સેજ પર દહેજ સાથે સુંદરી!
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ
આપણે ત્યાં ખૂબ બધું દહેજ આપવું એટલે આપણી બહેન કે દીકરીઓને આપણા જીવનમાંથી હંમેશને માટે દૂર કરવાનો ઉત્તમ માર્ગ છે. લે… લે… હજી વધારે લે…, અને અહીંથી કાયમ માટે દૂર જા! આ દહેજ પ્રથા દ્વારા બિચારા ભારતીય બાપને એના બુઢાપામાં સાવ નિ:સહાય અને નાગો કરી મૂકવામાં આવે છે. પોતાની ફરજ પૂરી કર્યા પછી બાપની પાસે ધોતિયું લપેટીને બેસી રહેવા સિવાય જીવનમાં બીજું કંઈ બચતું નથી. ઘર પર કબજો તો કમાતા દીકરાનો હોય અને ઘરમાં રાજ વહુનું, જે પોતાનું દહેજ પિયરથી સાથે લઈને આવી છે. એટલે કે પોતે ખરીદેલો બધો સામાન બહેનને આપી દેવાનો અને વહુ જે કંઈ લઈને આવે એનાથી ઘરમાં ચમક-દમક લાવવી. એવું માનીને ચાલીએ કે બહેન હવે પાછી નહીં આવે અને આવે તો મહેમાનની જેમ, ખંડેર જેવા સંબંધોના દર્શન કરવા, એક જાતની ઔપચારિકતા પૂરી કરવા આવે.
શું છે કે આપણે ત્યાં મોટેભાગે ભાભીના રાજમાં નણંદના પ્રવેશ પર સ્હેજ રોકટોક હોય છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ હોય એનો મતલબ એવું થોડું છે કે જ્યારે મન ફાવે ત્યારે બેન ધામાં નાખે ને પિયરમાં અડ્ડો જમાવીને બેસે? એકવાર ધામધૂમથી લગ્ન કરી દીધા ને તમારા? એકવાર સારું એવું દહેજ ને રોકડ રકમ આપ્યાને? તો હવે જાવ અહીંયાથી! હવે અમારી પાસે કશું નથી. ભાઈ એની દુનિયા બનાવવામાં બિઝી છે, બાપ કંટાળીને નિષ્ઠુર બની ગયો છે. સંબંધોના છોડમાં ખાતર ને પાણી નાખવા માટે કંઈ જ બાકી રહ્યું નથી!
સાચું ખોટું ખબર નહીં પણ એક થિયરી એમ કહે છે ભારતમાં આર્ય-દ્રવિડ સંબંધો શરૂ થયા એ સમયથી જ છોકરીઓનું ભાગ્ય નક્કી કરવામાં આવ્યું. એ લોકો જ્યારે ભારતમાં આવ્યા, એમની પાસે સુંદર શરીરનો બાંધો હતો, તેઓ બહાદુર હતા, પણ અહીં ભારતમાં વસી ગયા પછી ઘર માંડવા, વંશવેલો આગળ વધારવા માટે છોકરીઓ નહોતી. તેઓ ખૂબ મહેનત કરવાવાળી, સંગીત-નૃત્યની જાણકાર, છોકરીઓ તરફ આકર્ષિત થયા. છોકરાવાળાંઓ છોકરીને પસંદ કરી લીધી અને પરણીને ચાલ્યા. ત્યારે પિતા એની છોકરીની વિદાયને આખરી વિદાય માનતા હતા. તો જેવી લગ્નની પ્રથા શરૂ થઇ ત્યારથી પુરુષોએ સ્ત્રીઓની ફરજો નક્કી કરી કે પતિની સેવા કરો, ઘરનાં બધા કામ કરો, સેક્સ માટે સજીધજીને તૈયાર રહો, બાળકોને પેદા કરતા રહો, સવારે ગાય દોહવાથી માંડીને રાતે પથારીમાં આવવા સુધી બધું કરતા રહો!
લગ્નની બાબતમાં મોટેભાગે આપણે આજે પણ ત્યારનાં બનાવેલા રિવાજોને માનીએ છીએ. જેમાં છોકરી પારકા ઘરની ગુલામ બનીને, ભાઈ અને પિતાને યાદ કરીને પોતાનું જીવન જીવે છે. કહેવાય છે કે ત્યારે લોકલ છોકરીવાળાં પાસે સોનું બહુ હતું. વરરાજા ઇચ્છતો કે છોકરીની સાથે સાથે એના પિતાની સંપત્તિ પણ જેટલી લઈ શકો એટલી લઈ લો. છોકરીનો પિતા પણ વિચારતો કે મારી છોકરી દહેજ લઈને જશે તો કદાચ સાસરાવાળાં આદરપૂર્વક વ્યવહાર કરશે એટલે વરરાજાને આપી દો. પછી આ ઘરથી એને શું લેવાદેવા?
આટલા હજારો વર્ષ પછી આજે પણ આપણે કાયદો બનાવી દહેજ પ્રથાને ખતમ કરવા માંગીએ છીએ પણ તોયે સમાજમાં વરરાજાના મનમાં રહેલો પેલો લોભી, લાલચુ પુરુષ મરતો નથી. છોકરીના બાપનાં પગ, છોકરાવાળાઓની સામે ધ્રૂજતા રહે છે અને કેટકેટલા ગુણ શીખીને સાસરાંવાળાંઓની સેવામાં સજી-ધજીને પાર્સલની જેમ મોકલાતી છોકરીઓનું ભવિષ્ય એ વાત પર નક્કી થાય છે, જે જૂના જમાનાનાં લોકો સ્ત્રીઓ માટે નક્કી કરીને ગયા છે. એક સ્ત્રી પહેલા પતિના મરવા પર સતી થતી હતી, હવે દહેજ ના લાવવા માટે એને જીવતાંજીવત જ સતી કરી નાખવામાં આવે છે. એ માટે કેરોસિન પૂરતું છે, ઘરકામ માટે તો કામવાળીઓ મળી રહે છે, સેક્સ સાવ સસ્તું છે. તો પછી ભરપૂર દહેજ ન લાવવાવાળી એ લાવારિસ સામાન જેવી સ્ત્રીને સાસરાવાળાં શું કામ ન સળગાવે? બોલો?
એ લાચાર સ્ત્રી કે જેને ના તો એનો બાપ પૂછે છે કે ના તો એનો ભાઈ!