ઉત્સવ

વિશેષ : તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે આ સુવર્ણ શબ્દો

-રશ્મિ શુકલ

કેટલાંક લોકોની પર્સનાલિટી ખૂબ આકર્ષક આપણને લાગતી હોય છે. તેઓ પોતાના વ્યક્તિત્વથી લોકોમાં અલગ છાપ છોડે છે. તેમની બાહ્ય સુંદરતા જ નહીં, પરંતુ તેમનો સ્વભાવ પણ તેમની પર્સનાલિટીને નિખારે છે. તેઓ જીવનમાં નિયમિતરૂપે કેટલાક શબ્દોનો પ્રયોગ કરતા હોય છે, જે તેમના વ્યક્તિત્વમાં વધુ સુંદરતાનો ઉમેરો કરે છે.

આ શબ્દો મહાન કે કોઈ કવિતાના નથી, પરંતુ આ તો પાવરફુલ અને સરળ શબ્દો છે, જે વ્યક્તિની સાથે જોડાતા ગજબનો જાદુ રેલાવે છે.

આ શબ્દો પર નાખીએ એક નજર
આભાર: કોઈ પ્રત્યે આભાર વ્યક્ત કરવો એ સારા આચરણની તો નિશાની છે જ પરંતુ સાથે જ એનાથી તમે સામેની વ્યક્તિના દિલને સ્પર્શ કરી લો છો. જે લોકો વિનમ્ર સ્વભાવના હોય છે, તેઓ કદીપણ આભારની લાગણી વ્યક્ત કરવામાં શરમાતા નથી. તેમની સામે કોણ અને કેટલી ઉંમરની વ્યક્તિ ઊભી છે એની પરવા કર્યા વિના તેઓ થૅન્ક યુ તો જરૂર કહે છે. આ સાદો શબ્દ નમ્રતા દેખાડે છે અને સામેવાળી વ્યક્તિને ઓળખવાની પણ ક્ષમતા રાખે છે.

એનાથી પરસ્પર સંબંધો પણ વધુ મધુર બને છે. સાથે જ થૅન્ક યુ માત્ર બોલવા ખાતર ન બોલવું જોઈએ. એમાં લાગણી પણ છલકાવી જોઈએ, તો જ એનું મૂલ્ય વધી જાય છે.

મદદનીશ બનવું: લોકોની મદદ કરવા માટે હંમેશાં તત્પર રહેવું એ પણ સારા લોકોની એક ખૂબી છે. તેઓ જરૂરતમંદોને મદદ કરવા સદૈવ હાથ લાંબો કરતા હોય છે. જે ઉદારતા, સહાનુભૂતિ અને લોકોના કલ્યાણ કરવાની ભાવના દેખાડે છે. આપણાં સારા શબ્દોથી પણ લોકોની તકલીફને હળવી કરી શકાય છે. ‘હું તમને કઈ રીતે મદદ કરી શકું છું?’ આ વાક્ય બોલવા માત્રથી જરૂરતમંદને નિરાંત મળી શકે છે.

કોઈની મદદ કરવા માટે આગળ આવવાથી ગરજું લોકોને પણ રાહત મળે છે. આવા શબ્દોનો ઉપયોગ કરવા માત્રથી તમે કોઈની સમસ્યા કાયમી ધોરણે દૂર તો નથી કરી શકતાં, પરંતુ હા એ વ્યક્તિને એટલી રાહત તો જરૂર મળે છે કે તેની સમસ્યાનું નિવારણ થઈ શકશે. એથી શબ્દોમાં ઘણી તાકાત છે એવું કહેવાય છે. એથી હંમેશાં લોકોની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.

હું સમજી શકું છું: સહાનુભૂતિ એ આદર્શ વ્યક્તિના ગુણ છે. ‘હું સમજી શકું છું.’ આ વાક્ય પ્રમાણ છે કે તમે અન્ય વ્યક્તિને સમજી શકવાની ક્ષમતા ધરાવો છો. કોઈ વ્યક્તિ જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થતી હોય. એવા સમયે ક્યારેક તેમને કોઈ સલાહ કે પછી નિવારણની જરૂર નથી હોતી, પરંતુ તેમની માત્ર એવી ઇચ્છા હોય છે કે કોઈ તેને સમજી શકે.

