ઉત્સવ

આજે આટલું જ: જાણતું નથી કોઈ એવી સમજમાં, સો ઉંદરો મારી બિલ્લી હજમાં…

-શોભિત દેસાઈ

રમે છે કેવી નિર્દયતાથી માનવજાતની સાથે
ત્વચાના રંગને ગોરા અને કાળા બનાવીને….

હવે પોતાને બહુ જ પ્રૉગ્રેસિવ દેશમાં ખપાવી દુનિયાભરને આકર્ષવા કોશિશ કરે છે એ સાઉથ આફ્રિકા શું છે અને કેવું હતું એ તો બધા જાણે જ છે, એટલે એને વિશે ન બોલવામાં નવ ગુણ (અમસ્તો જ કહેવતનો ઉપયોગ).

મૂળ આફ્રિકાના કાળા અને સમગ્ર દુનિયાના કાળા લોકોને વેઠિયા મજૂર જ સમજવાવાળો આ દેશ ક્રિકેટમાંથી ૨૨ વરસ બહાર મુકાઈ ગયેલો એ બેસિલ ડોલીવીયેરા નામનો મૂળ સાઉથ આફ્રિકાનો અને ત્વચા કાળી હોવાને લીધે જેને એના દેશે રમવા નહોતો દીધો અને એક જમાનાના સાઉથ આફ્રિકા જેવા જ હરામખોર-બદમાશ-પાજી (કોહીનુર પાછો નહીં આપો ત્યાં સુધી અપશબ્દો ચાલુ જ રહેશે) દેશ ઇંગ્લૅન્ડે આશરો-નામ અને દરજ્જો આપ્યા હતાની વાત કરવી છે આજે.

અશ્વેત ડોલી અને લબાડ સાઉથ આફ્રિકાનો રંગભેદ એકસાથે યુવાની અને પરાકાષ્ટાએ પહોંચે છે લગભગ ૧૯૬૦ની આસપાસ. જી હા, ચોર સાઉથ આફ્રિકા મોહનદાસના ૧૯૧૫ની આસપાસ પછી અને ભારતના ૧૯૪૭ પછી પણ સુધર્યું નહોતું જ અને પરમાત્માની પૃથ્વીના બાકી બધા જ દેશો ડામ્મીસ ચુપકીદી જ સેવતા હતા.


Also read: આકાશ મારી પાંખમાં: લોકસેવકનો હીરક મહોત્સવ


એ વર્ષોમાં આપણને ખરેખર દયા તો એ વખતના લગભગ ડોન બ્રેડમેનની કક્ષાના કેટલાક ક્રિકેટરોની આવે છે, જે સૂર્ય સમાન ઊગ્યા, પૃથ્વીના ગોરી ચામડીના દેશોને પોતાની અનહદ ચમક બતાવી અને કાયમને માટે આથમી ગયા… ગ્રેહામ અને પીટર પોલોક, બેરી રીચર્ડસ (રમવામાં ઑવર પ્રૉજેક્ટેડ વિવનો બાપ) સિંકલેર, સોબર્સનો સમકક્ષ ઑલરાઉન્ડર માઇક પ્રોકટર, એડી બાર્લો ઈ. આપણો ડોલી ઇંગ્લૅન્ડના ત્યારના ક્રિકેટ કૉમેન્ટરીના બહુ જ મોટા માથા જહોન આર્લોટને કથની વર્ણવે છે અને ૩૦ વર્ષનો ડોલી ઇંગ્લૅન્ડ સ્થાયી થાય છે.

ક્લબ ક્રિકેટમાં અને એની ક્રિકેટ કાબેલિયતને લીધે એને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે છે. કયારે? ખબર છે? ૩૪ વર્ષની ઉંમરે… અશ્ર્વેત ડોલી, પોતાના દેશથી નકારાયો હોવા છતાં…. અને તમને શું લાગે છે? વાત પતી ગઈ? સુવ્વર જેવા જડ સાઉથ આફ્રિકાની સાન ઠેકાણે આવી ગઈ? અરે આ તો હજી વાત શરૂ થઈ છે…

૧૯૬૮ (ડોલી ૩૭)માં ડોલીએ ૮૭ રન બનાવ્યા છતાં ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા સામે હારે છે અને ડોલીને ડ્રૉપ કરવામાં આવે છે, એ કારણસર કે એની બોલિંગ બરાબર નહોતી. મૂળ કારણ એ હતું કે ઇંગ્લૅન્ડ નજીકમાં જ ડામ્મીસ સાઉથ આફ્રિકાની ટૂર કરવાનું હતું જે અશ્ર્વેત ખેલાડીવાળી કોઈ પણ ટીમ જોડે રમવા તૈયાર જ નહોતું. આમાં ઇંગ્લૅન્ડની બદમાશી પણ તમે જોઈ જ લીધી ને! ઇંગ્લૅન્ડ ક્રિકેટના સર્વોપરીએ તો ડોલીને ગેરઉપલબ્ધ બનવાનો ફૉર્સ પણ કર્યો… પણ ડોલીએ ઘસીને ના પાડી દીધી.

ઝડપ વધારું… ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં ડોલી પસંદ તો થયા સાવ આખરે, પણ ઇલેવનમાં પસંદ થયા છેક છેલ્લે, ત્રણ પ્લેયર્સ ઇન્જરીને આધીન થયા બાદ. ડોલીએ બનાવ્યા ૧૫૮ રન, જેને લઈને સિરીઝ ઇંગ્લૅન્ડ ડ્રૉ કરી શક્યું. બેટના જોરે, બધાની ઇચ્છા વિરુદ્ધ, ડોલીએ અશકય કરી દેખાડ્યું.

છતાં એને ડ્રૉપ કરવામાં આવ્યો. ઇંગ્લૅન્ડ આખામાં ઊહાપોહ થયો. જ્હોન આર્લોટે સિરીઝની કમેન્ટરી કરવાની ના પાડી દીધી. આખું બ્રિટન ડોલીની પડખે ઊભું રહ્યું, જયારે એનો દેશ હજી એને અશ્ર્વેતપણા બદલ ધિક્કારતો હતો અને જુઓ નસીબ! પાછા ઇન્જરીના જ કારણસર ડોલી આવી ગયો પાછો ટીમમાં.

હરામખોર સાઉથ આફ્રિકાનોે એવો જ કોઈ ડામ્મીસ પ્રધાન મંત્રી બોલ્યો: અમને ઇંગ્લૅન્ડ સામે વાંધો નથી, અમને રંગભેદની (અ)નીતિ વિરુદ્ધની ટીમ સામે વાંધો છે. ડોલીવીયરા મુદ્દા તરીકે ઓળખાતા આ બનાવે આખી ટૂર કૅન્સલ થઈ.
પછી તો પાજી સાઉથ આફ્રિકાની દશા બેઠી. ૧૯૭૦ની ઇંગ્લૅન્ડની ટૂર અને પછી ઑસ્ટ્રેલિયાની ટૂર રદબાતલ થઈ અને છેવટે કાયમને માટે એ ખલ સાઉથ આફ્રિકાને બધાં ક્ષેત્રોમાંથી હાંકી કઢાયું ૧૯૯૧ સુધી. બાકીનું બધું તમે જાણો છો.

૧૯૬૮માં ડોલીના ૧૫૮, એક તણખો, કેવા જંગલી સાઉથ આફ્રિકાના આખા જંગલને સાફ કરી નાખે છે એ જોયું ને? આ બધા ખલ ‘કહેવાતાં’ સામ્રાજ્યોને ખતમ કરવા નિષ્ઠાનો એક તણખો પૂરતો છે… આ વિષદ અંધારપટને નામશેષ કરવાનું કામ એક આગિયાથી જ શરૂ થાય છે. ૨૦૧૪ની પહેલી સભા યાદ છે ‘નમો’ની યુપીમાં? પણ સચેત એ રહેવાનું કે આપણે ચૂક્યા તો ભવિષ્યદશા આપણી પણ આ જ છે.


Also read: કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો


સિર્ફ હંગામાં ખડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ હૈ કી યે સુરત બદલની ચાહીયે. (દુષ્યંતકુમાર)
હમણાં હમણાં કવિશ્રી અનિલ જોશી સાથે સુંદર સમય ચાલી રહ્યો છે. એમની ૪૫ વર્ષ પહેલાં સર્જાયેલી રંગભેદ ઉપરની એક અફલાતૂન રચનાથી આજે છુટા પડીએ?!

રંગભેદ
કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં
આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં
ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો હરિયાળા રંગનો નવાબ
રેતના અવાવરુ કૂંડામાં સ્હેજ આ તો આંખ્યથી ઉગાડ્યું ગુલાબ
સંતરાની છાલ જેવો તડકો વરસે છે બધે મારા કે તારા પરદેશમાં
કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં
કાળી માટીમાં મ્હોર્યો લીલોછમ બાજરો ને કાળી છાતીમાં ગોરા ધાવણ
પાંદડાંની જાળીએથી લીલાછમ બાલ મુકુંદ નીકળી ગયા ને બેઠો શ્રાવણ
ધોબીપછાડથીયે ઊજળા થયા નહીં તો ગોરા થઈ જઈએ હવે કેશમાં
કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં
આજે આટલું જ….

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button