ઉત્સવ

બિહાઇન્ડ ધી સિન

ટૂંકી વાર્તા-બી. એચ. વૈષ્ણવ

મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો. જાણે શાંત જળમાં પથ્થર નાંખતા વમળો થયા ન હોય. રસિક રાવલની સામાન્ય વહીવટ વિભાગમાંથી મહેસૂલમાં નાયબ સચિવ -મહેકમ તરીકે બદલી થયેલી હતી.કોઈએ એમને પ્રત્યક્ષ જોયેલા નહીં. અલબત્ત,એક વ્યક્તિ સિવાય.એ સમયે સિવિલ લિસ્ટ (પુસ્તિકા )ફોટા વગર પ્રસિદ્ધ થતી હતી. માણસ પહોંચે તે પહેલાં તેની સાચી ખોટી છાપ પહોંચી જતી હોય છે.
રસિક રાવલની એવરેજ છાપ ખડુસ અને કડક અધિકારીની હતી. પહેલા દિવસે મહેકમમાંથી કોઇને લીધા સિવાય બે -ત્રણ શાખામાં પહોંચી ગયા. ઉનવર્ડ રજિસ્ટર, ફાઇલ મુવમેન્ટ રજિસ્ટર, કર્મચારી અવરજવર પત્રક ચેક કર્યા.
કોઇ કારકુન ટેબલ પર પગ ચડાવીને બેઠેલા. મહિલા મદદનીશ ફાઇલ ચલાવવાના બદલે લીલા વટાણા ફોલે. એક ખડુસ સેકશન અધિકારી ફાઇલની અંદર ડેબોનેર મેગેઝિન રાખી વિદેશી રૂપ લલનાના અર્ધ અનાવૃત ગ્લોસી ફોટોને લાળ પાડતા પાડતા જુએ !!!અવરજવરમાં એન્ટ્રી કર્યા સિવાય કારકુન શાલીમાર ટોકીઝમાં શુક્રવારના પહેલા શોમાં નિકાહ ફિલ્મ જોવા ઉપડી ગયેલા. કાર્યપત્રકમાં ટપાલો ચડાલેલી નહીં. મહેસૂલ એટલે લાલ્યાવાડી એવું જ રાવલ સાહેબને લાગ્યું!!
તમામને તાબડતોબ મીટિંગરૂમમાં બોલાવ્યા. અઢી કલાક સખત ફાયરિંગ આપ્યું. પગાર કાપવાની ઘમકી આપી. બેત્રણ વાર પકડાવશો તો બરતરફ કરવાની ચેતવણી આપી. મીટિંગ હોલમાં સન્નાટો છવાઈ ગયો. મહિલા કર્મચારી તો રૂદન કરવા લાગી! બરફ હોય તો પીગળે હીરો કદી પિંગળે ખરો??એક વાતનું આશ્ર્ચર્ય હતું. લગભગ બધાનો વારો પડ્યો.અલબત્ત, નીમરોદને એક ઘસરકો-ઠપકો ન મળ્યો.ઉલ્ટી ગંગાની જેમ રાવલ સાહેબે ચેમ્બરમાં બોલાવી ચા-પાણી કરાવ્યા.
મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓના દિલમાં ઈર્ષાની આગ પ્રજ્વલિત થઇ કે શું? અરે ભડભડ જવાળાઓ દેખાવા લાગી!!
એ જમાનામાં ઉપ સચિવની ચેમ્બરમાં જતા ચરણ ડિસ્કો ડાન્સ કરતા હોય તો નાયબ સચિવની ચેમ્બરમાં જવું એટલે મોતના કૂવામાં બાઇક ચલાવવા જેવું સાહસિક કે વાઘની બોડમાં ઘૂસવા જેટલું જોખમી હતું.સરકસનો રિંગમાસ્ટર જેમ હિંસક/ રાની પશુઓને ચાબુકથી ઠીક કરે તેમ ભલભલા માથાભારે કર્મચારીઓ સીધાદોર થતા હતા.
તમે આજના કોમ્પ્યુટર, લેપટોપ, નોટબુક કે આઇપેડ યુગની જનરેશન હોવ તો તમને ખબર નહીં હોય કે દરેક વિભાગમાં ટાઇપીંગ સેકશન રહેતા હતા. જેમાં બાર- પંદર ગુજરાતી/ અંગ્રેજી ટાઇપિસ્ટ ધડાધડ રેમિંગ્ટન ટાઇપ રાઇટર પર નોંધ, પત્ર, કેબિનેટ નોંધ, આરોપનામા, સજાના હુકમો, અપીલના હુકમો, ડી.ઓ.લેટર ટાઇપ કરતા હતા. રૂમની વચ્ચોવચ હેડ ટાઇપિસ્ટનું ટેબલ હોય. જે બાકીના ટાઇપીસ્ટોને કામની વહેંચણી કરતો હતો. દિવસના નિયત કરેલા શબ્દો ઉપરાંત વધુ શબ્દો ટાઇપ કરે તો ઓવરટાઇમ મળતો. જેમાં હેડ ટાઇપિસ્ટની રહેમદીલીની જરૂર રહેતી હતી. જેનો ક્યારેક ગેરલાભ પણ લેવાતો હતો.
