ઉત્સવ

નોકરી મેળવવા ૧૧ વર્ષની ઉંમરે નવવારી સાડી પહેરી

મહેશશ્ર્વરી

મારો જન્મ ૧૯૪૨માં પાલઘરમાં. નાટ્ય રસિકો મને મહેશ્ર્વરી તરીકે ઓળખે છે, પણ મારું મૂળ નામ જયશ્રી ભીડે. અમે કોંકણસ્થ બ્રાહ્મણ તરીકે જાણીતા. મૂળ અમે કોંકણના, દરિયાઈ પટ્ટી વિસ્તારના. એટલે સાહસિક વૃત્તિ અમારામાં ખરી. મારા પિતાશ્રીનો ઝવેરાતનો ધંધો હતો. આખા પાલઘરમાં અમારી એક જ જ્વેલરની દુકાન હતી. એ સમયે પાલઘરમાં ખંભાતના પટેલની વસ્તી સારી એવી હતી. એ લોકો તમાકુનો વેપાર કરે. હું દસેક વર્ષની હોઈશ ત્યારે ખંભાતના પટેલનાં બાળકો સાથે રમતી. એમને મારી ભીડે અટક બહુ વિચિત્ર લાગતી અને મને ‘ભીંડા-ભીંડા’ કહી ચીડવતા.
તેમની સાથે હું ઝઘડતી નહીં, પણ ઘરે આવી પપ્પાને ફરિયાદ કરતી. મારી વાત શાંતિ સાંભળી મને સમજાવતા કે ‘એમને બોલતા નથી આવડતું એ એમની નબળાઈ છે. આપણે માઠું લગાડવાની જરૂર નથી. અને કોઈના બોલવાથી નામ થોડું બદલાઈ જાય છે?’ એમની હૈયાધારણથી હું ચૂપ થઈ જતી. નાટકમાં જેમ એક અંક પૂરો થવાનો હોય ત્યારે કંઈક એવું બને કે પ્રેક્ષકોના મનમાં ‘હવે શું થશે?’ એવી ઉત્સુકતા જાગે. જીવન પણ એક રંગભૂમિ જ છે ને જ્યાં દરેક વ્યક્તિએ પોતાના પાઠ ભજવવાના હોય છે. હા, એન્ટ્રી-એક્ઝિટ એના હાથમાં નથી હોતી. અમારા પારિવારિક જીવનમાં પણ કહાનીમાં ટ્વિસ્ટ આવે એમ અણધાર્યો વળાંક આવ્યો. કોઈ એક કેસમાં અમે હારી ગયા અને બધું વેચી દઈ, બિસ્તરા પોટલા બાંધી ઉચાળા ભરવાનો વારો આવ્યો. પાલઘર છોડી અમે બધા મોટી બહેનના ઘરે જવા નીકળ્યા એ જાણી હું તો ખુશ થઈ ગઈ. દુ:ખ શું હોય અને કોને કહેવાય એની ગતાગમ જ નહોતી મને. મારા બનેવી મામલતદાર હતા. બોરીવલીમાં મંડપેશ્ર્વર રોડ પર તેમનો બંગલો હતો. મરાઠી માધ્યમની શાળામાં પાંચમા ધોરણમાં એડમિશન લઈ મેં ભણવાનું ચાલુ કરી દીધું. નવી જગ્યા, નવું ઘર, નવી નિશાળ… બહુ મજા આવતી હતી. જોકે, ૧૧ વર્ષની ઉંમરે મારા જીવનમાં એક એવી ઘટના બની જેના પડઘા આજે ૮૨ વર્ષની ઉંમરે પણ મને સંભળાય છે. ઉંમર કાચી હતી, પણ ઘટના પાકી કોતરાઈ ગઈ માનસપટ પર. કહે છે ને કે સંવેદનશીલતા કલાકારની પ્રાથમિક ઓળખ છે. કિશોરાવસ્થામાં હું પ્રવેશી એ પહેલા જ સંવેદનશીલ બની ગઈ એવો વિચાર સમજણી થયા પછી મને આવ્યો. એક આડવાત. મારી માતૃભાષા મરાઠી, પણ કળાની અભિવ્યક્તિ ક્યારેય ભાષાના બંધનમાં બંધાઈ નથી જતી. એવો સમય આવ્યો કે ગુજરાતી શીખવું જરૂરી હતું અને… એની વાત આગળ આવશે. આજે તો તૈયાર રસ ખાવાની ફેશન છે, પણ હું નાની હતી ત્યારે ઘરે કાચી કેરી લાવવાનો રિવાજ પ્રચલિત હતો. એક રૂમમાં કેરી પાથરવામાં આવતી અને પછી એના પર સૂકું ઘાસ પાથરી દેવામાં આવતું હતું. એની દેખરેખ કરવામાં આવતી અને અમુક સમયે એ પાકી જાય પછી રસ-પુરીનું જમણ થતું જેમાં આમંત્રિતો પણ રહેતા. અમને નાનપણથી જ કાચી કેરી બહુ ભાવતી. મારી બહેનને કેરી ગણી રાખવાની ટેવ હતી જે હું નહોતી જાણતી. એક દિવસ બધાની નજર ચૂકવી સ્કૂલે જતા પહેલા એક કાચી કેરી મેં ઉપાડી લીધી. એ જ સમયે બહેન ત્યાંથી પસાર થઈ અને આદત મુજબ તેણે કેરી ગણી તો એક ઓછી હોવાની તેમને જાણ થઈ. એને ખ્યાલ આવી ગયો કે કેરી મેં લીધી છે અને એનામાં જાણે દુર્વાસા ઋષિ પ્રવેશ્યા હોય એમ મારા પર તાડુકી, ‘ચોરટી! શરમ નથી આવતી તને? તું આ કેરી નથી ચોરી રહી, પરિવારનું નાક કાપી રહી છે.’ પછી બહેન અને મમ્મી-પપ્પાએ મને ધીબેડી કાઢી. બનેવી પણ બહુ ખિજાયા. આ ઘટનાએ મારા કુમળા મન પર બહુ અસર કરી. કેરીની ખટાશ જીવનમાં આવી ગઈ. બીજો એક પ્રસંગ છે ગોળ અને ટોપરાનો.

ગોળ-ટોપરું મને નાનપણથી જ અત્યંત પ્રિય હતા. એક દિવસ નિશાળે જતી વખતે હું કોઈને ખબર ન પડે એમ ગોળ અને ટોપરું લઈ જતી હતી, પણ મારી ‘ચોરી’ પકડાઈ ગઈ. આવી નાનકડી વાત માટે પણ મને ખૂબ વઢવામાં આવી. એ દિવસે મને ગળપણમાં કડવાશનો સ્વાદ આવ્યો. આ બન્ને પ્રસંગે મારા કુમળા મન પર બહુ અસર કરી. તમને જાણીને નવાઈ લાગશે, પણ ૧૧ વર્ષની ઉંમરે મેં કેરી અને મીઠાઈનો ત્યાગ કર્યો અને એ ઘડી ને આજનો દિવસ, મેં ક્યારેય કેરી કે મીઠાઈ ખાધા નથી. મૂળ વાત પર પાછા આવીએ. એ વખતે અમે બોરીવલીમાં મંડપેશ્ર્વર રોડ પર સરકારી બંગલામાં રહેતા હતા. એમાં મામલતદાર કચેરી થવાની હતી એટલે સરકારે તેમને દહિસરમાં ઘર આપ્યું. એટલે અમે દહિસર રહેવા ગયા. જોકે, ઘરની આર્થિક હાલત સારી નહોતી એટલે ભણવાનું પડતું મૂકી નોકરી કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. વિદ્યા મેળવવાની ઉંમરે પૈસા મેળવવાની કોશિશમાં લાગી ગઈ. કાંદિવલી વિલેજમાં નોકરી મળશે એમ કોઈએ મને કહ્યું, પણ ૧૧ વર્ષની છોકરીને કામ પર નહીં રાખે એમ કહી મને નિરાશ કરી દીધી. કોઈએ મને નવવારી સાડી પહેરીને જવા કહ્યું જેથી હું મોટી લાગું. હું તો ગઈ સાડી પહેરીને અને મને નોકરી મળી ગઈ. મારા જીવનમાં ભજવેલું એ પહેલું પાત્ર હતું. નાટકના બીજ અહીં રોપાયા હશે? એવો વિચાર મને અનેક વાર આવ્યો છે, પણ એનો જવાબ શોધવાની કોશિશ મેં નથી કરી. સવારના આઠથી પાંચની નોકરી અને મહેનતાણું રોજના બે રૂપિયા. આમ ૧૧-૧૨ વર્ષની ઉંમરે જ નવું જીવન શરૂ થઈ ગયું. જીવનની નવી ઘટમાળમાં ગોઠવાઈ જવાની કોશિશ કરતી હતી ત્યાં જીવનમાં એક એવો વળાંક આવ્યો જ્યાંથી મારું જીવન બદલાવાનો પાયો નખાયો. શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’નો ડાયલોગ છે ને કે ‘અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ સાડી પહેરીને મોટી લાગવાનું પાત્ર પેટિયું રળવા મેં ભજવ્યું હતું અને હવે નાટકનું પાત્ર ભજવવાની તક મારા બારણે ટકોરા મારી રહી હતી. ત્યારે ક્યાં ખબર હતી કે હું બારણું ઉઘાડીશ અને થોડા દિવસોમાં તો ‘કોણ છે આ જયશ્રી ભીડે?’ એવી ચર્ચા થવા લાગશે.

ગૌરીશંકર ‘વૈરાટી’
જૂની રંગભૂમિમાં સ્ત્રીનું પાત્ર ‘કુંવરી પાઠ’ અને પુરુષનું પાત્ર ’રાજા પાઠ’ તરીકે ઓળખાતું હતું. એ સમયે રાજા પાઠનો અર્થ અલગ હતો. બીજી મજેદાર વાત એ છે કે પાત્ર ભજવનાર કલાકારને કુંવર કે કુંવરીના પાઠમાં લોકપ્રિયતા મળે તો એ પાત્રનું નામ અભિનેતાના નામ સાથે વણાઈ જતું અને એની નવી ઓળખાણ બની જતી હતી. એનું સૌથી પ્રચલિત ઉદાહરણ છે જયશંકર ‘સુંદરી’. બાર વર્ષની ઉંમરે ‘સૌભાગ્ય સુંદરી’ નાટક જોઈ પ્રેક્ષકો એમના પર ઓળઘોળ થયા હતા અને તેમના નામ સાથે સુંદરી જોડાઈ ગઈ અને તેઓ હંમેશ માટે જયશંકર ‘સુંદરી’ તરીકે ઓળખાયા. આવા અનેક નટના ઉદાહરણ ઉપલબ્ધ છે. જોકે, સાથે સાથે જૂજ નાટ્ય લેખકો પણ છે જેમના નામ સાથે બીજું ‘નામ’ જોડાયું હોય. એવા એક લેખક એટલે કવિ ગૌરીશંકર ‘વૈરાટી’.ગૌરીશંકર આશારામ રાવળનો જન્મ ૧૮૮૯માં અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં થયો હતો. લોકવાયકા અનુસાર મહાભારતના કાળમાં ધોળકા વૈરાટનગરી (વિરાટ નગરી) તરીકે ઓળખાતી હતી. એટલે કવિ ગૌરીશંકર ‘વૈરાટી’ તરીકે જાણીતા બન્યા. તેમણે ૧૦૦થી વધુ નાટકો લખ્યાં હતાં અને ૧૯૨૭ના ગુજરાત મહાપુર પર તેમણે લખેલું ‘જળપ્રલય’ નાટક જોવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ભુલાભાઈ દેસાઈ આવ્યા હતા એવી નોંધ ઈતિહાસના ચોપડે છે. નાટક જોઈ સરદાર પટેલે કવિશ્રીની પીઠ થાબડી અભિનંદન આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button