ઝબાન સંભાલ કે : લાલો લાભ વગર ન લોટે

-હેન્રી શાસ્ત્રી
મનુષ્યને લાભ દેખાતો હોય, પોતાનો જ્યાં સ્વાર્થ હોય ત્યાં સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હોય છે. આજના ભૌતિક યુગમાં માત્ર પોતાનો લાભ જોવામાં આવે છે. સંવેદનાનું મહત્ત્વ ઘટતું ગયું છે. નિ:સ્વાર્થ સેવા એ ઉત્તમ ભાવના છે, પણ આજના સમયનું સત્ય એ છે કે લાલો લાભ વગર ન લોટે. અહીં લોટે શબ્દનો અર્થ પડે એવો થાય છે. આ કહેવત પાછળ એક મજેદાર કથા છે. ગામમાં એક મા અને એમનો પુત્ર રહેતાં હતાં. યુવાનીમાં પ્રવેશ્યો હોવા છતાં ગામ આખામાં પુત્ર લાલો તરીકે જ ઓળખાતો હતો. એકવાર લાલો ઘી લઈ પાછો ફરતો હતો ત્યારે ઘીનું વાસણ રસ્તા પર પડી ગયું. લાલો જમીન પર બેસી ઘી અને સાથે ધૂળ વાસણમાં ભેગી કરવા લાગ્યો. કોઈએ જોયું અને લાલાના ઘરે પહોંચી માને જણાવ્યું કે ‘તમારો લાલો પડી ગયો છે ને ઢોળાયેલું ઘી અને ધૂળ ઉસરડી ડબ્બામાં ભેગું કરી રહ્યો છે.
મા લાલાને બરાબર જાણતી હતી. એટલું જ બોલી કે ‘મારો લાલો લાભ વગર ન લોટે.’ થોડી વાર પછી લાલો ઘરે આવ્યો ત્યારે માએ દીકરાને પૂછ્યું કે ‘દીકરા કેમ કરતાં પડી ગયો?’ વાંચો લાલાનો જવાબ: ‘હું ઘરે આવી રહ્યો હતો ત્યાં જમીન પર સોનામહોરની પોટલી દેખાણી. હવે જો નીચો નમીને લેવા જાઉં તો કોઈની નજરે ચડી જાઉં. એટલે હાથે કરીને પડી ગયો ને ઘીનું વાસણ સોનામહોરની પોટલી પર પડવા દીધું. રસ્તાનીધૂળ સાથે સોનામહોર પણ લેતો આવ્યો છું. ધૂળ અને ઘીમાંથી સોનામહોર કાઢી લેજે.’ દીકરાના ડહાપણ પર મા ખુશ થઈ અને બોલી કે ‘મને ખાતરી જ હતી કે તું લાભ વિના ન લોટે.’
IDIOM STORY
અંગ્રેજી ભાષાની કહેવત કથાના દોરમાં એક રૂઢિપ્રયોગ વિશે જાણીએ. Spill the beans means to leak a secret. આ રૂઢિપ્રયોગનો ભાવાર્થ છાની વાત કહી દેવી, રહસ્ય ઉઘાડું પાડી દેવું થાય છે. I wanted to give a surprise birthday party to my wife but my mother spilled the beans. પત્નીને સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપવી હતી, પણ મારાં મમ્મીએ વાત છાની ન રહેવા દીધી. ગુજરાતીમાં આને સમકક્ષ એક રૂઢિપ્રયોગ વાચકોને યાદ જરૂર આવી ગયો હશે. જી હા, વટાણા વેરી નાખવા. પોલીસની પૂછપરછમાં આરોપીએ વટાણા વેરી નાંખ્યા અને આખી ટોળકી મુદ્દામાલ સાથે પકડાઈ ગઈ. આ રૂઢિપ્રયોગ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એ કથા જાણવા જેવી છે. એનું અનુસંધાન ગ્રીસ દેશની મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલું છે. પ્રાચીન કાળમાં મતદાન કરવા આવતા લોકો કાળા અથવા સફેદ બીન્સ (વાલનો દાણો)ની મદદથી મતદાન કરતા હતા. સફેદ બીન મતલબ હોકાર – હા પાડવી અને કાળા બીન એટલે નકાર – ના પાડવી એમ સમજવામાં આવતું હતું. આનો અર્થ એ થયો કે જો ડબ્બામાં રહેલા બીન્સ વેરાઈ જાય તો ચૂંટણીના પરિણામ નક્કી કરેલા સમય કરતાં વહેલા જાહેર થઈ જાય. એના પરથી બીન્સ વેરાઈ જવા એને છાની વાત જાહેર કરવા સાથે જોડી દેવામાં આવ્યું. ત્યારથી આ રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો અને આજની તારીખમાં પણ એના મૂળ અર્થ સાથે અકબંધ છે.
આ અંગ્રેજી રૂઢિપ્રયોગ સાથે સમાન અર્થ ધરાવતી અંગ્રેજી કહેવત પણ છે: Let the cat out of the bag. છાની રાખવાની કોઈ વાત અથવા રહસ્ય બેદરકારીને કારણે અથવા ભૂલથી ઉઘાડું પડી જાય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. પશુધનની લે વેચ કરતા કેટલાક દલાલો વધુ નફાની લાલચે સોદો થયા પછી ગ્રાહકને બેગમાં વેચાણ થયેલા પ્રાણીને બદલે બિલાડી પકડાવી દેતા, કારણ કે વજન સરખું હોવા છતાં બિલાડીનું આર્થિક મૂલ્ય ઓછું રહેતું. ગ્રાહક ઘરે પહોંચી બેગ ખોલે ત્યારે બિલાડી બહાર નીકળતા છેતરાયા હોવાની જાણ થતી અને દલાલનું રહસ્ય ઉઘાડું પડી જતું.