અત્યારે ઓફિસ આસિસ્ટન્ટના ફાંફાં છે. એ જમાનામાં શાખામાં બે-બે કારકુનો રહેતા હતા. રેકર્ડ એવું સરસ ગોઠવેલ હોય કે ગમે તે વ્યક્તિ ઘડીના છઠ્ઠા ભાગમાં ફાઇલ શોધી શકતા હતા.
આજે ડિજિટલ યુગમાં આઇડબલ્યુડીએમએસમાં ફાઇલ ટ્રેક કરી શકતા નથી. એ જમાનામાં ફાઇલ ગતિસૂચિ કાર્ડ મેન્યુઅલ નિભાવવામાં આવતા હતા.એક ટેબલે થતી મુવમેન્ટ કેપ્ચર થતી હતી. માનો કે વિધાતાના લેખ!!ઘેરા લીલા રંગનું રેગઝિન લગાવેલા ટેબલો , નેતર મઢેલી વુડન ચેર, પ્રિયદૃર્શિની તરીકે જાણીતા ચકરડાવાળા ફોન, હવા કરતા વધુ અવાજ ફેંકતાં પંખા, લાકડાના ફાઇલ રેકસ સચિવાલયનો વૈભવ કે અસબાબ હતા. ‘જેના અન્ન ભેગા એના મન ભેગા’ એ ઉક્તિને સાર્થક કરતી સોલ્જરી પેટ્રનની શુક્રવારી. પગાર અલગ અલગ પણ મિન્સ ઑફ ટ્રાન્સપોર્ટેશન અપવાદને બાદ કરતા સાઇકલ રહેતી હતી. જેથી બધા ફિટ અને હીટ રહેતા હતા.ઈશ્ર્વર-અલ્લાહનો ડર રાખીને પ્રામાણિકતાથી ફરજ બજાવતા હતા.
બધાએ ભેગા થઇને નિમરોદને ચમત્કારનું કારણ પૂછયું.નિમરોદે કહ્યું, રાવલ સાહેબ મિત્ર છે.
બધાની આંખો પહોળી થઇ ગઇ. શૈતાનને મિત્ર? નામુમકીન.ઇમ્પોસિબલ. કયામત આવી ગઇ કે શું?
બધાએ નિમરોદને કહ્યું, “તું અને રાવલનો મિત્ર? કહેતાં બી દિવાના અને સુનતા બી દિવાના.હિટલરને મિત્ર હોય?
નિમરોદે રહસ્ય ઉદ્ઘાટન માટે પાપડી-ચાની લાંચ માંગી. મરદના ફાડિયા વસંતભાઇએ લાંચ કબૂલી લીધી. બધું રાવણું કેન્ટિનમાં પહોંચ્યું . પાપડીની ત્રણ ડીશો, સાત અડધી ચા, બે કોફી, એક ઉકાળાનો ઓર્ડર અપાયો.
પાપડીની ડીશો આવી. ભૂખ્યાડાંસ વરુની જેમ સૌ તૂટી પડયા. પાપડીના વજન કરતા વધુ વજનના કાંદા, તળેલા મરચા ટટકારી ગયા. છેલ્લે કઢિયેલ દૂધ જેવી કડકમીઠી ચા પીવાઇ.ફાકી મસાલાના શોખીનોની હથેળી તમાકુ-ચૂનાના મસળવાના મેદાનોમાં ફેરવાઇ ગઇ. હથેળી પર બીજા હાથથી ટપાકા લાગ્યા. નશીલી તમાકુની ચપટીઓ ભરાઇ. દાંત અને ગલોફા વચ્ચે તમાકુ ગોઠવાઈ. તેનો તમતમાટ ચાલુ થયો.મોજના સેલારા ચાલું થયા.
નિમરોદે રાવલ પુરાણનો સહકાર સ્કંદ ચાલુ કર્યો, હું એ વખતે સહકાર વિભાગમાં રાવલ સીધી ભરતીના સેકશન અધિકારીમાંથી અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરીનું પ્રમોશન લઇને આવેલ. કામમાં હોશિયાર. તુમાખી તો એના પિતાજીની દાસી હોય તેવો વર્તાવ.
નિમરોદ અટક્યો . બુઝેલી સિગારેટ લાઇટરથી ફરી સળગાવી.એક ઊંડો કસ લીધો. ધુમાડાના ગોટા બહાર કાઢ્યા. કાશ આ રીતે રાવલની કડવી યાદોને પણ કાઢી શકાતી હોય તો કેવું સારું !!એનું મન કડવાશથી ભરાઈ ગયું. અડધી સળગેલી સિગારેટ નીચે ફેંકી.બુટની એડીથી સિગારેટ કચડી. માનો કે રાવલની તુમાખીને બુટ તળે રોંદતો ન હોય!!
નિમરોદ ઊંડો શ્ર્વાસ લઈ બોલ્યો, “એક ફાઇલની નોંધના ટાઇપિંગમાં લોચા લાગેલા . રાવલે મને બોલાવવા પટાવાળા મકરાણીને બ્રાંચમાં મોકલ્યો.
નિમરોદે ડોર પર નોક કરી બારણું સહેજ અર્ધખુલ્લું કરી મે આઇ કમ ઇન સર’ની પૃચ્છા કરી.
યેસ કમ ઇન’ રાવલે આટલું જ કહ્યું
‘નિમરોદ,વ્હોટ ઇઝ ધીસ? ઇઝ ધેર એની પ્રોબ્લેમ ?વ્હોટ ઇઝ ગોઇંગ ઇન? લુક ધીસ કે દંડની જગ્યાએ શું ટાઇપ કર્યું છે.આ કેબિનેટ નોટ છે. કેવો મોટો લોચો માર્યો છે? સાલ્લાને કામ કરવું નથીને મફતમાં પગાર ખાવો છે.’
નિમરોદે રાવલને અટકવા ઇશારો કરી કહ્યું, ‘વેઈટ અ મિનિટ મિ. રાવલ.’ આટલું બોલી નિમરોદ સડસડાટ બોલી ગયો, રાવલ આઇ એમ નોટ યોર સરવન્ટ. આઇ એમ સ્ટેટ ગવર્નમેન્ટ એમ્પલોઈ. માઈન્ડ યોર લેંગ્વેજ. આઇ વીલ નોટ ટોલરેટ સચ ઇનડીસન્ટ લેગ્વેજ .મારો મિત્ર યુનિયનસ્ટ છે .બધા કર્મચારીને ચેમ્બરમાં બોલાવી હુન્ટીંગ કરાવીશ. ભૂલ તો બધાની થાય. એનો ઢંઢેરો ન પીટવાનો હોય!! તમે પેલા દિવસે ‘એકટેન્શન ટુ લેડીઝ યુરિનલ’ના ભાષાંતરમાં કેવડો મોટો લોચો મારેલો તે ભૂલી ગયા? તમે મારી આડે ઉતરતા નહીં.
મને કાલિદમન કરતાં આવડે છે.
‘એ દિવસથી સાહેબ મારી સાથે માથાકૂટ કરતા નથી.આમ, તો એ દુખી માણસ છે. નાની ઉંમરે ઘરભંગ થયા છે. માના અકારણ અને અકાળ મરણ માટે દીકરો સાહેબને જવાબદાર અને ગુનેગાર માને છે.એટલે તેમની સાથે રૂક્ષતા અને ઉદંડતાથી વર્તે છે. મને ઘણીવાર ચેમ્બરમાં કે ઘરે બોલાવી પેટછૂટી વાત કરે છે. હાર્મોનિયમ સારૂં વગાડે છે. મોડીરાતે જીરો બલ્બની રોશનીમાં ‘શાને ગમ કી કસમ, આજ તન્હા હૈ , હમ આબી જા’ કે ‘ફિર વોહી શામ વહી તન્હાઇ હૈ’, અપની ધુન માં રહેતા હૂં ,મૈં ભી તેરે જૈસા હું’ જેવા કરુણ ગીતો ગણગણતા કણસતા હોય. આ બધાની કામ પર અસર પડે એને સેડીસ્ટ બની ગયા છે. જે કોઇ તેની સામે પડે કે સામનો કરે તેનાથી ચીલો ચાતરી જાય છે.આમ જુઓ તો યોગભ્રષ્ટ આત્મા છે.બાકી તેની ચેમ્બર હિટલરની ગેસ ચેમ્બર જેવી જ ક્રૂર હતી, છે અને રહેશે.
સૌ કિંકર્તવ્યમૂઢ કે દિંગ્મૂઢ બની ગયા હોય તેમ સ્તબ્ધ બની ગયા!!!
(સત્ય ઘટના પર આધારિત.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button