ઈ-વેસ્ટમાંથીય બેસ્ટ બનાવી શકાય
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ઉનાળુ સીઝનનો મધ્યાહ્ન ચાલી રહ્યો હોય એવા માહોલમાં કોઈ પસ્તી લેનારો ફેરીયો બૂમ પાડે તો અવકાશી પડઘા પડે. ટૂંકમાં ઉનાળાની બપોરે માહોલ એટલો સ્મશાન જેવી શાંતિનો હોય. વિકસી રહેલા મહાનગરમાં હવે એવું ચિત્ર જોવા ભાગ્યે જ મળે છે કે, ઉનાળુ બપોરે નીરવ શાંતિ હોય. સોસાયટીઓને બાદ કરતાં મુખ્ય રસ્તાઓની ચહલપહલ માત્ર ઓછી થાય છે. એના પર કોઈ પૂર્ણવિરામ નથી લાગતું.
સોફ્ટવેર અપડેટની આખી શૃંખલા સમયાંતરે આવે છે ત્યારે ફોન નવો લીધો હોય એવી ફિલિંગ્સ આવે છે, પણ જ્યારે ફોન નવો લેવાનો હોય ત્યારે? હૈયામાં વગર ચોમાસે સૂનામી આવે એટલી ઊંચાઈએથી ઉત્સાહના ઘોડા થનગનતા હોય છે તો ક્યારેક એવું બને છે કે, દુકાનદાર જૂનો મોબાઈલ લઈ લે અને એના બદલામાં નવો આપે. એ પણ કેટલાક પૈસા કાપીને. હવે વિચારો સમગ્ર દેશમાંથી આ પ્રકારે જે ધંધો થાય છે એમાં દૈનિક ધોરણે કેટલાં મોબાઈલ દરરોજ સ્ક્રેપ-ભંગાર ભેગો થતાં હશે?
એક સર્વે અનુસાર દૈનિક ૧ લાખથી વધારે… એમાં પણ બેંગ્લૂરુ અને મુંબઈ જેવા સિટીમાંથી મોબાઈલ સિવાયનો ડિજિટલ કહેવાતા ડિવાઈસનો વાર્ષિક સ્ક્રેપ ૩૦ ટનથી પણ વધારે નીકળે છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ આવા સ્ક્રેપમાં નેટ ૧૯ ટકાનો વધારો થયો, કારણ કે, ઓનલાઈન પ્લેટફોર્મ આવતા ડિવાઈસ નિર્ભરતા વીજ સપ્લાયમાં વોલ્ટેજ ઘટે એમ એકાએક ઘટી જાય. ડિજિટલ વેસ્ટ એટલે કે માત્ર ડિવાઈસ વેસ્ટને લઈને સ્ક્રેપના આંકડા પર નજર કરીએ તો આઘાત લાગે એવું પરિણામ છે. ઈન્ટરનેટની જાદુઈ દુનિયા પાછળ કાંટા ઊભા કરતો કચરો પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ રહ્યો છે. જેમ ઉતરાયણની સાંજે પતંગનું આત્મવિલોપન થઈ જાય છે. એમ લેપટોપ, માઉસ, કેબલ્સ, પીન્સ, મોબાઈલ ફોન, સ્ક્રિન ગાર્ડ, ઈયરબડ્સ, બડ્સની કેપ જેવી ચીજ વસ્તુઓનો નાશ સાપના ઝેર સમાન છે. ડાયરેક્ટ નાશ કરવા જાય તો પર્યાવરણ બગડે અને તોડફોડ કરીએ તો એ બીજાને પણ નુકસાન પહોંચાડે.
જો કે, આ દિશામાં જર્મનીના એક આઈટી પ્રોફેશનલ્સ ગ્રૂપે એક ઈનોવેશન કર્યું છે, જેની આજે વાત કરવી છે.
આ એવું ઈનોવેશન- એક એવી નવીનતા છે, જેને રિસાઈકલ કરવાની જરૂર નથી. થોડું કાપકૂપ કરીને ડાયરેક્ટ યુઝ કરી શકાય છે.
શરૂઆત કરીએ ખરાબ થઈ ગયેલા માઉસ-પેડથી., જેના વાયર કટ કરીને ઘરમાં નાની એવી જગ્યા પર વરગણી બનાવી શકાય. જેના પર નેપક્ધિસ કે મહોતૂ સૂકવી શકાય. આ કેબલ્સ થોડા મજબૂત હોવાથી ભારે સામાન પેક કર્યો હોય તે એની પર ટ્વિસ્ટ વાયરથી લોક કરી શકાય.
હા, બધી વસ્તુ રિ-સાઈકલ થતી નથી, કારણ કે પ્લાસ્ટિક કે અન્ય મજબૂત કેમિકલ્સમાંથી બનતી વસ્તુ જ્યારે નાશ થાય ત્યારે નુકસાન તો કરે જ છે. ઝેર પોતાનો સ્વભાવ ન છોડે એમ આવાં કેટલાક ડિવાઈસનો કોઈ તોડ નથી. બસ, સ્માર્ટનેસ વાપરીને રિ-યૂઝ થાય તો ફાયદામાં. લેપટોપ ખરાબ થઈ જાય તો એની અંદરથી જે સારું છે એ કોઈ એસેમ્બલવાળાને આપી શકાય…
-અને જો સ્ક્રિન ગઈ હોય તો?
