ઉત્સવ

ઝબાન સંભાલ કે: વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય

-હેન્રી શાસ્ત્રી

કેટલીક કહેવત પાછળની કથા જાણીને કાયમ યાદ રાખવા જેવી હોય છે. ઘણાં વર્ષો પહેલાં ઉજ્જૈન નગરીમાં એક ઉતાવળિયા સ્વભાવનો માણસ રહેતો હતો. નાનીઅમથી વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ કરવાની એને ખરાબ આદત હતી. પત્ની ઘણીવાર સમજાવે, પણ તેના સ્વભાવમાં કોઈ ફરક નહોતો પડતો. એક વખત પત્ની નદી પર પાણી ભરવા જતાં પારણામાં સૂતેલા બાળકનું ધ્યાન રાખવા અને પોતે પાછી ન ફરે ત્યાં સુધી આઘાપાછા નહીં થવા સમજાવતી ગઈ. જોકે, થોડીવારમાં જ એને જમણવારનું અને દાન-દક્ષિણા માટે આમંત્રણ આવ્યું. જવામાં મોડું થશે તો દાન-દક્ષિણા નહીં મળે એ વિચાર આવ્યો. બાળકનું ધ્યાન પણ રહે અને દક્ષિણા લેવા પણ જઈ શકાય એવો ઉકેલ કેમ લાવવો એનું વિચારી રહ્યો હતો ત્યાં એનું ધ્યાન પાળેલા નોળિયા પર પડ્યું. ઘરની ફરતે સાપના ઉપદ્રવથી બચવા પાળેલો નોળિયો બાળકની રક્ષા કરશે એવું ધારી એ તો ઊપડ્યો પેટપૂજા કરવા.

થોડી વાર પછી નોળિયાએ એક સાપને બાળક તરફ આવતાં જોયો. નોળિયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે થોડી જ વારમાં સાપને ખતમ કરી નાખ્યો. એટલી વારમાં આપણા ભાઈ પાછા ફર્યા અને જોયું તો નોળિયાનું મોઢું લોહીવાળું હતું. નોળિયાએ બાળકને મારી નાખ્યો હોવાની શંકા પડતાં રોષમાં આવીને તેણે તરત નોળિયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો. જોકે, પછી અંદર દોડી જઈને જોયું તો બાળક પારણામાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને આસપાસ મરેલા સાપના ટુકડા વેરણછેરણ પડ્યા હતા. ભાઈસાહેબ તરત સમજી ગયા કે વફાદાર પાળેલા નોળિયાએ બાળકને મોતના મોંમાંથી ઉગાર્યું હતું અને પોતે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો. આ ઘટનાને પગલે કહેવત પડી કે વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય.

IDIOM STORY
કહેવત પાછળની કથા ક્યારેક અચરજમાં મૂકી દે છે. આજે એનું એક ઉદાહરણ જોઈએ. Beat around the bush. Meaning: To circle the point; to avoid the point. Example: Stop beating around the bush and tell me what really happened. ઘણા લોકોને ગોળ ગોળ વાત કરવાની આદત હોય છે. મૂળ મુદ્દો ચાતરી જાય કે એના પર વાતચીત કેન્દ્રિત કરવાને બદલે આમ તેમ ભટક્યા કરતા હોય છે. આવો સ્વભાવ કે આદત ધરાવતા લોકો માટે ‘બીટ અરાઉન્ડ ધ બુશ’ કહેવત પડી છે. આડીતેડી વાત છોડ, મૂળ મુદ્દાની વાત કર એમ જે કહેવાતું હોય છે એ જ આ અંગ્રેજી કહેવતનો ભાવાર્થ છે. બુશ એટલે ઝાડી ઝાંખરા. કહેવતની મૂળ કથામાં ઝાડી ઝાંખરાનો સંબંધ છે. This common phrase is thought to have originated in response to game hunting in Britain. While hunting birds, participants would beat bushes in order to draw out the birds. Therefore, they were beating around the bush before getting to the main point of the hunt: actually capturing the birds. આ કહેવતનો જન્મ એ સમયે બ્રિટનમાં રમાતી શિકારની રમતમાંથી થયો હોવાનું કહેવાય છે. પક્ષીઓનો શિકાર કરતી વખતે શિકારી સ્પર્ધકો ઝાડીઓમાં છુપાઈ ગયેલા પક્ષીઓને બહાર કાઢવા મોટી લાકડી કે બંદૂકના નાળચા ઝાડી પર વીંઝતા જેથી સંતાઈને બેસેલા પક્ષીઓ ગભરાઈને બહાર નીકળે અને શિકારીઓને તેમનો શિકાર કરવાની તક મળે.

