ઉત્સવ

વાત નોકરીની તક હોય કે ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહની… આર્થિક-સામાજિક વિકાસમાં નાના-મધ્યમ શહેરોની મોટી કમાલ

આર્થિક વિકાસની સાથે આજે નાના-મધ્યમ શહેરોનું કઈ રીતે વધી રહ્યું છે મહત્ત્વ?

ઈકો સ્પેશ્યલ -જયેશ ચિતલિયા

સૌપ્રથમ નોકરીની તકોની વાત કરીએ. ટુ અને થ્રી ટિયર સિટીઝમાં નોકરીની ઓફરો વધી રહી છે, જેમાં નોકરી શોધતા વર્ગ ઉપરાંત કંપનીઓને પણ લાભ છે. તેમને ઓછાં ખર્ચે ટેલેન્ટ મળે છે અને એ શહેરના લોકોએ બહાર કે દૂર જવાની નોબત આવતી નથી, દૂર ગયા પછી ઊંચા પગારની નોકરી મળે તો પણ

એ નવા શહેરની મોંઘવારીમાં ખર્ચાઈ જાય છે. જયારે પોતાના જ શહેરમાં મોટા શહેર કરતાં ઓછાં પગારની નોકરી મળે તો એકંદરે રાહત – લાભ અને કમાણીમાં બચત પણ થાય. કયા સેકટરમાં નોકરીની વધુ તક આ શહેરોમાં જે સેકટરમાં નોકરીની તકો વધી રહી છે તેમાં આઈટી, સંબંધિત સેકટર, ઈ-કોમર્સ, ઓઈલ-ગેસ સેકટર તથા પાવર અને ઉત્પાદન ક્ષેત્રનો સમાવેશ વધુ થાય છે. મોટાં શહેરોમાં તનાવ – ભીડ સહિત હાઈ કોસ્ટલી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સાથે જીવવા કરતાં લોકો નાના શહેર વધુ પસંદ કરતા થઈ ગયા છે. દેશના સામાજિક – આર્થિક વિકાસ માટે પણ આ સારી નિશાની છે. સ્વરોજગાર માટે પણ નાનાં શહેરમાં તક વધી રહી છે. મહિલાઓ પણ આમાં સક્રિય થઈ રહી છે.

હવે શેરબજારની તેજી અને મ્યુચ્યુઅલ ફંડસના ફેલાવાની વાત કરીએ તો નાનાં શહેરોનો લાભ સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓને મળી રહ્યો છે. ખાસ કરીને ઈકિવટીલક્ષી. આવી યોજનામાં રોકાણ કરનારની સંખ્યા અને વોલ્યુમ આવાં શહેરોમાંથી વધી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડસ દેશનાં નાના-નાના શહેરોમાં પણ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. ફંડસના ડિસ્ટ્રિબ્યુટર્સ માટેની આ તક હજી વિસ્તરશે – વધુ વિકાસ પામશે એ નકકી છે. નાના- મધ્યમ શહેરોમાંથી ડિમેટ એકાઉન્ટસની સંખ્યા પણ વધી રહી છે.

તેજીનો લાભ સર્વાંગી બજારની તેજીનો લાભ કંપનીઓ અને બ્રોકર્સ વર્ગ તો લઈ જ રહ્યા છે, આ સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને પણ આનો ભરપુર લાભ મળતો થયો છે, રોકાણકારોની સંખ્યા અને પોર્ટફોલિયોમાં પણ વૃધ્ધિ થતી જાય છે. મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ હવે દેશભરમાં ફેલાતો જાય છે, જે રોકાણકારો અને બજાર તેમ જ ઈકોનોમી માટે આવકાર્ય ગણાય. મજાની વાત એે છે કે ઉત્તર-પૂર્વના રાજયોમાંથી મ્યુચ્યુઅલ ફંડસમાં નાણાં પ્રવાહ વધુ ઝડપથી આવતો થયો છે, જે પરંપરાગત રાજયો કરતા પણ વધુ ઝડપે આવી રહ્યો છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ વધતો વ્યાપ આ વિષયનો અભ્યાસ કહે છે કે આસામ, મેઘાલય, મિઝોરામ અને અરુણાચલ પ્રદેશમાંથી મ્યુચ્યુઅલ ફંડસની સ્કીમ્સમાં આવતા રોકાણ પ્રવાહમાં પચાસ ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે. એટલું જ નહીં, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાંથી પણ પચાસ ટકા જેવો રોકાણ વધારો થયો છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આજથી દસેક વરસ પહેલાં મ્યુચ્યુઅલ ફંડ એટલે માત્ર દેશનાં મોટા શહેરો અને મહાનગરો માટે જ ગણાતા. જેનું નામ આજે પણ કલેકશનમાં ટોચ પર બોલાતું હોય છે. મુખ્ય ૧૫ શહેરોની બહાર મ્યુચ્યુઅલ ફંડ એ વળી કઈ બલા છે એવું પુછાતું. જયારે હવે બી- ૧૫ એટલે એટલે કે આ ૧૫ મુખ્ય શહેરોની બહાર મ્યુચ્યુઅલ ફંડસ પહોંચી ગયા છે અને નાનામાં નાનાં શહેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ વિશેની જાગ્રતિ પહોંચી રહી છે. ત્યાંથી પણ રોકાણ પ્રવાહ સુધ્ધાં વહેતો થવા લાગ્યો છે. ખાસ કરીને એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) સૌથી વધુ પોપ્યુલર છે. જે નાનાં શહેરમાં અગાઉ માત્ર સોનું અથવા જમીન-પ્રોપર્ટીઝમાં રોકાણ થતું હતું ત્યાં હવે મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓ ફેલાવા લાગી છે.

એજયુકેશન-અવેરનેસની ભૂમિકા
મ્યુચ્યુઅલ ફંડ મારફત પણ સંપત્તિ સર્જન થઈ શકે છે, એવા વિશ્વાસના ફેલાવા સાથે આ રોકાણ પ્રવાહ વધવો શરૂ થયો છે. આ વિશેની જાગ્રતિ ફેલાવવામાં નિયમન સંસ્થા સેબી, સ્ટોક એકસચેંજીસ,એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ (એમ્ફી), ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ એજન્ટસ, વગેરેએ મહત્ત્વની ભુમિકા ભજવી છે અને અત્યારે તો આ પ્રચાર ઝુંબેશ એટલી ઝડપથી અને વિવિધ માધ્યમો મારફત ચાલી રહી છે કે લોકોનું તેના પ્રત્યે ખેંચાવાનું વધુ સરળ બની રહ્યું છે, જેમાં વળી બજારની તેજીએ પણ સહયોગ આપ્યો છે તો બીજી તરફ બેંકોની ફિકસ્ડ ડિપોઝીટ સહિત વિવિધ બચત સાધનોનાં ઘટતા વ્યાજદરે પણ પરોક્ષ સપોર્ટ આપ્યો છે. આ વિસ્તારોમાં નિયમન તંત્રએ અવેરનેસ અને એજયુકેશન વધારતા રહી રોકાણકારોને સાથે છેતરપિંડી ન થાય તેની કાળજી રાખવી જોઈએ.

મ્યુ. ફંડની યોજનામાં શું ખાસ
યાદ રાખવું?

રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કરે ત્યારે એમણે પોતાના લક્ષ્યને સમજીને રોકાણ કરવું જોઈએ. બધાં કરે છે એટલે મારે પણ કરવું જોઈએ એવા અભિગમ સાથે રોકાણ ન કરવું જોઈએ.. કોઈ મ્યુચ્યુઅલ ફંડે ભુતકાળમાં સારું વળતર આપ્યું છે તેથી એ ભવિષ્યમાં પણ હંમેશાં સારું વળતર જ આપશે એવી માન્યતા બાંધીને રોકાણ કરવું નહીં. મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કાયમ માટે સંપૂર્ણપણે સલામત હોય છે એવું પણ માની લેવું જોઈએ નહીં. અલબત્ત, લાંબા સમયગાળા માટે રોકાણ કરો આ યોજનાઓ મોટેભાગે સંપત્તિ સર્જનમાં સહભાગી થતા હોય છે. તાજેતરના એક અભ્યાસ મુજબ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે મોટા ૩૦ શહેરોની તુલનાએ ૩૦ નાના શહેરોમાંથી ફંડસ ઉદ્યોગને વધુ ઝડપથી નાણાં પ્રવાહ મળી રહ્યો છે. નાણાંનુ પ્રમાણ મોટા શહેરોમાં ભલે મોટું રહ્યું, કિંતુ નાના શહેરોની રોકાણ ઝડપ વધી રહી છે, જે લાંબા ગાળાના મહત્ત્વના સંકેત આપે છે. ઈન શોર્ટ, નાના-મધ્યમ શહેરોમાં નોકરી અને રોકાણની તકોના વિસ્તાર સાથે આ શહેરોના વિકાસને પણ વેગ મળશે, જે દેશના વિકાસની સમતુલા જાળવવામાં સારી ભૂમિકા ભજવશે. મહત્ત્વની વાત એ છે કે ટેકનોલોજીએ ઘણી બાબતોમાં પરિવર્તન લાવવાની ભૂમિકા ભજવી છે. ટેલેન્ટ હવે મોટા શહેરોની જ જાગીર રહી નથી. નાનાં શહેરોમાં બહેતર ટેલેન્ટ અને મહેનત ધરાવનાર પુરુષ અને મહિલા વર્ગ વિકસી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button