ઉત્સવ

ઔરંગઝેબની કપટી ચાલો અંતે સાવ ઊંધી પડી ગઈ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૮)
સત્તાના મોહમાં માનવી કેટલો નીચો જઈ શકે છે એના અગણિત દાખલા ઈતિહાસમાં છે. મોગલ સામ્રાજ્યમાં પોતીકાના લોહીના ખાબોચિયામાં નાહીને સત્તારૂઢ થવાની જાણે પ્રથા જ હોય એવું લાગે.
અહીં પણ અબ્બાજાન બાદશાહ ઔરંગઝેબ અને શાહજાદા મિર્જા મુહમ્મદ અકબર સામસામ આવી ગયા હતા. એકમેકને નમાવવા-હરાવવા કોઈ દાવ ખેલતા અચકાતા નહોતા.
તહવ્વર ખાન ઔરંગઝેબની છાવણીમાં ભાગી ગયો એ જાણીને દીકરાના સમર્થકો ધ્રૂજી ગયા. ત્યાં બીજા વાવડ આવ્યા કે સેનાપતિ તહવ્વર ખાનને બાદશાહે તાત્કાલિક સજા-એ-મોત આપી દીધી.
અકબર તરફીઓના ટાંટિયા ઢીલા પડી
ગયા. એ લોકો શું કરવું એની અસમંજસમાં ખોવાયેલા હતા, ત્યાં મોડી રાતે એક પત્ર બોમ્બ આવ્યો.

ઔરંગઝેબે દીકરાને નામે ફરમાન મોકલાવ્યું, વ્હાલા શાહજાદા, મારી સલાહ મુજબ તું બધા રાજપૂતોને દગો દઈને ખૂબ ચાલાકીપૂર્વક લઈ આવ્યો. હવે એવું કરીએ ભલે બન્ને પક્ષે તેઓ જ માર્યા જાય! હકીકતમાં આવી કોઈ ચાલ કે વ્યવસ્થા થઈ જ નહોતી, આ ઔરંગઝેબની ગંદી વ્યૂહનીતિ હતી.

આ ફરમાનની જાણ થતા રાજપૂતોમાં શાહજાદા મિર્ઝા મુહમ્મદ અકબરને સાથ આપવા અંગે શંકાકુશંકા જાગવા માંડી. આ જ ઔરંગઝેબનો ધ્યેય હતો. તે ઈચ્છતો હતો કે રાજપૂતો શાહજાદાનો સાથ છોડી દે. આને લીધે નબળા પડેલા બદમાશ બેટાને બરાબરનો પાઠ ભણાવી શકાશે. ઔરંગઝેબને ગુમાન જાગ્યું કે પોતે એક કાંકરે બે પંખી મારી શકશે.

આ ફરમાન વાંચ્યા બાદ દુર્ગાદાસ રાઠોડ
સીધો અકબરના તંબુ પાસે પહોંચ્યો, તો
એમને અંદર જવા ન દેવાયા. સૌને હતું કે શાહજાદાનો સેનાપતિ માર્યો ગયો અને પોતાને ન મળવાને માટે શાહજાદો ઊંઘવાનો ડોળ કરતો લાગે છે. આનાથી આ ફરમાન સાચું લાગવા માંડ્યું.
આ સંજોગોમાં રાજપૂતો માટે સૌથી
મોટી પ્રાથમિકતા હતી જીવ બચાવવાની.

સૂર્યોદય થવાના બે-ત્રણ કલાક અગાઉ
રાજપૂતો શાહજાદા અકબરનો જે કોઈ માલસામાન અને શસ્ત્રો હાથ લાગ્યા એ લઈને ભાગી છૂટ્યા. એ લોકો મારતે ઘોડે મારવાડ
તરફ આગળ વધતા હતા. ત્યારે શાહજાદાએ કેદ કરેલા મોગલ સૈનિકો ભાગીને બાદશાહ પાસે પહોંચી ગયા.

મિર્ઝા મુહમ્મદ અકબરે સવારે આંખો ખોલી તો જોયું એ માની ન શક્યો. રાત્રે એ મોટી સેના સાથે ઊંઘવા ગયો હતો અને અત્યારે સાવ એકલો હતો. હવે કરવું શું? એ વિચાર અને ચિંતામાં ગરકાવ થઈ ગયો.

આ તરફ અજમેરથી ભાગી છૂટ્યાનાં બીજા દિવસે રાજપૂતોને ખબર પડી કે પોતાની સાથે શાહજાદાએ દગાબાજી નથી કરી. બલ્કે બાદશાહે અકબરને અને પોતાને અલગ કરવા ગંદી ચાલ રમી હતી. આ સમજવા સાથે રાજપૂતો મારતે ઘોડે પાછા વળ્યા. વીર દુર્ગાદાસ રાઠોડ, સોનગ ચાંપાવત અને રાવત રતનસિંહ ચૂંડાવત સહિતના આગેવાનોએ શાહજાદાને રાબડિદે ગામથી પોતાની સાથે લઈ લીધો.

આ અગાઉ એકલા પડેલા અકબરના ઝવેરાતનો ડબ્બો લૂંટી લેવાયો હતો જે રાજપૂતોએ પાછો મેળવી આપ્યો. હવે રાજપૂતોએ
પોતાના વ્યૂહ મુજબ શાહજાદા મિર્ઝા મુહમ્મદ અકબરની રક્ષા અને સલામતીને સૌથી વધુ મહત્ત્વ આપ્યું.

બાહશાહ ઔરંગઝેબ સામેની લડાઈમાં એ બહુ મહત્ત્વનું પ્યાદું બની શકે એવી રાજપૂતોની ગણતરી હતી. રાજપૂતો જાણતા હતા કે આ પગલાંથી બાહશાહ ઔરંગઝેબના જોશ, ગુસ્સો અને સેનાના કેન્દ્રસ્થાને શાહજાદા અકબર જ રહેશે. આનાથી ભારતભરમાં ઔરંગઝેબની આબરૂના ધજાગરા ઉડશે એ નાનીસુની વાત થોડી હતી ? (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress