ઉત્સવ

ગુજરાતી નાટકમાં બંગાળી બાબુની કમાલ

સ્પોટ લાઈટ -મહેશ્વરી

નાટક: `કોરી આંખો ને ભીના હૈયા’ કાંતિ મડિયાનાં નાટકોના વિશિષ્ટ શીર્ષકો વિશે બે હપ્તા પહેલા મેં વાત કરી હતી. શીર્ષકથી જ શરૂ થયેલી પ્રયોગશીલતાનો વિસ્તાર નાટકના વિષયની પસંદગીમાં, એની ભજવણીમાં તેમજ એના દિગ્દર્શન – અભિનય સુધી જોવા મળતો હતો. નાટકના સીન પ્રભાવી લાગે એ માટે સેટિગ્સમાં અનેક અખતરા મડિયાનાં નાટકોમાં જોવા મળ્યા છે. `કોરી આંખો ને ભીના હૈયા’માં પણ પ્રેક્ષકોને એક અલાયદો અનુભવ થયો. આ નાટકમાં સ્ટેજ પર બોગદામાંથી એક ટે્રન જાય ને બીજી આવે એવું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ દૃશ્યની રજૂઆતમાં કોઈ કચાસ ન રહી જાય અને પ્રેક્ષકો એનો રોમાંચ અનુભવી શકે એ માટે ખાસ કલકત્તાથી તપસ સેનને બોલાવવામાં આવ્યા હતા.

તપસ સેન… વીસમી સદીનું ભારતીય નાટ્ય સૃષ્ટિનું વિરાટ વ્યક્તિત્વ. 1940ના દાયકામાં તેઓ કલકત્તામાં બંગાળી રંગભૂમિની ચળવળ સાથે સંકળાયા હતા. એ સમયકાળમાં ઉત્પલ દત્ત, શંભુ મિત્ર જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે સ્ટેજ લાઈટિગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ઈન્ડિયન પીપલ થિયેટર એસોસિએશન (ઈપ્ટા)ના સ્થાપક સભ્યોમાંના એક તપસ બાબુ પછી હિન્દી નાટકો સાથે પણ જોડાયા. પછીનાં વર્ષોમાં ઈબ્રાહિમ અલકાઝી, વિજય તેંડુલકર જેવા નાટ્ય માંધાતાઓનાં નાટકોમાં પણ અવનવા પ્રયોગો કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. ક્રિયેટિવ સ્ટેજ લાઈટિગમાં તેમની ગણના જીનિયસ તરીકે થતી હતી. 1959માં કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોની પીડા – તકલીફો પર પ્રકાશ પાડતા ઉત્પલ દત્તના `અંગાર’ નામના બંગાળી નાટકમાં અદભુત પ્રકાશ સંયોજન પછી તેઓ `તપસ લાઈટ સેન’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. 1959માં `સેતુ’ નામના બંગાળી નાટકની હિરોઈન ટે્રનમાંથી પડતું મુકી આત્મહત્યા કરે છે એવું એક દૃશ્ય હતું. અનેક દર્શકો આ નાટક ફરી વાર હિરોઈનના આત્મહત્યાના દૃશ્યમાં કરેલા બેમિસાલ પ્રકાશ સંયોજન જોવા માટે આવતા હતા. એ પ્રકાશ સંયોજનની કમાલ એવી પ્રભાવશાળી હતી કે પોતે પણ એ જ ટે્રનમાં બેઠા હોવાનો એહસાસ પ્રેક્ષકોને થતો હતો. તેમની સિદ્ધિ અને ખ્યાતિ દેશના સીમાડા ઓળંગી વિદેશમાં પણ ફેલાઈ છે. તમે જો યુરોપનો પ્રવાસ કર્યો હશે તો પેરિસનો આલાગ્રાન્ડ આઈફિલ ટાવર જરૂર જોયો હશે અને રાતના અંધારામાં એ જે રીતે પ્રકાશમાન થાય છે એનો આનંદ જરૂર લીધો હશે. વિશ્વભરના સહેલાણીઓની આંખોમાં આંજણ કરી દેનારી એ લાઈટિગમાં પણ તપસ સેનનું યોગદાન છે. આ બધી વિગતે વાત કહેવાનું તાત્પર્ય એટલું કે નાટક સર્વાંગપૂર્ણ સુંદર બને એ માટે મડિયા (અને અન્ય દિગ્દર્શકો સુધ્ધાં) કેવી ચીવટ રાખતા હતા એનો ખ્યાલ આવે.