कहावत की कथा
અનેક કહેવતો પાછળ રહેલી કથા જાણ્યા પછી કહેવતનો મર્મ સ્પષ્ટ થઈ જાય છે. पढ़ा खूब है, पर गुना नहीं પરથી વાત સ્પષ્ટ થઈ જશે. એક રાજાએ પોતાના પુત્રને વિદ્યા શીખવા ગુરુ પાસે મોકલ્યો. રાજકુમાર અને ગુરુનો પુત્ર સાથે અભ્યાસ કરવા લાગ્યા. એક દિવસ આચાર્યએ રાજકુમારનું શિક્ષણ પૂરું થયું હોવાની જાણકારી રાજાને આપી. રાજાને પુત્રની પરીક્ષા લેવાની ઈચ્છા થતા ગુરુપુત્ર અને રાજકુમારને દરબારમાં બોલાવ્યા. હાથમાં ચાંદીની વીંટી મૂકી રાજકુમારને પૂછ્યું કે ‘હથેળીમાં શું છે?’ કુંવરે જવાબ આપ્યો કે ‘સફેદ રંગની ગોળાકાર જેવી વસ્તુ છે જેની વચ્ચે કાણું છે.’ આ સાંભળી ખુશ થયેલા રાજાએ એનું નામ જણાવવા કહ્યું. રાજકુમાર બોલ્યો, ‘ઘંટીનો પથ્થર.’ જવાબ સાંભળી રાજા નિરાશ થયો અને વિચારવા લાગ્યા કે આવું શિક્ષણ મેળવ્યું? પછી તેમણે એ જ સવાલ ગુરુજીના પુત્રને પણ કર્યો કે ‘કહે તો મારી હથેળીમાં શું છે?’ ગુરુપુત્રએ સટાક કરતો જવાબ આપ્યો કે ‘ચાંદીની વીંટી’. રાજાને મનમાં થયું કે ગુરુએ મારા પુત્રને બરોબર શીખવ્યું નથી અને બધું જ્ઞાન પોતાના પુત્રને જ આપી દીધું લાગે છે. રાજાએ આ વાત ગુરુને કરી તો તેમનો જવાબ હતો કે ‘બંનેને મેં સરખી વિદ્યા આપી છે. વિદ્યા આપી શકાય, અક્ક્લ ન આપી શકાય. રાજકુમાર પાસે વિદ્યા છે, પણ અક્કલનો અભાવ છે. ઘંટીનો પથ્થર હથેળીમાં ન રાખી શકાય એવી મામૂલી વાત એ સમજી ન શક્યો. એટલે રાજકુમાર पढ़ा खूब है, पर गुना नहीं.’ આવો જ અર્થ ધરાવતી ગુજરાતી કહેવત ભણ્યો પણ ગણ્યો નહીં તમને જરૂર યાદ આવી ગઈ હશે.

म्हणीची कथा
વ્યક્તિ માટે ઘણી વખત વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય છે. હા પાડવી કે ના પાડવી એ સમજાય નહીં, મૂંઝવણમાં મુકાઈ જવાય. બેઉ બાજુ મુશ્કેલી. આ પરિસ્થિતિ દર્શાવતી મરાઠી કહેવત છે इकडे आड आणि तिकडे विहीर। મરાઠી શબ્દ આડનો અર્થ કૂવો થાય અને વિહીર એટલે પણ કૂવો કે વાવ એવો જ અર્થ થાય છે. ટૂંકમાં બંને બાજુ મુશ્કેલી. काय करावे हे सूचत नसून अडचणीच्या स्थितीत सापडणे याला म्हणतात इकडे आड आणि तिकडे विहीर. हे करू के ते करू असा गोंधळ काही वेळा होतो. आशा पद्धतीची परिस्थितीचा उदाहरण रामायणात आढळतो. આ પ્રસંગ રામ વનવાસ માટે રવાના થાય છે એ સમયનો છે. કૈકેયીને આપેલા વરદાનનું પાલન કરવા રાજા દશરથે રામને વનવાસ મોકલવા પડે છે. મંત્રી સુમંતના રથમાં બિરાજી રામ વનવાસ જવા રવાના થયા ત્યારે પ્રજાજનો અને રાજા દશરથ પણ રથની પાછળ પાછળ વનમાં પગપાળા જવા તૈયાર થઈ ગયા. જોકે, વૃદ્ધત્વને કારણે દશરથને ચાલવામાં મુશ્કેલી પડી રહી હોવાથી તેમણે સુમંતને બૂમ પાડીને કહ્યું કે ‘સુમંત, રથ ધીમે હાંક. મને સાથે થવા દે.’ રથમાં બિરાજમાન શ્રી રામના ધ્યાનમાં આ વાત આવી અને પોતાના દુઃખ કરતા પિતાની વ્યથા તેમને વિશાળ લાગી. કાળજા પર પથ્થર મૂકીને એક વાર તો પિતાશ્રીની વિદાય લીધી હતી. એનું પુનરાવર્તન નહોતું થવા દેવું. એટલે શ્રી રામે મંત્રીને કહ્યું કે ‘સુમંત, રથ ઝડપથી ચલાવ.’ હવે મંત્રી દ્વિધામાં પડ્યો કે રાજા દશરથના કહેવા અનુસાર રથ ધીરે હાંકવો કે રામની વાત કાને ધરી ઝડપ કરવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button