ક્વોલિટીની કમાલ ને આવરદા સાલો સાલ
કસ્ટમાઈઝડ ચાર્જરથી લઈને હેડફોન લઈ આવ્યા છે કામમાં મેઘધનુષી વિવિધતા….
જાતભાતની એસેસરીઝ -વિરલ રાઠોડ
મહાનગર હોય કે નગર, મોબાઈલ વિક્રેતાની દુકાને જઈએ તો સૌથી પહેલા તો એને ડિસપ્લેમાં મૂકેલા મોબાઈલ અને તેના કવર પરથી આંખ હટે નહીં. એમાં પણ કેટલાક વિક્રેતાઓ પાસે તો એવું મસ્ત ક્લેક્શન હોય કે…બસ!
કલર્સ, ક્રિચર્સ, ફિચર્સ, કેરેકટર્સની ક્લાસ કહી શકાય એવી વસ્તુ કે મોબાઈલને ચાર ચાંદ લગાવી દે. મોબાઈલ ભલે સસ્તો હોય પણ બે ઘડી ક્યાંક પડ્યો હોય એટલે માણસનો વટ પાડી દે એવા એના કવર્સ અને એસેસરીઝ હોય છે. એમાં પણ પાછળ ચોંટાડવાના સ્ટિકર ને એમાંય પણ મલ્ટિકલર્સ, સ્માઈલીઝની એવી વેરાઈટી કે ન પૂછો વાત.
મેટ્રો કે મેગા સિટીની મુખ્ય માર્કેટમાં જ નહીં, પણ આવું રસ્તાના કિનારે મોબાઈલ એસેસરી વેચનાર પાસે આનું આંશિક ક્લેક્શન હોય છે. ફોન ખરીદનારે માર્ક કર્યું હશે કે, હવે ફોન સાથે ચાર્જર સિવાય કોઈ જ એસેસરી નથી અપાતી. બીજી વાત કે, કવર-ટફલ ગ્લાસના પૈસા અલગથી લેવાય છે. આ વિષય પર કંપનીઓએ પણ કેટલાક મોટા નિર્ણય લીધા છે.
મોબાઈલ બનાવતી કંપનીઓએ હવે નક્કી કર્યું છે કે, ખાસ કોઈ બીજી એસેસરી આપવાની નથી. આની પાછળ ઘણા કારણ છે. અગાઉ ઘણી એવી ઘટનાઓ કંપનીને ધ્યાને આવી કે, ડિલર્સ કે ડિસ્ટ્રીબ્યુટર્સ ફોન સાથે કેટલાક એસેસરી પોતાની રીતે કસ્ટમાઈઝડ કરતા હતા. પછી વધારાની એસેસરીના ઓર્ડરમાં એનો અલગથી ચાર્જ ચૂકવવો પડતો. કંપનીઓ પણ આવો કેટલોક માલ પોતાના ખિસ્સા ખર્ચે મંગાવતી. જે પછી પોલિસી પ્રોફિટ અનુસાર વેચતી, પણ હવે તો ‘એપલ’ જેવી કંપનીએ એવી જાહેરાત કરી દીધી છે કે, તે ફોન સાથે ચાર્જર પણ નહીં આપે. આ પાછળનું એક કારણ એસેસરી બનાવતી કંપનીઓનું અનેકવિધ ઉત્પાદન માર્કેટ છે, કારણ કે, કંપનીના કેબલ કરતાં અન્યનાં વધુ ગુણવત્તાયુક્ત ને કલર્સથી સજ્જવાયર જેવી વસ્તુ ઓછી કિંમતે પ્રાપ્ય છે. બીજી તરફ બોટ, યુબોર્ન, પ્રોટોનિક્સ, ઓટરબોક્સ, બ્લાડ, આઈબોલ જેવી કંપનીઓ રીતસરના ડિજિટલ ક્ષેત્રમાં રણમેદાન પર ઊતરી છે, કારણ કે ગ્રાહકોને ફ્રીમાં આપવા પડતા ટફનથી લઈને ઈયરફોન સુધીમાં પ્રોફિટ માર્જિન બેલેન્સ થતું ન હતું. પછીથી ‘સેમસંગ’ જેવી કંપનીઓએ નક્કી કરેલી કિંમત કરતાં વધારે ભાવના ફોન પર આ સુવિધા આપી. જે રીતે કેમેરામાં સોની અને લેપટોપમાં ડેલ જેવી કંપનીનો દબદબો છે એમ મોબાઈલ બોક્સમાં એસેસરી આવતી બંધ થતા અન્ય કંપનીઓની પ્રોડક્ટને મસ્ત માર્કેટ મળી….જાણે પાનખરમાં વસંત!