`કોરી આંખો ને ભીના હૈયા’ એક મરાઠી નાટક પર આધારિત હતું અને જાણવા જેવી વાત એ છે કે ડોમ્બીવલીમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત હતું. વર્ષો પહેલા કલ્યાણ જતી ટે્રનમાંથી કૂદકો મારી પતિ – પત્નીએ આપઘાત કરવાની કોશિશ કરી હતી પણ એમાં પત્ની બચી ગઈ હતી. આ ઘટના પરથી મરાઠી નાટક `માઝં કાય ચૂકલં’ બન્યું અને એના પરથી મડિયાએ ગુજરાતી સંસ્કરણ રજૂ કર્યું હતું. ટે્રનમાંથી પડતું મૂકવાનો સીન પ્રભાવી લાગે એ માટે મડિયાએ ખાસ તપસ સેનને બોલાવ્યા હતા અને બંગાળી બાબુએ ખૂબ જ ચીવટ રાખી ઝીણામાં ઝીણી વિગતો માટે ચોકસાઈ રાખી જોઈતું હતું એવું રોમાંચક દૃશ્ય ખડું કરી આપ્યું હતું. બે મહિના રિહર્સલ કર્યા પછી નાટક ઓપન થયું. નાટકને પ્રેક્ષકોએ વધાવી લીધું. એની કથા અને પેલા ટે્રનમાંથી આપઘાતના સીનની ખૂબ પ્રશંસા થઈ. નાટક ચાલ્યું એનો આનંદ તો હતો જ, સાથે નવી રંગભૂમિ પર માં પદાર્પણ હિટ નાટકથી થયું એને કારણે આનંદ બેવડાઈ ગયો. નવી રંગભૂમિનાં અન્ય નાટકોમાં કામ મળવાની સંભાવના બળવત્તર થઈ. નાટકમાં કામ કરવાની તો મજા આવી જ, પણ કાંતિભાઈ નાટક તૈયાર કરવામાં કેવી અને કેટલી મહેનત લે છે એ બહુ નજીકથી જોયું અને જાણ્યું.

નવી રંગભૂમિ પર પગ જામી જશે એવી આશા જાગી, પણ અંગત જીવનમાં નવા ઘરમાં લાંબો સમય રહેવા મળશે એ આશા ઠગારી નીવડી. વાત એમ હતી કે ઘરમાં ગેસનો ચૂલો ન હોવાને કારણે મારે સ્ટવની મદદ લઈ રસોઈ કરવી પડતી હતી અને એ માટે કેટલાક લોકોના રેશન કાર્ડ લઈ લાઈનમાં ઊભા રહી કેરોસીન લાવું ત્યારે મારા ઘરે ચા – પાણી ને રસોઈ થઈ શકતા હતા. અલબત્ત ઉદય ભાઈ અને અન્ય રહેવાસીઓ વારાફરતી કાર્ડ આપતા હતા એટલે માં ગાડું ગબડ્યે જતું હતું. જોકે, વારંવાર કાર્ડ માગવા જવું મને ખટકતું હતું, પણ છૂટકો નહોતો. એક દિવસ મને ખબર પડી કે `ટેમ્પરરી રેશન કાર્ડ’ બનાવી શકાય છે. હું તો રાજી થઈ ગઈ કે જો મને એવું કાર્ડ મળી જાય તો કોઈના ઓશિયાળા ન રહેવું પડે. એટલે મેં બીજે દિવસે ઉદય ભાઈના કાને વાત નાખી કે કામચલાઉ રેશનકાર્ડ બનાવી આપવામાં મદદ કરો. ત્યારે ઉદય ભાઈએ હા તો પાડી, પણ ચાર દિવસ પછી એવી ઘટના બની જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી.

બન્યું એવું કે મને યોગી નગરનું ઘર અપાવનારા પ્રાગજી ડોસાના જમાઈનો મને ફોન આવ્યો અને કહ્યું કે `બહેન, એક સમસ્યા ઊભી થઈ છે.’ હું તો વિચારમાં પડી ગઈ કે શું વાત હશે? મેં હળવેકથી પૂછ્યું કે `શું થયું ભાઈ?’ તો જમાઈએ જણાવ્યું કે `બહેન, માઠું નહીં લગાડતા, પણ જેમનો ફ્લેટ છે એમના કોઈ સગા સંબંધી ત્યાં રહેવા આવવાના છે એટલે તમારે ફ્લેટ ખાલી કરવો પડશે.’ ફોનનું રિસીવર મારા હાથમાંથી નીચે પડતા પડતા રહી ગયું. જોકે, ક્ષણભરના આંચકામાંથી હું તરત સ્વસ્થ થઈ ગઈ. જિંદગીમાં આઘાત – આંચકાની મારા માટે હવે કોઈ નવાઈ નહોતી રહી. પછી મને એક વિચાર એવો આવ્યો કે ઉદય ભાઈને ટેમ્પરરી રેશનકાર્ડ બનાવી આપવાની વાત કરી હું ભૂલ તો નહોતી કરી બેઠી? એ માગણીને કારણે તો ઘર છોડવાનો વખત નથી આવ્યો ને એવા વિચારો દિમાગને ઘેરી વળ્યા. જોકે, આટલા દિવસ મને રહેવા ઘર આપ્યું એ એમની મહેરબાની અને હશે, જેવી પ્રભુની ઈચ્છા એમ કહી મનને મનાવી લીધું. પણ હવે કરવાનું શું? બે દીકરી અને એક દીકરાને લઈ રહેવા ક્યાં જવાનું એ મોટો સવાલ હતો. આવી સમસ્યામાં પહેલું નામ મને જ્યોતિ બહેનનું જ યાદ આવતું હતું. જ્યોતિ દ્વિવેદી, વિનયકાંત દ્વિવેદીનાં પત્ની. આગાઉ પણ ઘર મેળવવામાં મને મદદરૂપ થયાં હતાં. આ વખતે પણ કરશે એ આશા જ નહીં ખાતરી સાથે મેં જ્યોતિ બહેનને ફોન કર્યો…

રશિયન ધર્મગુરુ – વૈષ્ણવ સમાજમાં હાહાકાર… મૂળ નામ જમનાદાસ મોરારજી સંપટ પણ `જામન’ ઉપનામથી વધુ પ્રસિદ્ધિ મેળવી. નાટક જોવાના શોખીન બનેવીને કારણે જમનાદાસને બાળપણમાં જ નાટકો જોવાની તક મળી. ચિ કેળવાઈ અને 18 વર્ષની ઉંમરે તો નાટ્ય લેખક બની ગયા. આજથી 100 વર્ષ પહેલા તેમણે લખેલા `સોનેરી જાળ’ નામના નાટકે વૈષ્ણવ સમાજમાં હાહાકાર મચાવી દીધો હતો. નાટકમાં ઢોંગી ધર્મગુની વાત હતી, પણ એ 19મી સદીના પોતાને ચમત્કારી અવતાર લેખવનારા રશિયન ઢોંગી ધર્મગુ રાસ્પુટિનની પાપલીલા પર આધારિત હતું. જોકે, પ્રેક્ષકોને નાટક બેહદ પસંદ પડ્યું હતું અને એટલે નાટક કંપની એના શો ચાલુ રાખવા ઉત્સુક હતી. બીજી બાજુ નાટક બંધ કરવા દબાણ થયું. અંતે મંદિરના મહારાજશ્રી માટે સ્પેશિયલ શોનું આયોજન કરી તેમનું ગ્રીન સિગ્નલ મેળવવાનો તોડ કાઢવામાં આવ્યો. મહારાજશ્રીએ નાટક જોયું અને નાટકનો પ્રભાવ જોઈ શો ચાલુ રાખવાની મંજૂરી આપી પણ નાટકની ભજવણીમાં કપાળે `યુ’ આકારનું તિલક નહીં કરવાની શરત મૂકી હતી. આ નાટકને કારણે `જામન’ને નામના મળી અને ક્રાંતિકારી નાટકકારનું લેબલ તેમને લાગી ગયું. આ નાટકની સફળતા બાદ `જામન’એ બાળકો પ્રત્યે દુર્લક્ષની અનોખી કથા ધરાવતું નાટક `એમાં શું’? લખ્યું. આ નાટકને એવો જબરદસ્ત આવકાર મળ્યો કે આજથી 100 વર્ષ પહેલા આ નાટકની ટિકિટ 100 રૂપિયામાં વેચાઈ હોવાની વાત વહેતી થઈ હતી. (સંકલિત)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button