કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરીએ નવા વર્ષના સંક્લ્પો
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા દિવસ અગાઉ વિક્રમ સંવતનાં નવાં વર્ષની શરૂઆત થઈ. ઘણા લોકો નવા વર્ષની શરૂઆત સાથે કેટલીક પ્રતિજ્ઞાઓ લેતા હોય છે અથવા તો જાતજાતના સંકલ્પ લે. નવા વર્ષના આવા સંકલ્પ માટે થોડાં સૂચન કરવા છે.
સૌથી મોટો સંકલ્પ તો એ જ લેવો જોઈએ કે અમે બીજા કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરશું. કદાચ અમે કોઈ માટે સુખના પાસવર્ડ સમા ન બની શકીએ તો ય કોઈ માટે દુ:ખનો પાસવર્ડ તો નહીં જ બનીએ.
આવા સંકલ્પો બેસતાં વર્ષનાં જ દિવસે લેવા જરૂરી નથી, સારા સંકલ્પ કોઈ પણ દિવસથી અમલમાં મૂકી શકાય. કોઈપણ સારો વિચાર કે સારાં કામને અમલમાં મૂકીએ એ દિવસ સપરમો દા’ડો જ બની જતો હોય છે. આવો જોઈએ આવા કેટલાક સંકલ્પની યાદી….
Also read: ફાઇલનું તાક ધિના ધિન : પૈસા ફેંકો તમાશા દેખો !
***
-માત્ર મંદિર- મસ્જિદ કે દેવળમાં જઈને ઉપરવાળાને ભજવાથી અમે ધાર્મિક સાબિત નથી થઈ જવાના એ વાત અમે સમજીશું. અમે ધર્મસ્થાનકમાં જઈને ઉપરવાળા પાસે કશું માગવાને બદલે એવું જીવન જીવવાની કોશિશ કરીશું કે ઉપરવાળો અમને સુખ આપે, અમારા થકી લોકોને ખુશીની ક્ષણો મળે અને અમારા થકી કોઈને દુ:ખ ન પહોંચે…
– અમારી આજુબાજુની વ્યક્તિઓને, સગાંવહાલાંને, અમારા સહકર્મચારીઓને કે અમારા હાથ નીચેના કર્મચારીઓને અમે હેરાન નહીં કરીએ અને એવું પાપ કરતાં હશું તો એ બંધ કરીશું. કોઈને નડવું નહીં એ પણ ધર્મ છે એવું સમજવાની કોશિશ અમે કરશું…
– અમે બીજા લોકોને તકલીફ પહોંચાડવાની વૃત્તિ દૂર કરવાની કોશિશ તો કરીશું, પણ સાથેસાથે અમે ધર્મને સાચા અર્થમાં સમજવાની કોશિશ કરશું. અમે કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડીને પછી ધર્મસ્થાનકમાં જઈને ધાર્મિક છીએ એવો દંભ નહીં કરીએ…
– (આ સંકલ્પ વારેવારે જેની લાગણી દુભાઈ જતાં હોય એવા યુવાન કે વૃદ્ધ બાળકો’ માટે છે):
અમે સગાંવહાલાં કે મિત્રો સામે એવા ત્રાગાં પણ નહીં કરીએ કે ‘તમે કેટલા લાંબા સમયથી અમને કોલ નથી કર્યો’ અથવા ‘હવે તમે અમને મળતા નથી.’ ‘અમે નાના માણસ છીએ એટલે અમે તમારી નજરમાં નથી આવતા! આવી વાહિયાત અને રોદણાં રડવાની વાતોથી દૂર રહીશું. સંબંધ રાખવો હોય તો આપણે સામેથી પણ કોલ કરી જ શકીએ કે મળવા જઈ શકીએ એટલી સીધી અને સહજ વાત અમારી અડિયલ ખોપડીમાં ઉતારવાની કોશિશ કરીશું.
Also read: કોઈ અવાજ કર્યા વિના, રોબોટ ક્રાંતિની ટોચ પર ઊભું છે ભારત
– (આ સંકલ્પ બૌદ્ધિક બારકસો માટે છે, સાચા બૌદ્ધિકોએ આવો સંકલ્પ લેવાની જરૂર નથી): અમને ગમતા રાજકીય પક્ષોની ચમચાગીરી કરવા માટે (અને ન ગમતા રાજકીય પક્ષોનો વિરોધ કરવા માટે) અમે દેશદ્રોહની હદ સુધી નહીં પહોંચી જઈએ. અમારી આઇડિયોલોજીને લીધે દેશને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરવા જેટલી અધમ કક્ષાએ અમે નહીં જઈએ.
– (આ સંકલ્પ કોઈપણ, રિપીટ, કોઈ પણ પક્ષની સરકારના આંધળાભીંત સમા સમર્થકો માટે છે): અમને ગમતી સરકાર પણ ક્યારેક ખોટાં પગલાં ભરી શકે છે. અમને ગમતી સરકાર ખોટી હોય ત્યારે સરકારનો વિરોધ કરનારાઓને અમે ગાળો નહીં આપીએ. અમે એ સમજવાની કોશિશ કરશું કે સરકાર ખોટી હોય ત્યારે એનું સમર્થન કરીને અમે લોકશાહીનું નિકંદન કાઢવાની પ્રવૃત્તિમાં સહભાગી બની રહ્યા છીએ. કોઈ પણ પક્ષની સરકાર હોય અમે (અમને ગમતી સરકાર હશે તો પણ) સરકાર ખોટી હશે, અમારો નેતા ખોટો હશે (કે અમારી મહિલા નેતા ખોટી હશે) ત્યારે તેને સમર્થન આપવાનું પાપ અમે નહીં કરીએ.
– (આ સંકલ્પ ટિપિકલ ભારતીય પુરુષો માટે છે) અમે સ્ત્રીઓને ઊતરતી કક્ષાની ગણવાની માનસિક વિકૃતિથી દૂર રહીશું. દીકરીઓને સાપનો ભારો નહીં ગણીએ અને દીકરાઓને મોઢે ચડાવીને વિકૃત બનવા માટે પાનો નહીં ચડાવીએ.
– આ જીવન માત્ર પૈસા કમાવા માટે જ મળ્યું છે કે પૈસાથી આવેલી સત્તાનો દુરુપયોગ કરવા માટે મળ્યું છે એવું અમે નહીં માનીએ અને પૈસા કમાવા સિવાય પણ બીજી થોડી સારી પ્રવૃત્તિઓ કરીએ તો જીવન સાર્થક બની રહે એવું વિચારીશું અને એ વિચારને અમે અમલમાં મુકીશું. અમે પૈસા કમાઈએ તો એ પૈસાનો સદુપયોગ કરવાની કોશિશ કરીશું.
Also read: નયા સાલ… નયા પૈગામ… નયા આગાઝ…!
અમે એવા ભ્રમ સાથે નહીં જીવીએ કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી અમારું પણ અસ્તિત્વ છે એટલે અમે કોઈનું પણ શોષણ કરશું, અપમાન કરશું, કોઈને હેરાન કરશું, કોઈને માનસિક ત્રાસ આપીશું તો ય અમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અમારે પણ ક્યારેક તો આ પૃથ્વી પરથી વિદાય લેવાની છે જ એ યાદ રાખીશું અને એવું માનીને જીવીશું એટલે અમે સારી રીતે જીવ્યા હશું, કોઈને સુખની ક્ષણો આપી હશે તો લોકો અમને સારી રીતે યાદ કરશે. અમે મૃત્યુ પામીએ ત્યારે તમારી આજુબાજુની વ્યક્તિઓની આંખો ભીંજાય એવું જીવન વિતાવવાની અમે કોશિશ કરીશું. અમે એવી રીતે નહીં જીવીએ કે અમારા જીવનનો અંત આવે એ વખતે અમારી આજુબાજુની અને અમને ઓળખતી તમામ વ્યક્તિઓ રાજી થાય કે ‘હાશ! આ નાલાયક માણસ ગયો (કે આ અવળચંડી સ્ત્રી ગઈ)!.’