હકીકતે થાય છે એવું કે, કંપની બ્રાંડના ઉત્પાદન કરતાં- લોકો કરતાં એના જેવા જ બોક્સ, કવર, ઈયરફોન, ટફનગ્લાસ ખરીદે છે. જે દરેકના ખિસ્સાને પરવડે છે. ક્વોલિટીમાં ઝાઝો કોઈ ફેર પડતો નથી. નવરાશ અને મોકળાશના સમયમાં મોબાઈલમાં અંગૂઠા ફેરવતા કોઈ વ્યક્તિ જાતે કરીને ડિવાઈસનો ઘા નથી કરતા. આમેય દરેક વ્યક્તિની ‘એપલ’ જેવો ફોન લેવાની ક્ષમતા નથી હોતી, પણ ફીલ તો લઈ શકાય. એટલે આવી કંપનીઓએ લૂક, લેબલ, લૂકઆઉટ, લેવલ અને કેશમાં કસ્ટમાઈઝેશન કરીને સામાન્ય લોકોને ‘એપલ’ જેવી ફીલ આપવા ડગ ભર્યા ને આસમાની સફળતા પણ પ્રાપ્ત થઈ. એમેઝોનના જંગલમાં જેટલી વનસ્પતિ નહીં હોય એટલા ડિવાઈસ કવરના વેરિએશન આ કંપનીઓ પાસે છે.
આ વર્ષે રિટેલ ઈલેક્ટ્રોનિક્સે કરેલા એક સર્વે અનુસાર જયપુર-મુંબઈ જેવાં શહેરમાં આવી ચીજોનું છ માસિકગાળાનું ૪૦ કરોડનું માર્કેટ છે. એ પણ નેટ રેવન્યૂ. …આનાથી થાય છે એવું કે, મોબાઈલ જેટલું બજેટ રાખીને યુવાનો આવી એસેસરીથી મસ્ત
ફીલ કરે છે. ‘સોની’ કે ‘બોસ’ જેવા હેડફોનમાંથી મ્યુઝિક સાંભળવું મોઘું પડે છે. પણ એના જેવી મસ્ત ફીલ આવી કંપનીઓ કરાવે છે..
દેશની હોય કે વિદેશની, સસ્તી વસ્તુ ને બેસ્ટ ક્વોલિટી મળે એટલે કેશનું લેવલ વધવાનું. વધારાની એસેસરી બનાવતી કંપનીઓએ રિસર્ચ કરીને એ વસ્તુ પર ભાર મૂક્યો કે, કેવી રીતે યુવાનોને હાઈ ક્વોલિટી માર્ક ને સ્ટાઈલ આપી શકાય. પછી શરૂ થઈ ક્રિએટિવિટીની મસ્ત જર્ની, જેમાં ટેકનોલોજી અંદર અને લૂક બહાર દેખાયા. કંપનીને પૈસા મળ્યા, શોખીનોને લૂક મળ્યો.
એક માર્કેટ રિસર્ચ કર્યા બાદ ‘સિસ્કા’ જેવી કંપનીએ પણ આ ક્ષેત્રમાં હનુમાન કુદકો માર્યો. પણ મંઝિલ સુધી પહોંચતા થોડો નહીં વધારે પરસેવો પડ્યો. આમાં ચીનની કંપનીઓનું માર્કેટ તોડવા ઘણી ભારતીય કંપનીઓએ એમાં પોતાનો દેશી ટચ આપ્યો એટલે વસ્તુ ઊપડી…. જેમ કે, મોબાઈલ કવર સાથે ક્રેડિક કાર્ડ રાખવાની સ્પેસ. ‘આઈબોલ’ જેવી કંપનીએ કિ-બોર્ડની સાથે કેસ કવર સુધીનું ઉત્પાદન કરેલું. પછી એના સ્પીકર આવ્યા. સૂરજ ભલે વર્ષો જૂનો રહ્યો પણ દરરોજ નવો દિવસ લઈને આવે એમ આમાં કિ-ચેનના બેલ્ટ અને કડી સુધી એવું અપાર વૈવિધ્ય આવ્યું.
કંપનીઓએ દર વખતે જુદા જુદા બોક્સ, કલર્સ અને ડિવાઈસના આકાર ચેન્જ કર્યા, પણ કંપનીએ સૌથી પહેલા આ માલ (સ્ટોક) સેમી અર્બન કહેવાતા સિટીમાં ઠલવ્યો. પરિણામ એ આવ્યું કે, ગામડાંઓમાં વસતું ભારત લૂકવાઈઝ અપગ્રેડ થયું. મોબાઈલનું સ્પીકર ન ચાલતું હોય તો બ્લૂતુથ કે હેન્ડસ્ફ્રી કામ ચાલી જાય એ જ્ઞાનથી ગામઠી પ્રજા અવગત થઈ. પછી ક્વોલિટીમાં તથા પ્રાઈસમાં વધારો કરી મોટી-મોટી વસ્તુઓ મહાનગરમાં પીરસી. આમ એક મોબાઈલ કરતાં એસેસરી માર્કેટ મોટું થયું.
આઉટ ઓફ ધ બોક્સ
જ્ઞાનથી છલોછલ થતા પહેલા સ્વયંના દિમાગ અને દિલમાં ખાલીપો હોવો જોઈએ, જેમાં જ્ઞાન ભરી શકાય. સંપૂર્ણ થતા પહેલા અધૂરપ અવશ્યક છે.