમોશનલ હોય છે. જ્યારે પ્રોડક્ટ ચોક્કસ જરૂરિયાત અથવા ઈચ્છા પૂરી કરી શકે છે, ત્યારે બ્રાન્ડ પાસે લાગણી જગાડવાની અને ગ્રાહક સાથે ગાઢ જોડાણ બનાવવાની શક્તિ હોય છે. આ ભાવનાત્મક જોડાણ ગ્રાહકની વફાદારી, પુનરાવર્તિત ખરીદી અને લોકોને તેના વિષે જણાવવા તરફ દોરી શકે છે, કારણ કે આ રીતે ગ્રાહક બ્રાન્ડના એમ્બેસેડર બની જાય છે.
અંતે એટલું સમજીએ કે આજે સૌથી વધુ કોઈ બ્રાન્ડની નકલ થતી હોય તો તે છે ‘પાર્લે જી’ બિસ્કિટ અને બિસ્લેરી પાણી, આમ છતાં પણ આજે તે પ્રથમ કક્ષાની પ્રથમ નંબરે બિરાજતી બ્રાન્ડ્સ છે. આનું એકમેવ
કારણ એ કે એ ઓરિજિનલ છે અને એથી વધુ એ એક નામી સ્થાપિત બ્રાન્ડ છે.
હવે વિચારો કે વેપાર કરવા માટે નકલી બ્રાન્ડનું સ્વાગત કરીશું કે તેનાથી સાવધાન રહીશું..?!