कहावत की कथा
કહેવત પાછળની કથા ભાષા જ્ઞાન આપવા ઉપરાંત સમજણનો પણ વિસ્તાર કરે છે. ऊंट की चोरी निहुरे – निहुरे કહેવત પરથી આ વાત સુપેરે સમજાય છે. ઊંટની ચોરી કોઈને ખબર ન પડે એમ સંતાઈને કરવી એ આ કહેવતનો ભાવાર્થ છે. એક શાતીર ચોર હતો જે ગાય – ભેંસ કે ઘોડા જેવા જાનવરો તો ક્યારેક બકરીની ચોરી કરતો અને પછી બીજા નગરમાં કે મેળામાં ચોપગા પ્રાણી વેચી આવતો. એક વખત એવું બન્યું કે આસપાસના ગામમાંથી એક બકરી સુધ્ધાં ન પામ્યો. ચોરનું ઘર ચોરીના માલના વેચાણમાંથી મળતા પૈસા પર ચાલતું હતું એટલે બે ટંક ભોજનના વાંધા પડવા લાગ્યા. દુકાનદારોએ ઉધાર માલ આપવાનું બંધ કરી દીધું હતું. ઉદ્યમ કરવાથી દૂર રહેતો આ ચોર ચોરી ચપાટી કરવા દૂર એક ગામમાં જઈ પહોંચ્યો. મધરાતે ગામના લોકો પોઢી ગયા ત્યારે કોઈ પ્રાણી હાથ લાગે એ માટે આંટાફેરા શરૂ કરી દીધા. બહુ ફાંફા માર્યા પછી એક ઊંટ પર ચોરની નજર પડી. દબાતા પગે ઊંટ પાસે પહોંચી એને બાંધેલું દોરડું છોડી ચાલતી પકડી.
થોડું અંતર કાપ્યા પછી કેટલાક લોકો તાપણું કરતા દૂરથી નજરે પડ્યા. બાજુમાં એક વાડ હતી જેની આડશમાં કોઈની નજરે ન ચડી જવાય એમ નિહુરે નિહુરે એટલે કે સંતાતો સંતાતો આગળ વધવા લાગ્યો. ચોર તો લોકોની નજરે ન ચડ્યો, પણ લાંબો ઊંટ ગામવાસીઓ જોઈ ગયા. ગામમાં એક જ ઊંટ હતો એટલે એ વ્યક્તિનો ઊંટ દોરડું છોડી ચાલી નીકળ્યો છે એવું લોકોએ માની લીધું. જોકે, એક ચતુર ગામવાસીને દાળમાં કાળું લાગ્યું. એ બોલ્યો કે ‘જો ઊંટ દોરડું છોડીને નીકળ્યો હોત તો એની નાથ (નાકમાં કાણું પાડી નાખવામાં આવતી દોરડી)નું દોરડું પાછળની બાજુએ હોય. અહીં તો ઊંટના નાથનું દોરડું આગળની બાજુએ દેખાય છે.’ તરત બધા લોકો દોડી ઊંટ પાસે પહોંચ્યા તો જોયું કે ચોર દોરડું ઝાલી સંતાઈ સંતાઈને ઉતાવળ કરી જઈ રહ્યો હતો.
એ જોઈ એક ગામવાસી બોલ્યો કે ऊंट की चोरी निहुरे – निहुरे. म्हणीची कथा
મરાઠીની એક મજેદાર કહેવત છે भोंगळ कारभार असणे. याचा अर्थ गैरशिस्तीचा, शिथिल कारभार असणे म्हणजे भोंगळ कारभार असणे असं होतो. શિસ્તની ગેરહાજરી હોય એવા શિથિલ કારભાર એવો એનો ભાવાર્થ છે. આ કહેવતનું અનુસંધાન વસઈના કિલ્લા સાથે છે. ઐતિહાસિક ઉલ્લેખ અનુસાર 1394થી 1414ના સમયકાળ દરમિયાન ભોંગળ રાજાએ એ કિલ્લો બાંધ્યો હતો. ત્યારબાદ સુલતાને ભોંગળ રાજાને યુદ્ધમાં હરાવી એમને ઠાર કરી વસઈ પોતાના તાબામાં લીધું અને પછી ત્યાં પોર્ટુગીઝોનું આગમન થયું. ટૂંકમાં વસઈ કિલ્લાના જનક ભોંગળ રાજા જ હતા. આના પરથી એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ભોંગળ રાજાના કારભારમાં શિસ્તનો અભાવ હતો અને એમની પકડ નહોતી, કારભાર ઢીલો હતો. એટલે ભોંગળ કારભાર વિશેષણ લાગી ગયું હશે. એમ તો આપણે ત્યાં રામરાજ્ય (ન્યાય અને નીતિવાળું કલ્યાણ રાજ)નું ઉદાહરણ પણ જોવા મળે છે. રામરાજ્યના રામ કોણ એ આપણે જાણીએ છીએ, પણ ભોંગળ કારભારના ભોંગળને આપણે વિસરી ગયા છીએ. જેના પરથી વિશેષણ પડ્યું એને જ ભૂલી ગયા. આ પણ ભોંગળ કારભાર જ થયો ને.