સાવચેત રહેજો ખાલિસ્તાનવાદીઓ ફરીથી માથું ઊંચકી રહ્યા છે!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
કેટલાક ઇતિહાસ એવા હોય છે કે જેને યાદ કરવાથી દિલ તરબતર થઈ જાય છે. કેટલાક ઇતિહાસ એવા હોય છે કે, જેમને ભૂલી જવા જ બહેતર લાગે. હકીકત એ છે કે કોઈપણ પ્રકારનો ઇતિહાસ દફન કરી શકાતો નથી. દરેક ઇતિહાસ કંઈક શીખવતો જાય છે. ‘ખાલિસ્તાની ચળવળ’, જે પાછળથી ફંટાઈને એક લોહિયાળ યાદ બની રહી એની ખબર વર્તમાન પેઢીને હોવી જરૂરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલિસ્તાની શબ્દ આપણા કાને ફરીથી અથડાઈ રહ્યો છે. કેનેડા અને ઇંગ્લેન્ડમાં તોફાનીઓએ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો અને ખાલિસ્તાન તરફીઓએ કેટલાક ભારતીયો પર હુમલો કર્યો, ત્યારથી કેટલાકને કૌતુક થાય છે કે આ ખાલિસ્તાની શું છે?
૮૦ના દાયકાની શરૂઆતમાં ઉત્તર ભારત અને ખાસ કરીને પંજાબમાં રહેનારા માટે ખાલિસ્તાનની યાદો ખૂબ જ દુ:ખદ છે. શીખો માટે અલગ દેશ એટલે કે ખાલિસ્તાનની માગણીના ટેકેદારોને ખાલિસ્તાની કહેવાયા. આ અલગતાવાદીઓને ખૂબ જ ઓછી સંખ્યામાં શીખોએ ટેકો આપ્યો હતો. ખાલિસ્તાનનો અર્થ થાય છે ‘ખાલસાનો પ્રદેશ’. ખાલિસ્તાનીઓની માગણી હતી કે ભારતના પંજાબ રાજ્ય ઉપરાંત ચંદીગઢ અને ઉત્તર ભારતનો કેટલોક ભાગ પણ એમને અલગ દેશ તરીકે આપી દેવામાં આવે. હકીકત એ છે કે ખાલિસ્તાનની ચળવળ શરૂ કરવા પાછળ પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુત્તોનો હાથ હતો. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી ભારતે પૂર્વ પાકિસ્તાનને જે રીતે અલગ કર્યું એનો બદલો પાકિસ્તાને લેવો હતો. જોકે બ્રિટીશ સામ્રાજ્યના અંત પછી પણ ખાલિસ્તાન માટેની માગણી નાના પાયે શરૂ કરવામાં આવી હતી. ૮૦ના દાયકામાં રાજકીય રીતે ઇન્દિરા ગાંધીએ કરેલી કેટલીક ભૂલોને કારણે ખાલિસ્તાનની ચળવળ ઉગ્ર બની હતી. ખાસ કરીને વિદેશમાં રહેતા કેટલાક સમૃદ્ધ શીખોએ ખાલિસ્તાન ચળવળ માટે ફંડીંગ પૂરું પાડ્યુ હતું. અલગતાવાદની આ ચળવળની શરૂઆતમાં જગજીતસિંહ ચૌહાણ નામના શીખે આગેવાની લીધી હતી. ૧૯૭૧ના યુદ્ધ પછી ચૌહાણે પાકિસ્તાનની મુલાકાત લીધી એને પાકિસ્તાની મીડિયાએ ખૂબ ચગાવી હતી. પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇની મદદથી ભારતના શીખોના કાનમાં ઝેર ભરવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. ૭૦ના દાયકામાં ચૌહાણ વિદેશમાં ફરતા રહ્યા અને ખાલિસ્તાનની ચળવળ માટે વિદેશમાં સ્થાયી થયેલા શીખોને આ ચળવળમાં જોડાવા પ્રચાર કર્યો. ૧૯૮૦માં ‘ખાલિસ્તાન નેશનલ કાઉન્સીલ’ની જાહેરાત કરવામાં આવી. અમૃતસરમાં આ ચળવળમાંથી કેટલાકે અલગ ખાલિસ્તાનની ટપાલ ટિકિટો અને ચલણી નાણું પણ રિલીઝ કર્યું હતું. ચૌહાણે પોતાનું મંત્રાલય પણ બનાવી દીધુ હતું. યુરોપના કેટલાક દેશોમાં તો ચૌહાણે પોતાના દુતાવાસ પણ ખોલી નાંખ્યા હતા. આ ચળવળ વખતે જ ચૌહાણની મુલાકાત જર્નેલસિંહ ભીંડરણવાલે સાથે થઈ હતી. એ વખતના રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે પંજાબમાં સત્તા ટકાવી રાખવા માટે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ જ ભીંડરણવાલેને મોટોભા બનાવ્યો હતો.
શરૂઆતમાં અહિંસક રહેલી ખાલિસ્તાની ચળવળનું સુકાન ભીંડરણવાલેએ પોતાના હાથમાં લઈ લીધું અને પંજાબમાં ખુનામરકી ચાલુ થઈ. ૪થી ઓગસ્ટ ૧૯૮૨થી લઈને ૩જી જુન ૧૯૮૪ સુધીમાં ખાલિસ્તાની આતંકવાદીઓએ ૧૨૦૦ જેટલી હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. ૪૧૦ જેટલી વ્યક્તિઓની હત્યા કરી હતી. ભીંડરણવાલેનું આયોજન હિન્દુઓ અને શીખો વચ્ચે રમખાણ કરાવવાનું હતું. જોકે પંજાબના બહુમતિ શીખો અને હિન્દુઓ એ ચાલમાં ફસાયા નહીં અને હિન્દુ-શીખ વચ્ચે ભાઈચારો મજબુતીથી રહ્યો. અકળાઈ ગયેલા ભીંડરણવાલેએ ત્યાર પછી હજારો નિર્દોષ હિન્દુઓ અને શીખોની હત્યા કરાવી. પાકિસ્તાનથી મેળવવામાં આવતા હથિયારો અને બોમ્બ વડે આ હત્યાઓ થતી હતી. રાજકીય પક્ષ અકાલીદળની નેતાગીરીને બદનામ કરવા માટે ભીંડરણવાલેને મોટો કરવામાં આવ્યો હતો અને એ જ ભીંડરણવાલે શેતાન બની ગયો. ખાલિસ્તાની આતંકવાદી એટલા બેફામ બન્યા હતા કે ૧૯૮૩ની ૨૩મી એપ્રિલે શીખો માટે સૌથી પ્રવિત્ર ગણાતા ગોલ્ડન ટેમ્પલમાં જ પંજાબ પોલીસના વડા એ. એસ. અટવાલની હત્યા એમણે કરી હતી. ૧૯૮૪ના માર્ચ મહિનામાં ભારતના સુરક્ષાદળોથી બચવા માટે ભીંડરણવાલે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ઘૂસી ગયો. મંદીરનો દેખાવ કિલ્લા જેવો થઈ ગયો હતો. ચારે બાજુ રેતીની ગુણો ખડકી દેવામાં આવી. મંદિરમાં હજારોની સંખ્યામાં ઓટોમેટીક રાઇફલો અને હેન્ડ ગ્રેનેડનો સંગ્રહ કરવામાં આવ્યો. ખાલિસ્તાની હત્યારાઓ ફક્ત પંજાબ જ નહીં, પરંતુ દિલ્હી સુધી જઈને વિવિધ રાજકીય નેતાઓની હત્યા કરતા હતા. છેવટે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ના છૂટકે ગોલ્ડન ટેમ્પલમાં સુરક્ષા દળોને મોકલીને સફાઈ કરવાનું નક્કી કર્યું. જે ‘ઓપરેશન બ્રુલસ્ટાર’ તરીકે ઓળખાયું. ૧૯૮૪ના જુન મહિનામાં ભારતનું આર્મી ગોલ્ડન ટેમ્પલમાં ગયું. મંદિરમાં સંતાઇને બેઠેલા ભીંડરણવાલે અને આતંકીઓએ લશ્કરના જવાનો પર હુમલો કરવાના શરૂ કર્યા એટલે લશ્કરે પ્રતિ હુમલામાં ભીંડરણવાલે સહિત તમામ આતંકવાદીઓને મારી નાંખ્યા. મંદિરમાંથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળ્યો. છેવટે મંદિર સ્વતંત્ર થયું અને એનો કબજો સંતોને આપવામાં આવ્યો.
સ્વાભાવિક છે કે મંદિરમાં આટલા મોટા પાયે હિંસાખોરી થઈ હોવાથી મંદિરના ઘણા ભાગોને નુકસાન પહોંચ્યું હતું. દેશના મોટા ભાગના શીખો સમજતા હતા કે ભીંડરણવાલેનો સફાયો કરવા માટે સરકારે આ પગલું લેવું પડે એમ હતું જ. જોકે કેટલાક ખાલિસ્તાનીઓએ સરકાર સામે કૂપ્રચાર પણ શરૂ કર્યો હતો. દેશમાં રહીને ખુલ્લેઆમ ખાલિસ્તાનવાદીઓને સહાય કરનારાઓ કેનેડા અને યુરોપના બીજા દેશોમાં ભાગી ગયા.
ઇન્ટેલિજન્સ ઇનપુટ એવા હતા કે ઓપરેશન બ્લુસ્ટારને કારણે ઇન્દિરા ગાંધીના જીવને જોખમ છે. આમ છતાં ઇન્દિરા ગાંધીએ એમના બોડીગાર્ડ તરીકે શીખ જવાનોને જ રાખ્યા. ૩૧મી ઓક્ટોબરે સવારે ઇન્દિરા ગાંધી જ્યારે એમના મકાનના બાગમાં ટહેલતાં હતાં ત્યારે એમના બે શીખ બોડીગાર્ડોએ જ ગોળી મારીને એમની હત્યા કરી. દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો. ખાસ કરીને દિલ્હીમાં હજારો નિર્દોષ શીખોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ કોઈ કોમવાદી હુલ્લડ નહોતા, પરંતુ શીખોનું જાતીય નિકંદન જ હતું. ઘણા કૉંગ્રેસના નેતાઓ પણ આરોપીના પીંજરામાં હતા, કે જેમણે હિંસક ટોળાને શીખો વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.
પંજાબમાં આતંકવાદ અટકવાનું નામ નહોતો લેતો એટલે છેવટે ૧૯૮૮માં જાબાંઝ પોલીસ અધિકારી કે.પી.એસ. ગીલને પંજાબનો હવાલો સોપાયો. કે.પી.એસ. ગીલે ખૂબ જ કડક હાથે કામ લઈ આતંકવાદીઓના એન્કાઉન્ટર શરૂ કર્યા અને માનવ અધિકારવાળાઓનો કકળાટ સાંભળ્યા વગર પંજાબને આતંકવાદથી મુક્ત કર્યું. એ વખતે પંજાબમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી બિયંતસિંહ હતા, જેમણે ગીલને છૂટો દોર આપીને પંજાબમાં શાંતિ ફરીથી સ્થાપી.
હવે ફરીથી જ્યારે વિદેશ બેઠેલા ગદ્દારો ખાલિસ્તાની ચળવળને જાગૃત કરવાની કોશિષ કરી રહ્યા છે ત્યારે આપણે બધાએ ૮૦ના દાયકાને ફરીથી યાદ કરવો જરૂરી છે.