ઉત્સવ

હાસ્યથી હકારાત્મકતા સુધી કમાલની કહેવતો

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
કરવત ને કહેવત જ રૂર પડે ત્યાં જ વાપરવી. (છેલવાણી)
એક સાથે હજારો ખંજર ખૂંપે એમ શબ્દો આત્માનો ખાત્મો કરીને વીંધી શકે છે તો કદીક એ જ શબ્દો, ઋજુ રહેનુમા બનીને રાહ પણ ચીંધી શકે છે.
રેલવેનાં પાટા પર એક માણસ આત્મહત્યા કરવા પહોંચે છે. એવામાં દૂરથી રેડિયો પર-‘ગાડી બૂલા રહી હૈ સીટી બજા રહી હૈ, ચલના હી ઝિંદગી હૈ, ચલતી હી જા રહી હૈ.’ ગીત વાગ્યું.
એ ગીતના શબ્દો સાંભળીને માણસે આપઘાતનો
વિચાર છોડી દીધો. ગીતકાર આનંદ બક્ષીને એણે
આભારનો પત્ર લખેલો, જે બક્ષીજીએ અમને સજળ નેત્રે દેખાડેલો.
ઘણીવાર કોઇ કવિતા કે સુવાક્ય કે ડાયલોગ આખેઆખાં આયખાંને પળભરમાં પલટી નાખે છે. કોઇ હારેલાને ‘એવરીથિંગ વિલ બી ઓલરાઈટ’ એમ કહીએ તો એને ૧૦૦ વરસ જીવવાનું ટોનિક મળી શકે છે.
હમણાં દિશાહીન રઝળપાટમાં રદ્દીની દુકાન ફેંદતા ફેંદતા ‘પીટર પોપર’ નામનું જાપાનીઝ કહેવતોનું ર્જીણ પુસ્તક મળી આવ્યું.
આપણે ત્યાં સામાન્ય માણસો કે રાજકીય પ્રવક્તાઓ
પણ કહેવતો-મુહાવરાઓ કહીને ચર્ચામાં છવાઇ જાય છે,
કારણ કે કહેવતોમાં પ્રજાની તાસિરનો એક્સ-રે હોય છે.
વળી જગતભરની પ્રજાઓની લોકકથાઓની જેમ
દુ:ખ-દર્દ કે દિલની કશિશનું કહેવતોમાં પણ અજીબ સામ્ય હોય છે.
ધર્મ-ભાષાથી લોકો ભલે અલગ હોય પણ સૌનાં આંસુ ને સ્મિતમાં તસુભારનો ફર્ક નથી હોતો. તો જુઓ, જાપાનીઝ બેનમૂન કહેવતોના આ નમૂના.

  • ‘પૈસા ચોરો તો ચોર ગણાઓ, દેશને ચોરો તો રાજા!’
  • ‘તમે ભીંજાઓ એ પહેલાં જ છત્રી ખોલી દો.’
  • ‘છરી-કાંટાથી સૂપ પીવાતો નથી.’
  • ‘શબ્દો તીર જેવા છે, એકવાર ફેંકાયા કે પાછા ન આવે.’
  • ‘તમે બોલાયેલા શબ્દોના માલિક નથી, ન બોલાયેલા શબ્દોના છો.’
    વળી કેટલીક કહેવત સામસામે ગોઠવેલા અરીસા જેમ અસંખ્ય પ્રતિબિંબ દેખાડે છે. માનવ જીવન પર અમુક અદ્ભુત જાપનીઝ કહેવતો છે:
  • ‘બાળક કદીયે બદલાતું નથી, ક્યારેક તો સો વર્ષ સુધી પણ નહીં.’
  • ‘ગમે એટલો ચોખ્ખો અરીસો પણ પોતાની પીઠ ન બતાવી શકે.’
  • ‘દૂધનું રક્ષણ કરવું હોય તો બિલાડીને જોતા ન રહેવાય.’
  • ‘પતિ-પત્ની વચ્ચેના ઝગડાનાં એંઠવાડને કૂતરો યે સૂંઘતો નથી.’
  • ‘લડનારો ન હોય ત્યાં સુધી તમે લડી શકતા નથી.’
  • ‘પહેલાં આપણે શરાબને પીએ છીએ, પછી શરાબ શરાબને પીએ છે, પછી શરાબ આપણને પીવે છે.’
  • ‘જૂતાં ગમે તેટલાં સુંદર હોય, પણ એને ટોપી ન બનાવાય.’
  • ‘મોટાં વૃક્ષો પવનના અહમને છેડે છે.’
  • ‘હાથ ચાટતા કૂતરાને મારી કેમ શકાય?’
  • ‘ભીખના ધંધામાં કાયમનો નફો.’
  • ‘દુનિયામાં મૂર્ખતાને સુધારવા કોઈ દવા નથી.’
  • ‘ફળને જોયા વિના વૃક્ષ વિશે કાંઈ જ કહેશો નહીં.’
  • ‘પશ્ર્ચિમનો પવન ને દંપતીની તકરાર મધરાતે કાબૂમાં આવી જાય.’
  • ‘ચિત્રકારો ને વકીલો ધોળાનું કાળું કરી શકે.’
  • ‘મ્યાઉં મ્યાઉં- કરતી બિલ્લી, ઉંદરને પકડતી નથી.’
  • ‘જડબું તૂટી જાય એટલું હસાય નહીં.’
  • ‘તળાવમાંનાં ચંદ્રના પ્રતિબિંબને પકડવાની હરકત વાંદરાં જ કરે.’
  • ‘ચકલીને હંસનાં સપનાંઓ વિશે શું ખબર હોય?’
  • ‘ચોરને પણ ધંધો શીખતા ૧૦ વર્ષ લાગે છે.’
  • ‘રત્નજડિત પ્યાલો પણ જો તળિયા વિનાનો હોય તો નકામો.’
  • ‘જળ પર કદી ચિતરતા નહીં ને બરફ પર કદી કોતરતા નહીં.’
    ‘કબરમાં લાશને દાટ્યા પછી ડોક્ટરને બોલાવાય નહીં.’
    આપણાં ગુજરાત જેટલો નાનો એવો દેશ જાપાન, એક સમયે મહાસત્તા અમેરિકાને નડી ગયેલો અને આજે ય સાહિત્ય, સિનેમા કે વિજ્ઞાનમાં એના કોલર ટાઇટ છે, એનું કારણ આ કહેવત જેવાં શાણપણમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button