અમેરિકન સાયકોલોજીકલ અસોસિએશનની રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સહાનુભૂતિ દેખાડતાં પીડિત વ્યક્તિ પર એની ઘણી સકારાત્મક અસર પડે છે. માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, સામાજિક સંબંધો વધે છે અને સાથે જ શારીરિક આરોગ્યમાં પણ લાભ થાય છે. એથી ‘હું સમજી શકું છું’ આ વાક્ય સામેની વ્યક્તિની સાથે તમારું પણ કલ્યાણ કરે છે. જો કોઈ તમારી આગળે તેનાં દિલની વાત જાહેર કરે તો તેની લાગણીને સમજવાનો પ્રયાસ કરજો.

માફી માગવી: તમારી ભૂલ હોય અને તમે માફી માગો તો એ સ્વાભાવિક છે. જોકે કેટલાંક લોકો એવા પણ હોય છે જેમને માફી માગવામાં ખચકાટ નથી થતો. ‘હું માફી માગું છું’ આ વાક્ય તે વ્યક્તિની વિનમ્રતા અને પોતાની ભૂલનો સ્વીકાર કરવાના સાહસને દેખાડે છે. કહેવાય છે કે માણસ માત્ર ભુલને પાત્ર.

આ પણ વાંચો : સર્જકના સથવારે : આજે ફરીથી રંગ પિયાલી ભરો ‘જટિલ’ વાગી ગયા છે દિલને ફટાણાં વસંતનાં

એથી માફી માગવાથી કોઈ નબળું પુરવાર નથી થતું, પરંતુ તેમના વ્યક્તિત્વની તાકાત દેખાડે છે. માફી માગી લેવાથી સંબંધોમાં મીઠાશ આવી જાય છે, જખ્મોને ભરવાનું કામ કરે છે અને પરસ્પર માન-સન્માન કેળવાય છે. જો તમારી ભુલ હોય તો અહમને બાજુએ રાખીને કહી દો ‘આઇ એમ સૉરી.’ એનાથી તમે ખોટા છો એ સાબિત નહીં થાય, પરંતુ અન્યોની લાગણી પ્રત્યે આદરભાવ દેખાશે. આ જ બાબત વ્યક્તિને અલગ તારવે છે.

તમે ખૂબ સરસ કામ કર્યું છે: કોઈની પ્રશંસા કરવી એ એક નાનકડી ભેટ સમાન છે. એ હંમેશાં ચહેરા પર સ્માઇલ લાવી દે છે. સારા લોકોની ખાસિયત એ છે કે તેઓ આ બાબતને સારી રીતે સમજે છે અને કોઈના વખાણ કરવામાં તેઓ કદી પાછળ નથી પડતાં. ‘તમે ખૂબ સરસ કામ કર્યું છે.’

આવું કહીને કોઈના પણ દિલ જીતી શકાય છે અને એ વ્યક્તિ પોતાને મળેલી પ્રશંસાથી ખુશ તો થાય જ છે, પરંતુ સાથે જ તે અતિશય ઉમળકાથી કામ પણ કરે છે. કોઈએ કરેલા કામથી તેની પ્રશંસા કરવી એ સરળ વસ્તુ છે. જોકે સાથે જ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએે કે એ વખાણ ખોટા ન હોવા જોઈએ. તો કોઈ સારુ કામ કરતું હોય તો તેના વખાણ અચુક કરવા જોઈએ. કોઈના વખાણ કરવાથી તમારું પણ સન્માન વધી જાય છે.

હું તારી પડખે છું: જીવન ઉતાર-ચડાવથી ભરેલું છે. દરેકના જીવનમાં ચડતી અને પડતી આવે છે. એવા સમયે જો કોઈ આવીને એમ કહે કે ડરીશ નહીં હું તારી પડખે છું. તો આ શબ્દો આશાના કિરણ જગાવે છે. સમસ્યાથી ઘેરાયેલી વ્યક્તિને કાને જ્યારે આ શબ્દો પડે છે તો તેને થોડી રાહત મળે છે.

લોકોની તકલીફ સમજનાર વ્યક્તિ આ સરળ શબ્દોની તાકાત સમજે છે. આ શબ્દોમાં એક વચન, સમજદારી અને ધૈર્ય સમાયેલો છે. એવું કહેવાય છે કે આપણે કોઈની તકલીફ તો લઈ નથી શકતાં, પરંતુ કપરા સમયમાં તેને સાથ-સહકાર તો આપી શકીએ છીએ. એથી જો તમારી નજીકની કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો સામે ચાલીને તેને સાથ આપજો.

વિશ્વાસ: વિશ્વાસ એક એવી વસ્તુ છે જે એક શક્તિશાળી પ્રોત્સાહક તરીકે કામ કરે છે. કોઈની ક્ષમતામાં ભરોસો કરીએ તો તેને પોતાની કાબેલિયત કરતા પણ આગળ જઈને કામ કરવાનું બળ મળે છે. સારાં લોકોમાં આ એક વિશેષ ગુણ હોય છે કે તેઓ અન્યો પર ભરોસો કરે છે અને તેમનાં સપનાં પૂરાં કરવા માટે પ્રોત્સાહન પણ આપે છે.

કોઈ સમયે જ્યારે કોઈ પોતાનો આત્મ-વિશ્ર્વાસ ગુમાવી બેસે છે તો એવા સમયે તેના પર ભરોસો કરવો જોઈએ. ‘તારા પર મને ભરોસો છે.’ આ સરળ શબ્દોથી નાસીપાસ થયેલી વ્યક્તિમાં નવું પ્રોત્સાહન જાગે છે. એથી કોઈ પ્રત્યે ભરોસો વ્યકત કરવાથી પાછી પાની ન કરવી જોઈએ.

નકાર આપવો: કોઈ બાબત જે તમને પસંદ નથી તો તેને ‘ના’ કહેવામાં શરમ ન રાખવી જોઈએ. ના કહેવી એ આત્મ-સન્માન દેખાડે છે અને પોતાના માટે સીમા બનાવવાનો સંદેશ આપે છે. અનેક વખત લોકો કોઈને ના કહેતા અચકાય છે. જોકે ના કહેવા પાછળ પોતાની ભલાઈ સમાયેલી છે.
ના કહેવાથી કાંઈ તમે સ્વાર્થી કે ખરાબ નથી બની જતાં. ઊલટાનું એ તો દેખાડે છે કે તમે પોતાના સમય, પોતાની ઊર્જા અને પોતાની લિમિટ્સને માન આપો છો. આવું કરીને તમે તો અન્યોને પણ પ્રોત્સાહન આપો છો. આવું કરીને તમે નકારાત્મક નથી બની જતાં. એથી ‘ના’ કહેતા પણ શીખવું જોઈએ.

પ્રેમની લાગણી વ્યક્ત કરવી: ‘આઇ લવ યુ’ આ સૌથી સુંદર વાક્ય છે. આ માત્ર રોમૅન્ટિક રિલેશનને જ નથી દેખાડતું, પરંતુ એના માધ્યમથી જીવનમાં તમે જેમને વધુ મહત્ત્વ આપો છો એવી વ્યક્તિ આગળ પોતાની લાગણી વ્યક્ત કરો છો. સારા દિલની વ્યક્તિ પોતાની લાગણીને વ્યક્ત કરતાં અચકાતી નથી.

પ્રેમ વ્યક્ત કરવાથી એ કદી ઘટતો નથી, પરંતુ દિવસે ને દિવસે એમાં ઉમેરો થતો જાય છે. ‘આઇ લવ યુ’ આ ત્રણ શબ્દ જોશનું સંચાર કરે છે, જખ્મોને ભરી દે છે અને જીવનમાં આનંદ લાવે છે. પ્રેમની લાગણી માત્ર શબ્દોથી જ વ્યક્ત ન કરવી જોઈએ, પરંતુ વાસ્તવમાં એને જીવનમાં પણ ઉતારવું જોઈએ.

એકમેક પ્રત્યેની લાગણીને દિલથી વ્યક્ત કરવી જોઈએ.
આ બધા શબ્દો માત્ર ચર્ચા કરવા પૂરતાં જ નથી. એ તો વ્યક્તિની ઉદારતા, સહાનુભૂતિ, વિશ્ર્વાસ, દયાભાવ, પ્રેમ અને નમ્રતાના ગુણો દેખાડે છે. રોજબરોજના જીવનમાં આવા શબ્દોનો ઉપયોગ તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દેશે. સાથે જ અંદરની ખૂબસૂરતી પણ નિખરી ઊઠશે. શબ્દોનો ઉપયોગ ખૂબ સમજી-વિચારીને કરવો જોઈએ. શરીર પરના ઘા તો રૂઝાઈ જાય છે, પરંતુ શબ્દોથી લાગેલા જખમ રૂઝાતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker