બસ્તી બસ્તી, ઈન્સ્પેક્ટર નામની હસ્તી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
સરકારની હજારો આંખો છે. એમાંથી એક આંખનું નામ છે ‘ઈંસ્પેક્ટર’. આ આંખ દેશની રોજબરોજની હકીકતો પર નજર રાખતી હોય છે. આ પ્રક્રિયાને કહેવાય છે દેખરેખ’ કે નિરીક્ષણ! એ સરકારી આંખોમાંથી કેટલીક પહોળી, કેટલીક ઝીણી, કોઈ બંધ, કોઈ અધખુલ્લી, કોઈનાં પર ચશ્મા લાગેલા તો કોઈક મોતિયાની બીમારીથી પીડાતી હોય છે. સરકારને ખબર જ નથી પડતી કે એને કઈ આંખથી ઓછું દેખાય છે. બધું મળીને સરકારને દૂરનું અને નજીકનું થોડું થોડું દેખાય છે. સરકાર ખુશ છે કે ઈંસ્પેક્ટરો દેશ પર નજર રાખવાનું કામ કરી રહ્યા છે.
સરકારી ઇન્સ્પેક્ટરોની તપાસ સતત દેશભરમાં ખૂણેખૂણે ચાલતી રહે છે. સરકારને લાગે છે કે એમના વડે એ રોજેરોજ બધું જોઈ શકે છે. હમણાં જે બે ટ્રેનો ટકરાઇ ગઇ, એનાં થોડા દિવસ પહેલાં જ ત્યાં ઇંસ્પેક્ટર દ્વારા નિરીક્ષણ કે દેખરેખ થઇ હતી. વરસો અગાઉ ભોપાલના જે કારખાનામાંથી ઝેરી ગેસ ફેલાયો હતો, ત્યાં એવું બીજું ફરીથી કંઈ થાય કે ન થાય એની પણ દેખરેખ કે નિરીક્ષણ હુજુ યે ઠેરઠેર કેમિકલ ફેક્રટરીઓ પર થાય છે. દેશમાં શિક્ષાની હાલત તો તમે જોઈ જ રહ્યા છો, પણ એવું નહીં સમજતા કે સ્કૂલોનું નિરીક્ષણ કે દેખરેખ નથી થતી! થાય છે અને બાળકો નાપાસ થયા કરે છે, ટીચરો ગેરહાજર રહે છે,પેપરો ફૂટે રાખે છે..
ઈંસ્પેક્ટર સાહેબો, ત્યાં પણ નિરીક્ષણ કરવા નિયમિત જાય જ છે. આપણે ત્યાં ભેળસેળની તપાસ કરવાવાળા, વજનની તપાસ કરવાવાળા, ગટરની પરિસ્થિતિની તપાસ કરવાવાળા, સ્વચ્છતાની ચકાસણી કરવાવાળા, પંચાયત અને સહકારી સંસ્થાઓની કામગીરીની તપાસ કરવાવાળા એમ વિવિધ પ્રકારના જુદી જુદી ડિઝાઈનના, જુદા જુદા મોડેલના, જુદી જુદી ઉપયોગિતાવાળા ઈંસ્પેક્ટર તમને જોવા મળશે. વ્યવીચારી લાચાર સરકાર એમની જ આંખોથી દેશની જમીની હકીકતને જાણી શકે છે.
ઈંસ્પેક્ટર બહુ જ વિચિત્ર અને અનોખી ચીજ છે. ઈંસ્પેક્ટર, દેશમાં જેમ છે એમ ને એમ બધું ચલાવતો રહે છે અને સાથે સાથે એનું નિરીક્ષણ પણ કરતો રહે છે. પોલીસ ચોકીમાં શું નથી થતું? પોલીસવાળાઓ શું નથી કરતાં? પણ જેને પોલીસ ઇંસ્પેક્ટર કહેવાય છે, એ દરેક જગ્યા પર બરોબર નિરીક્ષણ કરતો જોવા મળશે. એ તો પાછો નિરીક્ષણ કરવાવાળાઓનું પણ નિરીક્ષણ કરે છે. દરેક નજર પર પણ નજર રાખે છે.
આ રીતે દેશની દરેક બાબતનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે કે દેખરેખ વધતી ગઇ છે…અને તો યે દેશની હાલત તો તમે જોઈ જ રહ્યા છો! પણ તમારા કે મારા જોવાથી કંઈ નથી થતું. જે કંઇ જોશે તે ઈંસ્પેક્ટર જ જોશે અને સરકાર પણ એ ઈંસ્પેક્ટરની નજર વડે જ જોશે. ઈંસ્પેક્ટર તો સરકારની મોટી મોટી આંખો છે. એ સત્તાની નયનનું, કમળ છે. એ સત્તાધારી પક્ષનું પ્રિય નયન છે. એની નજર બહુ સુંદર છે. બાકી બધું વ્યર્થ છે, નકામું કે કદરૂપું છે.
આ દેશ બે ભાગમાં વહેંચાયેલો છે. એક ત્યારે જ્યારે ઈંસ્પેક્ટર સાહેબ આવવાના હોય છે અને બીજું જ્યારે તેઓ નિરીક્ષણ કરીને જતા રહ્યા હોય. આ દેશમાં આશાવાદ પણ આ જ બે ભાગમાં વહેંચાયેલો છે અને વર્ષોથી એ વહેંચાયેલો જ રહ્યો છે. આ વિભાજન, પ્રેમ જેવું છે. સમાજમાં, બે હાલત હોય છે: જ્યારે ઈંસ્પેક્ટર નિરીક્ષણ કરતા હોય છે અને જ્યારે તેઓ નથી કરતા હોતા. બંને પરિસ્થિતિમાં જે કંઇ સારું થવાનું છે અને જે કંઇ પણ ખરાબ થવાનું છે- એ બંનેનું મહત્ત્વ છે. ઇંસપેક્ટરો બિચારા કંઇ જોશે તો જ કંઈ કામ કરશે ને? આપણે એમના દ્વારા જ દેશ વિશે શું ચાલે છે એનું નિરીક્ષણ મેળવી શકીએ છીએને?
બાકી દેશનાં ખૂણેખાંચરે ઇન્સ્પેક્ટરો આવે છે અને પોતાનું ભથ્થું મેળવીને જતા રહે છે. દેશ ચાલતો રહે છે. ઇન્સ્પેક્ટરોની આંખે દેખરેખ અને નિરીક્ષણ પણ ચાલ્યા જ કરે છે.