ઔરંગઝેબનો હિન્દુ-દ્વેષ માઝા મૂકી રહ્યો હતો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૧૮)
આજની શૈલીમાં કહી શકાય કે દુર્ગાદાસ ૩૬૫૨૪ જાગૃત, સાવચેત અને સતર્ક રહેતા હતા. મારવાડના મહારાણા રાજસિંહની ઉદારતાને પ્રતાપે મળેલી કેલવાની જાગીરમાં દુર્ગાદાસ રાઠોડની નિશ્રામાં રાજકુમાર અજીતસિંહ મોટા થઇ રહ્યા હતાં.
બીજી તરફ ઔરંગઝેબે પાટવીકુંવર અજીતસિંહના સફળ રીતે પોતાની ચંગુલમાંથી નીકળી જવાનો ગુસ્સો કાઢવા માંડ્યો. તેણે ફરમાન બહાર પાડયું કે હિન્દુઓ પર જજિયાવેરો લાદ્યો અને તેમના મંદિર-દેવાલય ધ્વસ્ત કરીને એના પર મસ્જિદ બાંધો. હિન્દુ પ્રજા એકદમ આલૌંક્તિ થઇ ગઇ. મંદિરમાં પૂજા-આરતી બંધ થઇ ગયા. ગૌવંશની કત્લેઆમ થવા માંડી. ઔરંગઝેબના આ ઝનૂનથી પીડિત રાજસ્થાની પ્રજા ફફડાટ વચ્ચે જીવતી હતી. આ સમયે રાજસ્થાનના પ્રજાજનોને મહારાજા જસવંતસિંહની ગેરહાજરી અત્યંત સાલવા માંડી.
રાજપૃૂત રાજાઓમાં આગેવાન ગણાતા મહારાણા રાજસિંહને ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા વધુ ખૂંચવા માંડી. હકીકતમાં ઔરંગઝેબે તો સત્તા મેળવ્યા અગાઉ જ હિન્દુ-દ્વેષી હતો. એ ગુજરાતનો સુબેદાર હતો ત્યારે અમદાવાદનું સુપ્રસિદ્ધ ચિંતામણી મંદિર તોડાવીને એને સ્થાને મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત ગુજરાતનાં અનેક મંદિરો જમીનદોસ્ત કરાવ્યાં હતાં. પાઠશાળાઓ તોડાવી હતી. એટલું જ હિંદુ ધાર્મિક ગ્રંથોનું પઠન પણ રોકાવી દીધું હતું. સુલ્તાન બન્યાના પહેલા વર્ષમાં જ ફરમાન બહાર પાડ્યું હતું કે જૂનાં મંદિરોને હમણાં રહેવા દો પણ નવા મંદિરો તોડી પાડો થોડા સમયમાં નવા-જૂના બધાં મંદિરો ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઔરંગઝેબની કટ્ટરતાને પાપે ગુજરાતના સોમનાથ, બનારસના વિશ્ર્વનાથ અને મથુરાના કેશવરાય મંદિરો પર માઠી અસર પડી હતી. ઔરંગઝેબનો હિન્દુ-ધર્મ સામેનો ગુસ્સો જુઓ કે તેણે સ્થળે – સ્થળે માત્ર મંદિર તોડવાની કામગીરી માટે અમલદારો નીમ્યા હતા.
ઔરંગઝેબની આ કુમતિથી દેવ-દેવીઓની હજારો મૂર્તિ તૂટી હતી અને હિન્દુ પ્રજાથી લઇને રાજા સૌ દુ:ખી હતા, રોષમાં હતા.
ઔરંગઝેબે વલ્લભ સંપ્રદાયની ગોવર્ધનની મુખ્ય પ્રતિમા તોડવાનો આદેશ આપ્યો. ત્યારે મેવાડે ગજબનાક હિમ્મત દાખવી હતી. આ મૂર્તિને બચાવીને મેવાડના કાંકરોલીમાં એની પ્રતિષ્ઠા કરાઇ હતી. લગભગ એ જ સમયગાળામાં ગોવર્ધન સ્થિત શ્રીનાથજીની મૂર્તિના ગોસાઇ દામોદરના કાકા ગોપીનાથ એ મૂર્તિ લઇને મહારાજા રાજસિંહ પાસે આવ્યા. મહારાજાએ ખુશીથી ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની મંજૂરી આપી. એટલું જ નહિ વચન પણ આપ્યું કે ઔરંગઝેબે આ મૂર્તિને આંગળી લગાડતા પૂર્વે મારા લાખ સૈનિકોના જીવ લેવા પડશે.
આને લીધે ઔરંગઝેબનો મહારાજા રાજસિંહ સામેનો ક્રોધ આસમાને પહોંચી ગયો આવા મહારાજાએ દુર્ગાદાસની વિનવણીથી રાજકુમાર અજીતસિંહને આશ્રય આપે એ ઔરંગઝેબ ચૂપચાપ સહન થોડો કરી લે?
અહીં અત્યારે ઔરંગઝેબના ઝૂનન અને હિંસાખોર માનસનું વર્ણન એટલે જરૂરી છે કે દુગાદાસ રાઠોડ કેવા કપરા કાળમાં કેટલાં ભયંકર શાસક સામે મેદાને પડ્યા હતા એ એકદમ સ્પષ્ટ થાય. જજિયા વેરા વસૂલવાની ઔરંગઝેબની જીદનો કિસ્સો જાણીને આજે ય થથરી જવાય.
ઇ.સ. ૧૬૭૯ની બીજી એપ્રિલે ઔરંગઝેબે હિન્દુઓ પર જજિયા વેરો નાખી દીધો. દરેક બિન-મુસ્લિમે આ વેરો ચુકવવાનું ફરજિયાત હતું, આને પગલે દિલ્હી અને આસપાસના લોકો એક થઇને રોજ બાદશાહના દર્શને જાય અને આ વેરો માફ કરવાની વિનવણી કરે, પરંતુ સાંભળે એ બીજા. એ પછીના શુક્રવારે ઔરંગઝેબ જામા મસ્જિદ નમાઝ માટે ગયો ત્યારે રસ્તા પર હિન્દુઓની ભીડ જામી ગઇ. ખૂબ સમજાવવા છતાં હિન્દુઓ ન હલ્યા ત્યારે જાલીમ ઔરંગઝેબે હાથીઓને ભીડ પર ચલાવવાનો આદેશ આપી દીધો. આમાં નિર્દોષ હિન્દુ કચડાઇ ગયા હતા.
આનાથી વ્યથિત થઇને મહારાણા રાજસિંહે ઔરંગઝેબને સંપૂર્ણ વિવેક સાથે જજિયો વેરો રદ કરવાની અમલ કરતો પત્ર લખ્યો. પણ ઔરંગઝેબ જેનું નામ. એવા યુદ્ધખોર માનસને શાંતિ અને ભાઇચારા જરાય ન ગમે. એ જલ્દી નવું ઉંબાડિયું કરવાનો હતો. (ક્રમશ:)