ઉત્સવ

વસંતમાં આવે જો પાનખર !

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

દહાણુના કરંજવીરામાં ડો. અજય પાઠકની ‘સંજીવન’ હોસ્પિટલ આવેલી છે. ખેતમજૂરો, કારીગરો અને ગ્રામજનોને ઓછામાં ઓછી કિંમતે સારી મેડીકલ ટ્રીટમેન્ટ આપી શકાય એ હેતુથી ડો.અજય અને તેની પત્ની ડો.વસુધાએ મહાનગરી મુંબઈની પ્રેકટીસ છોડીને દહાણુમાં હોસ્પિટલ શરૂ કરી હતી. ડોકટર દંપતીની માનવસેવા જોઈને ગામલોકો તેમને આદરભાવે જોતા હતા. કોઈ દવા મોંઘી હોય તો ગરીબગુરબાને પોતાના ખર્ચે દવા આપે અને ઉત્તમ સારવાર આપે.

લગભગ દોઢ મહિનાથી સોરાયસીસના રોગથી પીડાતી ચૌદ વર્ષની દેવકી સંજીવન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

સોરાયસીસના રોગને લીધે એના માથામાં, હાથ, પગ પર, લાલ લાલ ફોલ્લા થઈ આવ્યા હતા. ફોલ્લામાંથી આછું આછું પરું નીકળતું. એને ફોલ્લાની જગ્યાએ સતત ખંજવાળ આવતી. બળતરા પણ ખૂબ થતી. ગામમાં આવેલી જ્ઞાનજ્યોત શાળાના પી.ટી. ટીચર અને ગામનો પુઢારી (ગામનો મુખી) દેવકીને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બાપનું નામ ગણપત જે ખેતમજૂર હતો. પુઢારીએ જ ફોર્મમાં સહી કરતાં કહ્યું- ડોકટર, અમારી શાળાની આ હોનહાર વિદ્યાર્થિની છે. તમે એને જલદી સાજી કરી દો. આ ચાર દહાડાથી આખા શરીરે ઢેંબડા થઈ ગયા અને શરીર તો તાવમાં ધખી રહ્યું છે. એના બાપને હું મોકલીશ પણ તમે આને દીકરીની જેમ સાચવજો.

અઠવાડિયા પછી એક વાર ગણપત આવ્યો હતો. ડોકટરે દવાનું લિસ્ટ સમજાવ્યું. પણ, અબુધ, ગરીબ અને દારૂના નશામાં આવેલો ગણપત માથું હલાવતો હતો. “હોય,હોય સાબ મી યેતે, પણ માઝી મુલીં લા તુમી બગા કી, તુમી આમ ચે માઈ આણી.
(તેના મોઢામાંથી દારૂની ગંધ આવી રહી હતી)
તુમ દારૂ પીના છોડો, તુમ્હારી બેટી કે લિયે દવા લે કે આઓ. મેરી ચિઠ્ઠીસે દવા કમ દામમેં મિલેગી. જાઓ, દેવકીસે મિલો, કલ વો બહોત રો રહી થી. ડો.અજયે કહ્યું.

દારૂના નશામાં ધૂત ગણપત દેવકીના પલંગ પાસે ગયો, એને ઈંજેકશન આપ્યું હોવાથી એ સૂઈ ગઈ હતી. સોરાયસીસનો રોગ તેના આખા શરીરે ફેલાઈ ગયો હતો. આઠ બેડવાળા ખંડમાં એક ખૂણામાં અલગ તેનો ખાટલો રાખ્યો હતો. ચારે બાજુ ભૂરા પડદાના સ્ટેન્ડ વડે ઢાંકીને દેવકીને રાખી હતી.

ગણપત બે પડદાના સ્ટેન્ડ વચ્ચેની જગ્યાએથી દેવકીને જોઈ રહ્યો હતો. ત્યાં જ મેટ્રન આવીને બોલી:- કશા બાપ આહે તૂ. લેકી સાઠી
ઔષધ આણત નાય, જેવણ ઘાલત નાય, દૂધ-ફ્રૂટ પણ નાય. હી ચી આઈ કુઠે આહે? કાલ રાત્રિ પોર કીતી રડલી. ડોકટર આણિ ડોકટરદીદી હી બાળ ચા સ્વતાચી મુલી સારખા બગતે.
ગણપત નીચી મુંડી રાખી સાંભળી રહ્યો. મેટ્રને કહ્યું- જા, ડોકટરને કહા વો દવા લેકે આઓ. યે દારૂ છોડ આણિ મુલીં સાઠી દવા આણ. કાલ રાત્રિ દેવકી ખૂપ રડલી.
યે તો …. કહેતાં ગણપત જતો રહ્યો.

બીજે દિવસે બારીમાંથી આવતા પ્રભાતનાં કિરણોના સ્પર્શથી દેવકી જાગી. ડો.અજય અને ડો.વસુધાદીદીને પોતાના બેડ પાસે જોઈ મીઠું હસી. મેટ્રન ડો.અજયને દેવકીનો ચાર્ટ બતાવી રહી હતી. “દીદી. માઝે બાબા, આઈ કોણ યીથે યેત નાય, મી અસી ઘાન ઝાલી મણુન? કહેતાં તે રડવા લાગી. “દીદી, હે માઝા હાથ વર, ડોકયાત હે, કાય ઝાલા, માલા ઝળતે, ખૂબ ખાજ યેતે.
” દેવકી તુમ ગુડ ગર્લ હો. હમ બંબઈસે દવા મંગાયેંગે, સબ અચ્છા હોણાર. ડો. વસુધાએ દેવકીના માથે હાથ ફેરવતાં કહ્યું.

ડો.અજયે ડો.વસુધાને કહ્યુ:- આપણે સ્કીન સ્પેશિયાલીસ્ટને બોલાવવા પડશે. આ કુમળી વયની દીકરીને બેસ્ટ મેડીકેશનની જરૂર છે. વળી એના ગરીબ- નિરક્ષર મા-બાપ રોગની ગંભીરતા જાણતા જ નથી.

“સર, પૂરા દિન બાબા યેત નાય, આઈ સોનુ લા ગોદીત ગેતે, માઝા વર ચીઢતે. બોલૂન રડાયલા લાગતે. નંતર માલા વિચારણાર- મી શાળેત કવા જાણાર. મેટ્રને કહ્યું.

ડોકટર-નર્સોની અવરજવર, બધા દરદીઓ પર રોફ જમાવતી મેટ્રન અને દયાની દેવી જેવી ફરતી પાંચ નર્સ, કયારેક આવતી દવાની તીવ્ર વાસ, સ્ટ્રેચર ખેંચીને જતા વોર્ડબોયસ, સફાઈકામ કરતી આયાઓ અને સમયચક્રની ટક ટક-કાળની ગતિ. દેવકી વિચારી રહી હજુ મારે કેટલા દિવસ પડી રહેવાનું છે? ત્યાં જ ઓપરેશન થિયેટર તરફ જઈ રહેલી એક સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો. ઓપરેશન થિયેટર ઉપર દેખાતી ભયાવહ લાલ લાઈટ જોતાં દેવકી ગભરાઈ ગઈ. “આઈ તુ કેવા યેણાર, બાબા માલા ઈથે ખૂપ ભીતી વાટતે.

પણ ડોકટર અંકલ આણિ વસુધાદીદી યેતે તેવા ડર નાય લાગતે. પણ, બાબા તુમી કા યેત નાહીં. મી યેથે ગાભરતે, મલા ઈથુન ઘરી ગેઉન જા. બાબા, બાબા જલદી યા.

એટલામાં મેટ્રન આવી- શું બડબડ કરે છે. ચાલ, આ દવા લઈ લે. પછી ઈંજેકશન લેવાનું છે. જો, આ દૂધ અને બિસ્કિટ દીદીએ આપ્યાં છે.

મેટ્રનની સામે દેવકીએ ગુપચૂપ દવા-ઈંજેકશન લઈ લીધા. નર્સે દેવકીને સ્પંજ કર્યું. જયાં ચાંદા હતા તેના પર મલમ લગાડીને દવાનો પાઉડર લગાડ્યો.

કેલેન્ડર પર દેવકીની નજર પડી. આજે ૬ઠ્ઠીજુલાઈ, સ્કૂલમાં બેસ્ટ સ્ટુડંટને ઈનામ મળશે. તેનું મન ચકડોળે ચઢ્યું. પોતાની સાથે શાળામાં આઠમા ધોરણમાં ભણતા બધા મિત્રો યાદ આવી ગયા.
જ્ઞાનજ્યોત વિદ્યામંદિરના પ્રિન્સીપાલ દેશમુખ મેડમ જુલાઈમાં જ એકડેમીક, કલ્ચરલ અને સ્પોર્ટમાં શ્રેષ્ઠ વિદ્યાર્થિઓને ઈનામ આપતા જેથી બીજા વિદ્યાર્થાઓ પણ મહેનત કરે. શાળામાં સૌથી વધુ ઈનામ તો દેવકીને જ મળે. દેવકી, મિહિર અને સુરેખા એટલે દેશમુખ મેડમના બેસ્ટ સ્ટુડંટ, બધાના પ્રિય વિદ્યાર્થી.

ઈનામ વિતરણ સમારંભની સ્મૃતિમાં ખોવાયેલી દેવકીને મનમાં થયું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમારંભ થશે પણ આ વર્ષે
દેવકી સાવંતનું નામ હોલમાં નહીં ગૂંજે.

આ વર્ષે શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનું ઈનામ કોને મળશે? ગયા વર્ષે તો શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે મિહિર અને શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકે મારું નામ જાહેર થતાં આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો.

દેવકીની નજર સામે મિહિરનો હસતો ચહેરો ઊપસી આવ્યો. 

( ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button