ઉત્સવ

જુડવાઓની જબરદસ્ત જર્ની: ટન્ ટનાટન ટ્વિન્સ!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: આયનો, દરેકનો જોડિયો ચહેરો. (છેલવાણી)
કર્મ ને ફળ, બે જોડિયા ભાઇઓ છે.
આમાં ડહાપણ ડહોળવાની વાત નથી પણ ટ્વિન્સનાં ટૂચકાઓની મજા લેવાની છે. જેમ કે- રતન ને ચમન બેઉ જોડિયા ભાઇઓ. બેઉમાં રતન, મહાશૈતાન અને ચમન બહુ જ સીધો. રતન, બાપાની પાકિટમાંથી ચોરી કરે ને ચમન બિચારો માર ખાય. ચમન, દિનરાત ભણે ને રતન, ચમનની હોલ-ટિકીટ ચોરીને ચમનને બદલે પરીક્ષા આપીને પાસ થઇ જાય ને ચમન નાપાસ! ચમન, સુંદર છોકરી પટાવે ને રતન, એ છોકરીને પિક્ચર જોવા લઇ જાય. રતન, કોઇ પાસે ઉધારીથી પૈસા લાવે ને લાચાર ચમન, લેણદારોનો માર ખાય. આખરે, બૂઢાપામાં ચમન હોસ્પિટલમાં બહુ બીમાર હતો ને લોકોએ એને મરેલો માનીને ચમનને બદલે ત્યાં ઉંઘતા રતનને સ્મશાને બાળી મૂક્યો! આ અને આવી ઇલ્લોજિકલ ટ્વિન્સ બાળકોના કોમિક કિસ્સાઓની ભરપૂર છે.

હમણાં મિઝોરમના ઐઝવાલ શહેરની સરકારી સ્કૂલમાં એક ટીચરે એક છોકરાને એની નોટબૂક તપાસીને પાછી આપી. થોડીવારે ટીચરે જોયું તો એ જ છોકરો પાછો નોટબૂક લઈને સામે ઊભો હતો. ટીચર મૂંઝવણમાં પડી ગઈ. એણે છોકરાને પૂછ્યું, હમણાં તો તારી નોટ તપાસી. હવે કોની નોટબૂક લઈને આવ્યો?’

છોકરો, ચૂપચાપ ટીચર સામે હસતો રહ્યો. ટીચરની મૂંઝવણ ત્યારે વધી જ્યારે પેલા જેવો જ બીજો છોકરો સામે નોટબૂક લઈને ઊભો હતો! વેલ, એ સ્કૂલમાં એક નહીં પણ ૮-૮ જોડિયા બાળકો છે. એટલું જ નહીં પણ સ્કૂલના પ્રિન્સિપાલ લાલ્વેન્ટલુઆંગાને ત્યાં પણ છોકરો ને છોકરી, એમ જોડિયા બાળકો છે! જી હાં, એ સ્કૂલમાં કે.જી.થી લઈને ધોરણ ૨ સુધી કૂલ ૮ જોડિયાઓ છે. એનાથી ટીચરોને ખૂબ તકલીફ પડે છે ‘છતાં આવા વિદ્યાર્થીઓના ટીચર હોવાનો એમને ગર્વ છે’ અને સ્કૂલના પ્રિન્સિ. લાલ્વેન્ટલુઆંગા તો ટ્વિન્સ ટપોરિયાંઓને ભગવાનના આશીર્વાદ માને છે. હિંદી ફિલ્મોમાં જોડકાંઓ વિષેની ‘રામ ઔર શ્યામ’, ‘સીતા ઔર ગીતા’, ‘ચાલબાઝ’, ‘હમશકલ’, ‘કિશન-ક્ધહૈયા’, ‘જુડવા’ જેવી અનેક ફોર્મ્યૂલા ફિલ્મોની ફૌજ તૈનાત છે!

ઈંગ્લેન્ડની એક સ્કૂલમાં ૨૦ જોડિયા બાળકોનો રેકોર્ડ છે, જેનું નામ ‘ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં શામિલ છે. અગાઉ ૧૨ જોડિયા છોકરાઓવાળી સ્કૂલનું નામ વર્લ્ડ-રેકોર્ડ’માં હતું. ઈંગ્લેન્ડની આ સ્કૂલે એક વર્ષે એકસાથે ૬ જોડિયા બાળકોને ૭માં ધોરણમાં એડ્મિશન આપ્યું છે. સ્કૂલમાં બાળકો એકસરખો યુનિફોર્મ પહેરે એટલે ટીચરોને જોડિયાઓને ઓળખવામાં મુશ્કેલી પડે છે, માટે હવે જોડિયાઓને નામનો બિલ્લો આપવાનું વિચારી રહ્યા છે!

કલાકારો, જેમ બીજાની રચનાની કોપી કરે છે એમ ઘણીવાર કુદરત પણ પોતાની જ રચનાની કોપી કરે છે. એક અભ્યાસ માટે, પૌલા બર્નસ્ટેઇન અને એલિસ શેન નામની ૨ બહેનોને જન્મ સમયે અલગ કરી બે અલગ-અલગ માબાપ પાસે રાખવામાં આવી. ૨૦૦૩માં ૩૫ વરસે પહેલી વખત મળ્યા ત્યાં સુધી એમને એકમેક વિશે જાણ સુધ્ધાં નહોતી! ૩૫ વર્ષ સુધી બંને બહેનો અલગ રહી છતાં યે સાવ સમાન જીવન જીવેલાં. બંને સરખું ભણ્યા, બેઉએ યુનિવર્સિટીમાંથી ફિલ્મનો અભ્યાસ કર્યો ને લેખિકા બન્યાં ને બંનેને સંગીત કે પુસ્તકોમાં એકસમાન રુચિ છે. બેઉનું આમ અલગ-અલગ ઉછેરનું સત્ય, દત્તક લેનાર માબાપથી પણ છૂપાવવામાં આવેલું. એક વૈજ્ઞાનિકે આ સંશોધનને યેલ યુનિવર્સિટીના આર્કાઇવમાં સંતાડી દીધેલું.

ઈંટરવલ:
બંધ કરાવો, બંધ કરાવો,
જોડિયો પાવો બંધ કરાવો. (વેણીભાઇ પુરોહિત)
વરસો અગાઉ ‘હમ સબ બારાતી’ નામની એક સીરિયલ મેં બનાવલી જેમાં સંજીવ નામનો સંગીતકાર હતો અને એનો જોડિયો ભાઇ રાજીવ દિલ્લીમાં રહેતો હતો. સંજીવ, એકવાર કાર ચલાવતો હતો ને અચાનક એ બેકાબૂ થવા માંડ્યો ત્યારે એણે રાજીવને ફોન કરીને કહ્યું, ‘અત્યારે હું ડ્રાઇવિંગ કરી રહ્યો છું , ત્યાં દિલદલીમાં દારૂ પીવે છે ને નશો અહીં મને ચઢે છે!’ ઘણીવાર દિલ્લીમાં રાજીવને તાવ ચઢે ને મુંબઇમાં સંજીવનાં માથાં પર પોતાં મૂકવા પડે! આવું જાણ્યા પહેલાં ટ્વિન્સ ભાઇઓની આવી વિચિત્ર વાત, કોઇએ મને કહી હોત તો મેં માની હોત?

આવું જ ૨૦૦૪માં ઈંગ્લેન્ડનાં માન્ચેસ્ટરમાં મિશેલ કોક્સ ને એલિયટ નામના જોડિયા ભાઈઓ સાથે પણ બન્યું હતું. ૨ વર્ષનો મિશેલ કોક્સ, દાદરા પરથી પડી ગયો ને હાથમાં ફ્રેક્ચર થયું. ૨ જ કલાક પછી મિશેલના જોડિયા ભાઈ એલિયટને ડાબા હાથમાં દુખવા લાગ્યું. ડોક્ટરે એનો એક્સ-રે કર્યો ત્યારે ખબર પડી કે એલિયટના ડાબા હાથમાં પણ ફ્રેક્ચર છે! જ્યારે મિશેલ, દાદરેથી પડી ગયેલો, બરોબર એ જ સમયે એલિયટનો પગ કોઇ સ્લાઇડનાં પાયામાં ફસાઇ ગયેલો!

વિશ્ર્વભરની પૌરાણિક કથાઓમાં જોડિયા બાળકો વિશે જબરદસ્ત માન્યતાઓ છે. જોડિયાઓને ક્યાંક અપશુકનિયાળ તો ક્યાંક આકસ્મિક ઘટના તરીકે જોવાય છે. ગ્રીક પુરાણોમાં, જ્યારે એક સ્ત્રી એક જ દિવસે નશ્વર ને ઈશ્વર સાથે સંભોગ કરતી ત્યારે જોડિયા બાળકો જન્મે એવી કવિ-કલ્પના છે. એમાંના એક સંતાનમાં ઈશ્વર જેવા ગુણો હોય અને બીજામાં એક સામાન્ય નશ્ર્વર (માણસો) જેવા ગુણો હતા. જેમ કે હેરાકલ્સ અને જોડિયો ભાઈ ઈફિકલ્સ’. અમેરિકન સંસ્કૃતિ મુજબ, સ્ત્રીઓ ૨ બદામ કે ૨ કેળા જેવા જોડિયા ફળ ખાવાનું ટાળે કારણ કે એ ખાવાથી જોડિયા સંતાન થવાની સંભાવના વધે છે. એ જ રીતે ગ્રીક પુરાણકથા મુજબ એપોલો અને આર્ટેમિસ જોડિયાઓ છે. કેસ્ટર અને પોલક્સનું બંધન એટલું મજબૂત હતું કે જ્યારે કેસ્ટર મૃત્યુ પામે છે, ત્યારે પોલક્સ એના ભાઈ સાથે રહેવા માટે એનું અડધું અમરત્વ છોડી દે છે. હવે એ શા માટે ભાઇ સાથે રહેવા માગે છે એ એક અલગ વાત છે, પણ વાત છેને?

એંડ-ટાઇટલ્સ:
આદમ: મને ટ્વિન્સ ગમે.
ઈવ: તારા જેવા બબ્બે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button