ઘરે પપ્પાના પગ દાબે અને થિયેટરમાં લાત મારે
મહેશ્ર્વરી
‘મહેશ્ર્વરી, જો તો, તારા પપ્પા – મમ્મી આવ્યાં છે,’ એવું કોઈ બૂમ પાડીને બોલ્યું ત્યારે બે ઘડી માટે મને કાન પર વિશ્ર્વાસ ન બેઠો. તેમ છતાં હાથમાં જે કંઈ હતું એ રીતસરનું ફંગોળીને હું બહાર દોડતી પહોંચી ગઈ. જોઉં છું તો સામે સાક્ષાત મમ્મી – પપ્પા ઊભાં હતાં.
પપ્પાનો ચહેરો મને થોડો ઝંખવાયેલો લાગ્યો. આટલા વર્ષ જોયેલા પપ્પા કરતાં એ દિવસે મને પપ્પા અલગ જ લાગ્યા. આવીને સીધા મને પગે લાગવા લાગ્યા. હું તો બે ઘડી માટે ચોંકી ગઈ. બાળકો મા – બાપને પગે લાગે એ સમજણ સાથે મારો ઉછેર થયો હતો. મારા જ નહીં દેશના દરેક બાળકમાં આ સંસ્કાર વણાયેલા હોય છે. એટલે પપ્પાને પગે પડતા જોઈ હું હેબતાઈ ગઈ અને તરત એમને સવાલ કર્યો કે ‘કાકા, (હું પિતાશ્રીને કાકા કહીને બોલાવતી હતી), આ શું કરો છો તમે? આ તમને શોભતું નથી. પગે તો બાળકો વડીલોને લાગે. વાત શું છે એ મને જણાવો.’ એકદમ ગળગળા થઈ પપ્પા કહેવા લાગ્યા કે ‘મારી દીકરી, મને માફ કર. હું તને ઓળખી ન શક્યો. તું જ મારી સાચી દીકરી છે. મેં તારા પર ખોટું આળ મૂક્યું હતું. જે કંઈ બન્યું એમાં તારો કોઈ હાથ ન હોવા છતાં મેં તને ઘરમાંથી બહાર કાઢી મૂકી. હે ભગવાન, મેં આ શું કર્યું?’ પપ્પા વિલાપ કરતા જાય અને જૂની જૂની વાતો ઉખેળતા જાય. અમે દામનગરમાં નાટક કરી રહ્યા હતા ત્યારે લાઠીના કવિશ્રી કલાપીની બે પંક્તિઓ મને કોઈએ સંભળાવી હતી એ યાદ આવી ગઈ: ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે!’ અલબત્ત પિતાશ્રીએ કોઈ પાપ કર્યું હોય એવું હું નહોતી માનતી, પણ પોતે જે કંઈ કર્યું એનો પસ્તાવો તેમને થઈ રહ્યો હતો એ મારા ધ્યાનમાં જરૂર આવ્યું. આપણે ત્યાં બાપ – બેટીના હેતાળ સંબંધના અનેક ગુણગાન ગવાયા છે. ‘દીકરી વ્હાલનો દરિયો’ એવું તો પપ્પા જ કહી શકે. જીવનના મોટાભાગના પ્રસંગોમાં સંવાદ કરતી વખતે આંખ કરતાં કાન વધુ સાવધ રાખવા પડતા હોય છે. જોકે, પપ્પા બોલી રહ્યા હતા ત્યારે મારા કાન કરતાં આંખ વધુ સચેત હતી, કારણ કે માણસ બોલેલું ફરી જાય એવું બની શકે, પણ બોલતી વખતે એના ચહેરા પરની લાગણી – ભાવના જોનારના હૃદયમાં અંકિત થઈ ગયા પછી એ ભૂંસી નથી શકાતી. પપ્પાના પસ્તાવામાં શબ્દો કરતાં અનેકગણી વ્યથા ચહેરા પર નજરે પડી રહી હતી. સાચું કહું તો મને બહુ જ આનંદ થયો, પપ્પાએ માફી માગી એનો નહીં, પણ મારી પાસે આવ્યા એનો. મારા અચરજ અને આનંદ વચ્ચે માસ્તર પણ પપ્પાની ખૂબ સેવા કરવા લાગ્યા. જોકે, મારા જીવનમાં આનંદનો સમય કાયમ ટેમ્પરરી રહ્યો છે. એને પરમેનન્ટ બનવાનો મોકો જ નથી મળ્યો, આજે ૮૧ વર્ષની ઉંમરે પણ.
આજે સૂરજ કેવો ઉગ્યો નહીં એવું વિચારતી હું ઉત્સાહ સાથે નાટક કરવા માસ્તર સાથે થિયેટર જવા નીકળી. જોકે, મારા આ ઉત્સાહ પર તરત જ પાણી ફરી વળ્યું. શું થયું, ભગવાન જાણે, પણ થિયેટર પહોંચ્યા ત્યાં થોડીવાર પહેલાના સેવાભાવી માસ્તરએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મારી મારપીટ કરવા લાગ્યા. ‘તારા બાપને કહે કે હમણાં ને હમણાં ચાલતો થઈ જાય.’ તારો બાપ, ચાલતો થઈ જાય એવા શબ્દો એ જ માણસ બોલી રહ્યો હતો જે થોડી વાર પહેલા એ બાપને પિતાશ્રીનું સંબોધન કરી સેવા કરી રહ્યો હતો. હું તો હાંફળીફાંફળી થઈ ગઈ. ‘શું’ એવો એક અક્ષર માંડ મારા મોઢામાંથી નીકળ્યો ત્યાં માસ્તર ફરી તાડૂક્યા, ‘ચૂપ, એક અક્ષર બોલી છે તો…’ અને હવામાં ફંગોળાયેલો હાથ જોઈ હું તો થીજી ગઈ. ‘શું કામ મારા સંસારમાં ઝેર ઓકવા આવ્યો છે તારો બાપ?’ એમનો એક એક અક્ષર ધાણીની જેમ ફૂટી બંદૂકની ગોળી પેઠે મને વીંધી રહ્યો હતો. ‘તમારા સંસારમાં એ શું કામ ઝેર ઓકે?’ એવો સામો સવાલ કરતા ફરી મને ધીબેડી નાખી. થિયેટરમાં મારી મારપીટ કરે અને રાત્રે ઘરે આવી પપ્પાની સેવા કરે. દુશ્મન સામે આત્મરક્ષણ કરવા કાચિંડો રંગ બદલે એ સાંભળ્યું હતું, પણ અહીં તો કાળા માથાનો માનવી કાચિંડાની જેમ રંગ બદલી આક્રમણ કરી રહ્યો હતો. એ સમયે મને સાતમો મહિનો જતો હતો અને એટલે એ અવસ્થામાં ચૂપ રહેવાનું જ મેં પસંદ કર્યું. ઘરે આવી માસ્તર એવી સરસ રીતે સેવા કરતા કે પપ્પાને મારા પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે એનો અણસાર પણ ક્યાંથી આવે? જોકે, આ રોજનું થઈ ગયું. હવે આ દોજખમાંથી બહાર કેમ નીકળવું એ જ મને નહોતું સમજાતું. પપ્પાને હું કઈ રીતે ચાલતી પકડવા કહું? પછી મને એવો રસ્તો સૂઝ્યો જે ભગવાન કોઈને ન સુઝાડે એવી પ્રાર્થના હું કરું છું. હું પપ્પા સાથે રીતસર ઝઘડતી કે ‘તમે અહીં શું કામ આવ્યા? તમારે અહીં આવવાની જરૂર જ નહોતી. પ્લીઝ તમે અહીંથી નીકળી જાવ.’ આવું કહેતી વખતે મને કેવી પીડા થતી હશે એ વિચારી જુઓ. મજબૂરીમાં દીકરી બાપને ઘરમાંથી કાઢી મૂકવા માગતી હતી. વળી પપ્પા ચલાલાથી અચાનક કેમ મારી પાસે આવ્યા એ પણ હું નહોતી જાણતી અને એવી વાત મમ્મી – પપ્પા સાથે કરવાનો વખત પણ નહોતો મળતો. માસ્તરની મારપીટથી બચવા અને આવનારા સંતાનને ઊની આંચ ન આવે એ માટે એક સંતાન એના બાપને ઘરમાંથી કાઢવાની કોશિશમાં હતું. ઈશ્ર્વર પણ કેવી કેવી કસોટી કરતો હોય છે. મેં બે ચાર વાર પપ્પાને નીકળી જવા કહ્યું ત્યારે પપ્પા રીતસરના કરગરવા લાગ્યા અને કહ્યું કે ‘તું જ મારી દીકરી છો. હું તારા પગે પડું છું. તને છોડી મારે ક્યાંય નથી જવું. હવે મરીશ તો પણ તારા પગ પાસે.’ આવું પાંચેક દિવસ ચાલ્યું અને પપ્પાની તબિયત વધુ બગડી. તરત ડોક્ટરને બોલાવ્યા. પપ્પાને તપાસી તેમણે નિદાન કર્યું જે સાંભળી હું શૂન્યમનસ્ક થઈ ગઈ.
મા શારદા રાજી ન થાય
‘સૌભાગ્યસુંદરી’ સહિત ૨૫થી વધુ નાટકના રચયિતા શ્રી મૂળશંકર મુલાણીની પ્રતિભાથી નાટ્ય જગત પરિચિત છે, પણ પ્રારંભના જ સમયથી તેમણે કેવો પ્રભાવ પાડ્યો હતો અને તેમનામાં કલા માટે કેવો આદર અને નિષ્ઠા હતા એ જાણવા જેવું છે. મળવા આવેલા ૨૦ વર્ષના સુકલકડી યુવાન મૂળશંકરને જોઈ ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ના છોટાલાલ શેઠનો ચહેરો ‘આ કોને લાવ્યા’ એવું જાણે કે કહેતો હતો. જોકે, શરીરના બાંધાને મગજના બંધારણ સાથે ક્યારેક અવળો સંબંધ હોય છે એ શેઠ સમજી ન શક્યા. પણ યુવાનને લાવનારી વ્યક્તિનું માન રાખવા મૂળશંકરને નાટકોની શુદ્ધ નકલ કરવા મહિને પાંચ રૂપિયાના પગારે રાખી લીધા. ‘કાન્તા’ નામના નાટકની નકલ કરતી વખતે યુવાન મૂળશંકરની કલમ અટકી, કારણ કે તેમને કાવ્યોમાં પિંગળદોષ નજરે પડ્યો. નાટક કંપનીના એક ભાગીદાર તેમજ કુશળ નટ અને દિગ્દર્શક શ્રી દયાશંકર ગિરનારાએ નાટકના નકલનું કામ કેટલે પૂછ્યું એના જવાબમાં મૂળશંકર એટલું જ બોલ્યા કે ‘કામ અટક્યું છે, કારણ કે આ કાવ્યો સારાં છે, પણ એમાં પિંગળદોષ (છંદનો દોષ) છે.’ સાંભળી દયાશંકર બોલ્યા કે ‘નાટક જોનારા અને ગીત સાંભળનારાઓમાંથી કેટલાકને પિંગળનું જ્ઞાન હોય છે?’ નાટ્ય કંપનીના માલિકની આ ભાષા હતી, છટકબારી હતી. હવે વાંચો કલા નિષ્ઠ મૂળશંકર મુલાણીનો જવાબ: શ્રી કૃષ્ણની મૂર્તિના શૃંગારમાં સાચા હીરાઓની સાથે ખોટા હીરા પણ ચડાવી દઈએ તો ભક્તો ન જાણે, પણ આપણે ભગવાનને છેતરવાનો પ્રયાસ કરીએ છીએ.’ આ સાંભળી દયાશંકર સ્તબ્ધ થઈ ગયા. યુવાન મૂળશંકરે દયારામજીનો ચહેરો જોઈ કહ્યું કે ‘જેમ ભગવાન ખોટા હીરાની છેતરામણીથી રાજી ન થાય એમ આવા પિંગળદોષ ધરાવતાં કાવ્યોથી મા શારદા પણ રાજી ન થાય.’