ઉત્સવ

કૉંગ્રેસના કારણે I.N.D.I.A.નો સંકેલો ભાજપની જીત હવે સરળ

ભાજપ સામે લડવા સજ્જ થયેલો વિપક્ષીઓનો મોરચો ‘I.N.D.I.A.’માંથી અન્ય પક્ષ છૂટ્ટા પડી રહ્યા છે એમાં કૉંગ્રેસમાં પેઠી ગયેલો અણસમજ ને અહમ નામનો દૈત્ય જ
આજે ‘I.N.D.I.A.’ને તો આવતી કાલે ખુદ કૉંગ્રેસને જ નેસ્તનાબૂદ કરી નાખશે…

કવર સ્ટોરી -વિજય વ્યાસ

કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે લડવા માટે ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝીવ એલાયન્સ (ઈંગઉઈંઅ)’ બનાવ્યું ત્યારે જ આગાહીઓ થવા માંડેલી કે, ‘બાર ભાયા ને તેર ચોકા’ જેવા આ મોરચાનો મેળ પડવાનો નથી. પાંચ-છ મહિનામાં જ આ આગાહી સાચી પડતી દેખાઈ રહી છે ને લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં તો મોરચો રફેદફે થઈ જાય એવું લાગી રહ્યું છે, કેમ કે કૉંગ્રેસ સિવાયના બીજા ભાજપ વિરોધી પક્ષો કૉંગ્રેસને તડકે મૂકીને પોતાની રીતે ભાજપ સામે લડવાની વેતરણમાં લાગી ગયા છે.

એક તરફ રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠાના કારણે દેશભરમાં ભાજપની જબરી હવા જામેલી છે. તેના કારણે વિપક્ષોમાં ને ખાસ તો કૉંગ્રેસમાં ભારે હતાશા છે કેમ કે કૉંગ્રેસની નેતાગીરીએ અયોધ્યાના પ્રાણ -પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવાનો ઈન્કાર કરીને હિંદુ મતદારોને નારાજ કરી દીધા છે. કૉંગ્રેસે દેશના બહુમતી એવા હિંદુ સમાજની લાગણી અને શ્રદ્ધાને અવગણીને બુદ્ધિ વિનાનું બેવકૂફીભર્યું કામ કર્યું તેના કારણે કૉંગ્રેસના કાર્યકરો અને નેતા હતાશ છે.

કૉંગ્રેસેે એ જ વલણ ઈન્ડિયા મોરચાના સાથી પક્ષો સાથે અપનાવ્યું છે. સાથી પક્ષોને સાથી સમજીને તેમને વિશ્ર્વાસમાં લેવાના બદલે કૉંગ્રેસના નેતા સાથી પક્ષોને જ ગાળો આપે છે. એમને દબાવવા માટે રાજકીય દાવપેચ ને ગંદી રમતો રમે છે તેના કારણે સાથી પક્ષો પણ હતાશ ને નિરાશ થઈને કૉંગ્રેસના ભરોસે બેસી રહેવાના બદલે પોતાની રીતે ભાજપ સામે ભિડાવાની તૈયારીમાં લાગી ગયા છે.
આ મોરચો બનાવવા માટે મમતા બેનરજી અને નીતીશ કુમારે સૌથી વધારે હલ્લો કરેલો ,પણ કૉંગ્રેસના વલણના કારણે બંનેને હવે ‘ઈન્ડિયા’ મોરચામાંથી રસ ઊડી ગયો છે. મમતા બેનરજીએ તો કૉંગ્રેસને કોરાણે મૂકીને પશ્ર્ચિમ બંગાળની તમામ ૪૨ લોકસભા બેઠકો પર લડવાનું એલાન પણ કરી દીધું છે, જ્યારે નીતીશ કુમાર તો વિપક્ષમાં જ રહેવાના ના હોય એવું લાગી રહ્યું છે. નીતીશ પાછા ભાજપની પંગતમાં બેસીને લોકસભાની ચૂંટણી ભાજપ સાથે મળીને લડે એવું અત્યારે તો લાગી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલને તો જાણે કૉંગ્રેસના નામથી જ અણગમો છે, પણ મમતા અને નીતીશ ગમે તે રીતે એમને મનાવીને લઈ આવેલાં. હવે કેજરીવાલને પણ કૉંગ્રેસ સાથે બેસવામાં રસ નથી. કેજરીવાલ શાણા છે તેથી પોતે કશું બોલતા નથી, પણ એમના વતી ‘આમ આદમી’ પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની તમામ ૧૩ લોકસભા બેઠકો પર પોતાની પાર્ટી લડશે એવું એલાન કરી દીધું છે.

આ બધા વચ્ચે તો અખિલેશ યાદવે બહુ શરૂઆતથી જ ‘ઈન્ડિયા’ મોરચામાં રસ લેવાનું છોડી દીધું હતું. અખિલેશ ફીફાં ખાંડવા માટે
થતી મોરચાની બેઠકોમાં કાકા રામગોપાલ યાદવને મોકલી આપે છે ને પોતે લોકોની વચ્ચે જઈને પ્રચારમાં લાગી ગયા છે.

આમ તો મમતા-અખિલેશ- કેજરીવાલ અને નીતીશ ચારેય ભાજપ સામેની લડતમાં મહત્ત્વના છે કેમ કે એમણે પોતાની તાકાત પર ભાજપ સામે ઝીંક ઝીલી છે. કૉંગ્રેસ સૌથી જૂની ને ભાજપ વિરોધી પાર્ટીઓમાં સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, પણ તેની પાસે ગણીને ત્રણ રાજ્યોમાં સરકાર છે. તેની સામે એકાદ દાયકા પહેલાં રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલ બે રાજ્યમાં સરકાર બનાવીને બેઠા છે ને દિલ્હીમાં તો ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા છે.

મમતા બેનરજીને હરાવવા ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. રાજકારણનો એવો કોઈ દાવ નહીં હોય કે જે મમતા સામે ભાજપે ના અજમાવ્યો હોય છતાં ભાજપ મમતાને પછાડી શકતો નથી. મમતા ૨૦૧૦થી બંગાળની ગાદી પર બેઠાં છે ને ભાજપને ખાળીને છેલ્લી બે ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યાં છે. નીતીશ કુમાર તો ૨૦૦૫થી બિહારમાં સત્તા પર છે ને સતત જીત્યા કરે છે.
આમ મમતા- અખિલેશ- કેજરીવાલ અને નીતીશ પોતાની તાકાત સાબિત કરી ચૂકેલા નેતા છે ત્યારે કૉંગ્રેસ એમની સાથે કેવો વ્યવહાર કરી રહી છે ? આ નેતાઓને અપમાનિત કરી રહી છે અને બેઠકોની વહેંચણીના મુદ્દે સાવ જક્કી ને અનવ્યવહારૂ વલણ અપનાવીને એમનું માન પણ નથી રાખતી. ભાજપ વિરોધી મોરચાની પહેલ નીતીશ કુમારે કરી, પણ કૉંગ્રેસે એમને કોરાણે મૂકીને પોતાનો સિક્કો ખરો કરાવવા મલ્લિકાર્જુન ખડગેને ‘ઈન્ડિયા’ મોરચાના ચેરમેન બનાવી દીધા. બિહારમાં કૉંગ્રેસની તાકાત પાંચ બેઠક પણ જીતવાની નથી ને છતાં દસ બેઠક માંગ્યા કરે છે.

અખિલેશ યાદવ કૉંગ્રેસ સાથે બેસવા પહેલેથી તૈયાર છે, પણ કૉંગ્રેસ અખિલશને પણ કોઈ વિસાતમાં જ ના હોય એ રીતે ટ્રીટ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં માત્ર રાયબરેલીની બેઠક જીતેલી ને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ એક જ બેઠક જીતેલી. દિગ્ગજ બ્રાહ્મણ નેતા પ્રમોદ તિવારીનાં દીકરી આરાધના મિશ્રા તિવારીની વ્યક્તિગત તાકાત પર ચૂંટાઈ આવ્યાં. બાકી કૉંગ્રેસની પોતાની કોઈ તાકાત નથી. કૉંગ્રેસને બંને ચૂંટણીમાં બે ટકાથી પણ ઓછા મત મળ્યા છે, છતાં લોકસભાની ૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક જોઈએ છે. અખિલેશનું નાક દબાવવા પાછું માયાવતીને ‘ઈન્ડિયા’ મોરચામાં લઈ આવવાની વાતો પણ કૉંગ્રેસીઓ કરે છે તેનાથી અકળાયેલા અખિલેશે કૉંગ્રેસને ભાવ આપવાનું જ છોડી દીધું છે.

મમતા અને કેજરીવાલ સાથે પણ કૉંગ્રેસીઓ એ જ વ્યવહાર કરી રહ્યા છે. બંગાળમાં અધીર રંજન ચૌધરી મમતાને ભરપેટ ગાળો આપે છે, પણ કૉંગ્રેસ એમને રોકતી નથી. બંગાળમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બે અને વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નહીં જીતનારી કૉંગ્રેસને ૪૮માંથી ૧૫ બેઠક જોઈએ છે. પંજાબ અને દિલ્હીમાં પણ કૉંગ્રેસીઓ કેજરીવાલ અને ભગવંત માનને ગાળો આપે છે ,પણ લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકો જોઈએ છે.

કૉંગ્રેસનું આવું વલણ જોતાં કૉંગ્રેસીઓને ભાજપને હરાવવા કરતાં વધારે રસ પોતાનો અહમ સંતોષવામાં હોય એવું લાગી રહ્યું છે. મમતા- અખિલેશ- કેજરીવાલ અને નીતીશનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હી એ પાંચ રાજ્યમાં પ્રભાવ છે. આ પાંચ રાજ્યમાં લોકસભાની ૧૮૮ બેઠક છે ને તેમાંથી કૉંગ્રેસ ગણીને માંડ ૮ બેઠક જીતેલી. તેની સામે મમતા એક જ રાજ્યમા પ્રભાવ છતાં ૨૨ બેઠકો જીતી ગયેલાં એ છતાં કૉંગ્રેસને કઈ વાતનો ફાંકો છે એ જ સમજાતું નથી.

કૉંગ્રેસનું વલણ જોતાં ‘ઈન્ડિયા’ મોરચાનો સંઘ કાશીએ નહીં પહોંચે એ નક્કી છે. રામમંદિર સહિતના મુદ્દાના કારણે ભાજપની હવા જામેલી છે ત્યારે વિપક્ષોએ એક થઈને લડવાનું હોય તેના બદલે કૉંગ્રેસને ભાજપને નહીં પણ વિપક્ષોને નીચા દેખાડવામાં ને પછાડવામાં રસ છે એ જોતાં વિપક્ષો ભાજપને હરાવવાની વાત તો છોડો પણ ટક્કર પણ નહીં આપી શકે એવું લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો