મેક્સિકો ફરવા જતા પહેલા ચેતજો! જાણો મેક્સિકો શા માટે વિશ્ર્વભરમાં બદનામ છે

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
આપણા માટે મેક્સિકોની ઓળખ એટલે ટાકોઝ-નાચોઝ જેવી ફૂડ આઇટમ કે ટકીલાનાં શોટ જેવા ડ્રિન્ક માટે જાણીતો દેશ. યુ.એસ.એ.ની દક્ષિણે આવેલા મેક્સિકો એના ફૂડ-ડ્રિન્ક કે મોજીલી પ્રજા ઉપરાંત આજકાલ બીજા એક વિવાદને કારણે પણ ચર્ચામાં છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા મેક્સિકનો પર તવાઈ લાવીને અમેરિકા-મેક્સિકો બોર્ડર સિલ કરવાનું નક્કી થયું છે એના અલગ-અલગ પ્રત્યાઘાતો આવી રહ્યા છે. કેટલાકને નવાઈ લાગે છે કે, સામાન્ય રીતે લિબરલ ગણાતા અમેરિકનો મેક્સિકન પ્રજાથી શા માટે મોઢું મચકોડે છે?
ફક્ત વિશ્ર્વભરના ટૂરિસ્ટો માટે જ નહીં, પોતાના દેશના નાગરિકો માટે પણ મેક્સિકો ખૂબ જ જોખમી દેશ બની ગયો છે. ૧૨ કરોડની વસ્તીવાળા મેક્સિકોની મુખ્ય ભાષા સ્પેનિશ છે અને ૩૧ રાજ્ય ઉપરાંત મેક્સિકો શહેરની અલગ ઓળખ છે. આપણે જેનો ઉચ્ચાર મેક્સિકો કરીએ છીએ તેનો ઉચ્ચાર ત્યાંના અને લેટિન અમેરિકાના લોકો ‘મેહિકો’ કરે છે. બીજા લેટિન અમેરિકન દેશોની જેમ મેક્સિકોનો ઇતિહાસ પણ લોહીથી ખરડાયેલો છે. રાજકીય હત્યાઓ, ગેન્ગવોર, નાર્કો ટેરરિઝમ, અમર્યાદિત ભ્રષ્ટાચારે મેક્સિકોની ઘોર ખોદી છે. રમણિય દરિયા કિનારો, ગાઢ જંગલો અને બેસુમાર કુદરતી સૌંદર્ય હોવા છતાં એવું તો શું છે કે કોઈપણ વ્યક્તિ મેક્સિકોમાં પગ મૂક્તા ધ્રુજે છે?
કોલમ્બિયા, વેનેઝુએલા કે બ્રાઝિલ જેવા લેટિન અમેરિકાના દેશો કોકેઇન કે મારિજુઆના જેવા ડ્રગનાં ઉત્પાદન માટે કુખ્યાત છે. અમેરિકામાં સપ્લાઇ થતું ૯૦ ટકા ડ્રગ્સ મેક્સિકોની બોર્ડર મારફતે સપ્લાઇ થાય છે. ડ્રગ સપ્લાઇ કરતી વિવિધ કાર્ટેલો (ગેન્ગ) વચ્ચે વર્ચસ્વ માટે હંમેશાં લોહિયાળ જંગ ચાલતો રહે છે. એમ કહેવાય છે કે મેક્સિકોમાં પ્રમાણિક ન્યાયધીશ, રાજકારણી, પોલીસ કર્મચારી કે લશ્કરનો અધિકારી શોધવા એટલા જ મુશ્કેલ છે, જેટલું ઘાંસની ગંજીમાંથી સોઈ શોધવું! જે રીતે બેંગકોક-પટાયા સેક્સ ટૂરિઝમ માટે પ્રખ્યાત છે એજ રીતે મેક્સિકોનાં તિજુયાના અને સિયુદાદ શહેરો હિંસા માટે કુખ્યાત છે. આ બંને શહેરો ઉપરાંત બાજા કેલિફોર્નિયા, ડુરાંગો, સિનાલોઆ, ગુયેરેરો, … જેવાં રાજ્યોમાં પણ દરરોજ થતી હિંસાને કારણે સેંકડો લોકો કીડી-મંકોડાની માફક મરતા રહે છે. હજારો હત્યા કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ ગુનેગાર પકડાય છે કે ફરિયાદ પણ થાય છે. ૨૦૧૭માં મેક્સિકોમાં ૨૯,૧૫૮ હત્યાઓ નોંધાઈ હતી અને જે માટે ભાગ્યે જ કોઈને પકડવામાં આવ્યા હતા. જાણકારો માને છે કે આટલી જ બીજી હત્યાઓ થઈ હશે, પરંતુ ડ્રગ માફિયાના ડરને કારણે કોઈએ ફરિયાદ નોંધાવાની હિંમત નહીં કરી હોય! ‘ગ્લોબલ ક્રિમિનાલિટી ઇન્ડેક્સ ૨૦૧૬’ના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્ર્વમાં પત્રકારો માટે સૌથી જોખમી દેશ મેક્સિકોની ગણના થાય છે.
અમેરિકાના બજારમાં ઠલવાતાં કોકેઇન, મારિજુઆના અને હેરોઇનનો ૯૦ ટકા હિસ્સો મેક્સિકો દ્વારા દાણચોરીથી મોકલાય છે અને મેથામેથ્થેટેમાઇન તરીકે ઓળખાતા ડ્રગની મોટાભાગની ફેક્ટરીઓ મેક્સિકોમાં ધમધમી રહી છે. આમ તો મેક્સિકોમાં નાની-મોટી ૫૦ થી વધુ ડ્રગ કાર્ટેલ છે, પરંતુ એમાંની બે કે ત્રણ કાર્ટેલ દ્વારા જ છેલ્લાં ૨૦ વર્ષમાં ૫૦,૦૦૦ થી
વધુની હત્યા અને હજારોનાં અપહરણ કરવામાં આવ્યા છે.
કોલમ્બિયાના પાબ્લો એસ્કોબાર કરતા પણ જેની ગણના વધુ શક્તિશાળી અને પૈસાદાર ડ્રગ સમ્રાટ તરીકે થાય છે એનું નામ જોઆક્વિન ગુઝમાન છે. ઓછી ઊંચાઈને કારણે ગુઝમાનનું નામ ‘એલ ચેપો’ (બટકો) પડી ગયું હતું. મેક્સિકોના સિનાલોઆ વિસ્તારમાં ગેન્ગ બનાવી હોવાથી ચેપોની ગેંગ સિનાલોઆ કાર્ટેલ તરીકે ઓળખાય છે. અમેરિકાનાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે મેક્સિકોની સિનાલોઆ કાર્ટેલ વિશ્ર્વની સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલ છે. ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી સતત ત્રણ વર્ષ એલ ચેપોનું નામ ‘ફોર્બ્સ’ મેગેઝિનની વિશ્ર્વની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં ચમકયું હતું. ચેપોની ગણના મેક્સિકોના પ્રમુખ પછી બીજા નંબરના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ તરીકે થતી હતી. અમેરિકન સરકારની દૃષ્ટિએ ચેપો વિશ્ર્વનૌ સૌથી વધુ ‘જોખમી, ક્રૂર અને ભયજનક વ્યક્તિ’ હતો. કોઈ દિવસ અમેરિકાની ધરતી પર પગ મુક્યો ન હોવા છતાં એલ ચેપોની વગ શિકાગો શહેરમાં એટલી બધી હતી કે અમેરિકાએ ચેપોને પ્રજાના દુશ્મન નંબર-૧નું બિરૂદ આપ્યું હતું.
મેક્સિકોની બોર્ડર મારફતે અમેરિકામાં ટનબંધ કોકેઇન ઘુસાડવા માટે ચેપોએ ૪૦ થી વધુ ટનલો બનાવી હતી. આ ટનલો બનાવવા માટે એણે વિશ્ર્વભરના શ્રેષ્ઠ એન્જિનિયરોની મદદ લીધી હતી. અમેરિકન સરકારના દબાણના કારણે મેક્સિકો સરકારે ૧૯૯૩માં એલ ચેપોની ધરપકડ કરવી પડી હતી અને એને ૨૦ વર્ષની જેલ થઈ હતી. ૨૦૦૧ના વર્ષમાં જેલના સુરક્ષા કર્મચારીઓને લાંચ આપીને એલ ચેપો સૌથી વધુ સુરક્ષિત જેલમાંથી ભાગી છૂટ્યો હતો. મેક્સિકો સરકાર, અમેરિકન સરકાર અને ઇન્ટરપોલે ચેપોને શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા અને અમેરિકાએ એને પકડવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ૨૦૧૪માં બીજી વખત ચેપો પકડાયો હતો અને ૨૦૧૫માં ફરીથી ભાગી ગયો હતો. આ વખતે એ ૧.૫ કિ.મી. લાંબી ટનલ ખોદાવી જેલની કોટડીમાંથી ભાગ્યો હતો. જોકે ૨૦૧૬માં મેક્સિકોના નૌકાદળ દ્વારા ફરીથી પકડાઈ ગયો હતો અનેએને પ્રત્યાર્પણ સંધિને કારણે અમેરિકા મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં આજે પણ એની સામે કેસ ચાલી
રહ્યો છે.
ગરીબ ખેડૂતને ત્યાં જન્મેલા એલ ચેપોએ ફક્ત ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને ગુનાખોરીની શરૂઆત એક ડ્રગ માફિયાના ડ્રાયવરના કામથી કરી હતી. મેક્સિકોમાં એલ ચેપોના નામે ૫૦૦૦ થી વધુ હત્યાઓ કરાવી હોવાનો આરોપ છે. ‘ગલ્ફ કાર્ટેલ’ તરીકે ઓળખાતી પ્રતિસ્પર્ધી ગેન્ગ સાથેના યુદ્ધમાં બંને પક્ષે હજારોની હત્યા થઈ હતી. બંને ગેંગના પેરોલ પર ન્યાયતંત્ર, રાજકારણીઓ, પોલીસ અને લશ્કરના માણસો હતા. પોલીસ અને લશ્કર બંને ગેંગ વતી હત્યાઓ કરતા જેમાં સેંકડો નિર્દોષ પ્રજાજનો પણ મરતા રહેતા હતા. જોકે સૌથી વધુ નિર્દયી અને ક્રૂર કાર્ટેલ તરીકેની ગણના ‘લોસ સેટાસ’ની થાય છે. આ કાર્ટેલ ડ્રગ ઉપરાંત વેશ્યા વ્યવસાય, અપહરણ અને હથિયારો વેચવાનું કામ પણ કરતી હતી. ૧૯૯૦ના દાયકામાં મેક્સિકન લશ્કરના ૩૧ જેટલા ટ્રેઇન્ડ કમાન્ડો લશ્કરમાંથી ભાગી જઈ લોસ સેટાસ સાથે જોડાઈ ગયા હતા. આ તમામ કમાન્ડો ઇઝરાયલ અને અમેરિકાના સ્પેશ્યલ ફોર્સ દ્વારા તાલીમ પામેલા હતા. એક તબક્કે લોસ સેટાસ અને ગલ્ફ કાર્ટેલે, એલ ચેપો સામે લડવા માટે હાથ મેળવ્યા હતા, પરંતુ ચેપોએ તમામ મેક્સિકન સત્તાધીશોને ખરીદી લીધા હોવાથી બંને કાર્ટેલ માટે ચેપો સામે લડવાનું મુશ્કેલ બની ગયું હતું.
છેલ્લાં ચાલીસ વર્ષથી મેક્સિકોએ બાવળ જ વાવ્યા છે એટલે હવે કાંટા જ ઊગી રહ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોથી વધી રહેલી ગુનાખોરીને કારણે મેક્સિકોના બાજા કેલિફોર્નિયા, લા પાઝ અને કેનકૂન જેવાં પ્રવાસી સ્થળો ભેંકાર બની રહ્યાં છે. પ્રવાસીઓ માટે બનાવેલા ફાઇવસ્ટાર રિસોર્ટ ખંડેરજેવા થઈ ગયા છે. ટેક્સીડ્રાઇવરોની સૌથી વધુ હત્યાના મામલે સમગ્ર વિશ્ર્વમાં મેક્સિકો નંબર-૧ છે. ટેકસીવાળાઓનો ઉપયોગ ખંડણી માટે કરાતો હોવાથી ટેક્સી ડ્રાયવરો વ્યવસાય છોડી રહ્યા છે. ગમે ત્યારે રસ્તા કે રેસ્ટોરાંમાં ગોળીબાર થવા માંડે છે અને લાશો પડતી રહે છે. પોલીસ ફક્ત લાશને કુટુંબીઓ સુધી મોકલવાનું કામ કરે છે. કોઈ જ ગુનેગાર પકડાતા નથી. પોલીસ પર ખૂબ દબાણ આવે તો એકાદ નિર્દોષને પકડી, અંદર કરી દેવામાં આવે છે.
જે દેશની આવી હાલત હોય એના નાગરિકો ગેરકાયદેસર પોતાના દેશમાં ઘૂસી નહીં આવે એની તકેદારી કોઈપણ દેશનો વડો રાખે જ. ડોનાલ્ડ ટ્રમ્પ આ તકેદારી રાખવા માગતા હોય તો એમાં ખોટું શું છે ?