ઉત્સવ

મોહે ચમચા બના લો: સફળ થવાની ગેરેંટી

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: વખાણ જેવી કોઇ ખાણ નથી
(છેલવાણી)
એક જમાનામાં સાઉથ ઈન્ડિયાનાં ફિલ્મ-સ્ટારો સેટ પર જોક સંભળાવતાં ત્યારે પરાણે હસવા માટે ૭-૮ ચમચાઓ રાખતા જે હીરોનાં એનાં એ જૂના જોક્સ પર રોજ જોરથી જોરથી હસતા ને તાળી પાડતા. આજે ય કૉમેડી-એક્શન ફિલ્મ-ડિરેક્ટર, સેટ પર ૭-૮ ફાઇટરો ભાડે રાખે છે, જે દરેક શોટ પછી ‘સુપર-હિટ’, ‘ફેંટાસ્ટિક’, ‘યે પિક્ચર કો થિયેટર સે ઉતારને મિલિટ્રી બૂલાની પડેગી’- વગેરે કહીને નિયમિત તારિફ કરે રાખે. અગાઉ ભારત કે વિદેશમાં અમુક કિંગ્ઝ. શહેનશાહો કે મહારાજાઓ, દરબારમાં એવા કવિઓ-શાયરોને રાખતાં, જે એમની મહાનતાની કવિતાઓ સતત લલકારે રાખતા. યુદ્ધમાં પણ પાનો ચઢાવવા, વીરતાનાં ગીતો ગાયે રાખતા, પણ જેવી હાર દેખાય કે સૌથી પહેલાં ચમચા-કવિઓ જ ભાગી જતા!

ચુનાવી મોસમમાં ન્યૂઝ-ચેનલનાં ચમચા પત્રકારો-એંકરો, મોટા મોટા નેતાઓને નાના નાના સવાલો પૂછીને નવી દુલ્હનની જેમ ભાડૂતી ઇન્ટરવ્યૂમાં મલકાતા દેખાતા હોય છે. ‘તમે નાળિયેર પાણી, સ્ટ્રોથી પીવો કે મોઢે લગાડીને?’, જેવા પ્રજાલક્ષી ગહન-ગંભીર સવાલો પૂછીને, ‘સત્તાધીશની ખબર લઇ નાખતા હોય’ એવું દેખાડીને ચરમ-સીમા પાર ચમચાગીરી કર્યે રાખે છે.

ચિત્રકામ, નૃત્ય-ગાયન, શિલ્પકળા વગેરે કળાઓની જેમ ‘પકડાયા વિનાની છૂપી ચમચાગીરી’ એક સૂક્ષ્મ કળા છે, જેમાં એક્સપર્ટ બનવા, ઘણાં બલિદાનો આપવા પડે છે, તમારા અંતરાત્માને કમોડમાં ફ્લશ કરી દેવો પડે, સાવ નાગા બનવું પડે. કોઇ તમને ‘ચમચો’ કહે તો યે હસતાં રહેતા આવડવું જોઇએ. મિત્રથી ઉધાર પૈસા માગવા હોય કે બૅન્ક-મેનેજર પાસેથી લોન કઢાવવી હોય કે કોઇને વીમો પધરાવવો હોય, ઘરાકને વસ્તુ વેંચવી હોય, નબળી કવિતા-વાર્તાને મામૂલી મેગેઝિનમાં છપાવવી હોય કે પછી બૂઢાપામાં મોટા સરકારી એવૉર્ડ મેળવવાની વાસના-મુક્તિ કરવી હોય તો ‘ચરણ-ચંપી’ કે ચમચાગીરી ‘મસ્ત’, ‘મસ્ટ ને ‘મોસ્ટ’ ઈમ્પોટેન્ટ છે. ખરેખર તો હવે ચમચાગિરીનો કોર્સ, ભણવામાં હોવો જ જોઇએ!

જો કે ‘ચમચો’ બનવાની ટ્રેનિંગ સ્કૂલમાંથી જ શરૂ થાય છે. જે વિદ્યાર્થી, શિક્ષકનો સારો ચમચો બને, એ જ પછી જીવનમાં બધે ચમચાગીરી કરી શકે. એ માટે શિક્ષક, જે બોરિંગ ભણાવે એને પણ મહાજ્ઞાન માનીને ધ્યાનથી સાંભળવાનું, બીજા શિક્ષકોની ટીકા કરવાની, શિક્ષકની પત્નીનાં વખાણ કરવાના, શિક્ષકના બાળકો માટે ચોકલેટ લઈ જવાની, શિક્ષકનું લાઇટનું બિલ ભરવા- જેવું નાનું-મોટું કામ કરી આપવાનું, પછી જુઓ મજા! સ્કૂલ-કૉલેજમાં માર્ક્સથી માંડીને છેક પીએચડી.ની ડિગ્રી સુધીનો રસ્તો એકદમ ક્લિઅર! આવા વિદ્યાર્થીઓ જ પછીથી ઘડાઇને મોટા અધિકારીઓ કે પાવરફૂલ નેતાઓના ચમચા બનવા લાયક બને છે. કોઇ બાયોલોજિકલી નહીં જન્મેલાંની ઇલ્લોજિકલી ચમચાગીરી કરવી પડે!

મામૂલી ઑફિસ પણ ચમચાગીરીનું ગઢ હોઇ શકે. ત્યાં બોસ-ભક્તિની લાલચી લીંબુ-ચમચી દૌડમાં, કર્મચારીઓ એકબીજાથી આગળ જવા ચમચાગીરી અજમાવે છે. એ ચમચો કર્મચારી, ઓફિસરની આસપાસ આખો દિ’ રાસડાં લેશે. આવતાંવેંત જ ઓફિસરનાં પગે પડશે, દિવસમાં ૪-૫ વાર ‘સલામ-નમસ્તે’ કરશે. બેઇમાન સાહેબનો બદમાશ કૂતરો, એ ચમચાનું પેન્ટ ફાડી નાખે તો યે કૂતરાના વખાણ કરશે, ઑફિસમાં બીજા નાના કર્મચારી અને મોટા સાહેબોની ટીકા કરીને કાન ભરશે. ઇન શોર્ટ, સાહેબના આગમન ને પ્રસ્થાન સમયે ઑફિસમાં હજાર રહીને, બધાં જતા રહે તો ય ઑફિસમાં બેસીને ‘મૌન-ચમચાગીરી’ કરવાની. પછી તો પ્રગતિ, પ્રમોશન ને પ્રોફિટ!

ઇંટરવલ:
ખુશામત તો ખુદા કો ભી પ્યારી (કહેવત)
ચમચાગીરીમાં, સરકારી ચમચા સૌથી મહાન. ચમચા ન હોય તો બીજા જ દિવસે, સરકાર ગબડી જાય. સરકારી ચમચાઓ નેતાઓની જાન છે. એમના વિના, નેતાઓનાં પેટમાં ખાવાનું પચે નહીં કે એક ફાઇલ હલે નહીં, જયાં કોઈ નેતા આવવાના હોય ત્યાં ચમચાઓ વહેલા પહોંચે ને નેતા માટે ‘ઝિંદાબાદ’ના નારાઓથી આસમાન ગૂંજવી નાખે. આવા ચમચાઓ ઘરમાં ભલે સાવ ચૂપ હોય, પણ ચમચાગીરીના ક્ષેત્રમાં અને સ્વામિ-ભક્તિમાં એમનો અવાજ ‘અર્બન ગોસ્વામિ’ જેવો એવો તો બુલંદ હોય કે બંધ ટી.વી.માંથી યે સંભળાય! ચમચાઓને લીધે જ હજારોની ભીડ, નેતાઓનું એકનું એક જુમલાબાજ ભાષણ સાંભળવા ભેગી થઇ શકે. એમાં સૌથી મોટેથી નારા લગાવનાર સૌથી મોટો ચમચો ને જે નારા લગાવનારની પાછળ બોલે, એ નાનો ચમચો. વળી જે ગરીબ, ચુનાવી રેલીમાં પરણે ઘસડાઇ છે. એ કાં તો ભવિષ્યમાં ચમચા બનશે અથવા તો પૈસા લઇને પાર્ટ-ટાઇમમાં ચમચાગીરી કરે છે. સરકારી ચમચાઓ એક જમાનામાં ‘ઈન્દિરા ઇઝ ઈન્ડિયા’ કહેતા કે પછી ‘સાહેબ તો ઇશ્ર્વરનો અવતાર છે’ -કહીને ભરપૂર ભક્તિ કરે છે. ચમચાઓ, ચાટુકારીની કારીગરી વડે સરકારી કોન્ટ્રેક્ટો મેળવીને સરકારી તિજોરીમાંથી પ્રજાનાં પૈસા લૂંટે. ચમચાઓ એકદમ વફાદાર ખરા, પણ ‘ખુરશીને, પૈસાને!’

વિદ્વાન લેખકો-કવિઓ પણ ચમચા પાળે છે. એમાં પ્રોફેસર-કમ-વિદ્વાન લેખકોના નાના લેખક-કમ-વિવેચક-ચમચાઓની તો આખેઆખી ગૅગ કે ટોળકી હોય છે, જે બીજા વિદ્વાન લેખકોની ગૅગ સામે કલમ-કટારીથી હુમલા કરીને લડે રાખે છે. આવા ચમચાઓ ભીના રેઇનકોટની જેમ લેખકો-કવિઓનાં ચિત્તને વળગી રહે છે. અમુક કવિ, સ્ટેજ પર જેવી કવિતા સંભળાવવી શરૂ કરે ને પહેલી લાઇન પણ પૂરી કરે એ પહેલાં જ ચમચાઓ ‘વાહ, ક્યા બાત હૈ! માર ડાલા’ કહી કહીને કવિતાને જ મારી નાખે ને મુશાયરામાં આગ લાગી હોય એવી બૂમાબૂમ મચાવે. બિચારો કવિ, ખાલી ચાર પંક્તિઓ સંભળાવવાનો હોય તો યે ચમચાઓ, એ કવિને બીજી ૨-૪ કવિતાઓ વાંચવા માટે ને લોકોને પરાણે સાંભળવા માટે બોર કરીને જ છોડશે. વળી આવા ચમચાજીવી લેખક-કવિઓને, પાછાં કથાકારો કે સરકારો, ચમચા બનાવી મૂકે છે ને ચમચાગીરીનું ચલણી-ચક્ર ચાલ્યે જ રાખે છે!

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું કેટલી સુંદર છે!
ઈવ: આજે બીજી રીતે ટ્રાય કર.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત