અંતિમ સમયે ધૃતરાષ્ટ્ર ગાંધારીની કાળજી રાખવા કુંતિ વનમાં સાથે હતી
આધુનિક યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાવા લાગી છે
પ્રાસંગિક -દેવલ શાસ્ત્રી
ઇન્દ્રજીત વિશાળ સેના સાથે આકાશ માર્ગે લડવા આવ્યો. રામસેનાના રક્ષણ માટે હનુમાનજીની સલાહ મુજબ મહાવીરુ નામના વિરાટ ગરુડની મદદ લેવામાં આવી.
ઇન્દ્રજીત આકાશમાંથી વિશાળ પથ્થર વરસાવા લાગ્યો, વિરાટ ગરુડે પાંખો ફેલાવીને રામસેનાનું રક્ષણ કર્યું. પથ્થરનો ભાર વધી જતાં શ્રીરામ અવારનવાર ગરુડના શરીરને હલાવીને પથ્થર ખંખેરી આપતા હતા, આ પ્રકારનું યુદ્ધ ચાલીસ દિવસ ચાલ્યું હતું.
ઇન્દ્રજિત તેની પત્ની કોમલદેવી પાસે પ્રેમથી વિદાય પામીને એક હજાર લીલા રંગના ઘોડાના રથ પર લડાઈ લડવા આવ્યો. ઇન્દ્રજીતનો વધ થતાં રાવણ લડાઇના મેદાનમાં ખૂબ રડ્યો, આ દ્રશ્ય જોઇને શ્રીરામ પણ રડી પડ્યા હતા, પત્ની કોમલદેવી પતિ સાથે સતી થઈ હોવાની કથા છે. બંનેની રાખને સાચવવામાં આવી હતી. ઇન્દ્રજીત જેવા વીર યોદ્ધાના માનમાં ચાલીસ દિવસ લડાઇ સ્થગિત કરવામાં આવી હતી.
એક કથામાં ઇન્દ્રજીતની પત્ની સુલોચના લક્ષ્મણની પુત્રી દર્શાવી છે, શ્રીરામે ઇન્દ્રજીત અને સુલોચનાને વૈકુંઠમાં સ્થાન આપ્યું હતું. નોર્થ ઇસ્ટના રામાયણ મુજબ ઇન્દ્રજીત તેની સાત પત્નીઓને સાથે રાખીને લડવા આવ્યો હતો, બધાનો વધ થયો હતો.
એક રામકથા મુજબ, પુત્રના વધ પછી રાવણની વિનંતીને માન આપીને લડાઈ રોકી દેવામાં આવી હતી. સીતાજી પરત કરવામાં આવ્યા હતાં…. એ પછી અલગથી લડાઈ થઇ હતી.
રાવણ સો ખૂંખાર સિંહ અને હજાર ઘોડાઓનો રથ રાખતો હતો. રાવણ પાસે અજેય બ્રહ્માસ્ત્ર હતું, તેણે મંદોદરીને છૂપાવવા આપ્યું હતું. વિભીષણને ખબર પડતા હનુમાનજીને મંદોદરી પાસે સાધુવેશે મોકલ્યા. હનુમાનજીએ મંદોદરીને કહ્યું કે બ્રહ્માસ્ત્ર સાચવીને છૂપાવજે, વિભીષણને ખબર ના પડે… મંદોદરીએ સહજ કહી દીધું કે સાચવીને થાંભલામાં મૂક્યું છે. હનુમાનજી રાવણના બ્રહ્માસ્ત્ર શ્રીરામ સુધી પહોંચાડી દીધું.
એક કથા મુજબ રાવણને યુદ્ધના મેદાનમાં મરણ હાલતમાં છોડીને સીતાજી સાથે શ્રીરામ વિજેતા બનીને અયોધ્યા પહોંચ્યા. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન સહિત વડીલોએ રાવણને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, મહાભારતમાં ભિષ્મ પિતામહની જેમ રાવણને સુવિધાઓ આપવામાં આવી, શ્રીરામે પોતાનામાં સમાવી દીધા.
ભગવાન રામ અને રાવણની આ વિવિધ કથાઓ શું શીખવે છે? સંબંધોનો આદર યુદ્ધના મેદાનમાં પણ હતો.
યુરોપના વિચારકોમાં રુસોને વાંચવા ગમે. આમ તો માનવતાવાદી વિચારક, રુસોએ એક વાત બહુ સરસ કહી હતી. રુસોની એ જમાનાની વાતને આધુનિક યુગમાં લખવી હોય તો નોકરિયાત અથવા વિષમ પરિસ્થિતિમાં ફસાયેલી વ્યક્તિના પગમાં બાંધેલી જાતજાતની સાંકળ થકી માણસના મનમાંથી સ્વતંત્ર વિચારવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. એકેડમી ઓફ દીજોં નામની સંસ્થાએ એક નિબંધ સ્પર્ધા રાખી હતી, જેમાં વિષય હતો કે વિજ્ઞાન અને કળાઓએ માણસની પ્રગતિ કુંઠિત કરી છે કે નવી તકો આપી છે. આ વિષય પર રુસોએ એક આર્ટિકલ લખ્યો, જે વિશ્ર્વપ્રસિદ્ધ થયો. રુસોએ લખ્યું કે માણસ પ્રારંભમાં પશુની જેમ જિંદગી જીવતો હતો, તે એકલો અને શાંતિપૂર્ણ રહેતો હતો. જ્યારથી સામાજિક બનવા લાગ્યો, સમાજ સાથે માણસ વિકાસ કરવા લાગ્યો ત્યારથી એ હેસિયત, સંપત્તિ અને પાવરની વાતો કરવા લાગ્યો. કુદરતી વિવિધતા, વિસ્તાર કે વંશપરંપરાગત કારણોસર ત્રુટીઓ ધરાવી શકે છે, પણ માણસે તો વિકાસ પામ્યા પછી એકબીજા સાથે સામાજિક ભેદભાવ શરૂ કર્યા.
રુસોએ તેના સોશિયલ કોન્ટ્રાક્ટ નામના પુસ્તકમાં લખ્યું હતું કે માણસ સ્વતંત્ર જન્મે છે પણ બધી તરફથી સાંકળો તેને બાંધી દે છે. એનો અર્થ એ છે કે, માણસ પાસે એક યુગમાં જે સ્વતંત્રતા હતી, આનંદમય જીવન હતું એ નૈસર્ગિક આનંદ માણસ ખોઇ ચૂક્યો છે. આખી વાતનો સાર એટલો જ છે કે સમાજ, સંબંધો અને દેખાડા સામે માણસ પોતાની આગવી લાક્ષણિકતા ખોવા લાગ્યો છે. સોશિયલ મિડીયાના યુગમાં સ્વતંત્ર અભિવ્યક્તિ કહેતાં પણ ડર લાગે છે, કાશ તેની વાતોને કોઈ ટ્રોલ કરશે તો…
દરેક ફિલોસોફીના અભ્યાસ કરતી વ્યક્તિ વિચારોના જંગલમાં ઘેરાયેલો રહે છે, ક્યારેક એવું લાગે કે બુદ્ધ કે મહાવીરની જેમ એકલા નીકળી પડવું, ક્યારેક એવું લાગે કે તે સામાજિક પ્રાણી છે એટલે સહુને સાથે રાખવા. જિંદગી કેવી રીતે જીવવી એ તેના માટે મોટો કોયડો છે. જિંદગી થોડી સમજાય, સંબંધોની માયાજાળ મગજમાં ઊતરે ત્યાં તો પૃથ્વી પરની યાત્રા મધ્યમાં પહોંચી હોય. અસંખ્ય જવાબદારી વચ્ચે માણસ વિચારવાની ક્ષમતા ગુમાવી દે છે, એમાં સોશિયલ મિડીયા પરના જ્ઞાન થકી ક્ધફ્યુઝન વધતા જાય છે.
કોરોના પહેલાં સંબંધોની વ્યાખ્યા અલગ હતી. માણસ પોતાના નિકટના સાથે જીવતો હતો, કોરોનાયુગ પછી સંબંધોની વ્યાખ્યા બદલાવા લાગી છે. કોરોના જેવા વિકટ સમયમાં પડોશી કે અજાણ્યાઓએ મદદ કર્યા પછી જૂની કહેવત ફરી તાજી થવા લાગી હશે, પહેલો સગો પાડોશી. ક્યાં, કેટલા અને કેવા સંબંધો રાખવા તેની સમજ બદલાવા લાગી.
એની વે, જિંદગીની પરિભાષા બદલાવા લાગી છે. સનાતન સત્ય છે કે માણસના એકબીજા સાથે સંબંધો છે, તો જ માણસજાતનું અસ્તિત્વ છે. સંબંધો સારા હોવા, ખરાબ હોવા, નવા હોવા, જૂના હોવા, ફરીથી મજબૂત કરવા, મજબૂત સંબંધને જાળવવા કોશિશ કરવી, મજબૂત સંબંધોને થોડા નબળા પાડવા, નબળા સંબંધને મજબૂત કરવા… આ સંબંધોની માયાજાળમાં અનેક લોકો રોલ ભજવતાં હોય છે. કોઈની ખરી ખોટી વાતથી બનેલાં સંબંધો બગડતા, તો સમજદાર વ્યક્તિની મધ્યસ્થતા સંબંધોને મજબૂત બનાવી શક્તી. સંબંધોની કેમેસ્ટ્રીમાં પણ હમેશા માણસો જ રહેતા. પરિણામે દોસ્તી હોય કે દુશ્મની પણ સંબંધો જીવંત રહેતાં. મૂળ વાત, સંબંધોના જંગલમાં માણસ પોતાને ગુમાવી ચુક્યો છે.
સામાન્ય બાબતે પેઢીઓના સંબંધો બગડતા તો જોયાં છે, પણ આપણી કથાઓ સંબંધોની અદભુત વ્યાખ્યાઓ કરે છે. દુનિયા જાતજાતના માણસો થકી ચાલે છે. મહાભારતે તો સંબંધોની અદભુત સમજ આપી છે. મહાભારતના કેન્દ્રમાં તો પાંડવ કૌરવ યુદ્ધ છે, આ યુદ્ધ પછી બે પરિવારના સંબંધ પર આજીવન પૂર્ણવિરામ મૂકવું જોઈએ. મહાભારતના યુદ્ધના સોળમા વર્ષે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ વનમાં જવાનું વિચાર્યું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જંગલમાં કેવી રીતે એકલા રહી શકે? કોઈ તો સાથે જોઈએ. જે તેમની સેવા અને ચાકરી કરે. ધૃતરાષ્ટ્ર સાથે અંગત સચિવ તરીકે આજીવન રહેલો સંજય તો હતો, પણ સેવા કરવા માટે કુંતી ગઇ હતી. કુંતીએ પણ રાજપાટ, સુખ બધું છોડીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરવા જંગલમાં તો ગઇ. જંગલમાં આગ લાગી તો તેમની સાથે જ કુંતિએ પણ અગ્નિપ્રવેશ કર્યો. જે વ્યક્તિના મમત્વને કારણે મહાભારતનું યુદ્ધ થયું, અનેક વાર પાંડવોને મારી નાખવાના પ્રયાસ થયા, ભરસભામાં દ્રૌપદી વસ્રાહરણ જેવી ઘટના બની. પાંચ પૌત્ર અને અભિમન્યુ સહિત અનેક પરિવારજનો જે યુદ્ધમાં માર્યા ગયાં. બદલાની આગમાં ભીમ તેમજ અર્જુન દ્વારા ઘાતકી હિંસા થઈ હતી. મહાભારતમાં અસંખ્ય ઘાતકી ઘટના બનવા છતાં કુંતિએ અંતિમ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરવા બધા સુખોનો ભોગ આપ્યો. સંબંધની કોઇ પણ વ્યાખ્યા કરતાં કુંતીએ જે કર્યું એ બધી કથાઓની ઉપર છે.
સોશિયલ મિડિયામા પળેપળ બદલાતા સંબંધ માણસ નામનું તત્વ લગભગ ગાયબ થઈ ગયું છે. વર્ચ્યુઅલ દુનિયામાં સંબંધોની વ્યાખ્યા બદલાવા લાગી છે. ઓમ શાંતિ કે છઈંઙ લખીને મૃત્યુના પરિવારને સાંત્વના આપવામાં આવે છે, તો સામા પક્ષે કેટલા લોકો મળવા આવ્યા તે કરતાં કેટલા લોકોએ ઓમ શાંતિ લખ્યું એ અગત્યનું બનતું જાય છે. સોશિયલ મિડીયાના નવા યુગના આ પરિવર્તન છે. સામા પક્ષે જીવનમાં ક્યારેય મળ્યા નથી કે મળીશું પણ નહીં એવા લોકો સાંત્વના આપે કે શુભેચ્છાઓ વ્યક્ત કરે તો તેનો ખુશી ખુશી સ્વીકાર પણ થવા લાગ્યો છે. બદલાતા સંબંધોની વ્યાખ્યામાં આપણે સેટ થવાનું છે. મહાભારતના એ સંબંધો માત્ર પુસ્તકમાં સમાઇ ગયા છે અને ઓમ શાંતિ એ નવા સમયનું સમીકરણ છે. મહાભારત યુગની સૌથી મોટી વિશેષતા એ હતી કે બધું ટ્રાન્સફરન્ટ કે પારદર્શક હતું. મહાભારતકાર કે રામાયણ લખનારાએ કોઈ વાત છૂપાવી નથી.
સોશિયલ મિડિયામાં આ પેટર્ન જ બદલાતી જાય છે. માણસ માણસ કરતાં વ્યક્તિ પોતાનામાં વધુ ડૂબતો જાય છે. કોર્પોરેટ દુનિયામાં કે જાહેરજીવનમાં પારદર્શક રહેવાની વાત કરનારાઓનું સૌથી વધુ કોમ્યુનિકેશન સ્વયં સાથે જ થતું હોય છે. બહાર કોમ્યુનિકેશન બંધ થતાં માણસને બધી વાતો પોતાના મન સાથે જ કરવી પડે છે. આ પ્રકારનું લખીશ તો કોને ખરાબ લાગશે, કોને સારું લાગશે તેના કરતાં તો પોતે કેવો દેખાશે તેનો વિચાર પહેલો આવે છે.
સોશિયલ મિડિયાને કારણે તેમજ બદલાતા જમાનામાં માણસ ખૂલવાને બદલે સ્વયં સાથે જ કોમ્યુનિકેટ કરતો થયો છે, જેનું સૌથી વિપરીત પરિણામ એ છે કે નાનો ઠપકો પણ સહન કરી શક્તો નથી. મહાભારત જેવી પરિસ્થિતિ તો ક્યારેય સહી જ શકે નહીં.
કર્મચારીને મન દઇને કામ કરવાની સલાહ આપો તેને પણ ખોટું લાગી જાય છે. માણસનો ઇગો વધતો નથી પણ સહનશક્તિ તો ઘટતી જ જાય છે. આ ઘટતી સહનશક્તિ સામે સંબંધ જાળવવા આપણી જવાબદારી બનતી જાય છે જેને પરિણામે સંબંધ ભારરૂપ અથવા ત્રાસરૂપ બને છે. ભાર વિનાના સંબંધો ભૂતકાળ બનતાં જાય છે અને સંબંધો વિનાનો ભાર વર્તમાન થઈ ગયો છે. ———————-
ધ એન્ડ
અસભ્ય લોકોને ઓળખવાનો એક જ રસ્તો છે, પોતાની ભાષા થકી સ્ત્રીઓને અપમાનિત કરવી.
-જેમ્સ મિલ