અરે, સિમ્પલ છે. સ્ક્રિન અલગ કરીને એનો ટ્રે તરીકે યુઝ કરી શકાય. વસ્તુ પણ એના પર સ્મૂથ રહેશે અને લાગશે પણ કંઈક નવીન.
હવે તમે કહેશો કે, આખા દેશમાંથી આવો કચરો બલ્ક- મોટા પ્રમાણમાં નીકળે તો જાય ક્યાં?
જવાબ છે આફ્રિક્ધસ કંટ્રીમાં, જ્યાં શ્રમિકો વધારે છે અને એમના ખિસ્સાને આઈફોન જેવા ફોન પરવડે એમ નથી. આવા લોકો માટે સારી કંડિશનવાળા ડિવાઈસ કે લેપટોપ પણ મેકબૂક સમાન છે, કારણ કે, એટલા ગરીબ પ્રાંતમાં આ વસ્તુ પણ એમના જીવનધોરણને અપગ્રેડ કરે છે.
ચલો, મોટી સંખ્યામાં ડેસ્કટોપ પડ્યા છે? એના સીપીયુ ખાસ કંઈ કામના નથી? તો કોઈ ભઠ્ઠીવાળાને ત્યાં આ લોઢું કામ આવી શકે છે. એની સામે કોઈ નાની એવી રેક કે કસરત માટેના રોડ (પાઈપ) બનાવી શકાય. નાના મોટા અને કસ્ટમાઈઝેશન તે ભઠ્ઠીવાળા જ કહી શકે. અત્યારે ઘણી એવી કંપનીઓ છે જે રિસાઈકલ પ્રોડક્ટમાં કંઈક નવા-જૂની કરીને નવી પ્રોડક્ટ તૈયાર કરે છે.
આમાં કેટેગરી વિચારીએ તો ગેલેક્સી જેવી ગેલેરી બની જાય. એક સત્તાવાર આંકડા મુજબ ૫૭ મિલિયન મેટ્રિક ટન માત્ર ડિજિટલ વેસ્ટ છે. જ્યારે ભારત જેવા દેશમાંથી વાર્ષિક ધોરણે ૧૦૦ ટન માત્ર આવા ડિવાઈસના બોક્સ સ્ક્રેપમાં આવે છે. ચલો, હવે મોબાઈલના બોક્સ તો તમારી પાસે પણ હશે. આનો ઉપયોગ રૂમાલ, મોજા અને કેશ સાચવવા માટે કરી શકાય. કેશ હોય તો એને વાળવા નહીં પડે એવી રીતે સચવાશે. વાળશો તો વધારે સચવાશે. હા, આ બોક્સને ચારેય બાજુથી સેલોટેપ્સ મારીને વધુ મજબૂત કરી શકાય છે. આ ઉપરાંત લેડિઝ વર્ગ પોતાની ઝીણી ઝીણી જ્વેલરી કે ઓર્નામેન્ટ પણ મૂકી શકે છે. ઉપરથી બંધ થતા બોક્સ હોવાથી અંદર તૂટવાના ચાન્સ ઓછા રહે છે. આવી નવી વસ્તુ બનાવવાનો પણ એક રોમાંચ હોય છે. ક્રિએટિવિટીના કમાલના રિઝલ્ટ જોઈને અન્ય લોકો ચોંકશે એ નક્કી છે.
કિ- બોર્ડ બગડ્યું હોય તો?
કંઈ નહીં… ખોલીને જોઈ લો કે નીચેની સર્કિટ ચાલુ છે? ચાલુ હોય તેને વેચી શકાય અને બાકી કી કાઢીને પાઉડરના ડબ્બા પર એ ચોંટાડીને મસ્ત પેનબોક્સ બનાવી શકાય. હા, પાઉડરનું ઉપરનું નાળચું વ્યવસ્થિત કટ થાય એ જરૂરી છે.
આવું તો કેટલુંય છે, પણ જે રીતે આ કચરો વધે છે એ જોખમી છે. આ પાછળનું કારણ ઝડપથી અપડેટ થતી ટેકનોલોજી અને હાર્ડકોર યુઝેજ-વપરાશ છે. કંપનીઓ પણ સતત નવું નવું માર્કેટમાં નાખે છે એટલે ડિવાઈસ આઉટડેટ થતા વાર નથી લાગતી.
આઉટ ઓફ ધ બોક્સ
સતત કંઈક નવું શીખતા રહેવાનો ફાયદો એ છે કે, ખોટા વિચાર આવતા નથી અને દિમાગ કે યાદશક્તિને ક્યારેય કાટ લાગતો નથી.