ઉત્સવ

ગુજરાતીઓને આકર્ષે છે…! ડૉલરનું રૂપિયામાં રૂપાંતર

ગુજરાતીઓને વિદેશનું આટલું વળગણ કેમ છે કે જીવના જોખમે ગમે તેવા આંધળૂકિયા કરીને પણ અમેરિકા-કેનેડા જવા એ બધા તૈયાર થઈ જાય છે?આ સવાલનો એક જ જવાબ એ છે કે

કવર સ્ટોરી -વિજય શર્મા

ગુજરાતમાં કબૂતરબાજીનો મુદ્દો એક વાર ફરી ગાજ્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા ‘વેટ્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટને અટકાવીને પછી બધા પ્રવાસીને ધોયેલા મૂળાની જેમ પાછા પાર્સલ કરી દેવામાં આવ્યા એ ઘટનાએ ચકચાર જગાવી છે.

આ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ૩૦૩ પ્રવાસી હતા અને તેમાં ૨૮૦ ભારતીયો હતા. ભારતીયોમાં પાછા ૯૬ તો ગુજરાતી હતા…! ફ્રાન્સની સરકારે બે દિવસ ફ્લાઈટ રોકી રાખી ને છેવટે બધાંને પાછા ભારત પરત કરી દીધા. ‘હીરો ઘોઘે જઈ આવ્યો…’ની જેમ ને એ બધા પાછા ભારત આવી ગયા.

ફ્રાન્સની સરકારે આ ફ્લાઈટને શા માટે રોકેલી તેની પણ વાત કરી લઈએ.નિકારાગુઆમાં કંઈ ભગવાન શ્રીરામનું મંદિર કે માતાનો મઢ તો છે નહીં કે આ શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા જતા હોય?આ બધા અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે નિકારાગુઆ જઈ રહ્યા હતા, પણ અમેરિકાને ખબર પડી ગઈ તેમાં ફ્રાન્સથી જ સૌને લીલા તોરણે પાછા વાળી દીધા.

અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે છેલ્લાં કેટલાક સમયથી નિકારાગુઆ લોચિંગ પેડ બની ગયું છે. દુનિયાભરમાંથી ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને લોકો નિકારાગુઆ આવે છે. નિકારાગુઆથી મેક્સિકો-અમેરિકા સરહદ સુધી લઈ જવાનું આખું નેટવર્ક ચાલે છે. મધ્ય અમેરિકામાં આવેલા નિકારાગુઆથી અલ સાલ્વાડોર કે હોન્ડુરસ જવાય ને ત્યાંથી ગ્વાટેમાલા જવાય. ગ્વાટેમાલાથી પછી મેક્સિકો જવાય. મેક્સિકો અને અમેરિકા જમીન સરહદથી જોડાયેલાં છે. મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘુસાડવાનો ધંધો પૂરજોશમાં ચાલે છે.

મેક્સિકો પહોંચો એટલે બે હજાર ડૉલરથી શરૂ કરીને દસ હજાર ડૉલર સુધી લઈને અમેરિકામાં ઘુસાડી દેવાય છે. આપણા ભારતીયો પણ આ રીતે જ અમેરિકા પહોંચવાની ફિરાકમાં હતા, પણ નસીબમાં નકૂચો કે ફ્રાન્સની સરકારે એમને રોકી દીધા તેમાં અમેરિકાની વાત તો છોડો, પણ ફ્રાન્સ ગયા હોવા છતાં પેરિસનો એફિલ ટાવલ જોયા વિના પાછા આવવું પડ્યું. આ ફ્લાઈટ માટે કરેલો બધો ખર્ચ પાણીમાં જતો રહ્યો.

     આ તાજી ઘટનાએ ફરી એ જ સવાલ ઊભો કરી દીધો છે કે, ગુજરાતીઓને વિદેશનું આટલું વળગણ કેમ છે કે સાવ આંધળૂકી. કરીને પણ અમેરિકા જવા ગમે તે કરવા તૈયાર થઈ જાય છે?પાણીની જેમ પૈસા વેરી નાખતાં વિચાર કરતા નથી? ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લ્હાયમાં મહેસાણાનો એક આખો પરિવાર થીજીને મોતને ભેટેલો. એક બીજો પરિવાર ડૂબીને મરી ગયેલો. આ બધી કરૂણ ઘટનાઓ છતાં ગુજરાતીઓનો ઉત્સાહ કેમ ઓસરતો નથી?

      આ સવાલનો જવાબ બહુ સરળ છે. ગુજરાતીઓને અમેરિકાનું ઘેલું ડૉલરના કારણે છે. અમેરિકાના એક ડૉલરના અત્યારે ૮૪ ભારતીય રૂપિયા મળે છે. આ ડૉલરમાંથી રૂપિયામાં પલટી  ગુજરાતીઓને અમેરિકા તરફ ધકેલે છે. યુકે- કેનેડા- ઓસ્ટ્રેલિયા- ન્યુઝિલેન્ડ, વગેરે દેશોનું પણ છે,કારણ કે આ  દેશોનું ચલણ ભારતીય રૂપિયા કરતાં અનેક ગણું તાકાતવર છે . અમેરિકામાં તમે દિવસના ૧૦૦ ડૉલર કમાઓ તો પણ ૮ હજાર રૂપિયાથી વધી  જાય. મહિનાના ગણો તો લગભગ અઢી લાખ રૂપિયાથીય એ રકમ વધી જાય.

       બીજી તરફ ,ગુજરાતમાં મહિનામાં રૂપિયા અઢી લાખથી વધારાની   કમાણી મોટા ભાગનાં લોકો માટે સ્વતનવત છે, જ્યારે અમેરિકામાં મજૂરી કરીને તો મજૂરી કરીને પણ આટલી કમાણી કરી શકાય તો જિંદગી ઝિંગા લાલા થઈ જાય એવું મોટાભાગના ગુજરાતીઓ માને છે. એ  ગુજરાતીઓ માને છે કે, મજૂરી તો ભારતમાં પણ કરવાની જ છે તો પછી અમેરિકા જઈને શું કરવા ના કરવી?

આ ઉપરાંત,અમેરિકાનાં બીજાં પણ આકર્ષણો છે. અમેરિકામાં સ્વતંત્ર જિંદગી છે, સામાજિક રિત-રિવાજો અને બંધનોથી મુક્ત રહીને તમે જીવી શકો છો. સોશિયલ સિક્યુરિટી પણ છે. તમે અમેરિકાના સિટિઝન થઈ જાઓ તો ઘડપણમાં તમારે કોઈ ચિંતા કરવાની ના રહે. સરકાર તમને પેન્શન આપે એ લઈ આવવાનું ને શાંતિથી તેમાં ગુજારો કરીને જીવ્યા કરવાનું.

       યંગસ્ટર્સને તો ભારતમાં અનામત-   નવી તકોનો અભાવ  સહિતની અનેક  સમસ્યાઓના કારણે ભાવિ જ ધૂંધળું લાગે છે. સરકારી નોકરીઓ જોઈતા પ્રમાણમાં નથી ને 

ખાનગીમાં સાવ તુચ્છ પગારમાં આખી જિંદગી ઢસરડો કરવો પડે તેથી એ લોકો વિદેશ ભાગે છે. જેમનાં સંતાનો પાંચ-સાત વરસનાં હોય એ લોકો પોતાનાં સંતાનોને સારું ભવિષ્ય આપવા માટે વિદેશ ભાગે છે.

    વિદેશમાં રહેતા ગુજરાતીઓની માનસિકતા પણ ગુજરાતીઓને વિદેશ તરફ આકર્ષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારત બહુ બદલાઈ ગયું છે એવી વાતો બહુ સાંભળવા મળે છે. વિદેશમાં રહેતા ભારતીયો નરેન્દ્ર મોદીના શાસનનાં વખાણ કરવામાં સૌથી મોખરે હોય છે. ત્યાં રહેતા ગુજરાતીઓનાં વોટ્સએપ’ ગ્રુપ જુઓ તો મોદીભક્તિથી ભર્યાં પડ્યાં હોય છે. મોદીના શાસનમાં ભારતમાં શું બદલાઈ ગયું ને કેવી ક્રાંતિ થઈ ગઈ તેની ગાથાઓથી ભરેલી પોસ્ટનો રીતસર મારો ચાલે છે.

     આ બધા વચ્ચે રસપ્રદ વાત એ છે કે, આ જ ગુજરાતીઓ વિદેશ છોડીને ભારત પાછા આવવા તૈયાર નથી . ભારત છોડીને અમેરિકા- યુકે- કેનેડા સહિતના દેશોમાં જવા માગતા ગુજરાતીઓનો આંકડો જુઓ અને મોદીના કારણે બદલાયેલા’ભારતમાં પાછા આવેલા ગુજરાતીઓના આંકડાની તુલના કરશો તો હજારે એકનો રેશિયો પણ નહીં આવે. એક વાત સમજી લો,વિદેશમાં જનારા બધા ગુજરાતી સિલિકોન વેલીમાં નોકરી કરતા નથી કે બધા સેમ પિત્રોડા નથી બની જતા. મોટા ભાગના ગુજરાતીઓ સાવ સામાન્ય કામ કરીને જ જિંદગી વિતાવે છે ને છતાં ગુજરાતમાં પાછા આવીને રહેતા નથી.
        મોદીનું શાસન કેટલું સારું છે કે ખરાબ છે એ વિશે કોઈ કોમેન્ટ નથી કરવી, પણ વિદેશમાં રહેતા ગુજરાતીઓની કરણી અને કથનીમાં આ ફરક કેમ છે એ વિચારવા જેવું છે. એનું કારણ એ છે કે, વિદેશમાં રહેનારા ગુજરાતીઓ વાસ્તવિકતાને સારી રીતે જાણે જ છે. હઈસો હઈસોમાં મોદીના શાસનનાં વખાણ કરવાં અને સાચે જ મોદીના શાસનમાં આવીને રહેવું બંનેમાં મોટો ફરક છે એની  એ બધાને બરાબર  ખબર છે...
    ગુજરાત કે દેશના બીજા ભાગમાં રહેનારા ગુજરાતીઓ પણ આ બધું જુએ  છે. તેની માનસિક અસર પણ એમના પર પડે  છે. આ બદલાયેલા’ભારતનાં વખાણ કરનારા પાછા વતન કેમ આવતા  નથી તેની સમજ એમનામાં પણ છે .એ લોકો અહીં રહી ગયા, પણ ભોટ નથી  કે ભારત અને અમેરિકા સહિતના દેશોની જિંદગીમાં શું ફરક છે તેની ખબર ના પડે.
         કડવી વાસ્તવિકતા એ જ છે કે, ભારત હજુય અમેરિકા સહિતના દેશોની સરખામણીમાં બહુ પછાત છે. આપણે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’  બનાવીએ કે   મંગળ પર યાન મોકલીએ એ પ્રગતિ સારી,પણ એનાથી આપણે   અમેરિકા નથી બની જતા.આપણે અનેક ક્ષેત્રોમાં હજુ ઘણું  કરવાનું છે  એ વાત ગુજરાતીઓ બહુ સારી રીતે જાણે છે અને  એ કારણે જ ગુજરાતીઓ ઓરિજિનલ અમેરિકા તરફ ભાગે છે....!.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા